મુખ્ય વિષય | કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?
સર્વ આફતનો અંત ઈશ્વર લાવશે!
બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે શેતાને લાવેલી તકલીફોનું યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુ શું કરશે. બાઇબલ જણાવે છે કે, ‘શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરનો પુત્ર એટલે કે ઈસુ પ્રગટ થયા’ હતા. (૧ યોહાન ૩:૮) આજની દુષ્ટ દુનિયામાં જોવા મળતા સ્વાર્થ, નફરત અને દુષ્ટ કામોને જડમૂળથી કાઢી નાખવામાં આવશે. ઈસુએ વચન આપ્યું છે કે, “આ જગતના અધિકારીને” એટલે કે શેતાનને પણ “કાઢી નાખવામાં આવશે.” (યોહાન ૧૨:૩૧) ઈશ્વરની ન્યાયી નવી દુનિયામાં શેતાનની કોઈ અસર નહિ હોય. તેમ જ, આ પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિ હશે.—૨ પીતર ૩:૧૩.
ખોટાં કામો છોડીને સુધરવા માંગતા નથી એવા બંડખોર લોકોનું શું થશે? બાઇબલમાં આપેલા આ વચનનો વિચાર કરો: ‘સદાચારીઓ પૃથ્વી પર વસશે, અને ન્યાયી જનો એમાં રહેશે. પણ દુષ્ટો પૃથ્વી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓને એમાંથી ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) પછી, પૃથ્વી પર દુષ્ટ લોકોની કોઈ અસર નહિ હોય. એવી સુંદર પૃથ્વી પર ઈશ્વરને માર્ગે ચાલતા લોકોમાંથી ધીમે ધીમે પાપની અસર એટલે કે બીમારી, ઘડપણ અને મરણ દૂર કરવામાં આવશે.—રોમનો ૬:૧૭, ૧૮; ૮:૨૧.
એ ન્યાયી નવી દુનિયામાં ઈશ્વર કઈ રીતે દુષ્ટતાનો કાયમ માટે અંત લાવશે? ઈશ્વર કંઈ મનુષ્યો પાસેથી પસંદગી કરવાનો હક્ક છીનવી નહિ લે અને તેમને રોબોટ કે મશીન જેવા નહિ બનાવે. પણ, ઈશ્વર તેઓને પોતાના ન્યાયી માર્ગો શીખવશે અને તેઓને ખરાબ વિચારો અને કામોથી દૂર જવા મદદ કરશે.
ઈશ્વર સર્વ દુઃખ-તકલીફોનું નામોનિશાન મિટાવી દેશે
અણધારી આફતોનું ઈશ્વર શું કરશે? તેમણે વચન આપ્યું છે કે બહુ જ જલદી તેમની સરકાર પૃથ્વી પર રાજ કરશે. ખુદ યહોવા ઈશ્વરે રાજા તરીકે ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. તેમની પાસે બીમારી મિટાવવાની શક્તિ છે. (માથ્થી ૧૪:૧૪) તેમ જ, કુદરતી આફતોને કાબૂમાં રાખવાની શક્તિ છે. (માર્ક ૪:૩૫-૪૧) પછી, ‘સમય અને સંજોગોને’ લીધે આવતી સર્વ દુઃખ-તકલીફોનો કાયમ માટે અંત આવશે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) ઈસુના રાજમાં મનુષ્યો પર કોઈ પ્રકારની આફતો કદી આવશે નહિ.—નીતિવચનો ૧:૩૩.
મરણ પામેલા લાખો નિર્દોષ લોકો વિશે શું? ગુજરી ગયેલા લાજરસને જીવતા કરતા પહેલાં ઈસુએ કહ્યું, ‘સજીવન કરનાર તથા જીવન આપનાર હું છું.’ (યોહાન ૧૧:૨૫) હા, મરણ પામ્યા છે તેઓને જીવતા કરવાની ઈસુ પાસે શક્તિ છે.
ઈશ્વરની નવી દુનિયામાં સારા લોકો પર કોઈ દુઃખ-તકલીફ નહિ આવે. આવી દુનિયામાં રહેવું તમને ચોક્કસ ગમશે, ખરું ને? એ માટે સાચા ઈશ્વર અને તેમના હેતુઓ વિશે વધુ જાણવા તમે પણ બાઇબલમાંથી શીખો. તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓ તમને રાજીખુશીથી બાઇબલમાંથી શીખવા મદદ કરશે. તમે તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરી શકો અથવા આ મૅગેઝિનના પ્રકાશકોને લખી શકો. (w14-E 07/01)