વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 મે પાન ૨૬-૩૧
  • તમારા માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘તેમના નામે ઓળખાતા લોકો’
  • “તમે મારા સાક્ષી છો”
  • યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે એ બતાવવાની બીજી રીતો
  • ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “યહોવાના નામની સ્તુતિ કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 મે પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૨૩

ગીત ૧૩૮ યહોવા તારું નામ

તમારા માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?

“યહોવા કહે છે: ‘તમે મારા સાક્ષી છો.’”—યશા. ૪૩:૧૦.

આપણે શું શીખીશું?

આપણે કઈ રીતે યહોવાનું નામ પવિત્ર મનાવી શકીએ અને તેમની શાખ પર લાગેલો ડાઘ દૂર કરવા શું કરી શકીએ?

૧-૨. શાના આધારે કહી શકીએ કે ઈસુ માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે?

યહોવાનું નામ ઈસુ માટે સૌથી મહત્ત્વનું છે. તેમનું નામ જણાવવા ઈસુએ જેટલું કર્યું છે, એટલું બીજા કોઈએ નથી કર્યું. ગયા લેખમાં જોઈ ગયા કે ઈસુ પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા, જેથી યહોવાનું નામ પવિત્ર મનાય. (માર્ક ૧૪:૩૬; હિબ્રૂ. ૧૦:૭-૯) ઈસુ પોતાના હજાર વર્ષના રાજ પછી રાજીખુશીથી બધો અધિકાર યહોવાને પાછો સોંપી દેશે. કેમ કે તે ચાહે છે કે બધો મહિમા યહોવાને મળે. (૧ કોરીં. ૧૫:૨૬-૨૮) યહોવાના નામ માટે ઈસુએ જે પ્રેમ બતાવ્યો, એનાથી જાણી શકાય છે કે તેઓ વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે. એનાથી સાબિત થાય છે કે ઈસુ યહોવાને ખૂબ પ્રેમ કરે છે.

૨ ઈસુ પોતાના પિતાના નામે આ પૃથ્વી પર આવ્યા હતા. (યોહા. ૫:૪૩; ૧૨:૧૩) તેમણે પોતાના શિષ્યોને પિતાનું નામ જણાવ્યું. (યોહા. ૧૭:૬, ૨૬) ઈસુએ પિતાના નામે જ લોકોને શીખવ્યું અને અદ્‍ભુત ચમત્કારો કર્યા. (યોહા. ૧૦:૨૫) ઈસુએ પોતાના શિષ્યો માટે યહોવાને વિનંતી પણ કરી: “તમારા નામને લીધે તેઓનું ધ્યાન રાખજો.” (યોહા. ૧૭:૧૧) એ બધાથી દેખાઈ આવે છે કે ઈસુ માટે બીજી કોઈ પણ બાબત કરતાં યહોવાનું નામ સૌથી વધારે મહત્ત્વનું છે. તો પછી જો કોઈ વ્યક્તિ યહોવાનું નામ જાણતી ન હોય અથવા એ વાપરતી ન હોય, તો તે કઈ રીતે પોતાને ખ્રિસ્તી કહી શકે?

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ ઈસુના ખરા શિષ્યો હોવાને લીધે આપણે ઈસુના પગલે ચાલીએ છીએ. (૧ પિત. ૨:૨૧) એટલે તેમના પિતાનું નામ આપણને ખૂબ વહાલું છે. આ લેખમાં જોઈશું કે જેઓ ‘રાજ્યની ખુશખબર’ જણાવે છે, તેઓને યહોવાએ કેમ પોતાનું નામ આપ્યું છે. (માથ. ૨૪:૧૪) એ પણ જોઈશું કે આપણા દરેક માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું હોવું જોઈએ.

‘તેમના નામે ઓળખાતા લોકો’

૪. (ક) સ્વર્ગમાં પાછા જતા પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને શું કહ્યું? (ખ) એનાથી કયા સવાલો ઊભા થાય છે?

૪ ઈસુ સ્વર્ગમાં પાછા ગયા એના થોડા જ સમય પહેલાં તેમણે શિષ્યોને કહ્યું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) શિષ્યોએ ફક્ત ઇઝરાયેલમાં જ નહિ, બીજી જગ્યાઓએ પણ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવાની હતી. (માથ. ૨૮:૧૯, ૨૦) સમય જતાં, આખી દુનિયાના લોકોને ઈસુના શિષ્યો બનવાની તક મળવાની હતી. પણ ઈસુએ તો એમ કહ્યું હતું: “તમે . . . મારા સાક્ષી થશો.” તો શું તેઓ બસ ઈસુના જ સાક્ષી બનવાના હતા? શું તેઓએ યહોવાનું નામ જાણવાની જરૂર ન હતી? એનો જવાબ આપણને પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫માં જણાવેલા બનાવોથી મળે છે.

૫. પ્રેરિતો અને યરૂશાલેમના વડીલોએ કઈ રીતે બતાવ્યું કે બધા લોકો માટે યહોવાનું નામ જાણવું જરૂરી છે? (ચિત્ર પણ જુઓ.)

૫ સાલ ૪૯માં પ્રેરિતો અને યરૂશાલેમના વડીલો એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવા ભેગા મળ્યા હતા. તેઓએ નિર્ણય લેવાનો હતો કે યહૂદી ન હોય એવા લોકોએ ખ્રિસ્તી બનવા સુન્‍નત કરાવવાની જરૂર છે કે નહિ. એ ચર્ચાના અંતે ઈસુના સાવકા ભાઈ યાકૂબે કહ્યું: “[પિતરે] વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.” અહીંયા યાકૂબ કોના નામનો ઉલ્લેખ કરી રહ્યા હતા? પ્રબોધક આમોસના શબ્દો ટાંકતા યાકૂબે આગળ કહ્યું: “જેથી બાકી રહેલા લોકો અને મારા નામે ઓળખાતી બીજી પ્રજાઓના લોકો પણ યહોવાની પૂરા દિલથી સેવા કરે, એવું યહોવા કહે છે.” (પ્રે.કા. ૧૫:૧૪-૧૮) એનાથી જોવા મળે છે કે ઈસુના નવા શિષ્યોએ યહોવા વિશે શીખવાનું હતું અને તેઓ ‘તેમના નામે ઓળખાવાના’ હતા. એનો અર્થ થાય કે તેઓ બીજાઓ આગળ ઈશ્વરનું નામ જાહેર કરવાના હતા અને લોકો પણ તેઓને એ નામે બોલાવાના હતા.

યરૂશાલેમમાં અમુક પ્રેરિતો અને વડીલો સાથે યાકૂબ વાત કરી રહ્યા છે. ત્યાં બે ભાઈઓના હાથમાં વીંટો છે.

પહેલી સદીમાં નિયામક જૂથની સભા ભરાઈ છે. એ વફાદાર ભાઈઓને સમજાય છે કે ખ્રિસ્તીઓ ઈશ્વરના નામે ઓળખાય એ જરૂરી છે (ફકરો ૫ જુઓ)


૬-૭. (ક) ઈસુ કેમ પૃથ્વી પર આવ્યા હતા? (ખ) પૃથ્વી પર આવવાનું બીજું કયું વધારે મહત્ત્વનું કારણ હતું?

૬ ઈસુ નામનો અર્થ થાય છે, “યહોવા તારણ છે.” ઈસુ એ નામ પર ખરા ઊતર્યા. કઈ રીતે? જે લોકો યહોવામાં અને ઈસુમાં શ્રદ્ધા મૂકે છે, તેઓને બચાવવા યહોવાએ ઈસુનો ઉપયોગ કર્યો. ઈસુ પોતાના જીવનનું બલિદાન આપવા આ પૃથ્વી પર આવ્યા. (માથ. ૨૦:૨૮) છુટકારાની કિંમત ચૂકવીને તેમણે એક માર્ગ ખોલ્યો, જેથી માણસોને બચાવી શકાય અને તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.—યોહા. ૩:૧૬.

૭ પણ માણસોને બચાવવાની જરૂર કેમ ઊભી થઈ? એદન બાગમાં જે બન્યું હતું એના લીધે. ગયા લેખમાં જોઈ ગયા તેમ, પ્રથમ માતા-પિતા આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી અને હંમેશ માટે જીવવાની તક ગુમાવી દીધી. (ઉત. ૩:૬, ૨૪) એટલે તેઓના વંશજોનો ઉદ્ધાર કરવા ઈસુ આ પૃથ્વી પર આવ્યા. જોકે, પૃથ્વી પર આવવાનું બીજું પણ એક મહત્ત્વનું કારણ હતું. યાદ કરો કે શેતાને એદન બાગમાં યહોવાનું નામ બદનામ કર્યું હતું. (ઉત. ૩:૪, ૫) એટલે યહોવાનું નામ પવિત્ર મનાવવામાં આવે એ વધારે જરૂરી હતું. ઈસુ જાણતા હતા કે જ્યારે યહોવાનું નામ પવિત્ર મનાશે, ત્યારે પૂરી રીતે માણસોનો ઉદ્ધાર થઈ જશે. યહોવાનું નામ પવિત્ર મનાવવા માટે ઈસુ સિવાય બીજું કોઈ યોગ્ય ન હતું. કેમ કે તે યહોવાના નામે આવ્યા હતા અને તેમણે એ જ કર્યું, જે યહોવા ચાહતા હતા.

જો કોઈ વ્યક્તિ યહોવાનું નામ જાણતી ન હોય અથવા એ વાપરતી ન હોય, તો તે કઈ રીતે પોતાને ખ્રિસ્તી કહી શકે?

૮. ઈસુના બધા શિષ્યોએ શું સ્વીકારવાનું હતું?

૮ ઈસુમાં શ્રદ્ધા મૂકનારા બધા લોકોએ સ્વીકારવાનું હતું કે ઈસુના પિતા યહોવા દ્વારા જ તેઓનો ઉદ્ધાર થશે. (યોહા. ૧૭:૩) એ ઉપરાંત, ઈસુની જેમ તેઓ પણ યહોવાના નામે ઓળખાવાના હતા. તેઓએ એ પણ સમજવાનું હતું કે યહોવાનું નામ પવિત્ર મનાવાય એ ખૂબ મહત્ત્વનું છે. કેમ કે એમ કરવાથી જ તેઓનો ઉદ્ધાર થવાનો હતો. (પ્રે.કા. ૨:૨૧, ૨૨) એટલે ઈસુના બધા જ વફાદાર શિષ્યોએ યહોવા અને ઈસુ વિશે શીખવાનું હતું. હવે આપણને ખ્યાલ આવે છે કે ઈસુએ કેમ યોહાન ૧૭માં જણાવેલી તેમની પ્રાર્થના આ શબ્દોથી પૂરી કરી હતી: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ. એ માટે કે જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”—યોહા. ૧૭:૨૬.

“તમે મારા સાક્ષી છો”

૯. ઈસુના ખરા શિષ્યો માટે શું મહત્ત્વનું હોવું જોઈએ?

૯ આપણે હમણાં સુધી જે ચર્ચા કરી એનાથી સાફ જોવા મળે છે કે ઈસુના ખરા શિષ્યો માટે યહોવાનું નામ પવિત્ર મનાવવું ખૂબ જરૂરી છે. (માથ. ૬:૯, ૧૦) આપણા માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ અને એ આપણાં કામોથી દેખાઈ આવવું જોઈએ. પણ આપણે કઈ રીતે યહોવાનું નામ પવિત્ર મનાવી શકીએ અને શેતાન જૂઠો છે એ સાબિત કરી શકીએ?

૧૦. યશાયા ૪૨-૪૪માં કયા મુકદ્દમા વિશે વાત થઈ છે? (યશાયા ૪૩:૯; ૪૪:૭-૯) (ચિત્ર પણ જુઓ.)

૧૦ યશાયા અધ્યાય ૪૨-૪૪થી ખ્યાલ આવે છે કે યહોવાનું નામ પવિત્ર મનાવવા આપણે શું કરી શકીએ. એ અધ્યાયોમાં જોવા મળે છે કે સાચા ઈશ્વર કોણ છે, એ વિશે યહોવા અને બીજાં દેવી-દેવતાઓ વચ્ચે જાણે મુકદ્દમો ચાલી રહ્યો છે. યહોવા એ દેવી-દેવતાઓને પડકાર ફેંકે છે કે જો તેઓ હકીકતમાં હોય, તો એ વાત સાબિત કરે. યહોવા એમ પણ કહે છે કે એ વાત સાબિત કરવા જો કોઈ સાક્ષી હોય તો તે આગળ આવે. પણ કોઈ એ વાત સાબિત કરી શકતું નથી.—યશાયા ૪૩:૯; ૪૪:૭-૯ વાંચો.

ચિત્રો: દુનિયા ફરતે ભાઈ-બહેનો યહોવાનું નામ પવિત્ર મનાવી રહ્યાં છે અને પૃથ્વીની ઉપર દૂતો ઊડી રહ્યા છે. ૧. એક પતિ-પત્ની ટ્રૉલી દ્વારા પ્રચાર કરે છે. ૨. એક યુવાન બહેન તેની સાથે ભણતી છોકરીને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપે છે. ૩. એક ભાઈ મુસાફરી કરી રહ્યા છે અને તે એક માણસને સાક્ષી આપે છે. ૪. પોલીસ અધિકારીઓએ પોતાનું મોં ઢાંક્યું છે અને તેઓ એક ભાઈને હાથકડી પહેરાવીને લઈ જાય છે. ૫. એક બહેન હૉસ્પિટલમાં દાખલ છે અને તે ડૉક્ટરને લોહી વિશે પોતાનો નિર્ણય જણાવી રહ્યાં છે.

આજે આપણે એક મુકદ્દમા સાથે જોડાયેલા છીએ અને સાબિત કરીએ છીએ કે યહોવા જ સાચા ઈશ્વર છે (ફકરા ૧૦-૧૧ જુઓ)


૧૧. યશાયા ૪૩:૧૦-૧૨માં યહોવા પોતાના લોકોને શું કહે છે?

૧૧ યશાયા ૪૩:૧૦-૧૨ વાંચો. યહોવા પોતાના લોકોને કહે છે: “તમે મારા સાક્ષી છો . . . અને હું જ સાચો ઈશ્વર છું.” પછી તે તેઓને આ સવાલ પૂછે છે: “શું મારા સિવાય બીજો કોઈ ઈશ્વર છે?” (યશા. ૪૪:૮) એ કેટલી મોટી વાત કહેવાય કે એ સવાલનો જવાબ આપવાનો આપણને લહાવો મળ્યો છે. આપણે પોતાનાં વાણી-વર્તનથી સાબિત કરી શકીએ છીએ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે અને તેમનું નામ સૌથી મહાન છે. આપણે પોતાનાં જીવનથી બતાવી આપીએ છીએ કે યહોવાને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ અને તેમને વફાદાર છીએ. શેતાન ભલે ગમે એવી કસોટી લાવે, આપણે યહોવાને વળગી રહીએ છીએ. આમ આપણને યહોવાનું નામ પવિત્ર મનાવવાની તક મળે છે.

૧૨. યશાયા ૪૦:૩, ૫ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૨ ઈસુ પણ યહોવાના સાક્ષી છે. કઈ રીતે? ચાલો એક ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ. યશાયાએ ભાખ્યું હતું કે એક વ્યક્તિ “યહોવાનો માર્ગ તૈયાર” કરશે. (યશા. ૪૦:૩) એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુ માટે માર્ગ તૈયાર કર્યો. હકીકતમાં એ યહોવાનો માર્ગ હતો, કેમ કે ઈસુ યહોવાના નામે આવ્યા હતા અને એ જ નામે બોલ્યા હતા. (માથ. ૩:૩; માર્ક ૧:૨-૪; લૂક ૩:૩-૬) એ જ ભવિષ્યવાણીમાં આગળ જણાવ્યું છે: “યહોવાનો મહિમા પ્રગટ કરવામાં આવશે.” (યશા. ૪૦:૫) કઈ રીતે? ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે એટલી હદે યહોવા જેવા ગુણો બતાવ્યા કે જાણે યહોવા પોતે આ પૃથ્વી પર આવ્યા હતા એવું લાગે.—યોહા. ૧૨:૪૫.

૧૩. આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ?

૧૩ જ્યારે આપણે યહોવાના પક્ષે ઊભા રહીએ છીએ અને તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ, ત્યારે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીએ છીએ. તેમની જેમ આપણે પણ યહોવાના સાક્ષી છીએ. આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ અને તેમનાં અજાયબ કામો વિશે લોકોને જણાવીએ છીએ. પણ સારી રીતે સાક્ષી આપવા આપણે લોકોને એ પણ જણાવવું જોઈએ કે યહોવાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ શું કર્યું છે. (પ્રે.કા. ૧:૮) આખરે, ઈસુ જ યહોવાના મુખ્ય સાક્ષી છે અને આપણે તેમનો દાખલો અનુસરીએ છીએ. (પ્રકટી. ૧:૫) પણ બીજી કઈ રીતોએ બતાવી શકીએ કે યહોવાનું નામ આપણા માટે સૌથી મહત્ત્વનું છે?

યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે એ બતાવવાની બીજી રીતો

૧૪. ગીતશાસ્ત્ર ૧૦૫:૩માં જણાવ્યું છે તેમ આપણને યહોવાના નામ વિશે કેવું લાગે છે?

૧૪ આપણને યહોવાના નામ પર ગર્વ છે. (ગીતશાસ્ત્ર ૧૦૫:૩ વાંચો.) આપણે યહોવાના નામ વિશે અભિમાન કરીએ છીએ ત્યારે, તેમને ઘણી ખુશી થાય છે. (યર્મિ. ૯:૨૩, ૨૪; ૧ કોરીં. ૧:૩૧; ૨ કોરીં. ૧૦:૧૭) “યહોવા વિશે અભિમાન” કરવાનો અર્થ થાય કે યહોવા આપણા ઈશ્વર છે એ વાતનો ગર્વ હોવો. આપણે ગર્વથી લોકોને જણાવીએ છીએ કે યહોવા પવિત્ર ઈશ્વર છે અને તે હંમેશાં જે ખરું છે, એ જ કરે છે. આપણે યહોવાના સાક્ષી છીએ એ વાત પડોશીઓ, સાથે કામ કરતા લોકો, સાથે ભણતા વિદ્યાર્થીઓ અને બીજાઓથી છુપાવવી ન જોઈએ. એ વિશે જણાવતા કદી શરમ પણ લાગવી ન જોઈએ. શેતાન ચાહે છે કે આપણે બીજાઓને યહોવાના નામ વિશે જણાવવાનું બંધ કરી દઈએ. (યર્મિ. ૧૧:૨૧; પ્રકટી. ૧૨:૧૭) હકીકતમાં, તે અને તેના જૂઠા પ્રબોધકો તો એવું ચાહે છે કે લોકો યહોવાનું નામ જ ભૂલી જાય. (યર્મિ. ૨૩:૨૬, ૨૭) પણ યહોવાનું નામ આપણને એટલું વહાલું છે કે આપણે દરેક પળે તેમના નામનો જયજયકાર કરીએ છીએ. આમ, “આખો દિવસ” તેમના નામને લીધે ખુશી મનાવીએ છીએ.—ગીત. ૫:૧૧; ૮૯:૧૬.

૧૫. યહોવાના નામે પોકાર કરવાનો અર્થ શું થાય?

૧૫ આપણે યહોવાના નામે પોકાર કરતા રહીએ છીએ. (યોએ. ૨:૩૨; રોમ. ૧૦:૧૩, ૧૪) યહોવાના નામે પોકાર કરવાનો બસ એ જ અર્થ નથી કે આપણે તેમનું નામ જાણીએ અને એનો ઉપયોગ કરીએ, એમાં બીજું ઘણું સમાયેલું છે. આપણે જાણીએ છીએ કે યહોવા ઈશ્વરમાં લાગણીઓ અને સરસ ગુણો છે તેમજ આપણે તેમની નજીક જઈ શકીએ છીએ. આપણે તેમનામાં ભરોસો મૂકીએ છીએ તેમજ મદદ અને માર્ગદર્શન માટે તેમના પર આધાર રાખીએ છીએ. (ગીત. ૨૦:૭; ૯૯:૬; ૧૧૬:૪; ૧૪૫:૧૮) આપણે બીજાઓને યહોવાનાં નામ અને ગુણો વિશે પણ જણાવીએ છીએ. આપણે તેઓને ફેરફારો કરવા મદદ કરીએ છીએ, જેથી તેઓ યહોવાની કૃપા મેળવે અને પોતાનું જીવન બચાવે.—યશા. ૧૨:૪; પ્રે.કા. ૨:૨૧, ૩૮.

૧૬. આપણે કઈ રીતે સાબિત કરી શકીએ કે શેતાન જૂઠો છે?

૧૬ આપણે યહોવાના નામ માટે દુઃખો સહન કરવા તૈયાર છીએ. (યાકૂ. ૫:૧૦, ૧૧) મુસીબતોમાં પણ યહોવાને વફાદાર રહીને સાબિત કરીએ છીએ કે શેતાન જૂઠો છે. અયૂબના સમયમાં તેણે યહોવાના ભક્તો પર આવો આરોપ મૂક્યો હતો: “માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે.” (અયૂ. ૨:૪) શેતાનનો દાવો હતો કે માણસો ફક્ત સુખના સમયે જ યહોવાની ભક્તિ કરશે. તેઓ પર તકલીફો આવી પડશે ત્યારે તેઓ યહોવાને છોડી દેશે. અયૂબે યહોવાને વફાદાર રહીને શેતાનનો એ આરોપ જૂઠો સાબિત કર્યો. આજે આપણી પાસે પણ શેતાનને જૂઠો સાબિત કરવાનો લહાવો છે. ભલે શેતાન આપણા પર મુસીબતોનું તોફાન લાવે, આપણે ક્યારેય યહોવાથી મોં ફેરવી લઈશું નહિ. આપણે ખાતરી રાખી શકીશું કે યહોવા પોતાના નામને લીધે આપણું ધ્યાન રાખશે.—યોહા. ૧૭:૧૧.

૧૭. પહેલો પિતર ૨:૧૨માં જણાવ્યા પ્રમાણે આપણે બીજી કઈ રીતે યહોવાના નામનો મહિમા કરી શકીએ?

૧૭ યહોવાના નામનો મહિમા કરવા આપણે બનતું બધું કરીએ છીએ. (નીતિ. ૩૦:૯; યર્મિ. ૭:૮-૧૧) આપણે યહોવાના નામે ઓળખાઈએ છીએ. આપણાં કામોથી કાં તો તેમને મહિમા મળી શકે છે, કાં તો તેમનું નામ બદનામ થઈ શકે છે. (૧ પિતર ૨:૧૨ વાંચો.) એટલે આપણાં વાણી-વર્તનથી યહોવાનો મહિમા કરવાની એકેય તક જતી કરતા નથી. આમ પાપી હોવા છતાં, આપણે હંમેશાં યહોવાને મહિમા આપી શકીશું.

૧૮. બીજી કઈ રીતે બતાવી શકીએ કે આપણા માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે? (ફૂટનોટ પણ જુઓ.)

૧૮ આપણને પોતાના નામ કરતાં યહોવાના નામની વધારે ચિંતા છે. (ગીત. ૧૩૮:૨) શા માટે? આપણે યહોવાના નામનો મહિમા કરીએ છીએ એ કદાચ અમુક લોકોને ન ગમે અને તેઓ આપણું નામ બદનામ કરે.a એવું થાય ત્યારે આપણે ઈસુનો દાખલો મનમાં રાખી શકીએ. યહોવાના નામનો મહિમા થાય એ માટે ઈસુ ગુનેગાર તરીકે મરવા તૈયાર હતા. તેમણે ઘણું “અપમાન” સહન કર્યું. પણ ઈસુને એ વાતની જરાય ચિંતા ન હતી કે લોકો તેમના વિશે શું વિચારશે. (હિબ્રૂ. ૧૨:૨-૪) તેમનું પૂરું ધ્યાન યહોવાની ઇચ્છા પૂરી કરવા પર હતું.—માથ. ૨૬:૩૯.

૧૯. તમને યહોવાના નામ વિશે કેવું લાગે છે અને કેમ?

૧૯ આપણને યહોવાના નામ પર ગર્વ છે અને આપણા માટે યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવું મોટા સન્માનની વાત છે. યહોવાના નામને મહિમા મળે એ માટે આપણે અપમાન સહેવા પણ તૈયાર છીએ. આપણને પોતાના નામ કરતાં યહોવાના નામની વધારે ચિંતા છે. એટલે ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં યહોવાના નામનો મહિમા કરતા રહીશું, પછી ભલે શેતાન આપણને રોકવાની લાખ કોશિશ કરે. આમ સાબિત કરીશું કે ઈસુ ખ્રિસ્તની જેમ આપણા માટે પણ યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે.

તમે શું કહેશો?

  • ઈસુના ખરા શિષ્યો માટે યહોવાનું નામ કેમ સૌથી મહત્ત્વનું છે?

  • આજે આપણે કયા મુકદ્દમા સાથે જોડાયેલા છીએ?

  • કઈ રીતે સાબિત કરી શકીએ કે આપણા માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે?

ગીત ૯ યહોવાનો જયજયકાર

a અયૂબ યહોવાને વફાદાર હતા. પણ એક સમયે તે પોતાની શાખ વિશે વધારે પડતું વિચારવા લાગ્યા. યાદ કરો કે જ્યારે તેમણે પોતાનાં બાળકોને મરણમાં ગુમાવ્યાં અને તેમની બધી સંપત્તિ લૂંટાઈ ગઈ, ત્યારે તેમણે શું કર્યું. બાઇબલમાં લખ્યું છે: “અયૂબે પાપ કર્યું નહિ અથવા ઈશ્વરે કંઈક ખોટું કર્યું છે, એવો આરોપ મૂક્યો નહિ.” (અયૂ. ૧:૨૨, ફૂટનોટ; ૨:૧૦) પણ જ્યારે તેમના ત્રણ મિત્રોએ તેમના પર ખોટા આરોપ મૂક્યા અને તેમનું નામ બદનામ કર્યું, ત્યારે તે “ધડ-માથા વગરની વાતો” કરવા લાગ્યા. યહોવાનું નામ પવિત્ર મનાવવાને બદલે તેમણે પોતાની શાખ બચાવવા પર વધારે ધ્યાન આપ્યું.—અયૂ. ૬:૩; ૧૩:૪, ૫; ૩૨:૨; ૩૪:૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો