યહોવા સાથે કામ કરવાના લહાવાને કીમતી ગણીએ
‘આપણે ઈશ્વર સાથે કામ કરનારા છીએ.’—૧ કોરીં. ૩:૯.
૧. યહોવાને કામ વિશે કેવું લાગે છે અને શા માટે તે બીજાઓને પણ કામ સોંપે છે?
યહોવા પોતાના કામમાં આનંદ માણે છે. (ગીત. ૧૩૫:૬; યોહા. ૫:૧૭) તે ઇચ્છે છે કે મનુષ્યો અને સ્વર્ગદૂતો પણ પોતાનાં કામથી ખુશ થાય. તેથી, તે તેઓને એવું કામ સોંપે છે, જેમાં તેઓ સંતોષ અને આનંદ માણી શકે. યહોવાએ આખા વિશ્વનું સર્જન કરવામાં પણ પોતાના પ્રથમ દીકરાનો સાથ લીધો. (કોલોસી ૧:૧૫, ૧૬ વાંચો.) બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, ઈસુ આ ધરતી પર આવ્યા એ પહેલાં તે સ્વર્ગમાં એક “કુશળ કારીગર તરીકે” ઈશ્વર સાથે હતા.—નીતિ. ૮:૩૦.
૨. દૂતોને પણ મહત્ત્વનાં કામ સોંપવામાં આવે છે, એ શાના આધારે કહી શકાય?
૨ બાઇબલના પહેલા પુસ્તકથી લઈને છેલ્લા સુધીમાં એવા ઘણા અહેવાલ જોવા મળે છે, જેમાં યહોવાએ દૂતોને જુદાં જુદાં કામ સોંપ્યાં હોય. દાખલા તરીકે, આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેઓને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. એ સમયે યહોવાએ ‘જીવનના વૃક્ષને સાચવવા માટે સ્વર્ગદૂતો અને ચોતરફ ફરનારી સળગતી તરવાર એદન વાડીની પૂર્વ બાજુએ મૂકી.’ (ઉત. ૩:૨૪) પ્રકટીકરણ ૨૨:૬ પણ જણાવે છે કે, યહોવાએ “જે થોડી વારમાં થવાનું જ છે એ પોતાના સેવકોને દેખાડવા માટે પોતાના દૂતને મોકલ્યો.” આમ, પોતાના લોકોને ભાવિ વિશે જણાવવા યહોવાએ દૂતોનો ઉપયોગ કર્યો.
મનુષ્યોને સોંપાયેલાં કામ
૩. ઈસુ ધરતી પર હતા ત્યારે પિતાને કઈ રીતે અનુસર્યા?
૩ ધરતી પર આવ્યા ત્યારે પણ ઈસુએ યહોવા પાસેથી મળેલું કામ ખુશીથી કર્યું. તેમણે પિતાનું અનુકરણ કરીને, પોતાના શિષ્યોને મહત્ત્વનું કામ સોંપ્યું. ઈસુએ તેઓમાં એ કામ માટે ઉત્સાહ જગાડ્યો. તેમણે કહ્યું: ‘હું તમને ખાતરી આપું છું, કે હું જે કામો કરું છું એ જ કામ, મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામ કરશે; કેમ કે હું પિતાની પાસે જાઉં છું.’ (યોહા. ૧૪:૧૨) ઉપરાંત, એ કામમાં ઢીલ ન કરવી કેટલી જરૂરી છે એ સમજાવતા તેમણે કહ્યું, ‘જ્યાં સુધી દહાડો છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે, કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી.’—યોહા. ૯:૪.
૪-૬. (ક) નુહ અને મુસાએ યહોવાના કહ્યાં પ્રમાણે કર્યું એની આપણે કેમ કદર કરવી જોઈએ? (ખ) આપણને યહોવા જે સોંપણી આપે છે, એનાથી કઈ બે બાબત બને છે?
૪ ઈસુ ધરતી પર આવ્યા એનાં ઘણાં વર્ષો પહેલાં, યહોવાએ મનુષ્યોને સંતોષ આપતું કામ આપ્યું હતું. યહોવાએ આદમ અને હવાને જે કામ આપ્યું એ તેઓએ પૂરું ન કર્યું. જ્યારે કે, બીજા ઘણાએ યહોવાએ આપેલાં કામ પૂરાં કર્યાં છે. (ઉત. ૧:૨૮) જેમ કે, યહોવાએ નુહને વહાણ બનાવવા સૂચનો આપ્યાં, જેથી તે અને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચી શકે. નુહે યહોવાના કહ્યાં પ્રમાણે જ કર્યું. એ તેમણે કેટલું સારું કર્યું! કેમ કે, એના લીધે જ આજે આપણે હયાત છીએ.—ઉત. ૬:૧૪-૧૬, ૨૨; ૨ પીત. ૨:૫.
૫ યહોવાએ મુસાને મુલાકાતમંડપ અને યાજકોની ગોઠવણો કરવા ખાસ સૂચનો આપ્યાં હતાં. મુસાએ એ બધાં સૂચનો પ્રમાણે જ કર્યું. (નિર્ગ. ૩૯:૩૨; ૪૦:૧૨-૧૬) મુસાની સખત મહેનત અને આજ્ઞાપાલનથી આપણને પણ ફાયદો થાય છે. કઈ રીતે? પ્રેરિત પાઊલના શબ્દોમાં એનો જવાબ મળે છે. તેમણે જણાવ્યું કે એ ગોઠવણોએ આપણને ભાવિમાં “જે સારી વસ્તુઓ થવાની હતી એની પ્રતિછાયા” આપી છે.—હિબ્રૂ ૯:૧-૫, ૯; ૧૦:૧.
૬ યહોવા પોતાનો હેતુ પૂરો કરવામાં લાગુ રહ્યા. એના માટે તેમણે સમય આવતો ગયો તેમ સેવકોને જુદી જુદી સોંપણીઓ આપી. ભલે સોંપણી ગમે તે હતી, એના પ્રમાણે કરવાથી મનુષ્યોને હંમેશાં ફાયદો થયો છે અને યહોવાને મહિમા મળ્યો છે. દાખલા તરીકે, ઈસુએ પૃથ્વી પર આવ્યા પહેલા અને પછી પોતાની સોંપણી પ્રમાણે કર્યું ત્યારે, આપણને લાભ થયો અને ઈશ્વરને મહિમા મળ્યો. (યોહા. ૪:૩૪; ૧૭:૪) આજે, આપણે યહોવાએ આપેલી સોંપણી પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણાં કામથી તેમને મહિમા મળે છે. (માથ. ૫:૧૬; ૧ કોરીંથી ૧૫:૫૮ વાંચો.) ચાલો જોઈએ કઈ રીતે?
સોંપાયેલા કામને કીમતી ગણીએ
૭, ૮. (ક) આજે ઈશ્વરભક્તોને કયા લહાવા મળ્યા છે? (ખ) યહોવાનાં સૂચનો પ્રત્યે આપણે કેવું વલણ રાખવું જોઈએ?
૭ યહોવા આપણા જેવાં અપૂર્ણ મનુષ્યોને તેમની સાથે કામ કરવાનો લહાવો આપે છે. એ કેટલું મોટું સન્માન કહેવાય! (૧ કોરીં. ૩:૯) નુહ અને મુસાની જેમ આજે કેટલાક ઈશ્વરભક્તોને બાંધકામની સોંપણી મળી છે. તેઓમાંના અમુકે રાજ્યગૃહ, સંમેલનગૃહ અથવા શાખા કચેરીનાં બાંધકામમાં મદદ આપી છે. તમે કદાચ રાજ્યગૃહના સમારકામમાં મદદ કરી રહ્યા હશો. અથવા ન્યૂ યૉર્ક, વોરવીકમાં આપણા મુખ્યમથકના બાંધકામમાં સેવા આપી રહ્યા હશો. (મુખ્યમથકની ઝલક આપતું શરૂઆતનું ચિત્ર જુઓ.) ભલે ગમે તે કામ હોય એને લહાવો ગણો કેમ કે, એ યહોવા પ્રત્યેની પવિત્ર સેવાનો ભાગ છે. ખરું કે, અમુકને જ બાંધકામ કરવાની તક મળે છે. તેમ છતાં, આપણા બધાં પાસે એક ખાસ તક રહેલી છે. આપણે ખુશખબર ફેલાવવાના કામમાં ભાગ લઈ શકીએ છીએ. એના દ્વારા મનુષ્યોનું ભલું થાય છે અને યહોવાને મહિમા મળે છે. (પ્રે.કૃ. ૧૩:૪૭-૪૯) યહોવાનું સંગઠન સાક્ષી કામને આગળ વધારી રહ્યું છે. તેથી, બની શકે કે આપણને નવી સોંપણી પણ આપવામાં આવે.
૮ વિશ્વાસુ સેવકો યહોવાનાં સૂચનો પ્રમાણે કરવા હંમેશાં આતુર છે. (હિબ્રૂ ૧૩:૭, ૧૭ વાંચો.) કોઈક વાર, નવી સોંપણી અથવા નવું માર્ગદર્શન મળવાનું દરેક કારણ કદાચ આપણે સમજી ન શકીએ. છતાં, આપણે એ પ્રમાણે કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે એ યહોવા તરફથી છે. તેમ જ, એમ કરવાથી સારાં પરિણામો મળશે.
૯. વડીલો મંડળ માટે કેવો દાખલો બેસાડે છે?
૯ વડીલોને ઈશ્વરનાં સૂચનો પ્રમાણે કરવાની તીવ્ર ઇચ્છા હોય છે. મંડળમાં તેઓ જે રીતે આગેવાની લે છે, એમાં એ જોઈ શકાય છે. (૨ કોરીં. ૧:૨૪; ૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) વડીલો સખત મહેનત કરવા અને માર્ગદર્શન પાળવા ઉત્સુક છે. તેઓ સાક્ષીકાર્યની અલગ અલગ રીતો જલદીથી શીખી લે છે. માર્ગદર્શન પ્રમાણે અમુક વડીલોએ ટેલીફોન, ટેબલ કે ટ્રૉલી દ્વારા થતું સાક્ષીકાર્ય ગોઠવ્યું છે. બીજા અમુકે, બંદરે આવેલાં જહાજો પર ખુશખબર જણાવવાની જોગવાઈ કરી છે. કેટલાકને લાગ્યું કે આ નવી રીતો કામ નહિ કરે. જોકે, આ રીતો અજમાવી ત્યારે તેઓને સારાં પરિણામો મળ્યાં છે. દાખલા તરીકે, જર્મનીમાં ચાર પાયોનિયરોએ, વેપારી વિસ્તારમાં સાક્ષી આપવાનું નક્કી કર્યું. એ વિસ્તારમાં લાંબા સમયથી સાક્ષીકાર્ય થયું ન હતું. એ પાયોનિયરોમાંના એક, ભાઈ માઈકલ જણાવે છે: ‘એ રીતે સાક્ષીકાર્ય લાંબા સમયથી કર્યું ન હોવાથી અમે ચિંતામાં હતા. યહોવા અમારી લાગણીઓ જાણતા હતા, એટલે જ તેમણે અમને સફળતા આપી. એ સવાર એટલી સારી રહી કે અમે એને ક્યારેય નહિ ભૂલીએ. અમે બહુ ખુશ છીએ કે આપણી રાજ્ય સેવામાં આપેલાં સૂચનો પ્રમાણે અમે કર્યું અને યહોવા પર ભરોસો રાખ્યો!’ શું તમે પણ સાક્ષીકાર્ય માટે નવી રીતો અજમાવવા આતુર છો?
૧૦. હાલના સમયમાં યહોવાના સંગઠનમાં કયા ફેરફારો થયા છે?
૧૦ અમુક વાર બેથેલમાં પણ ફેરફારો કરવામાં આવે છે. જેમ કે, હાલના સમયમાં કેટલીક નાની શાખા કચેરીઓને બંધ કરી દેવામાં આવી છે. એ કચેરીઓનું કામ બીજી મોટી શાખા કચેરી સંભાળે છે. એના લીધે એ કચેરીઓમાં કામ કરનાર ભાઈ-બહેનોને ઘણા ફેરફારો કરવા પડ્યા છે. જોકે, એનાં સારાં પરિણામો સમય જતાં તેઓ જોઈ શક્યાં. (સભા. ૭:૮) એ ભાઈ-બહેનો હાલમાં ચાલી રહેલાં યહોવાના કામને ખુશીથી ટેકો આપે છે.
૧૧-૧૩. સંગઠનમાં થયેલા ફેરફારોને લીધે અમુકને કયા પડકારોનો સામનો કરવો પડ્યો છે?
૧૧ જે શાખા કચેરીઓને જોડી દેવામાં આવી છે, ત્યાંનાં ભાઈ-બહેનો પાસેથી આપણે કંઈક મહત્ત્વનું શીખી શકીએ છીએ. ઘણાં ભાઈ-બહેનો એ શાખાઓમાં દાયકાઓથી સેવા આપતાં હતાં. એક યુગલ નાની શાખા કચેરીમાં સેવા આપતું હતું. તેઓને મેક્સિકોની ઘણી મોટી શાખા કચેરીમાં જઈને સેવા આપવાનું કહેવામાં આવ્યું. ત્યાં ૩૦ ગણા વધારે ભાઈ-બહેનો હતાં. ભાઈ રોજીલિયો કહે છે: ‘કુટુંબ અને મિત્રોથી દૂર જવું ખૂબ અઘરું પડ્યું.’ જુએન નામના ભાઈને પણ મેક્સિકોની શાખામાં જવા માટે કહેવામાં આવ્યું. તે જણાવે છે, ‘મને લાગ્યું જાણે મારે નવેસરથી જીવનની શરૂઆત કરવી પડી છે. ફરીથી નવા મિત્રો બનાવવા પડે, નવાં રીત-રિવાજો અને વિચારવાની નવી રીતમાં ઢળવું પડે.’
૧૨ યુરોપમાં કેટલીક શાખા કચેરીઓને જોડી દેવામાં આવી ત્યારે, બેથેલના ઘણા સભ્યોને જર્મનીની શાખામાં જવાનું કહેવામાં આવ્યું. તેઓને પણ પડકારોનો સામનો કરવો પડ્યો, કારણ કે પોતાનો દેશ છોડીને જવું સહેલું નથી હોતું. જેઓને સ્વિટ્ઝરલૅન્ડ છોડીને જવું પડ્યું, તેઓને હવે ત્યાંનું કુદરતી સૌંદર્ય યાદ આવે છે. જેઓને ઑસ્ટ્રિયા છોડીને જવું પડ્યું તેઓને હવે નાના બેથેલ કુટુંબની ખોટ સાલે છે.
૧૩ બીજા દેશની શાખા કચેરીમાં જે ભાઈ-બહેનો જાય છે, તેઓને ઘણા ફેરફારો કરવા પડે છે. જેમ કે, નવા ઘરમાં રહેવું, નવાં ભાઈ-બહેનો સાથે કામ કરવું, નવા મંડળમાં જોડાવું, નવા પ્રચાર વિસ્તારમાં જવું અને નવી ભાષા શીખવી. અરે, તેઓમાંના અમુકની સોંપણી પણ બદલાઈ છે. એ બધા ફેરફાર કરવા અઘરા લાગી શકે, છતાં બેથેલના ઘણા સભ્યોએ એ બધું ખુશી ખુશી કર્યું છે. શા માટે? ચાલો તેઓ પાસેથી જ જાણીએ.
૧૪, ૧૫. (ક) યહોવાની સાથે કામ કરવું એક લહાવો છે, એ ઘણાં ભાઈ-બહેનોએ કઈ રીતે બતાવ્યું? (ખ) આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ?
૧૪ બહેન ગ્રીથેલ કહે છે, ‘મેં નવી સોંપણી દિલથી સ્વીકારી, જેથી યહોવા પ્રત્યેનો મારો પ્રેમ બતાવી શકું. મારો એ પ્રેમ કોઈ દેશ, ઇમારત કે લહાવા સુધી સીમિત નથી.’ બહેન ડેસીકા કહે છે: ‘મારી નવી સોંપણી યહોવા તરફથી છે એમ સમજીને મેં એને ખુશી ખુશી સ્વીકારી.’ ભાઈ આન્દ્રે અને બહેન ગેબ્રીએલાનો પણ એવો જ વિચાર છે. તેઓ કહે છે, ‘એ અમારા માટે પોતાની ઇચ્છાઓ બાજુએ મૂકીને યહોવાની સેવા કરવાની વધુ એક તક હતી.’ તેઓ માને છે કે યહોવાના સંગઠનમાં ફેરફાર થાય ત્યારે નાખુશ થવાને બદલે એને દિલથી સ્વીકારી લેવું જોઈએ.
યહોવા સાથે કામ કરવું, એ આપણો સૌથી મોટો લહાવો છે!
૧૫ શાખા કચેરીઓ જોડવામાં આવે છે, ત્યારે ત્યાંના અમુક સભ્યોને પાયોનિયર તરીકેની સોંપણી મળે છે. ડેનમાર્ક, નૉર્વે અને સ્વીડનની શાખાઓ જોડી દેવામાં આવી, જેનાથી સ્કૅન્ડિનેવિયાની શાખા બની. એ નાની શાખાઓનાં ઘણાં ભાઈ-બહેનોને પાયોનિયર તરીકેની સોંપણી મળી. ફ્લોરિયન અને અંજા નામનું યુગલ જણાવે છે: ‘નવી સોંપણીને અમે એક પડકાર તરીકે લીધી. અમારી માટે કઈ જગ્યાએ સેવા આપીએ છીએ એ નહિ, પણ યહોવા માટે સેવા આપીએ છીએ એ મહત્ત્વનું છે. અમે દિલથી કહી શકીએ છીએ કે અમને અઢળક આશીર્વાદો મળ્યા છે.’ આપણામાંથી બધાંને કદાચ એવા ફેરફારો ન કરવા પડે. છતાં, આપણે એ ભાઈ-બહેનો જેવું વલણ કેળવવું જોઈએ. તેઓની જેમ આપણે પણ રાજ્યના કામને જીવનમાં પ્રથમ રાખવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. (યશા. ૬:૮) એક વાતની ખાતરી રાખી શકીએ કે યહોવા સાથે કામ કરનાર તરીકે આપણને ઘણા આશીર્વાદો મળશે. પછી ભલેને આપણી સોંપણી ગમે ત્યાં અને ગમે તે કેમ ન હોય!
યહોવા સાથે કામ કરવાનો આનંદ માણીએ
૧૬. (ક) ગલાતી ૬:૪ આપણને કઈ સલાહ આપે છે? (ખ) આપણા દરેક પાસે સૌથી મોટો લહાવો કયો છે?
૧૬ આપણે અપૂર્ણ હોવાને કારણે ઘણી વાર પોતાને બીજાઓ સાથે સરખાવીએ છીએ. પરંતુ, આપણે જે કરી શકીએ છીએ એ પર ધ્યાન આપવાની બાઇબલ સલાહ આપે છે. (ગલાતી ૬:૪ વાંચો.) આપણામાંથી બધા, વડીલ, પાયોનિયર, મિશનરી કે બેથેલ સેવા આપી શકતા નથી. ખરું કે, એ લહાવાઓ સારા છે. પરંતુ, આપણા દરેક પાસે સૌથી મોટો એક લહાવો છે. આપણે ખુશખબર ફેલાવીને યહોવા સાથે કામ કરનારા બની શકીએ છીએ. ચાલો એ લહાવાને મૂલ્યવાન ગણીએ!
૧૭. આજના સમયમાં આપણને શાનો સામનો કરવો પડે છે? પરંતુ, શા માટે નિરાશ ન થવું જોઈએ?
૧૭ ખરું કે, આજના સમયમાં, આપણે ઇચ્છીએ એ હદે યહોવાની સેવા નથી કરી શકતા. ઘણી વાર, કુટુંબની જવાબદારી કે પોતાની તબિયત અથવા એનાં જેવાં કારણોને લીધે સંજોગો આપણા હાથમાં નથી હોતા. પરંતુ, આપણે નિરાશ ન થઈએ. ગમે તે સંજોગોમાં હોઈએ, આપણે હંમેશાં યહોવાના નામને અને રાજ્યને જાહેર કરી શકીએ છીએ. યહોવાની સેવામાં બનતું બધું કરીએ એ જ સૌથી મહત્ત્વનું છે. ઉપરાંત, જેઓ વધુ કરી શકે છે, તેઓ માટે આપણે પ્રાર્થના કરતા રહીએ. હંમેશાં યાદ રાખીએ કે જે કોઈ યહોવાને મહિમા આપે છે, તે તેમની નજરમાં કીમતી છે.
૧૮. આપણે ભાવિ માટે શાની આશા રાખીએ છીએ? જોકે, હાલમાં આપણી પાસે કયો ખાસ લહાવો છે?
૧૮ આપણે અપૂર્ણ હોવા છતાં, યહોવા પોતાની સાથે કામ કરવાની આપણને તક આપે છે. આ છેલ્લા સમયમાં એ કેટલો અદ્ભુત લહાવો ગણાય! નજીકના ભાવિમાં આપણને “ખરેખરું જીવન” મળશે. એ સમયે આપણે જીવનનો દરેક આનંદ માણી શકીશું, જે આજે શક્ય નથી. યહોવા ટૂંક સમયમાં આપણને નવી દુનિયામાં સુખ અને શાંતિથી ભરપૂર, હંમેશ માટેના જીવનનો આશીર્વાદ આપશે.—૧ તીમો. ૬:૧૮, ૧૯.
યહોવાની સેવાના લહાવાને, શું તમે કીમતી ગણો છો? (ફકરા ૧૬-૧૮ જુઓ)
૧૯. યહોવાએ આપણા ભાવિ વિશે કયું વચન આપ્યું છે?
૧૯ યહોવાના વચન પ્રમાણે તેમની ન્યાયી નવી દુનિયા હવે નજીક છે. વચનના દેશમાં પ્રવેશતાં પહેલા મુસાએ ઈસ્રાએલીઓને જે વાત કહી એનો વિચાર કરો. તેમણે કહ્યું, ‘તારા હાથનાં સર્વ કામમાં યહોવા તારો ઈશ્વર તને પુષ્કળ સફળતા આપશે.’ (પુન. ૩૦:૯) આર્માગેદન પછી, વચન પ્રમાણે યહોવા પોતાની સાથે કામ કરનારાઓને આ પૃથ્વી સોંપશે. ત્યારે આપણને એક નવી સોંપણી મળશે. આપણે આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવીશું!