વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૬/૧૫ પાન ૮-૧૧
  • છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિઓને મદદ આપીએ કઈ રીતે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિઓને મદદ આપીએ કઈ રીતે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • લાગણીઓનું પ્રમાણ વધવું
  • યોગ્ય વલણ જાળવી રાખવાનો પડકાર
  • એકલાપણું અને ત્યજેલા હોવાની લાગણી જાગે ત્યારે
  • છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે
    સજાગ બનો!—૨૦૧૦
  • શા માટે પપ્પા અને મમ્મી જુદાં થયાં?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૬/૧૫ પાન ૮-૧૧

છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિઓને મદદ આપીએ કઈ રીતે?

છૂટાછેડા થયેલાં એક બહેનને બીજાં એક બહેન દિલાસો આપી રહ્યાં છે

તમે કદાચ એવા કેટલાકને ઓળખતા હશો, જેઓના છૂટાછેડા થયેલા છે. કારણ કે, આજના સમયમાં છૂટાછેડા થવા સામાન્ય વાત થઈ ગઈ છે. દાખલા તરીકે, પોલૅન્ડમાં થયેલા એક સંશોધન પ્રમાણે ત્રીસ વર્ષની ઉંમરના અને લગ્‍નને ૩થી ૬ વર્ષ થયાં હોય, એવા લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જોકે, છૂટાછેડા તો બધી ઉંમરના લોકોમાં થતા હોય છે.

સ્પેનમાં કુટુંબ નિયોજન સંસ્થા અહેવાલ આપે છે: ‘આંકડાઓ બતાવે છે કે યુરોપમાં જેટલા લોકો લગ્‍ન કરે છે, એમાંના અડધાના છૂટાછેડા થશે.’ બીજા વિકસિત દેશોમાં પણ એવું જોવા મળે છે.

લાગણીઓનું પ્રમાણ વધવું

સામાન્ય રીતે એનું શું પરિણામ આવે છે? મધ્ય યુરોપમાં રહેતી, લગ્‍ન વિશે સલાહ આપનાર એક અનુભવી વ્યક્તિએ કહ્યું: ‘છૂટાછેડા થવાથી જાહેરમાં આવે છે કે વ્યક્તિઓનો સંબંધ અમુક સમય પહેલાંથી જ તૂટી ચૂક્યો છે. સંબંધો તૂટવાથી અને છૂટા પડવાથી થતી લાગણીઓ દુઃખદ હોય છે. ઉપરાંત, ગુસ્સો, પસ્તાવો, નિરાશા અને શરમ જેવી લાગણીઓમાં તણાઈ જવાય છે.’ એના લીધે કોઈક વાર આપઘાત કરવાનો વિચાર પણ આવે. તે સલાહકાર આગળ જણાવે છે: ‘કોર્ટમાં છૂટાછેડા થયા પછી બીજો તબક્કો શરૂ થાય છે. કોઈકની ખોટ સાલવા લાગે અને એકલાપણું સતાવે, જેના લીધે એવી વ્યક્તિ કદાચ વિચારે: “છૂટાછેડા પછી, હવે મારું શું? હવે મારા જીવનમાં હેતુ શો રહ્યો?”’

ઈવા નામના બહેને અમુક વર્ષો પહેલાં જે અનુભવ્યું એ યાદ કરતા કહે છે: ‘છૂટાછેડા થયા પછી, પડોશી અને સાથે કામ કરનાર લોકો મને “ડિવૉર્સી” કહેશે, એ વિચારીને ઘણી શરમ લાગતી. મને બહુ ગુસ્સો પણ આવતો. ઉપરાંત, મારાં બે બાળકો પ્રત્યે મારે મમ્મી અને પપ્પા બંનેની જવાબદારી નિભાવવાની હતી.’a ભાઈ એડમ ૧૨ વર્ષ એક મંડળમાં વડીલ તરીકેની સેવા આપી હતી. તે જણાવે છે: ‘પોતાના માટે મને માન એટલું ઘટી ગયું છે કે અમુક વાર મને સખત ગુસ્સો આવે છે અને બધાથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે.’

યોગ્ય વલણ જાળવી રાખવાનો પડકાર

અમુક લોકોના છૂટાછેડા થયાને વર્ષો વીતી ગયાં છે. છતાં, ભાવિ વિશેની ચિંતાઓમાં ઘેરાઈ જવાથી તેઓ હાલના જીવન વિશે વિચારી શકતા નથી. તેઓ એવું માનવા લાગે છે કે બીજાઓને તેમનામાં કોઈ રસ નથી. ન્યૂઝ પેપરમાં એ વિષય પર લખનાર એક વ્યક્તિનું કહેવું છે કે, એવા લોકોએ હવે ‘રોજબરોજના જીવનની આદતો બદલવી પડશે અને મુશ્કેલીઓનો હલ જાતે લાવતા શીખવું પડશે.’

ભાઈ સ્ટાનિસ્લો યાદ કરતા કહે છે: ‘છૂટાછેડા પછી મારી પત્ની મને બે નાની દીકરીઓને મળવા દેતી નહિ. એના લીધે મને થતું કે હવે કોઈને મારી પડી નથી અને યહોવાએ પણ કદાચ મને તરછોડી દીધો છે. હવે મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી. જોકે, થોડા સમય પછી મને સમજાયું કે મારા વિચારો કેટલા ખોટા હતા!’ ચાલો, હવે બહેન વેન્ડાનો વિચાર કરીએ. તેમનાં પણ છૂટાછેડા થયા હતા અને ભાવિ વિશે તેમને ચિંતા સતાવતી. તે જણાવે છે: ‘મને લાગતું કે વખત જતાં લોકો અને ભાઈ-બહેનો મારામાં અને મારાં બાળકોમાં રસ લેવાનું છોડી દેશે. જોકે, હવે હું જોઈ શકું છું કે ભાઈ-બહેનો અમને હંમેશાં સાથ આપે છે. બાળકોનો ઉછેર યહોવાના ભક્ત તરીકે કરવામાં તેઓ મને મદદ કરે છે.’

એ પરથી જોવા મળે છે કે છૂટાછેડા પછી વ્યક્તિ ખોટી લાગણીઓથી ઘેરાઈ જાય છે. તેને પોતાના વિશે ખોટી લાગણીઓ થાય કે પોતે કોઈ કામની નથી. તેમ જ, કોઈ તેનું ધ્યાન રાખે એને તે લાયક નથી. એવી વ્યક્તિ બીજાઓ માટે પણ ખોટું વિચારવા લાગી શકે. પરિણામે, તેને એમ થાય કે મંડળમાં કોઈને તેના પ્રત્યે સહાનુભૂતિ નથી. પરંતુ, ભાઈ સ્ટાનિસ્લો અને બહેન વેન્ડાનો અનુભવ બતાવે છે કે તેઓના જેવી વ્યક્તિઓને પછીથી અહેસાસ થાય છે કે ભાઈ-બહેનો ખરેખર તેમની પડખે ઊભાં રહે છે. અરે, ભલેને ભાઈ-બહેનોની મદદની કદર ન કરવામાં આવે તોપણ તેઓ એવી દુઃખી વ્યક્તિઓની ઘણી કાળજી રાખે છે.

એકલાપણું અને ત્યજેલા હોવાની લાગણી જાગે ત્યારે

યાદ રાખીએ કે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિ એકલા હોવાની લાગણી ચોક્કસ અનુભવશે. પછી ભલે આપણે તેને મદદ કરવા ગમે તેટલા પ્રયત્નો કરીએ. ખાસ કરીને, છૂટાછેડા થયા હોય એવી બહેનો વિચારવા લાગે કે હવે કદાચ કોઈ તેમની મદદે નહિ આવે. બહેન એલીસા સ્વીકારે છે: ‘મારા છૂટાછેડા થયાને આઠ વર્ષ વીત્યાં છે. પરંતુ, હજુ પણ હું કોઈક વાર પોતાને બીજાઓ કરતાં ઊતરતી ગણું છું. એવા સમયે મને પોતાની હાલત પર દયા આવવાને લીધે, હું એકાંત શોધું છું અને રડ્યા કરું છું.’

એવી લાગણીઓ થવી સ્વાભાવિક છે. પરંતુ, બાઇબલ ચેતવે છે કે વ્યક્તિએ એકલવાયા જીવનની આદત ન પાડવી જોઈએ. એ સલાહ પ્રમાણે કરતા નથી ત્યારે આપણે “સઘળા સુજ્ઞાન”નો નકાર કરીએ છીએ. (નીતિ. ૧૮:૧) જોકે, એકલાપણું અનુભવતી વ્યક્તિએ સમજવું જોઈએ કે વિરુદ્ધ જાતિની વ્યક્તિ પાસે વારંવાર મદદ લેવામાં સમજદારી નથી. શા માટે? કારણ કે, એના લીધે એ વ્યક્તિ માટે અયોગ્ય લાગણીઓ જાગી શકે છે.

આપણે સમજવું જોઈએ કે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિ ઘણી લાગણીઓના પૂરમાં તણાઈ શકે. જેમ કે, એકલાપણું અને ભાવિની ચિંતા. એમ થવું સામાન્ય છે. તેમ જ, એનો સામનો કરવો અઘરો છે. તેથી, આપણે જ્યારે એવાં ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ, ત્યારે યહોવાને અનુસરીએ છીએ. (ગીત. ૫૫:૨૨; ૧ પીત. ૫:૬, ૭) આપણે ખાતરી રાખી શકીએ કે આપણાથી બનતું જે કંઈ કરીશું એની તે કદર કરશે. સાચા મિત્રો તરીકેની મદદ તે વ્યક્તિને મંડળમાંથી જ મળશે.—નીતિ. ૧૭:૧૭; ૧૮:૨૪.

a અમુક નામ બદલ્યાં છે.

છૂટાછેડા પ્રત્યે યોગ્ય વલણ

યહોવાના ભક્તો લગ્‍નને ગંભીર ગણે છે. તેઓ બાઇબલના આધારે એવું વિચારે છે. દાખલા તરીકે, માલાખી ૨:૧૬માં ઈશ્વર કહે છે: ‘છૂટાછેડાને હું ધિક્કારું છું.’ બાઇબલ ફક્ત વ્યભિચારના કારણને આધારે છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે. તેથી, બીજા લગ્‍નના ઇરાદાથી હાલના લગ્‍નસાથીને છૂટાછેડા આપવા એ ગંભીર ભૂલ ગણાશે.—ઉત. ૨:૨૨-૨૪; પુન. ૫:૨૧; માથ. ૧૯:૪-૬, ૯.

જો લગ્‍નસાથી વફાદાર ન રહે માટે છૂટાછેડા લેવા પડે તો, મંડળનાં ભાઈ-બહેનો ચોક્કસ મદદે આવશે. યહોવાને પગલે ચાલીને મંડળનાં ભાઈ-બહેનો “આશાભંગ થયેલાઓ”ને બનતી સહાયતા કરશે.—ગીત. ૩૪:૧૫, ૧૮; યશા. ૪૧:૧૦.

તમે મદદ કઈ રીતે કરશો?

શું તમે કોઈને જરૂરી ટેકો આપી શકો? અગાઉ આપણે અમુક લાગણીઓ વિશે જોઈ ગયા. એવી લાગણીઓ જો કોઈને થતી હોય તો, તમે શું તેને મદદ કરી શકો? ચાલો, જોઈએ કે બાઇબલ શું કહે છે અને બીજાં ભાઈ-બહેનોએ કેવી મદદ પૂરી પાડી છે.

સારા સાંભળનાર બનો. (નીતિ. ૧૬:૨૦, ૨૩)

તમે સમજી શકો કે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને એ વિશે વાત કરવી ગમશે નહિ. એ પણ હકીકત છે કે, પોતાની હતાશા બહાર કાઢવાથી ખાસ કોઈ ફાયદો થતો નથી અને ચિંતા દૂર થતી નથી. (નીતિ. ૧૨:૨૫; રોમ. ૧૨:૧૫) આપણે અગાઉ જેમના વિશે જોઈ ગયા એ ભાઈ એડમને ભાઈ માઈકલે મદદ આપી હતી. માઈકલ સ્વીકારે છે કે આપણે સહાનુભૂતિ બતાવવી જોઈએ. તેમ જ, આપણે અંગત વિગતો ધ્યાનમાં ન લેતા સારી રીતે સાંભળનાર બનવું જોઈએ. તે કહે છે, ‘મેં એડમને એ જોવા મદદ કરી કે આવા નાજુક સમયમાં તે લાગણીઓના આવેશમાં આવી એવી વાત ન જણાવી બેસે જેના વિશે તેને પછીથી અફસોસ થાય.’ તેથી માઈકલે તેને જણાવ્યું કે છૂટાછેડા વિશેની દરેક વિગતો જાણવાનો તેનો ઇરાદો નથી. છતાં, માઈકલ એક સાચા મિત્ર તરીકે સારી રીતે સાંભળતા. આપણે પણ એવી કોઈ વ્યક્તિને સભા પહેલાં કે પછી મળીએ ત્યારે, આવું કંઈક કહીશું તો તેને ઘણી રાહત મળશે: “સમજી શકું કે તમે ખૂબ આકરા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, ઘણું સહી રહ્યા છો. પરંતુ, પોતાને એકલા ન માનતા. હું તમારી સાથે છું!”

વ્યક્તિમાં રસ બતાવો. (ફિલિ. ૨:૪)

માઈરોસ્લા યાદ કરતા કહે છે: ‘મેં અને મારી પત્નીએ એવાં એક બહેનને મદદ કરવા સમય ફાળવ્યો છે, જેમનાં છૂટાછેડા થયા છે. જેમ કે, અમે તેમના દરવાજાનું બગડેલું તાળું સરખું કરી આપ્યું. તેમ જ, જરૂર પડી ત્યારે તેમને ડૉક્ટર પાસે પણ લઈ ગયા.’ એ બધી સામાન્ય મદદ હતી. પરંતુ, ઘણી જરૂરી હતી અને બહેનને કામ લાગી. યુગલ દ્વારા આવી મદદ મળવાથી સમય જતાં તે બહેન દુઃખમાંથી બહાર આવી શક્યાં. એ પછી, તેમણે પાયોનિયરીંગ શરૂ કર્યું અને તેમની ૧૧ વર્ષની દીકરીએ બાપ્તિસ્મા લીધું.

છૂટાછેડા થયેલાં એક બહેનને એક યુગલ મદદ આપી રહ્યું છે

છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને ખાતરી અપાવો કે યહોવા તેના સંજોગો સમજે છે.

જો વ્યક્તિને લાગે કે કોઈને તેની પડી નથી, તો તેને ભરોસો અપાવો કે ઈશ્વરને પોતાનો દરેક ભક્ત વહાલો છે. તેમની નજરમાં આપણે ચોક્કસ અજોડ અને ‘ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છીએ.’ (માથ. ૧૦:૨૯-૩૧) ‘યહોવા અંતઃકરણને પારખનાર છે.’ તેથી જેના છૂટાછેડા થયા છે એ વ્યક્તિને તે સમજે છે. તે પોતાના કોઈ પણ વફાદાર ભક્તને ત્યજી દેશે નહિ. (નીતિ. ૧૭:૩; ગીત. ૧૪૫:૧૮; હિબ્રૂ ૧૩:૫) તમે પણ એવી વ્યક્તિની કાળજી રાખો છો એ તેને બતાવો. તેને ખાતરી અપાવો કે સત્ય માટે તેના પ્રેમની અને સાચી ભક્તિમાં તેના પ્રયત્નોની યહોવા કદર કરે છે.—ફિલિ. ૨:૨૯.

છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને ભાઈ-બહેનોની સંગતમાં રહેવાનું ઉત્તેજન આપો.

લાગણીઓમાં ડૂબેલી વ્યક્તિને સભાઓમાં જવું અઘરું લાગી શકે. પરંતુ, એ સભાઓમાં આપણને ઉત્તેજન અને હિંમત મળે છે. તેમ જ, એ આપણા ‘ઉન્‍નતિ માટે’ છે. (૧ કોરીં. ૧૪:૨૬; ગીત. ૧૨૨:૧) એ કારણે, જરૂરી છે કે વડીલો એવી વ્યક્તિને મદદ કરવા પહેલ કરે. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ બહેન વેન્ડા યાદ કરતા કહે છે: ‘વડીલોએ લીધેલી પ્રેમાળ કાળજી અમને હજુ યાદ છે.’

છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને પ્રાર્થના, વ્યક્તિગત અભ્યાસ અને મનન દ્વારા ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા ઉત્તેજન આપો. (યાકૂ. ૪:૮)

યહોવા સર્વશક્તિમાન છે અને સ્વર્ગમાં રહે છે. તેમ છતાં, ‘જેઓ ગરીબ અને નમ્ર હૃદયના છે અને તેમના વચનનો ભય રાખે છે,’ તેઓ પર તેમનું ધ્યાન છે. એ વાતની ખાતરી આપણે છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને કરાવીએ. તેમ જ, સમજાવીએ કે ઈશ્વર સાથે સંબંધ ગાઢ બનાવવા પ્રાર્થના અને વ્યક્તિગત અભ્યાસ ઘણાં મહત્ત્વનાં છે.—યશા. ૬૬:૨.

સાથે પ્રચાર કરવા અથવા સભાની તૈયારી કરવા આમંત્રણ આપીએ.

બે ભાઈઓ પ્રચારમાં સાથે કામ કરી રહ્યા છે

એમ કરવાથી છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને હિંમત રાખવા અને જીવનમાં આગળ વધવા મદદ મળશે. એક ઉત્સાહી બહેન જે છૂટાછેડા પછી નિરાશ થઈ ગયાં હતાં તેમને માર્થાએ મદદ આપી હતી. માર્થા જણાવે છે, ‘અમે નિયમિત રીતે સાથે પ્રચાર કરીએ છીએ. એમાં રાખેલો ધ્યેય જ્યારે પૂરો કરીએ છીએ ત્યારે અમને ઘણો આનંદ થાય છે. અમુક વાર, અમે સભાની તૈયારી સાથે મળીને કરીએ છીએ. એ પછી, સાથે મળીને જમવા કંઈક સરસ બનાવીએ છીએ.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો