વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧૫ પાન ૨૩-૨૭
  • “તમે મારા સાક્ષી છો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમે મારા સાક્ષી છો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રાચીન સમયમાં ઈશ્વરના સાક્ષીઓ
  • “જુઓ, હું નવું કામ કરનાર છું”
  • ઈશ્વરના નામનો અર્થ શો થાય છે
  • આભારી વલણ કઈ રીતે બતાવવું
  • યહોવાના નામને મહિમા આપીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • તમારા માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • અમે શા માટે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • ઈશ્વરનું નામ શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧૫ પાન ૨૩-૨૭
વર્ષ ૧૯૩૧માં થયેલું સંમેલન જેમાં બાઇબલ વિદ્યાર્થીઓએ યહોવાના સાક્ષી નામ અપનાવ્યું હતું

“તમે મારા સાક્ષી છો”

‘યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો!”’—યશા. ૪૩:૧૦.

તમારો જવાબ શો છે?

  • ઈસ્રાએલીઓ કયા અર્થમાં યહોવાના સાક્ષીઓ હતા?

  • ઈશ્વર યહોવાના નામનો અર્થ શો થાય છે?

  • યહોવાના નામથી ઓળખાવવા માટે આપણે આભારી છીએ, એવું કઈ રીતે બતાવી શકીએ?

૧, ૨. (ક) સાક્ષી હોવાનો અર્થ શો થાય અને સમાચાર માધ્યમોએ લોકોને શાના વિશે જણાવ્યું નથી? (ખ) યહોવાને શા માટે સમાચાર માધ્યમોના સહારાની જરૂર નથી?

સાક્ષી હોવું એટલે શું? એ શબ્દનો અર્થ એક શબ્દકોશ આમ જણાવે છે: ‘કોઈ બનાવને નજરે જોનાર અને શું બન્યું એનો અહેવાલ આપનાર.’ દાખલા તરીકે, દક્ષિણ આફ્રિકાના પીટરમારીઝબર્ગ શહેરમાં ધ વીટનેસ (એટલે કે સાક્ષી) નામનું ન્યૂઝ પેપર ૧૬૦ કરતાં વધુ વર્ષોથી બહાર પાડવામાં આવે છે. એનું એવું નામ હોવું યોગ્ય છે. શા માટે? કારણ કે, દુનિયાભરમાં બનતા બનાવો વિશે સાચો અહેવાલ આપવાના હેતુથી એને બહાર પાડવામાં આવે છે. એના પ્રકાશકે વચન આપ્યું હતું કે એ છાપું ‘સત્ય કહેશે, પૂરેપૂરું સત્ય કહેશે અને સત્ય સિવાય બીજું કંઈ નહિ કહે.’

૨ જોકે, દુઃખની વાત છે કે દુનિયાભરના સમાચાર માધ્યમોએ ઘણા બનાવો વિશે સાચી માહિતી આપી નથી. એ બધાએ ઈશ્વર વિશેનું સત્ય અને તેમનાં કાર્યો વિશે જણાવ્યું નથી. જોકે, વિશ્વના સર્વસમર્થ રાજા યહોવાને એવા સમાચાર માધ્યમોના સહારાની જરૂર નથી. ઈશ્વરે પોતાના પ્રબોધક હઝકીએલ દ્વારા જણાવ્યું હતું કે, ‘પ્રજાઓ જાણશે કે યહોવા, તે હું છું.’ (હઝકી. ૩૯:૭) યહોવા પાસે આશરે ૮૦ લાખ સાક્ષીઓ છે, જેઓ દુનિયાભરમાં તેમના વિશે જણાવે છે. આ સાક્ષીઓ લોકોને જણાવે છે કે યહોવાએ માનવજાત માટે શું કર્યું હતું અને શું કરી રહ્યા છે. તેમ જ, સારા ભાવિ વિશે યહોવાનાં વચનોને પણ તેઓ જાહેર કરે છે. આપણે સાક્ષી આપવાના કામને જીવનમાં પ્રથમ સ્થાન આપીએ છીએ. એમ કરીને, યશાયા ૪૩:૧૦માં ઈશ્વરે આપણને આપેલા નામ પ્રમાણે કરી બતાવીએ છીએ. કલમ જણાવે છે: “યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે.”

૩, ૪. (ક) બાઇબલ વિદ્યાર્થીઓએ નવું નામ ક્યારે અપનાવ્યું અને એ વિશે તેઓને કેવું લાગ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે હવે કયા સવાલોની ચર્ચા કરીશું?

૩ યહોવાના નામથી ઓળખાવવું આપણા માટે સાચે જ મોટો લહાવો છે. કારણ કે ‘સનાતન યુગોના રાજા’ યહોવા કહે છે: “મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.” (૧ તીમો. ૧:૧૭; નિર્ગ. ૩:૧૫; વધુ માહિતી: સભાશિક્ષક ૨:૧૬) વર્ષ ૧૯૩૧માં બાઇબલ વિદ્યાર્થીઓએ “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું. એ પછી, ઘણાં ભાઈ-બહેનોએ કદર વ્યક્ત કરતા પત્રો લખ્યા. કેનેડાના એક મંડળે લખ્યું કે ‘હવેથી આપણે “યહોવાના સાક્ષીઓ” છીએ, એ ખુશખબરે અમારામાં ઘણો ઉત્સાહ ભરી દીધો છે. તેમ જ, પોતાને એ નવા નામને યોગ્ય સાબિત કરવાનો અમારો નિશ્ચય હવે વધુ દૃઢ બન્યો છે.’

૪ યહોવાના નામથી ઓળખાવવાના લહાવા માટે તમે કઈ રીતે કદર બતાવી શકો? શું તમે સમજાવી શકો કે શા માટે યશાયાના પુસ્તકમાં યહોવા આપણને તેમના સાક્ષી કહીને બોલાવે છે? ચાલો એ વિશે જોઈએ.

પ્રાચીન સમયમાં ઈશ્વરના સાક્ષીઓ

૫, ૬. (ક) કયા અર્થમાં ઈસ્રાએલી માબાપ યહોવાનાં સાક્ષીઓ હતાં? (ખ) ઈસ્રાએલી માબાપે બીજું શું કરવાનું હતું અને આજનાં માતા-પિતાએ પણ શા માટે એમ કરવું જોઈએ?

૫ યશાયાના સમયના બધા ઈસ્રાએલી લોકો યહોવાના “સાક્ષી”ઓ હતા. તેમ જ, આખું રાષ્ટ્ર યહોવાનો “સેવક” ગણાતું. (યશા. ૪૩:૧૦) ઈસ્રાએલી માબાપે પોતાનાં બાળકોને સાક્ષી આપવાની હતી કે તેઓના પૂર્વજો માટે યહોવાએ કેવાં કાર્યો કર્યાં હતાં. દાખલા તરીકે, દર વર્ષે પાસ્ખા ઉજવવાની આજ્ઞા આપી ત્યારે તેઓને કહેવામાં આવ્યું: ‘જ્યારે તમારાં છોકરાં તમને પૂછે, કે એ સંસ્કારનો અર્થ શો છે? ત્યારે તમારે એમ કહેવું, કે એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે તેમણે મિસરીઓ ઉપર મરો આણ્યો ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેમણે મિસરમાં રહેનાર ઈસ્રાએલ પુત્રોનાં ઘરોને ટાળી મૂક્યાં.’ (નિર્ગ. ૧૨:૨૬, ૨૭) તેઓએ જણાવવાનું હતું કે ઇજિપ્તના (મિસરના) રાજાએ ઈસ્રાએલીઓને યહોવાની ભક્તિ કરવા અરણ્યમાં જવા ન દીધા. તેણે મુસાને કહ્યું હતું: “યહોવા કોણ છે, કે હું તેની વાણી માનીને ઈસ્રાએલ પુત્રોને જવા દઉં?” (નિર્ગ. ૫:૨) માબાપ બાળકોને એ પણ જણાવતાં હશે કે યહોવાએ ફારૂનના એ સવાલનો કેવો જોરદાર જવાબ આપ્યો. તેમ જ, બધાને બતાવી આપ્યું કે પોતે સર્વસમર્થ ઈશ્વર છે. ઇજિપ્ત પર યહોવા દસ મરકીઓ લાવ્યા અને રાતા સમુદ્ર પાસે તેમણે ઇજિપ્તના સૈન્યથી ઈસ્રાએલીઓને બચાવ્યા. ઈસ્રાએલીઓએ જોયું કે યહોવા જ સાચા ઈશ્વર છે અને આપેલું દરેક વચન તે હંમેશાં પૂરું કરે છે.

૬ ઈસ્રાએલીઓએ યહોવાના નામથી ઓળખાવવાને એક લહાવો ગણ્યો. એમાં કોઈ શંકા નથી કે યહોવાએ તેઓ માટે જે અદ્‍ભુત કાર્યો કર્યાં, એ વિશે તેઓએ પોતાનાં બાળકોને શીખવ્યું હશે. અરે, તેઓના ઘરમાં કામ કરતા વિદેશી ચાકરોને પણ જણાવ્યું હશે. ઉપરાંત, ઈસ્રાએલીઓએ પોતાનાં વાણી-વર્તન પણ શુદ્ધ રાખવાનાં હતાં. કારણે કે તેઓને યહોવાએ કહ્યું હતું: “તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.” (લેવી. ૧૯:૨; પુન. ૬:૬, ૭) આજનાં માબાપો માટે એ કેટલું સરસ ઉદાહરણ છે! તેઓએ પણ પોતાનાં બાળકોને એ રીતે જીવતા શીખવવાનું છે, જેનાથી યહોવાના પવિત્ર નામને મહિમા મળે.—નીતિવચનો ૧:૮; એફેસી ૬:૪ વાંચો.

ઈસ્રાએલી માબાપ પોતાનાં બાળકોને પવિત્રતા વિશે ઈશ્વરનાં ધોરણો શીખવી રહ્યાં છે

આપણાં બાળકોને યહોવા વિશે શીખવવાથી તેમના નામને મહિમા મળે છે (ફકરા ૫, ૬ જુઓ)

૭. (ક) ઈસ્રાએલીઓ યહોવાને વફાદાર રહ્યા ત્યારે આસપાસના દેશો પર કેવી અસર પડી? (ખ) યહોવાનું નામ અપનાવનાર દરેકની કઈ જવાબદારી છે?

૭ ઈસ્રાએલીઓ જ્યારે વફાદાર રહેતા ત્યારે તેઓ ઈશ્વરના નામની સારી સાક્ષી આપતા. ઈસ્રાએલને કહેવામાં આવ્યું: “પૃથ્વીના સર્વ લોક જોશે, કે યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે; અને તેઓ તારાથી બીશે.” (પુન. ૨૮:૧૦) જોકે, દુઃખની વાત છે કે મોટા ભાગે ઈસ્રાએલીઓ યહોવાને વફાદાર રહ્યા નહિ. ઇતિહાસ બતાવે છે કે વારંવાર તેઓ મૂર્તિપૂજા તરફ વળતા હતા. તેઓ કનાની દેવોની પણ ભક્તિ કરવા લાગ્યા હતા. અરે, એ દેવોની જેમ તેઓ પણ ક્રૂર બનીને પોતાનાં બાળકોની બલિ ચઢાવતાં અને ગરીબો પર જુલમ ગુજારતા હતા. તેઓનો એ ખરાબ દાખલો આપણને મહત્ત્વનો પાઠ શીખવે છે. આપણે યહોવાનું પરમ પવિત્ર નામ અપનાવ્યું હોવાથી કેટલું જરૂરી છે કે યહોવાને પગલે ચાલીને શુદ્ધ રહીએ!

“જુઓ, હું નવું કામ કરનાર છું”

૮. યહોવાએ યશાયાને શું જણાવ્યું અને યશાયાને એ વિશે કેવું લાગ્યું?

૮ ઈસ્રાએલ રાષ્ટ્રને ગુલામીમાંથી કેવી ભવ્ય રીતે પોતે છોડાવશે, એ વિશે યહોવાએ અગાઉથી ભાખ્યું હતું. (યશા. ૪૩:૧૯) યશાયાના પ્રથમ ૬ અધ્યાયોમાં મોટા ભાગે ચેતવણીઓ જોવા મળે છે. એ અધ્યાયો જણાવે છે કે યરૂશાલેમ અને એની આસપાસના શહેરો પર આફત આવી પડશે. યહોવા વ્યક્તિના દિલને એકદમ સારી રીતે પારખનાર છે. તેથી, તેમણે યશાયાને કહી રાખ્યું હતું કે લોકો આકરા અને ન સાંભળનાર બનશે. એના લીધે યશાયાને સંદેશો જણાવવો અઘરો લાગશે, છતાં તે તેઓને એ ચેતવણીઓ જણાવતા રહે. યશાયાને એ જાણીને નવાઈ લાગી અને તેમણે પૂછ્યું કે કેટલા વખત સુધી એ પ્રજા પસ્તાવો નહિ કરે. યહોવાનો જવાબ હતો: “નગરો વસ્તી વિનાનાં અને ઘરો માણસ વિનાનાં ઉજ્જડ થાય અને જમીન છેક વેરાન થઈ જાય” ત્યાં સુધી.—યશાયા ૬:૮-૧૧ વાંચો.

૯. (ક) યરૂશાલેમ વિશેની યશાયાની ભવિષ્યવાણી ક્યારે પૂરી થઈ? (ખ) આજે આપણે કઈ ચેતવણીને ધ્યાન આપવું જોઈએ?

૯ યશાયાને એ સોંપણી રાજા ઉઝ્ઝીયાહના રાજના છેલ્લા વર્ષમાં એટલે કે આશરે ઈ.સ. પૂર્વે ૭૭૮માં મળી હતી. યશાયાએ પ્રબોધક તરીકેની સેવા લગભગ ૪૬ વર્ષો કરી. એટલે કે તેમણે એ કામ ઈ.સ. પૂર્વે ૭૩૨ સુધી કર્યું, ત્યારે હિઝકીયાહ રાજા રાજ કરતો હતો. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો જે નાશ થયો એના ૧૨૫ વર્ષ પહેલાંથી એ વિશે ચેતવણી આપવામાં આવી હતી. આમ, શું બનવાનું છે એ વાતની જાણ યહોવાના લોકોને પૂરતા સમય પહેલાંથી કરી દેવામાં આવી હતી. આજના સમયમાં પણ એમ જ બન્યું છે. યહોવાએ પોતાના લોકોનો ઉપયોગ કરીને ભાવિ વિશે પૂરતી માહિતી આપી દીધી છે. કેવા બનાવો બનશે એ વિશે ૧૩૫ વર્ષથી એટલે કે ચોકીબુરજના પ્રથમ અંકથી જણાવવામાં આવી રહ્યું છે. ચોકીબુરજના વાચકોને એ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા છે કે શેતાનના દુષ્ટ રાજનો અંત જલદી જ આવવાનો છે. એ પછી, ઈસુ ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ થવાનું છે.—પ્રકટી. ૨૦:૧-૩, ૬.

૧૦, ૧૧. ઈસ્રાએલીઓ બાબેલોનમાં હતા ત્યારે યશાયાની કઈ ભવિષ્યવાણીના સાક્ષી બન્યા?

૧૦ ઘણા યહુદીઓ યહોવાની આજ્ઞા પાળીને બાબેલોનના તાબે થયા, માટે યરૂશાલેમના વિનાશમાંથી બચી ગયા. તેઓને બંદી બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા. (યિર્મે. ૨૭:૧૧, ૧૨) એ બનાવનાં ૭૦ વર્ષ પછી ઈશ્વરના લોકોએ આ ભવ્ય ભવિષ્યવાણી પૂરી થતાં જોઈ: “તમારો ઉદ્ધાર કરનાર, ઈસ્રાએલનો પવિત્ર ઈશ્વર યહોવા, એવું કહે છે કે તમારે માટે મેં સૈન્યને બાબેલ મોકલ્યું છે.”—યશા. ૪૩:૧૪.

૧૧ એ ભવિષ્યવાણી પ્રમાણે થતાં ઈ.સ. પૂર્વે ૫૩૯, ઑક્ટોબરમાં દુનિયાને હચમચાવતો બનાવ બન્યો. એક રાતે, બાબેલોનનો રાજા અને તેના રાજદરબારીઓ યરૂશાલેમના મંદિરમાંથી જપ્ત કરેલાં પવિત્ર પાત્રોમાં દારૂ પી રહ્યા હતા. તેમ જ, પોતાના દેવોના વખાણ કરી રહ્યા હતા. એ જ સમયે, માદાય-ઇરાનના સૈન્યએ ચઢાઈ કરીને બાબેલોનને જીતી લીધું. પછી, ઈ.સ. પૂર્વે ૫૩૮ કે ૫૩૭માં કોરેશે યહુદીઓને આજ્ઞા આપી કે, યરૂશાલેમ જઈને ઈશ્વરનું મંદિર ફરીથી બાંધે. યશાયાએ જે ભાખ્યું એ પ્રમાણે બધું બન્યું. પાછા વતન જતી વખતે મુસાફરીમાં પણ યહોવાએ તેઓને સલામત રાખ્યા. ઈશ્વરે એ યહુદીઓને આ રીતે ઓળખાવ્યા: “મેં આ લોકોને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.” (યશા. ૪૩:૨૧; ૪૪:૨૬-૨૮) ગુલામીમાંથી પાછા ફર્યા પછી તેઓએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર ફરીથી બાંધ્યું. આમ, તેઓ સાક્ષી બન્યા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને પોતાનાં વચનો પાળે છે.

૧૨, ૧૩. (ક) યહોવાની ભક્તિ ફરી શરૂ કરવા પાછા આવેલા ઈસ્રાએલીઓમાં બીજા કોનો સમાવેશ થયો? (ખ) આજે “ઈશ્વરના ઈસ્રાએલ”ને ટેકો આપી રહેલા “બીજા ઘેટાં” પાસેથી કઈ અપેક્ષા રાખવામાં આવે છે અને તેઓને શાની આશા છે?

૧૨ ઈસ્રાએલીઓ મંદિરને ફરી બાંધવા વતન પાછા ફર્યા ત્યારે, યહોવાની ભક્તિ કરવા તેઓ સાથે હજારો વિદેશીઓ પણ આવ્યા. અમુક સમય બાદ, બીજા વિદેશીઓ પણ જોડાયા. (એઝ. ૨:૫૮, ૬૪, ૬૫; એસ્તે. ૮:૧૭) આજના સમયમાં પણ એવું બની રહ્યું છે. ઈસુના “બીજાં ઘેટાં”ની એક “મોટી સભા” “ઈશ્વરના ઈસ્રાએલ”ને એટલે કે અભિષિક્તોને વફાદાર રીતે ટેકો આપે છે. (પ્રકટી. ૭:૯, ૧૦; યોહા. ૧૦:૧૬; ગલા. ૬:૧૬) મોટી સભાને પણ યહોવાના નામથી ઓળખાવવાનો લહાવો મળ્યો છે.

૧૩ ખ્રિસ્તના હજાર વર્ષનાં રાજ દરમિયાન મોટી સભાને એક અદ્‍ભુત તક પણ મળશે. તેઓ સજીવન થયેલા લોકોને જણાવી શકશે કે દુનિયાના છેલ્લા સમયમાં યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવું કેવું હતું. પરંતુ, એમ બનવા માટે બહુ જરૂરી છે કે આપણે અત્યારે એ નામ પ્રમાણે જીવીએ અને જીવન શુદ્ધ રાખવાનો બનતો પ્રયત્ન કરીએ. જોકે, બનતા પ્રયત્નો કરવા છતાં આપણે રોજ ભૂલ કરી બેસીએ છીએ, કેમ કે આપણામાં પાપ રહેલું છે. તેથી, આપણે દરરોજ યહોવા પાસે એ માટે માફી માંગવી જોઈએ. (૧ યોહાન ૧:૮, ૯ વાંચો.) એમ કરવાથી, આપણને તેમના નામથી ઓળખાવવાનો જે લહાવો મળ્યો છે એની કદર બતાવીએ છીએ.

ઈશ્વરના નામનો અર્થ શો થાય છે

૧૪. યહોવા નામનો અર્થ શો થાય?

૧૪ એ કદર હજી વધારવા જરૂરી છે કે આપણે તેમના નામના અર્થ પર મનન કરીએ. યહોવા નામ એક હિબ્રૂ શબ્દમાંથી આવેલું છે. એ શબ્દનું ભાષાંતર ‘બનવું’ થઈ શકે અને એ શબ્દ થતી ક્રિયાને રજૂ કરે છે. આમ “યહોવા” નામનો અર્થ કાઢી શકાય કે, ‘તે ચાહે એ બને છે.’ યહોવા જ આ સૃષ્ટિને બનાવનાર છે. તેમ જ, તે પોતાના હેતુને પૂરો કરી જાણે છે. તેથી, એવી બંને ભૂમિકા નિભાવનાર યહોવાને જ એ નામ એકદમ બંધબેસે છે. યોગ્ય સમયે યહોવા પોતાની ઇચ્છા અને હેતુઓ પૂરાં કરતા જાય છે. એમાં, શેતાન જેવો સખત વિરોધી પણ તેમને રોકી શકે એમ નથી!

૧૫. યહોવાએ પોતાના નામ વિશે મુસાને જે સમજણ આપી એમાંથી આપણે શું શીખી શકીએ છીએ? (“એક નામ જેનો ઊંડો અર્થ રહેલો છે” બૉક્સ જુઓ.)

૧૫ યહોવાએ પોતાના નામના અર્થ વિશે વધુ સમજણ મુસાને આપી હતી. પોતાના લોકોને ઇજિપ્તમાંથી છોડાવવાની મુસાને સોંપણી કરી ત્યારે યહોવાએ તેમને કહ્યું: “હું જે છું તે છું. [મને જે ગમે એ હું બનીશ, NW ]” પછી તેમણે ઉમેર્યું કે “તું ઈસ્રાએલ પુત્રોને કહેજે કે હું છું એ [હું બનીશ એ] મને તમારી પાસે મોકલ્યો છે.” (નિર્ગ. ૩:૧૪) આમ, યહોવા પોતાના હેતુને પૂરો કરવા જરૂર પડે એ બનશે. ઈસ્રાએલીઓને જરૂર પડી ત્યારે તેઓ માટે એક છોડાવનાર, રક્ષક, માર્ગદર્શક અને પૂરું પાડનાર બનવા યહોવાએ બધું જ કર્યું.

આભારી વલણ કઈ રીતે બતાવવું

૧૬, ૧૭. (ક) યહોવાના નામથી ઓળખાવવા માટેની કદર આપણે કઈ રીતે બતાવી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શું શીખીશું?

૧૬ યહોવા આજે પણ બદલાયા નથી. તેમનું નામ આપણને યાદ અપાવે છે કે, પોતાના લોકોની સંભાળ રાખવા તે જરૂર પડે એ બનશે. જેમ કે, તે આપણી રોજબરોજની જરૂરિયાતો પૂરી પાડે છે અને શ્રદ્ધામાં અડગ રહેવા મદદ કરે છે. જોકે, ઈશ્વરનું નામ આપણને કંઈક બીજું પણ શીખવે છે. એ શું છે? પોતાનો હેતુ પૂરો કરવા યહોવા આખી સૃષ્ટિને પણ જે ચાહે એ બનાવી શકે છે. દાખલા તરીકે, પોતાનું કામ પૂરું કરવામાં તે પોતાના સાક્ષીઓનો ઉપયોગ કરે છે. એ બાબત પર મનન કરવાથી તેમના નામને શોભે એ રીતે જીવવાની આપણી ઇચ્છા વધે છે. નૉર્વેમાં રહેતા ભાઈ કૅરે ૮૪ વર્ષના છે. તે છેલ્લાં ૭૦ વર્ષથી પૂરા ઉત્સાહ સાથે યહોવાની સાક્ષી આપી રહ્યા છે. તે જણાવે છે: ‘યુગોના રાજા યહોવાની સેવા કરવી અને તેમના પવિત્ર નામથી ઓળખાતા લોકોમાં ગણાવું, એ મારા માટે ખૂબ મોટું માન છે. બીજાઓને બાઇબલ સત્યો શીખવવાં એ એક ખાસ લહાવો છે. તેઓને જ્યારે એની સમજણ મળે છે, ત્યારે ખુશીને લીધે તેઓની આંખોમાં ચમક આવી જાય છે. એ જોવું પણ એક અનેરો અહેસાસ છે. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્તના બલિદાનથી શું શક્ય બન્યું છે અને એના દ્વારા ન્યાયી નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન તેઓ કઈ રીતે મેળવી શકે, એ શીખવું છું ત્યારે મને બહુ સંતોષ મળે છે.’

૧૭ ખરું કે, પ્રચાર વિસ્તારમાં મળતા મોટા ભાગના લોકો ઈશ્વર યહોવા વિશે શીખવા માંગતા નથી. છતાં, જેને યહોવા વિશે શીખવું છે, એવી એક પણ વ્યક્તિ મળે ત્યારે આપણને ભાઈ કૅરેની જેમ બહુ ખુશી થાય છે. પરંતુ, સવાલ થાય કે, યહોવાના સાક્ષી હોવાની સાથે સાથે આપણે કઈ રીતે ઈસુના સાક્ષી પણ બની શકીએ? એ વિશે આવતા લેખમાં શીખીશું.

એક નામ જેનો ઊંડો અર્થ રહેલો છે

એ નામનો શો અર્થ થાય છે

  • ‘તે ચાહે એ બને છે’

એ નામ શા માટે યોગ્ય છે

  • યહોવાએ જ આખી સૃષ્ટિ બનાવી છે

  • તે પોતાનાં હેતુ અને ઇચ્છા પૂરી કરતા આવ્યાં છે

એ નામ શું પ્રગટ કરે છે

  • પોતાનું વચન પૂરું કરવા તે જરૂર પડે એ બનશે

  • પોતાની ઇચ્છા પૂરી કરવા તે પોતાની સૃષ્ટિને જરૂર પડે એ બનાવી શકે છે

  • પોતાનો હેતુ પૂરો કરવામાં એવું કંઈ જ નથી જે યહોવા કરી ન શકે અથવા કરાવી ન શકે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો