ઈસુ સજીવન થયા આપણા માટે એનો શો અર્થ થાય?
“તેમને સજીવન કરવામાં આવ્યા છે.”—માથ. ૨૮:૬, કોમન લેંગ્વેજ.
૧, ૨. (ક) અમુક ધર્મગુરુઓને શું જાણવું હતું અને પીતરે તેઓને શો જવાબ આપ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ધર્મગુરુઓ સામે પીતર શા માટે હિંમતથી બોલી શક્યા?
ઈસુના મરણને હજુ થોડો જ વખત થયો છે. હાલમાં જ, પ્રેરિત પીતરે જન્મથી લંગડા એક માણસને સાજો કર્યો છે. તેથી, કેટલાક આગેવાનો પીતર પર ક્રોધે ભરાયા છે. આ એ જ યહુદી ધર્મગુરુઓ છે જેઓએ ઈસુને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. તેઓ પોતાની આગળ ઊભેલા પીતરને ગુસ્સે થઈને પૂછે છે, ‘કઈ શક્તિથી અને કોના નામથી તે એ કર્યું છે?’ પીતર હિંમતથી જવાબ આપે છે, ‘ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા. પણ, ઈશ્વરે જેમને મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.’—પ્રે.કૃ. ૪:૫-૧૦.
૨ જોકે, એક સમય હતો જ્યારે પીતરે લોકોના ડરથી ઈસુનો ત્રણ વાર નકાર કર્યો હતો. (માર્ક ૧૪:૬૬-૭૨) પરંતુ, હવે તે ડરવાને બદલે હિંમતથી ધર્મગુરુઓનો સામનો કરી રહ્યા છે. એવું શાને લીધે બન્યું? ઈશ્વરની શક્તિને લીધે. ઉપરાંત, ઈસુ સજીવન થયા છે એવી પીતરને પૂરી ખાતરી થઈ. પીતરને એ ખાતરી શાના લીધે થઈ? આપણે પણ એવી ખાતરી શાના આધારે રાખી શકીએ?
૩, ૪. (ક) પ્રેરિતોના સમય અગાઉ સજીવન થવાના કયા બનાવો બન્યા હતા? (ખ) ઈસુએ કોને કોને સજીવન કર્યા હતા?
૩ મરણ પામેલી વ્યક્તિ સજીવન થઈ શકે છે, એ વાત પ્રેરિતો સારી રીતે જાણતા હતા. કારણ કે પ્રાચીન સમયમાં પણ ઈશ્વરે સજીવન કરવાની શક્તિ પ્રબોધક એલીયા અને એલીશાને આપી હતી. (૧ રાજા. ૧૭:૧૭-૨૪; ૨ રાજા. ૪:૩૨-૩૭) અરે, એલીશાના હાડકાં પર પડવાથી એક મૃત વ્યક્તિ સજીવન થઈ હતી! (૨ રાજા. ૧૩:૨૦, ૨૧) પ્રથમ સદીના ઈશ્વરભક્તોને સજીવન થવાના અહેવાલોમાં પૂરો ભરોસો હતો, જેવો આજે આપણને બાઇબલમાં છે.
૪ ઈસુએ પણ જેઓને સજીવન કર્યા હતા, તેઓ વિશેના અહેવાલો આપણા હૃદયને સ્પર્શી જાય છે. દાખલા તરીકે, ઈસુએ એક વિધવાના એકના એક દીકરાને સજીવન કર્યો. વિચાર કરો કે, એ જોઈને વિધવાને કેટલી નવાઈ અને આનંદ થયો હશે! (લુક ૭:૧૧-૧૫) એ બનાવનો વિચાર કરો જેમાં ઈસુએ એક નાની છોકરીને જીવતી કરી. ચોક્કસ, તેનાં માબાપનાં દુઃખનાં આંસુ ખુશીમાં બદલાઈ ગયાં હશે. (લુક ૮:૪૯-૫૬) મરણ પામેલા લાજરસ કબરમાંથી જીવતા બહાર આવ્યા. જરા કલ્પના કરો, એ જોઈને લોકોને કેટલું આશ્ચર્ય થયું હશે!—યોહા. ૧૧:૩૮-૪૪.
ઈસુનું સજીવન થવું અજોડ હતું
૫. કઈ રીતે ઈસુનું સજીવન થવું અજોડ હતું?
૫ ઈસુનું સજીવન થવું અજોડ હતું, એ વાત પ્રેરિતો સારી રીતે જાણતા હતા. ઈસુ સિવાય, સજીવન થયેલી બધી વ્યક્તિઓ પાછી મરણ પામી. જ્યારે કે, ઈસુ સ્વર્ગ માટેના શરીરમાં સજીવન થયા, જેનો ક્યારેય નાશ ન થઈ શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૪ વાંચો.) પીતરે ઈસુ વિશે લખ્યું: “તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં [સ્વર્ગ માટેના શરીરમાં] સજીવન કરવામાં આવ્યો.” (૧ પીત. ૩:૧૮) ઉપરાંત, “તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારીઓ” તેમને સ્વાધીન કરવામાં આવ્યાં છે. (૧ પીત. ૩:૧૯-૨૨, કોમન લેંગ્વેજ) ખરું કે, સજીવન કરવાના બીજા ચમત્કારો નવાઈ પમાડે એવા છે. પરંતુ, ઈસુને જે રીતે સજીવન કરવામાં આવ્યા, એ સૌથી મોટો ચમત્કાર છે.
૬. ઈસુના સજીવન થવાથી શિષ્યો પર કેવી અસર પડી?
૬ ઈસુના દુશ્મનો માનતા હતા કે ઈસુ હંમેશ માટે ખતમ થઈ ગયા છે. પરંતુ, હકીકતમાં તો તે જીવી ઊઠ્યા હતા. તેમને એક શક્તિશાળી સ્વર્ગદૂત તરીકે સજીવન કરવામાં આવ્યા, જેથી કોઈ મનુષ્ય તેમનો વાળ પણ વાંકો ન કરી શકે. તેમના સજીવન થવાથી સાબિતી મળી કે તે ઈશ્વરના દીકરા છે. ઈસુના સજીવન થવાથી શિષ્યોના વિચારો પર ઊંડી અસર થઈ. તે સજીવન થયા છે એ જાણીને શિષ્યોની ઉદાસી અને બીક બિલકુલ દૂર થઈ ગઈ. તેઓને હિંમત મળી અને તેઓનો ઉત્સાહ વધ્યો. જો ઈસુને સજીવન કરવામાં આવ્યા ન હોત, તો ઈશ્વરનો હેતુ સફળ ન થાત. તેમ જ, શિષ્યોનું ખુશખબર ફેલાવવું પણ વ્યર્થ જાત.
૭. ઈસુ આજે કયું મહત્ત્વનું કામ કરી રહ્યા છે? આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૭ આપણે જાણીએ છીએ કે ફક્ત મહાન માણસની ઉપમા આપીને ઈસુને વર્ણવી ન શકાય. આજે, ઈસુ જીવતા છે અને દુનિયા ફરતે ચાલી રહેલાં સાક્ષીકાર્યની તે દેખરેખ રાખી રહ્યા છે. ઈશ્વરના રાજ્યના તે રાજા છે. એ રાજ્ય દરેક દુષ્ટતાનો અંત લાવશે. પછી, પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે, જેમાં લોકો હંમેશ માટે જીવી શકશે. (લુક ૨૩:૪૩) ઈસુને સજીવન કરવામાં આવ્યા ન હોત, તો એ બધું શક્ય બન્યું ન હોત. હવે, આપણે આ બે સવાલો વિશે જોઈશું: ઈસુને સજીવન કરવામાં આવ્યા હતા એની સાબિતી આપતાં બીજાં કયાં કારણો છે? અને તેમના સજીવન થવાનો આપણા માટે શો અર્થ રહેલો છે?
મરણ પર યહોવાને સત્તા છે
૮, ૯. (ક) યહુદી ધર્મગુરુઓએ શા માટે ઈસુની કબર પર ચોકી રખાવી? (ખ) સ્ત્રીઓ કબર પાસે આવી ત્યારે તેઓએ શું જોયું?
૮ ઈસુને મારી નાખવામાં આવ્યા પછી, યહુદી ધર્મગુરુઓએ પીલાત પાસે જઈને કહ્યું: ‘સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દહાડા પછી હું ઊઠીશ. એ માટે ત્રણ દહાડા સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કર. કદાચ તેના શિષ્યો રાતે આવીને તેને ચોરી જાય અને લોકોને એમ કહે કે મરણમાંથી તે ઊઠ્યો છે. અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે. ત્યારે પીલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ અને તમારાથી બને એવી ચોકી રખાવો.’ ધર્મગુરુઓએ એ જ પ્રમાણે કર્યું.—માથ. ૨૭:૬૨-૬૬.
૯ મૃત્યુ પછી ઈસુને મોટા ખડકમાં બનાવેલી એક કબરમાં દફનાવવામાં આવ્યા. એ કબરનું દ્વાર મોટા પથ્થરથી ઢાંકી દેવામાં આવ્યું. ધર્મગુરુઓનો ઇરાદો તો હતો કે ઈસુ કાયમ એ કબરમાં જ રહે. પરંતુ, યહોવાની ઇચ્છા જુદી જ હતી. ત્રણ દિવસ પછી મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબર પાસે આવી. ત્યાં તેઓએ જોયું કે દ્વાર પરથી પથ્થર ખસેડવામાં આવ્યો છે. તેમ જ, એક સ્વર્ગદૂત પથ્થર પર બેઠા છે. સ્વર્ગદૂતે સ્ત્રીઓને કહ્યું કે કબરની અંદર જુઓ, એ ખાલી છે. દૂતે જણાવ્યું, ‘તે અહીં નથી, તેમને ઉઠાડવામાં આવ્યા છે.’ (માથ. ૨૮:૧-૬) ઈસુ, જીવી ઊઠ્યા હતા!
૧૦. ઈસુ સજીવન થયા હોવાની સાબિતી પાઊલે કઈ રીતે આપી?
૧૦ એ પછીના ૪૦ દિવસો દરમિયાન જે બન્યું એ સાબિતી આપે છે કે ઈસુને સજીવન કરવામાં આવ્યા હતા. પ્રેરિત પાઊલે કોરીંથીઓને લખ્યું: ‘મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું, કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા અને ત્રીજે દહાડે તેમને ઉઠાડવામાં આવ્યા. અને કેફાસને તેમનું દર્શન થયું, પછી બાર શિષ્યોને થયું. ત્યાર પછી એક જ સમયે પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાએક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું. અને બધા કરતાં છેલ્લે મને પણ તેમનું દર્શન થયું.’—૧ કોરીં. ૧૫:૩-૮.
ઈસુ સજીવન થયા છે, એમ માનવાનાં ચાર કારણો
૧૧. ઈસુનું સજીવન થવું કઈ રીતે “ધર્મશાસ્ત્ર પ્રમાણે” હતું?
૧૧ ઈસુનું સજીવન થવું “ધર્મશાસ્ત્ર પ્રમાણે” હતું. ઈસુને સજીવન કરવામાં આવશે એવું ઈશ્વરે પહેલેથી ભાખ્યું હતું. દાખલા તરીકે દાઊદ દ્વારા યહોવાએ જણાવ્યું હતું કે પોતાના “પસંદ કરાયેલાને” તે કબરમાં રહેવા દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૬:૧૦ વાંચો.a) સાલ ૩૩ પેન્તેકોસ્તના દિવસે પીતરે સમજાવ્યું કે એ ‘પસંદ કરાયેલી’ વ્યક્તિ ઈસુ છે. પીતરે એ વિશે જણાવતા કહ્યું, “એવું અગાઉથી જાણીને તેણે [દાઊદે] ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું, કે તેને હાડેસમાં [કબરમાં] રહેવા દેવામાં આવ્યો નહિ અને તેના દેહે કોહવાણ પણ જોયું નહિ.”—પ્રે.કૃ. ૨:૨૩-૨૭, ૩૧.
૧૨. સજીવન થયેલા ઈસુને કોણે કોણે જોયા?
૧૨ સજીવન થયેલા ઈસુને ઘણા લોકોએ જોયા. ઈસુના સજીવન થયા પછીના ૪૦ દિવસો દરમિયાન તે ઘણા લોકોને દેખાયા. તેમની કબરની નજીક આવેલા એક બાગમાં તે પ્રેરિતોને દેખાયા. એમ્મૌસ નામના ગામના રસ્તે શિષ્યોએ તેમને જોયા. (લુક ૨૪:૧૩-૧૫) ઉપરાંત, બીજી જગ્યાઓએ પણ તે લોકોના જોવામાં આવ્યા. તેમણે કેટલાક લોકો જોડે વાત કરી, જેમાંના એક પીતર પણ હતા. અરે, એક વાર તે ૫૦૦ કરતાં વધારે લોકોને દેખાયા. આમ, આટલા બધાં લોકોએ સજીવન થયેલા ઈસુને નજરે જોયા છે, એ હકીકતને આપણે નકારી શકતા નથી.
૧૩. ઈસુ સજીવન થયા છે, એવી ખાતરી શિષ્યોના ઉત્સાહ પરથી કઈ રીતે દેખાઈ આવી?
૧૩ ઈસુના સજીવન થવા વિશે શિષ્યોએ ઉત્સાહથી જાહેર કર્યું. એમ કરવાને લીધે તેઓની સતાવણી થઈ અને તેઓને ઘણું ભોગવવું પડ્યું. અરે, અમુકને તો મારી નાંખવામાં આવ્યાં. હવે જરા આનો વિચાર કરો: જો ઈસુને સજીવન કરવામાં આવ્યા ન હોત, તો શું પીતરે પોતાના જીવના જોખમે એ વિશે સાક્ષી આપી હોત? શું તેમણે એવા લોકોને ઈસુના સજીવન થવા વિશે જાહેર કર્યું હોત, જેઓને ઈસુ પ્રત્યે સખત નફરત હતી અને તેમને મારી નાંખવાનું કાવતરું કર્યું હતું? પીતર અને બીજા શિષ્યોને પૂરી ખાતરી હતી કે ઈસુ સજીવન થયા છે અને તે સાક્ષીકાર્યની આગેવાની લઈ રહ્યા છે. ઉપરાંત, ઈસુનું સજીવન થવું તેમના શિષ્યોને આશા આપતું હતું કે તેઓને પણ સજીવન કરવામાં આવશે. દાખલા તરીકે, સ્તેફનને પૂરી ખાતરી હતી કે તેમને સજીવન કરવામાં આવશે.—પ્રે.કૃ. ૭:૫૫-૬૦.
૧૪. ઈસુ જીવિત છે એવું તમે શાના આધારે માનો છો?
૧૪ ઈસુ આજે રાજા અને મંડળના શિર છે, એની આપણી પાસે સાબિતી છે. સાચા ભક્તોમાં સતત વધારો થતો આવ્યો છે. જો ઈસુ સજીવન કરાયા ન હોત તો શું એ વધારો શક્ય બન્યો હોત? ઈસુ જીવતા થયા છે માટે જ આપણે તેમના વિશે સાંભળી શક્યા છીએ. તે જીવિત છે અને દુનિયાભરના સાક્ષીકાર્ય પર દેખરેખ રાખી રહ્યા છે, એમ માનવાના આજે આપણી પાસે ઠોસ કારણો છે.
ઈસુના સજીવન થવાનો આપણા માટે શો અર્થ થાય
૧૫. ઈસુના સજીવન થવાથી આપણને સાક્ષીકાર્ય માટે કઈ રીતે હિંમત મળે છે?
૧૫ ઈસુના સજીવન થવાથી આપણને સાક્ષીકાર્ય માટે હિંમત મળે છે. ઈસુના સમયથી ઈશ્વરના દુશ્મનોએ સાક્ષીકાર્યને રોકવાં ઘણી દુષ્ટ બાબતો કરી છે. જેમ કે, સત્યમાં ભેળસેળ કરવી, આપણા કામ પર પ્રતિબંધ મૂકવો, ભક્તોની ઠઠ્ઠા-મશ્કરીઓ, સતાવણી, કતલ અને તેઓ પર હિંસક હુમલા કરવા. જોકે, બાઇબલમાં ભાખવામાં આવ્યું છે કે, ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ (યશા. ૫૪:૧૭) શેતાન ભલે ગમે તે હથિયાર વાપરે, આપણે એનાથી ડરતા નથી. કારણ કે, ઈસુ પોતાના વચન પ્રમાણે આજે આપણને મદદ કરી રહ્યા છે. (માથ. ૨૮:૨૦) આપણે ભરોસો રાખી શકીએ કે દુશ્મનો ગમે તેટલો વિરોધ કરે છતાં, આપણને રોકી શકશે નહિ!
ઈસુનું જીવી ઊઠવું, આપણને સાક્ષીકાર્ય માટે હિંમત આપે છે (ફકરો ૧૫ જુઓ)
૧૬, ૧૭. (ક) ઈસુનું સજીવન થવું કઈ રીતે તેમના શિક્ષણને પુરવાર કરે છે? (ખ) યોહાન ૧૧:૨૫ પ્રમાણે ઈશ્વરે ઈસુને કઈ શક્તિ આપી છે?
૧૬ ઈસુનું સજીવન થવું તેમણે શીખવેલી વાતોને સાચી પાડે છે. બાઇબલના એક નિષ્ણાતે જણાવ્યું ‘ઈસુને સજીવન કરવામાં ન આવ્યા હોય તો, ખ્રિસ્તીઓ એવી મૂર્ખ વ્યક્તિઓ ગણાય જેઓ એક મોટા જૂઠાણામાં માને છે.’ પાઊલે લખ્યું કે જો ઈસુ સજીવન કરાયા નથી, તો ઈશ્વરભક્તોનું સાક્ષી કામ અને શ્રદ્ધા, બંને વ્યર્થ છે. અરે, સુવાર્તાના અહેવાલો પણ ફક્ત દુઃખદ વાર્તા બની જાય, જેમાં એક ભલા અને જ્ઞાની માણસને દુશ્મનો મારી નાંખે છે. પરંતુ, ઈસુનું સજીવન થવું સાબિત કરે છે કે સુવાર્તાના અહેવાલો વાર્તાઓ નહિ પણ હકીકત છે. તેમણે શીખવેલી દરેક વાતો સાચી છે.—૧ કોરીંથી ૧૫:૧૪, ૧૫, ૨૦ વાંચો.
૧૭ ઈસુએ કહ્યું હતું: “પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે.” (યોહા. ૧૧:૨૫) ઈસુનું એ વચન ચોક્કસ પૂરું થશે. યહોવાએ ઈસુને અદ્ભુત શક્તિ આપી છે, જેથી તેમની સાથે સ્વર્ગમાં રાજ કરનારાઓને તે સજીવન કરે. ઉપરાંત, એવા અબજો લોકોને પણ સજીવન કરે જેઓ પૃથ્વી પર જીવવાના છે. ઈસુનું બલિદાન અને સજીવન થવું ખાતરી આપે છે કે મરણને હંમેશ માટે કાઢી નાંખવામાં આવશે. એ કારણે આપણને કોઈ પણ પરીક્ષણનો સામનો કરવા શક્તિ મળે છે. અરે, મોતનો પણ સામનો કરવાની હિંમત મળે છે!
૧૮. ઈસુનું સજીવન થવું કયો ભરોસો આપે છે?
૧૮ ઈસુનું સજીવન થવું ભરોસો આપે છે કે યહોવાનાં પ્રેમાળ ધોરણો પ્રમાણે લોકોનો ન્યાય થશે. પાઊલે એથેન્સમાં અમુક લોકોને કહ્યું હતું, ‘ઈશ્વર પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈનસાફ કરશે, જે વિશે તેમણે ઈસુને મૂએલાંમાંથી પાછા ઉઠાડીને બધાને ખાતરી કરી આપી છે.’ (પ્રે.કૃ. ૧૭:૩૧) ઈશ્વરે ઈસુને આપણા ન્યાયાધીશ નીમ્યા છે. આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે ઈસુ યોગ્ય અને પ્રેમાળ રીતે ન્યાય કરશે.—યશાયા ૧૧:૨-૪ વાંચો.
૧૯. ઈસુના સજીવન થવામાં ભરોસો હોવાથી આપણે શું કરવા ચાહીએ છીએ?
૧૯ ઈસુના સજીવન થવામાં ભરોસો હોવાથી આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા ચાહીએ છીએ. ઈસુ જો સજીવન કરાયા ન હોત તો આપણે પાપ અને મરણની ગુલામીમાંથી કદી છૂટ્યા ન હોત. (રોમ. ૫:૧૨; ૬:૨૩) આપણા માટે કોઈ જ આશા ન હોત. આપણે પણ કદાચ કહેતા હોત, ચાલો “ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીં. ૧૫:૩૨) પરંતુ, આપણે જીવનમાં મોજશોખને બહુ મહત્ત્વ નથી આપતા. એના બદલે, આપણે સજીવન થવાની આશા પર ધ્યાન આપીએ છીએ અને હંમેશાં યહોવાનું કહ્યું કરવા આતુર રહીએ છીએ.
૨૦. ઈસુનું સજીવન થવું કઈ રીતે યહોવાની મહાનતા સાબિત કરે છે?
૨૦ ઈસુનું સજીવન થવું યહોવાની મહાનતા સાબિત કરે છે, જે ‘ખંતથી શોધનારને ફળ આપે છે.’ (હિબ્રૂ ૧૧:૬) ઈસુને સ્વર્ગના જીવન માટે જીવતા કરવા યહોવાએ પોતાની અપાર શક્તિ અને ડહાપણનો ઉપયોગ કર્યો. પોતાનાં વચનો પૂરાં કરી શકે છે એવી યહોવાએ સાબિતી પણ આપી. જેમ કે, વિશ્વ પર રાજ કરવાના તેમના હક્ક પર સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે એનો જવાબ આપવા યહોવાએ “સંતાન”નું વચન આપ્યું. એ વચન સાચું પડે માટે “સંતાન”નું, એટલે કે ઈસુનું મરણ થવું અને સજીવન થવું જરૂરી હતું.—ઉત. ૩:૧૫.
૨૧. સજીવન થવાની આશાનો તમારા માટે શો અર્થ થાય છે?
૨૧ આપણે સજીવન થવાની આશા માટે યહોવાના ખૂબ આભારી છીએ. બાઇબલમાં વચન આપવામાં આવ્યું છે: “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” એ વચન પ્રેરિત યોહાનને એક દર્શનમાં આપવામાં આવ્યું. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે.” યોહાનને એ દર્શન કોણે આપ્યું? સજીવન થયેલા ઈસુએ!—પ્રકટી. ૧:૧; ૨૧:૩-૫.
a ગીતશાસ્ત્ર ૧૬:૧૦ (કોમન લેંગ્વેજ): “તમે મને મૂએલાંઓ મધ્યે રહેવા દેશો નહિ; તમારા પસંદ કરાયેલાને તમે કબરમાં સડો લાગવા દેશો નહિ.”