વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 મે પાન ૨૦-૨૫
  • ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે”
  • ‘મને આપેલું તમારું નામ’
  • “હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો”
  • “હું મારું જીવન આપું છું”
  • ‘તમે જે કામ મને સોંપ્યું હતું, એ મેં પૂરું કર્યું છે’
  • તમારા માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “યહોવાના નામની સ્તુતિ કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ઈસુના બલિદાનથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 મે પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૨૨

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે?

“મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ.”—યોહા. ૧૭:૨૬.

આપણે શું શીખીશું?

ઈસુએ કયા અર્થમાં લોકોને યહોવાનું નામ જણાવ્યું? તેમણે કઈ રીતે યહોવાનું નામ પવિત્ર મનાવ્યું અને તેમની શાખ પર લાગેલો ડાઘ દૂર કર્યો?

૧-૨. (ક) ઈસુએ પોતાના મરણની આગલી રાતે શું કર્યું? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?

સાલ ૩૩, નીસાન ૧૪, ગુરુવારની આ સાંજ છે. ઈસુ અને વફાદાર પ્રેરિતો ઉપરના માળે તૈયાર કરેલા એક ઓરડામાં છે. હમણાં જ તેઓએ ઈસુનું સાંજનું ભોજન લીધું છે. ઈસુ જાણે છે કે બહુ જલદી યહૂદા ઇસ્કારિયોત તેમને દગો દેશે, દુશ્મનો તેમને રિબાવી રિબાવીને વધસ્તંભ પર મારી નાખશે. એટલે ભોજન પછી તે પ્રેરિતોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહે છે. છેલ્લે ત્યાંથી નીકળતા પહેલાં તે એક ખાસ પ્રાર્થના કરે છે. પ્રેરિત યોહાને એ પ્રાર્થના નોંધી લીધી છે. એ આપણને યોહાન અધ્યાય ૧૭માં જોવા મળે છે.

૨ આ લેખમાં આપણે ઈસુની એ પ્રાર્થનામાંથી અમુક વાતો શીખીશું. પોતાના મરણ પહેલાં ઈસુને શાની ચિંતા હતી? તે પૃથ્વી પર હતા ત્યારે તેમના માટે સૌથી વધારે મહત્ત્વનું શું હતું? ચાલો, એ સવાલોના જવાબ મેળવીએ.

“મેં તેઓને તમારું નામ જણાવ્યું છે”

૩. “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે,” એ શબ્દોથી ઈસુ શું કહેવા માંગતા હતા? (યોહાન ૧૭:૬, ૨૬)

૩ ઈસુએ પોતાની પ્રાર્થનામાં કહ્યું હતું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે.” તેમણે પ્રાર્થનામાં બે વાર કહ્યું હતું કે તેમણે શિષ્યોને યહોવાનું નામ જણાવ્યું છે. (યોહાન ૧૭:૬, ૨૬ વાંચો.) તેમના કહેવાનો અર્થ શું હતો? શું તે શિષ્યોને એવું કોઈ નામ જણાવી રહ્યા હતા, જેના વિશે તેઓને ખબર ન હતી? ના. એ શિષ્યો તો યહૂદી હતા. એટલે તેઓ પહેલેથી જાણતા હતા કે ઈશ્વરનું નામ યહોવા છે. ઉપરાંત, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં લગભગ ૭,૦૦૦ વખત યહોવાનું નામ આવે છે. એટલે જ્યારે ઈસુએ કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે,” ત્યારે તે યહોવાના નામ વિશે વાત કરી રહ્યા ન હતા. એના બદલે, તે શિષ્યોને શીખવી રહ્યા હતા કે એ નામ ધરાવનાર ઈશ્વર કેવા છે. જેમ કે, યહોવામાં કેવા ગુણો છે, પૃથ્વી અને માણસો માટે તેમનો કયો હેતુ છે, તેમણે કેવાં કામો કર્યાં છે અને ભાવિમાં તે શું કરવાના છે. આમ તે યહોવાને વધારે સારી રીતે ઓળખવા શિષ્યોને મદદ કરી રહ્યા હતા. શું ઈસુ સિવાય બીજું કોઈ યહોવા વિશે આટલું સારી રીતે શીખવી શકે? બિલકુલ નહિ!

૪-૫. (ક) દાખલો આપીને સમજાવો કે કઈ રીતે એક વ્યક્તિનું નામ વધારે ખાસ બની શકે છે. (ખ) ઈસુના શિષ્યો માટે કઈ રીતે યહોવાનું નામ વધારે ખાસ બન્યું?

૪ ચાલો એક દાખલો લઈએ. ધારો કે તમારા મંડળમાં ડેવિડ નામના એક વડીલ છે. તે ડૉક્ટર પણ છે. તમે ઘણાં વર્ષોથી એ ભાઈને ઓળખો છો. પણ એક દિવસે તમારું જીવન જોખમમાં આવી જાય છે અને તમને સારવાર માટે એક ડૉક્ટરની જરૂર પડે છે. તમે તરત એ હૉસ્પિટલે જાઓ છો, જ્યાં ભાઈ કામ કરે છે. તે તમારું જીવન બચાવે છે. હવે તમે એ ભાઈને વધારે પ્રેમ કરવા લાગ્યા હશો, ખરું ને! એ ભાઈનું નામ તમારા માટે વધારે ખાસ બની ગયું હશે. તમે જ્યારે પણ એ ભાઈનું નામ સાંભળશો, ત્યારે તમને યાદ આવશે કે તેમણે તમારા માટે શું કર્યું છે. હવે ડેવિડભાઈ તમારા માટે ફક્ત મંડળના વડીલ જ નહિ, તમારું જીવન બચાવનાર એક ડૉક્ટર પણ છે.

૫ એવી જ રીતે, ઈસુના શિષ્યો પહેલેથી યહોવાનું નામ જાણતા હતા. પણ ઈસુની મદદથી તેઓ યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યા. એટલે યહોવાનું નામ તેઓ માટે વધારે ખાસ બની ગયું. આપણે કેમ એવું કહી શકીએ? ઈસુ આબેહૂબ યહોવા જેવા છે. તેમણે જે કંઈ કહ્યું અને કર્યું, એમાં તેમના પિતાના ગુણો છલકાતા હતા. એટલે જ્યારે શિષ્યોએ જોયું કે ઈસુ કઈ રીતે બીજાઓને શીખવે છે અને તેઓ સાથે વર્તે છે, ત્યારે તેઓ યહોવાને વધારે સારી રીતે ‘ઓળખી’ શક્યા.—યોહા. ૧૪:૯; ૧૭:૩.

‘મને આપેલું તમારું નામ’

૬. યહોવાએ કયા અર્થમાં ઈસુને પોતાનું નામ આપ્યું હતું? (યોહાન ૧૭:૧૧, ૧૨)

૬ ઈસુએ પોતાના શિષ્યો માટે પ્રાર્થના કરતા કહ્યું: “મને આપેલા તમારા નામને લીધે તેઓનું ધ્યાન રાખજો.” (યોહાન ૧૭:૧૧, ૧૨ વાંચો.) શું એનો એવો અર્થ થાય કે ઈસુ હવેથી યહોવાના નામે ઓળખાવાના હતા? ના. ધ્યાન આપો કે ઈસુએ પ્રાર્થનામાં યહોવાના નામનો કઈ રીતે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘તમારું નામ.’ એટલે લોકો કંઈ ઈસુને હવે યહોવાના નામથી બોલાવાના ન હતા. તો પછી ઈસુને કયા અર્થમાં યહોવાનું નામ આપવામાં આવ્યું હતું? સૌથી પહેલી વાત, યહોવાએ ઈસુને તેમના વતી સંદેશો જણાવવા મોકલ્યા હતા. તે આ પૃથ્વી પર પોતાના પિતાના નામે આવ્યા હતા અને એ જ નામે તેમણે શક્તિશાળી કામો કર્યાં હતાં. (યોહા. ૫:૪૩; ૧૦:૨૫) વધુમાં, ઈસુ નામનો અર્થ થાય છે, “યહોવા તારણ છે.” આમ, ઈસુના નામમાં જ યહોવાનું નામ સમાયેલું છે.

૭. ઈસુ પાસે કેમ યહોવાના નામે બોલવાનો અધિકાર હતો? દાખલો આપો.

૭ ચાલો એક દાખલો લઈએ. એક રાજા એક વ્યક્તિને પોતાનો સંદેશ જણાવવા મોકલે છે. એટલે એ વ્યક્તિ કંઈ પણ બોલે છે ત્યારે, તેની પાસે એ રાજા જેટલો જ અધિકાર હોય છે. એવી જ રીતે, ઈસુ પાસે પણ યહોવાના નામે બોલવાનો અધિકાર હતો, કેમ કે યહોવાએ તેમને મોકલ્યા હતા.—માથ. ૨૧:૯; લૂક ૧૩:૩૫.

૮. ઈસુ હજી પૃથ્વી પર આવ્યા ન હતા, તોપણ યહોવાએ કેમ આવું કહ્યું: “તે મારા નામે તમારી પાસે આવે છે”? (નિર્ગમન ૨૩:૨૦, ૨૧)

૮ બાઇબલમાં ઈસુને “શબ્દ” કહેવામાં આવ્યા છે, કેમ કે યહોવાએ ઈસુ દ્વારા દૂતોને અને માણસોને પોતાનો સંદેશો જણાવ્યો અને માર્ગદર્શન આપ્યું. (યોહા. ૧:૧-૩) એવું લાગે છે કે ઇઝરાયેલીઓ જ્યારે વેરાન પ્રદેશમાં હતા, ત્યારે તેઓની સંભાળ રાખવા યહોવાએ જે દૂતને મોકલ્યા, એ ઈસુ જ હતા. યહોવાએ ઇઝરાયેલીઓને એ દૂતની આજ્ઞા પાળવાનું કહ્યું અને સાથે સાથે એનું કારણ પણ આપ્યું. યહોવાએ કહ્યું: “તે મારા નામે તમારી પાસે આવે છે.”a (નિર્ગમન ૨૩:૨૦, ૨૧ વાંચો.) યહોવાએ કેમ એવું કહ્યું? એક, ઈસુ યહોવા વતી બોલે છે. બે, યહોવા ન્યાયી છે એ સાબિત કરવામાં અને તેમનું નામ પવિત્ર મનાવવામાં ઈસુ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.

“હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો”

૯. ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું હતું? સમજાવો.

૯ આપણે અગાઉ જોઈ ગયા તેમ, ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાંથી તેમના માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું હતું. પૃથ્વી પર આવ્યા પછી પણ તેમણે પોતાના દરેક કામથી બતાવી આપ્યું કે તેમના માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું હતું. પોતાના સેવાકાર્યના અંતમાં તે પોકારી ઊઠ્યા: “હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” તરત જ તેમના પિતાએ આકાશમાંથી મોટા અવાજે જવાબ આપ્યો: “મેં એનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરીથી કરીશ.”—યોહા. ૧૨:૨૮.

૧૦-૧૧. (ક) ઈસુએ કઈ રીતે યહોવાના નામનો મહિમા પ્રગટ કર્યો? (ચિત્ર પણ જુઓ.) (ખ) યહોવાનું નામ પવિત્ર મનાવાય અને તેમના નામ પર લાગેલું કલંક દૂર થાય એ કેમ જરૂરી છે?

૧૦ ઈસુએ પોતે પણ પિતાના નામનો મહિમા પ્રગટ કર્યો. કઈ રીતે? તેમણે લોકોને યહોવાના જોરદાર ગુણો વિશે અને તેમણે કરેલાં મહાન કામો વિશે જણાવ્યું. જોકે યહોવાના નામનો મહિમા કરવામાં બીજું પણ કંઈક સમાયેલું હતું. એ હતું, યહોવાનું નામ પવિત્ર મનાવાય અને તેમની શાખ પર લાગેલો ડાઘ દૂર થાય. ઈસુએ જ્યારે શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે બતાવી આપ્યું કે તેમના માટે એ કેટલું મહત્ત્વનું હતું. તેમણે કહ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.”—માથ. ૬:૯.

૧૧ યહોવાનું નામ પવિત્ર મનાવાય અને તેમના નામ પર લાગેલું કલંક દૂર થાય એ કેમ જરૂરી છે? કેમ કે શેતાને એદન બાગમાં યહોવા ઈશ્વરનું અપમાન કર્યું હતું અને તેમની નિંદા કરી હતી. શેતાને દાવો કર્યો હતો કે યહોવા જૂઠા છે અને તે આદમ અને હવાથી સારી સારી વસ્તુઓ પાછી રાખે છે. (ઉત. ૩:૧-૫) શેતાન એવું પણ કહેવા માંગતો હતો કે યહોવા સારી રીતે રાજ નથી કરી શકતા. આવા જૂઠા આરોપો મૂકીને શેતાને સીધેસીધી રીતે યહોવાના નામ પર, એટલે કે તેમની શાખ પર કીચડ ઉછાળ્યું. પછીથી અયૂબના દિવસોમાં તેણે દાવો કર્યો કે માણસો સ્વાર્થી છે. તેઓને યહોવા પાસેથી કંઈક મળે છે એટલે તેઓ તેમની ભક્તિ કરે છે. તેણે એવો પણ આરોપ મૂક્યો કે માણસો સાચા દિલથી યહોવાને પ્રેમ નથી કરતા. જો તેઓ પર મુસીબતો આવી પડે તો તેઓ યહોવાની ભક્તિ કરવાનું છોડી દેશે. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪) એટલે સવાલ થાય કે સાચું કોણ હતું, યહોવા કે શેતાન. એ સાબિત કરવા સમય લાગવાનો હતો.

ઈસુ એક મોટા ટોળાને પહાડ પરનો ઉપદેશ આપે છે.

ઈસુએ શિષ્યોને શીખવ્યું કે ઈશ્વરનું નામ પવિત્ર મનાવવું કેટલું જરૂરી છે (ફકરો ૧૦ જુઓ)


“હું મારું જીવન આપું છું”

૧૨. યહોવાના નામ માટેના પ્રેમને લીધે ઈસુ શું કરવા તૈયાર હતા?

૧૨ યહોવા માટેના પ્રેમને લીધે ઈસુ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાવાય અને તેમના નામ પર લાગેલું કલંક દૂર થાય. એ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા. યહોવાના નામ માટે તે પોતાનું જીવન આપવા પણ તૈયાર હતા.b તેમણે કહ્યું: “હું મારું જીવન આપું છું.” (યોહા. ૧૦:૧૭, ૧૮) હવે આનો વિચાર કરો: સૌથી પહેલા પુરુષ અને સ્ત્રી, આદમ અને હવામાં જરાય પાપ ન હતું. પણ તેઓએ યહોવાથી મોં ફેરવી લીધું અને શેતાનનો પક્ષ લીધો. બીજી બાજુ, ઈસુ રાજીખુશીથી આ પૃથ્વી પર આવવા અને યહોવા માટેનો પ્રેમ સાબિત કરવા તૈયાર હતા. ઈસુએ એકેએક વાતમાં યહોવાનું કહ્યું કરીને એ સાબિત કર્યું. (હિબ્રૂ. ૪:૧૫; ૫:૭-૧૦) તે આખું જીવન, અરે વધસ્તંભ પર મરણ પામ્યા ત્યાં સુધી યહોવાને વફાદાર રહ્યા. (હિબ્રૂ. ૧૨:૨) આમ, તેમણે યહોવા અને તેમના નામ માટેનો પ્રેમ બતાવી આપ્યો.

૧૩. શેતાન જૂઠો છે એ સાબિત કરવા કેમ ઈસુ જ સૌથી યોગ્ય હતા? (ચિત્ર પણ જુઓ.)

૧૩ ઈસુએ પોતાના જીવનથી સાબિત કર્યું કે શેતાન જૂઠો છે, યહોવા નહિ. (યોહા. ૮:૪૪) આ દુનિયામાં થઈ ગયેલા લોકોમાં ફક્ત ઈસુ જ યહોવાને સૌથી સારી રીતે ઓળખે છે. જો શેતાનની વાતોમાં જરાક જેટલું પણ સત્ય હોત, તો ઈસુ એ જાણતા હોત. પણ ઈસુ જાણતા હતા કે શેતાનની વાતમાં જરાય દમ નથી, એટલે તેમણે પાકો નિર્ણય કર્યો હતો કે તે યહોવાનું નામ મોટું મનાવીને જ રહેશે. જ્યારે યહોવાએ ઈસુ પરથી પોતાનું રક્ષણ હટાવી દીધું, ત્યારે પણ ઈસુએ તેમને બેવફા બનવાનો વિચાર ન કર્યો. તે તો રાજીખુશીથી પોતાનો જીવ આપવા અને પોતાના પ્રેમાળ પિતાને વફાદાર રહેવા તૈયાર હતા.—માથ. ૨૭:૪૬.c

ઈસુ વધસ્તંભ પર છે.

ઈસુએ પોતાના જીવનથી સાબિત કર્યું કે શેતાન જૂઠો છે, યહોવા નહિ (ફકરો ૧૩ જુઓ)


‘તમે જે કામ મને સોંપ્યું હતું, એ મેં પૂરું કર્યું છે’

૧૪. ઈસુની વફાદારી માટે યહોવાએ તેમને કયું ઇનામ આપ્યું?

૧૪ પોતાના મરણની આગલી રાતે ઈસુ પ્રાર્થનામાં કહી શક્યા: ‘તમે જે કામ મને સોંપ્યું હતું, એ મેં પૂરું કર્યું છે.’ ઈસુને ભરોસો હતો કે તેમની વફાદારી માટે યહોવા તેમને જરૂર ઇનામ આપશે. (યોહા. ૧૭:૪, ૫) પિતા યહોવાએ તેમનો એ ભરોસો ન તોડ્યો. તેમણે ઈસુને કબરમાં રહેવા ન દીધા. (પ્રે.કા. ૨:૨૩, ૨૪) તેમણે ઈસુને મરણમાંથી જીવતા કર્યા અને સ્વર્ગમાં વધારે ઊંચી પદવી આપી. (ફિલિ. ૨:૮, ૯) સમય જતાં, ઈસુ યહોવાના રાજ્યના રાજા તરીકે રાજ કરવા લાગ્યા. એ રાજ્ય દ્વારા શું શક્ય બનશે? ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવતી વખતે જે કહ્યું હતું, એમાં એનો જવાબ મળે છે. ઈસુએ કહ્યું હતું: “તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી [યહોવાની] ઇચ્છા પૂરી થાઓ.”—માથ. ૬:૧૦.

૧૫. ઈસુ બીજું શું કરશે?

૧૫ ઈસુ નજીકના ભાવિમાં ઈશ્વરના દુશ્મનો સામે યુદ્ધ કરશે અને આર્માગેદનની લડાઈમાં દુષ્ટોનો સફાયો કરી દેશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૧-૧૬) એના થોડા જ સમય પછી તે શેતાનને “અનંત ઊંડાણમાં” નાખી દેશે. ત્યાં શેતાન કેદમાં રહેશે અને કંઈ જ કરી નહિ શકે. (પ્રકટી. ૨૦:૧-૩) પછી ઈસુ પોતાના હજાર વર્ષના રાજ દરમિયાન પૃથ્વી પર ફરીથી શાંતિ સ્થાપશે અને માણસોમાંથી પાપ દૂર કરશે. તે ગુજરી ગયેલાઓને જીવતા કરશે. તે આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. આખરે, યહોવાનો હેતુ પૂરો થશે.—પ્રકટી. ૨૧:૧-૪.

૧૬. એક હજાર વર્ષના રાજ પછી જીવન કેવું હશે?

૧૬ એક હજાર વર્ષના રાજ પછી જીવન કેવું હશે? માણસોમાંથી પાપ અને પાપને લીધે આવતી દરેક તકલીફ દૂર કરવામાં આવી હશે. માણસોને ઈસુના બલિદાનને આધારે પોતાનાં પાપોની માફી માંગવાની જરૂર નહિ પડે, કેમ કે માણસોમાં પાપ હશે જ નહિ. વધુમાં, યહોવાની નજીક જવા આપણે ઈસુની કે ૧,૪૪,૦૦૦ જનોની મદદ લેવી નહિ પડે. “છેલ્લા દુશ્મન મરણનું નામનિશાન મિટાવી દેવામાં” આવ્યું હશે. કબરો ખાલી થઈ ગઈ હશે. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવ્યા હશે. આ પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિમાંથી તન-મનની ખામી દૂર કરવામાં આવી હશે. એકેએક વ્યક્તિ પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થઈ ગઈ હશે.—૧ કોરીં. ૧૫:૨૫, ૨૬.

૧૭-૧૮. (ક) હજાર વર્ષના રાજના અંતે શું થશે? (ખ) ઈસુનો રાજ કરવાનો સમયગાળો પૂરો થશે ત્યારે તે શું કરશે? (૧ કોરીંથીઓ ૧૫:૨૪, ૨૮) (ચિત્ર પણ જુઓ.)

૧૭ હજાર વર્ષના રાજના અંતે બીજું શું થશે? કંઈક ખાસ બનશે. યહોવાનું નામ પૂરેપૂરી રીતે પવિત્ર મનાવાયું હશે અને યહોવાની રાજ કરવાની રીત પર ફરી કદી કોઈ સવાલ નહિ ઉઠાવે. આપણે કેમ એવું કહી શકીએ? એદન બાગમાં શેતાને આરોપ મૂક્યો હતો કે યહોવા જૂઠા છે અને તે પ્રેમાળ શાસક નથી. જોકે ત્યારથી જ યહોવાના વફાદાર ભક્તોએ વારંવાર સાબિત કર્યું છે કે યહોવાના બધા જ માર્ગો ખરા છે. એટલે હજાર વર્ષના રાજના અંતે યહોવાના નામ પર લાગેલું કલંક પૂરી રીતે દૂર થઈ જશે. યહોવાએ સાબિત કરી દીધું હશે કે તે જ આપણા પ્રેમાળ પિતા છે.

૧૮ એક હજાર વર્ષના રાજના અંતે સાબિત થઈ ગયું હશે કે શેતાન જૂઠો છે. ઈસુનો રાજ કરવાનો સમયગાળો પૂરો થશે ત્યારે તે શું કરશે? શું તે શેતાનના પગલે ચાલીને યહોવા વિરુદ્ધ બળવો કરશે? ના, તે શેતાન જેવા જરાય નથી. (૧ કોરીંથીઓ ૧૫:૨૪, ૨૮ વાંચો.) તે પોતાના પિતાને રાજ્ય પાછું સોંપી દેશે. તે યહોવાના રાજને આધીન થશે. ઈસુ પોતાના પિતાને એટલો બધો પ્રેમ કરે છે કે તે રાજીખુશીથી પોતાનો બધો અધિકાર પિતાને પાછો આપી દેશે.

ઈસુ સ્વર્ગમાં છે અને પોતાનો મુગટ યહોવાને આપે છે.

હજાર વર્ષના રાજના અંતે ઈસુ રાજીખુશીથી રાજ્ય યહોવાને પાછું આપે છે (ફકરો ૧૮ જુઓ)


૧૯. આ લેખમાં આપણને ઈસુ વિશે શું શીખવા મળ્યું?

૧૯ આપણે જોઈ શકીએ છીએ કે યહોવા કેમ ઈસુને પોતાનું નામ આપવા તૈયાર હતા. ઈસુએ પૂરેપૂરી રીતે બતાવી આપ્યું કે તેમના પિતા કેવા છે. તો ઈસુ માટે યહોવાનું નામ કેટલું મહત્ત્વનું છે? એ તેમના માટે સર્વસ્વ છે. એ નામ માટે તે પોતાનો જીવ આપવા તૈયાર હતા. એ જ નામ માટે તે રાજીખુશીથી હજાર વર્ષના અંતે પોતાનું બધું જ પિતા યહોવાને પાછું સોંપી દેશે. આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ? એ સવાલનો જવાબ આવતા લેખમાં મેળવીશું.

તમે શું કહેશો?

  • ઈસુએ કઈ રીતે શિષ્યોને યહોવાનું નામ જણાવ્યું?

  • ઈસુને કયા અર્થમાં યહોવાનું નામ આપવામાં આવ્યું?

  • યહોવાના નામ માટે ઈસુ શું કરવા તૈયાર હતા અને શા માટે?

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

a અમુક વાર યહોવાએ પોતાનો સંદેશો જણાવવા દૂતોનો ઉપયોગ કર્યો. એવા વખતે દૂતો યહોવાના નામે બોલ્યા. એટલે જ બાઇબલમાં કેટલીક વાર એવું લખેલું જોવા મળે છે કે યહોવાએ વાત કરી, પણ હકીકતમાં દૂતોએ વાત કરી હતી. (ઉત. ૧૮:૧-૩૩) બાઇબલથી જોવા મળે છે કે યહોવાએ મૂસાને નિયમશાસ્ત્ર આપ્યું હતું, પણ બીજી કલમોથી ખ્યાલ આવે છે કે યહોવાએ દૂતો દ્વારા એ નિયમશાસ્ત્ર આપ્યું હતું.—લેવી. ૨૭:૩૪; પ્રે.કા. ૭:૩૮, ૫૩; ગલા. ૩:૧૯; હિબ્રૂ. ૨:૨-૪.

b ઈસુના મરણથી માણસો માટે હંમેશ માટેનું જીવન મેળવવાનો માર્ગ પણ ખૂલ્યો.

c એપ્રિલ ૨૦૨૧, ચોકીબુરજ પાનાં ૩૦-૩૧ પર આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો