વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૦/૧ પાન ૪-૬
  • કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખોટા સમયે ખોટી જગ્યાએ હોવું
  • શું માણસો જવાબદાર છે?
  • શું દુઃખો માટે કર્મ જવાબદાર છે?
  • દુષ્ટતા પાછળનું મુખ્ય કારણ
  • બૂરાઈ ઈશ્વરે હજી કેમ દૂર કરી નથી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સર્વ આફતનો અંત ઈશ્વર લાવશે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • દુનિયામાં બૂરાઈ અને દુઃખો કેમ છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૦/૧ પાન ૪-૬
આફતમાંથી બચવા લોકો ભાગી રહ્યા છે

મુખ્ય વિષય | કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?

કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?

યહોવાa ઈશ્વર દરેક વસ્તુના સરજનહાર છે. તે સર્વશક્તિમાન છે. તેથી, ઘણા લોકોને લાગે છે કે તેમની ઇચ્છા વગર પાંદડુંયે હલતું નથી. દુનિયામાં થતા દરેક સારા કે ખરાબ બનાવ પાછળ તેમનો હાથ છે. પણ, ઈશ્વર વિશે બાઇબલ શું કહે છે એ ચાલો તપાસીએ:

  • “યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭.

  • ‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ભરોસાપાત્ર છે.’—પુનર્નિયમ ૩૨:૪.

  • ‘યહોવા ઘણા દયાળુ તથા કૃપાળુ છે.’—યાકૂબ ૫:૧૧.

ઈશ્વર કદી દુઃખ-તકલીફ લાવતા નથી. પરંતુ, શું તે ખરાબ કામ કરવા કોઈને ઉશ્કેરે છે? ના, જરાય નહિ. બાઇબલ કહે છે કે, ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) ખરાબ કામ કરવા ઉશ્કેરીને ઈશ્વર કોઈને પરીક્ષણમાં નાખતા નથી. ઈશ્વર ક્યારેય કોઈ ખરાબ કામ કરતા નથી કે પછી કોઈને ખરાબ કામ કરવા ઉશ્કેરતા નથી. તો પછી, ખરાબ બનાવો માટે કોણ જવાબદાર છે?

ખોટા સમયે ખોટી જગ્યાએ હોવું

માણસો પર દુઃખ-તકલીફ આવવાનું કારણ બાઇબલ જણાવે છે: ‘ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે.’ (સભાશિક્ષક ૯:૧૨) અણધાર્યા બનાવો કે અકસ્માતો થાય ત્યારે વ્યક્તિને અસર થશે કે નહિ એનો આધાર તે ક્યાં છે એના પર છે. આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તે એક બનાવ વિશે કહ્યું હતું. એ બનાવમાં બુરજ પડવાથી ૧૮ લોકોનું મરણ થયું હતું. (લુક ૧૩:૧-૫) શું તેઓ ખોટાં કામો કરતાં હતાં એટલે મરણ પામ્યા? ના. બુરજ પડ્યો ત્યારે તેઓ એની નીચે ઊભા હોવાથી મરણ પામ્યા. તાજેતરમાં બનેલા બનાવોનો વિચાર કરો. જાન્યુઆરી ૨૦૧૦માં વિનાશક ધરતીકંપે હૈતી નામના દેશને ખેદાનમેદાન કરી નાખ્યો. હૈતીની સરકારે જણાવ્યું કે એમાં ૩ લાખ કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો. ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં જૂન ૨૦૧૩માં પૂર આવ્યું હતું. એમાં ૧,૦૦,૦૦૦થી વધારે લોકો પર એની અસર થઈ હતી અને ૪,૦૦૦થી વધારે લોકો માર્યા ગયા. એ આફતે કોઈને પણ છોડ્યા નહિ. એવી જ રીતે, બીમારીઓ પણ મોં જોઈને આવતી નથી. એ કોઈને પણ થઈ શકે.

ઈશ્વર કેમ સારા લોકોને આફતોથી બચાવતા નથી?

કદાચ અમુક કહેશે કે, ‘ઈશ્વર શા માટે એવી ખતરનાક આફતોને રોકતા નથી? એનાથી સારા લોકોને તે કેમ બચાવતા નથી?’ જો ઈશ્વર એમ કરે તો એનો અર્થ કે, બનનાર ખરાબ ઘટના વિશે તે અગાઉથી જાણે છે. ખરું કે, ભાવિમાં શું બનવાનું છે એ અગાઉથી જાણવાની ઈશ્વર પાસે ક્ષમતા છે. પરંતુ, શું ઈશ્વર એ હદે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે જેથી, અગાઉથી જાણી શકે કે શું બનવાનું છે?—યશાયા ૪૨:૯.

બાઇબલ જણાવે છે: ‘ઈશ્વર તો સ્વર્ગમાં છે; પોતે જે ઇચ્છે એ કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૫:૩) યહોવા બધી બાબતો કરી શકે છે પરંતુ, તેમને જરૂરી લાગે એ જ કરે છે. એવું જ ભવિષ્ય ભાખવા વિશે પણ છે. દાખલા તરીકે, સદોમ અને ગમોરાહ નામના પ્રાચીન શહેરનો વિચાર કરીએ. એમાં દુષ્ટતા વધી ગઈ હતી ત્યારે, યહોવા ઈશ્વરે પોતાના ભક્ત ઈબ્રાહીમને કહ્યું: ‘હું હવે ઊતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે એ પ્રમાણે તેઓનાં કામ છે કે નહિ; અને એમ નહિ હોય તો, માલૂમ પડશે.’ (ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧) એ શહેરોમાં કેટલી હદે દુષ્ટતા વધી ગઈ છે, એ જાણવાનું અમુક સમય સુધી ઈશ્વરે પસંદ ન કર્યું. એવી જ રીતે, યહોવા દરેક બાબતો અગાઉથી જાણવાનું પસંદ કરતા નથી. (ઉત્પત્તિ ૨૨:૧૨) એનો અર્થ એવો નથી કે ઈશ્વરમાં કોઈ ખામી કે નબળાઈ છે. બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરનું કામ તો સંપૂર્ણ છે.’ ઈશ્વર અગાઉથી જાણવાની પોતાની ક્ષમતાનો દુરુપયોગ કરતા નથી. તે ફક્ત પોતાના હેતુઓને લગતી બાબતોને અગાઉથી જુએ છે. તોપણ, પોતાના માર્ગે ચાલવા ક્યારેય માણસોને દબાણ કરતા નથી.b (પુનર્નિયમ ૩૨:૪) એ પરથી શું જાણવા મળે છે? એ જ કે, ઈશ્વર પાસે અગાઉથી જાણવાની ક્ષમતા છે, પણ તે એનો દુરુપયોગ કરતા નથી.

એક સ્ત્રી કાર પાર્કમાં ગુનાનો શિકાર બનવાની અણીએ

ઈશ્વર કેમ સારા લોકોને ગુનાઓથી બચાવતા નથી?

શું માણસો જવાબદાર છે?

અમુક વાર દુઃખ-તકલીફો માટે માણસો જવાબદાર હોય છે. વ્યક્તિ પાપમાં કઈ રીતે પડે છે એ વિશે બાઇબલ આમ જણાવે છે: “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) જો વ્યક્તિ ખોટી ઇચ્છાથી લલચાઈને એમાં ફસાય, તો તેણે એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. (રોમનો ૭:૨૧-૨૩) ઇતિહાસ બતાવે છે કે માણસોના ખતરનાક કામોને લીધે નિર્દોષ લોકોએ ઘણું સહેવું પડ્યું છે. તેમ જ, દુષ્ટ લોકોએ બીજાઓને ભ્રષ્ટ કર્યા હોવાથી દુષ્ટતા કૂદકે ને ભૂસકે વધતી જાય છે.—નીતિવચનો ૧:૧૦-૧૬.

માણસોના ખતરનાક કામોને લીધે નિર્દોષ લોકોએ ઘણું સહેવું પડ્યું છે

ઈશ્વર કેમ લોકોને ખરાબ કામ કરતા રોકતા નથી? માણસને કઈ રીતે બનાવવામાં આવ્યો છે એનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો. એટલે કે, ઈશ્વરે માણસમાં પોતાના જેવો સ્વભાવ અને ગુણો મૂક્યાં. આમ, માણસ પણ ઈશ્વર જેવા ગુણો બતાવી શકે છે. (ઉત્પત્તિ ૧:૨૬) ઈશ્વરે માણસોને પસંદગી કરવાનો હક્ક આપ્યો છે. તેથી, કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને ગમતાં કામો કરીને તેમને પ્રેમ કરવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરી શકે છે. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) જો ઈશ્વર તેમના માર્ગે ચાલવાનું કોઈને દબાણ કરે, તો એનો અર્થ થાય કે તેમણે પસંદગી કરવાનો હક્ક છીનવી લીધો છે. એમ હોય તો, માણસો રોબોટ કે મશીન જેવા છે, જેઓને કહેવામાં આવે એટલું જ કરે. એ જ સિદ્ધાંત નસીબ કે કિસ્મતની માન્યતાને પણ લાગુ પડે છે. ઘણા લોકો માને છે કે નસીબમાં લખેલું હોય એ જ થાય. પણ, આપણે કેટલા ખુશ છીએ કે જાતે પસંદગી કરવાનો હક્ક આપીને ઈશ્વરે આપણને માન આપ્યું છે! જોકે, એનો એવો અર્થ નથી કે માણસોની ભૂલો અને ખરાબ પસંદગીને કારણે માણસજાતે હંમેશાં સહન કરવું પડશે.

શું દુઃખો માટે કર્મ જવાબદાર છે?

જો કોઈને આ મૅગેઝિનના પહેલા પાન પરનો સવાલ પૂછવામાં આવે, તો આમ કહેશે: “કર્મને કારણે સારા લોકો પર દુઃખો આવે છે. તેઓ ગયા જન્મનાં કર્મોનાં ફળ ભોગવી રહ્યા છે.”

મરણ અને કર્મના શિક્ષણ વિશે બાઇબલ શું કહે છે એ જાણવું ખૂબ જરૂરી છે. એદન બાગમાં ઈશ્વરે પ્રથમ પુરુષ આદમને બનાવ્યો હતો. પછી ઈશ્વરે તેને આ આજ્ઞા આપી: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) જો આદમે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું ન હોત, તો તે કાયમ માટે જીવી શક્યો હોત. ઈશ્વરની આજ્ઞા તોડવાથી તેઓને મરણની સજા થઈ. સમય જતાં, તેમને બાળકો થયાં અને આમ ‘સઘળાં માણસોમાં મરણ ફેલાઈ ગયું.’ (રોમનો ૫:૧૨) એટલે કહી શકાય કે, ‘પાપનું વેતન મરણ છે.’ (રોમનો ૬:૨૩) બાઇબલ એ પણ જણાવે છે કે, ‘જે મરણ પામે છે તે પાપથી મુક્ત થાય છે.’ (રોમનો ૬:૭) બીજા શબ્દોમાં, મરણ પછી વ્યક્તિ પોતાના પાપની સજા ભોગવતી નથી.

આજે લાખો લોકોનું માનવું છે કે કર્મના લીધે દુઃખો આવે છે. એટલે, તેઓ પોતાના કે બીજાઓના દુઃખના લીધે નિરાશ થતા નથી. એનો અર્થ થાય કે કર્મની માન્યતા પ્રમાણે દુઃખોમાંથી છુટકારો થાય એવી કોઈ આશા જ નથી. જોકે, અમુક લોકોનું માનવું છે કે સમાજમાં સારાં કામ અને પુણ્ય કરવાથી તથા ખાસ પ્રકારનું જ્ઞાન મેળવવાથી જન્મના ચક્રમાંથી મોક્ષ પામી શકાય છે. જોકે, બાઇબલ એવું જરાય શીખવતું નથી.c

દુષ્ટતા પાછળનું મુખ્ય કારણ

એક વ્યક્તિના હાથમાં પૃથ્વીનો ગોળો

શું તમે જાણો છો કે દુઃખ-તકલીફોનું મુખ્ય કારણ “આ જગતનો અધિકારી” શેતાન છે?—યોહાન ૧૪:૩૦

દુષ્ટતા પાછળનું મુખ્ય કારણ મનુષ્ય નહિ પણ શેતાન છે. શરૂઆતમાં શેતાન એક સારો સ્વર્ગદૂત હતો. પણ, સમય જતાં “તે સત્યમાં સ્થિર રહ્યો નહિ” અને દુનિયામાં પાપ લાવ્યો. (યોહાન ૮:૪૪) એદન બાગમાં તેણે ઈશ્વર સામે બળવો પોકાર્યો. (ઉત્પત્તિ ૩:૧-૫) ઈસુએ તેને ‘ભૂંડો’ અને ‘જગતના અધિકારી’ તરીકે ઓળખાવ્યો. (માથ્થી ૬:૧૩; યોહાન ૧૪:૩૦) મોટા ભાગના લોકો આજે શેતાનના માર્ગે ચાલે છે. કેમ કે, શેતાન લોકોને ગેરમાર્ગે દોરે છે જેથી, તેઓ યહોવાના માર્ગમાં ન ચાલે. (૧ યોહાન ૨:૧૫, ૧૬) બાઇબલ જણાવે છે કે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) અમુક સ્વર્ગદૂતોએ ખરાબ કામ કર્યાં અને શેતાનનું સાંભળીને તેની સાથે જોડાયા. બાઇબલ જણાવે છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો “આખા જગતને ભમાવે છે” અને “પૃથ્વી” પર દુઃખ-તકલીફો લાવે છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) એટલે, દુષ્ટતા માટે ફક્ત શેતાન જવાબદાર છે.

આપણે સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે ઈશ્વર આપણા પર દુઃખ-તકલીફ લાવતા નથી. તેમ જ, તે મનુષ્યને રિબાવતા નથી. હકીકતમાં, તેમણે વચન આપ્યું છે કે તે સર્વ દુષ્ટતાને જડમૂળથી મિટાવી દેશે. એ સુંદર વચન વિશે હવે પછીના લેખમાં જોઈશું. (w14-E 07/01)

a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.

b ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે એ વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

c મરણ પછી શું થાય છે અને ગુજરી ગયેલા લોકો માટે કઈ આશા છે એ વિશે વધારે જાણવા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું છઠ્ઠું અને સાતમું પ્રકરણ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો