વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ડિસેમ્બર પાન ૮-૧૨
  • ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સદીઓ પછી સજીવન કરવામાં આવ્યા
  • મરણ પામેલા લોકોને ક્યારે ઉઠાડવામાં આવશે?
  • લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે એવો ભરોસો રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુ સજીવન થયા આપણા માટે એનો શો અર્થ થાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મૂએલાં સજીવન થશે—હિંમત આપતી આશા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ડિસેમ્બર પાન ૮-૧૨
પ્રેરિત પાઊલ ગવર્નર ફેલીક્સ અને દ્રુસિલા સાથે વાત કરે છે

‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’

“છેલ્લો આદમ જીવન આપનાર મનુષ્ય બન્યો.”—૧ કોરીં. ૧૫:૪૫.

ગીતો: ૧૨, ૨૪

તમે કેવો જવાબ આપશો?

  • ગીતશાસ્ત્ર ૧૧૮ કઈ રીતે બતાવે છે કે સજીવન કરવા વિશેની ભવિષ્યવાણી સદીઓ પછી પણ પૂરી થઈ શકે છે?

  • ગીતશાસ્ત્ર ૧૬:૧૦ કઈ રીતે પૂરી થઈ?

  • ખ્રિસ્તની હાજરી દરમિયાન કોને ઉઠાડવામાં આવશે અને એ કઈ રીતે થશે?

૧-૩. (ક) આપણી મુખ્ય માન્યતાઓમાં આપણે શાનો સમાવેશ કરવો જોઈએ? (ખ) શા માટે સજીવન થવાની આશા આટલી મહત્ત્વની છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

જો કોઈ તમને પૂછે કે તમારી શ્રદ્ધાનો મુખ્ય આધાર શું છે, તો તમે શું જવાબ આપશો? તમે ચોક્કસ જણાવશો કે યહોવા સર્જનહાર છે અને તેમણે આપણને જીવન આપ્યું છે, એવું તમે માનો છો. તમે કદાચ એવું પણ જણાવો કે તમે ઈસુ ખ્રિસ્તમાં માનો છો, જેમણે આપણા માટે પોતાનું જીવન આપી દીધું. ઉપરાંત, તમે જણાવશો કે, ભાવિમાં બાગ જેવી પૃથ્વી પર ઈશ્વરના લોકો હંમેશ માટે જીવશે. પરંતુ, શું તમે એવું જણાવશો કે લોકોને સજીવન કરવામાં આવશે એ તમારી મનપસંદ માન્યતાઓમાંથી એક છે?

૨ ખરું કે, મહાન વિપત્તિમાંથી બચી જવાની અને હંમેશ માટે પૃથ્વી પર જીવવાની આપણે આશા રાખીએ છીએ. પરંતુ, મૂએલા જીવતા થશે એવી દૃઢ આશા રાખવા આપણી પાસે પૂરતા કારણો છે. એ આપણી મુખ્ય માન્યતાઓમાંથી એક છે. પ્રેરિત પાઊલે પણ જણાવ્યું કે મૂએલા સજીવન થાય એવું માનવું કેમ મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું: “ખરેખર, જો મરણ પામેલા લોકોને ઉઠાડવામાં ન આવે, તો પછી ખ્રિસ્તને પણ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા નથી.” જો ઈસુને મરણમાંથી ઉઠાડવામાં ન આવ્યા હોત, તો અત્યારે તે સ્વર્ગમાં રાજ કરતા ન હોત અને ખુશખબર ફેલાવવાનું કામ નકામું હોત. (૧ કોરીંથીઓ ૧૫:૧૨-૧૯ વાંચો.) જોકે, આપણે જાણીએ છીએ કે ઈસુને ઉઠાડવામાં આવ્યા છે, એ હકીકત છે. આમ, આપણે સાદુકીઓ જેવા નથી, જેઓ માનતા હતા કે મરણ પામેલા લોકો ક્યારેય જીવતા ન થઈ શકે. ભલે લોકો આપણી મજાક ઉડાવે, આપણી શ્રદ્ધા અડગ છે કે મરણ પામેલા લોકોને ઈશ્વર ઉઠાડી શકે છે.—માર્ક ૧૨:૧૮; પ્રે.કા. ૪:૨, ૩; ૧૭:૩૨; ૨૩:૬-૮.

૩ પાઊલે જણાવ્યું હતું કે “મરણ પામેલાઓનું જીવતા થવું,” એ પણ ‘ખ્રિસ્ત વિશેનાં મૂળ શિક્ષણનો’ ભાગ છે. (હિબ્રૂ. ૬:૧, ૨) તેમને પણ સજીવન થવાની આશામાં ભરોસો હતો. (પ્રે.કા. ૨૪:૧૦, ૧૫, ૨૪, ૨૫) ભલે બાઇબલના મૂળ શિક્ષણની એ મહત્ત્વની માન્યતા હોય, છતાં એ વિશે આપણે હજુ વધારે શીખવાની જરૂર છે. (હિબ્રૂ. ૫:૧૨) શા માટે?

૪. લોકોને સજીવન કરવા વિશે આપણને કયા સવાલો થઈ શકે?

૪ લોકો બાઇબલમાંથી શીખવાનું શરૂ કરે છે ત્યારે, અગાઉ લોકોને સજીવન કરવામાં આવ્યા હોય, એવા અહેવાલો તેઓ વાંચે છે. જેમ કે, લાજરસને સજીવન કરવામાં આવ્યા એ અહેવાલ. તેઓ એ પણ શીખે છે કે ઈબ્રાહીમ, અયૂબ અને દાનીયેલને ભરોસો હતો કે મરણ પામેલા લોકોને ભાવિમાં ઉઠાડવામાં આવશે. શું તમે બાઇબલમાંથી સાબિત કરી શકો કે સજીવન થવા વિશે સદીઓ અગાઉ આપેલા વચનો ભરોસાપાત્ર છે? અને શું બાઇબલ જણાવે છે કે ભાવિમાં લોકોને ક્યારે સજીવન કરવામાં આવશે? લોકો આવા સવાલો પૂછી શકે. એના જવાબ જાણવાથી આપણે સહેલાઈથી સમજાવી શકીશું અને આપણી શ્રદ્ધા મજબૂત થશે.

સદીઓ પછી સજીવન કરવામાં આવ્યા

૫. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

૫ કોઈ મરણ પામે ત્યારે, તેને તરત સજીવન કરવામાં આવે એવી કલ્પના કરવી સહેલી છે. (યોહા. ૧૧:૧૧; પ્રે.કા. ૨૦:૯, ૧૦) પરંતુ, શું આપણે એવો ભરોસો રાખી શકીએ કે વ્યક્તિ વર્ષો પછી, અરે સદીઓ પછી સજીવન કરાશે? ઘણાં વર્ષો પસાર થઈ જાય તોપણ, શું આપણે સજીવન થવા વિશેના વચન પર ભરોસો રાખી શકીએ? પછી ભલે એ હમણાં મરણ પામેલી વ્યક્તિ હોય કે વર્ષો પહેલાં મરણ પામેલી વ્યક્તિ હોય? શાસ્ત્રમાં વચન આપવામાં આવ્યું હતું કે એક વ્યક્તિને સજીવન કરવામાં આવશે. વચન પ્રમાણે, સદીઓ પછી તે વ્યક્તિ સજીવન થઈ હતી, અને તમે એમાં માનો પણ છો. એ વ્યક્તિ કોણ હતી? તે સજીવન થયા, એનાથી તમારી આશા કઈ રીતે દૃઢ થાય છે?

૬. ગીતશાસ્ત્ર ૧૧૮ની ભવિષ્યવાણી ઈસુમાં કઈ રીતે પૂરી થઈ?

૬ એ વિશે વર્ષો અગાઉ ભાખવામાં આવ્યું હતું, જે ગીતશાસ્ત્ર ૧૧૮માં લખેલું છે. અમુક માને છે કે એ ગીત દાઊદે રચ્યું હતું, જે કહે છે: ‘હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે.’ તમને યાદ હશે કે, યરૂશાલેમના લોકોએ મસીહ વિશેની આ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના મરણના થોડા દિવસો અગાઉ એટલે કે, નીસાન ૯ના દિવસે ગધેડા પર સવાર થઈને ઈસુ યરૂશાલેમમાં આવ્યા ત્યારે, લોકોએ એ શબ્દો યાદ કર્યા હતા. (ગીત. ૧૧૮:૨૫, ૨૬; માથ. ૨૧:૭-૯) ભાવિમાં એક વ્યક્તિને સજીવન કરવામાં આવશે, એ વિશે ગીતશાસ્ત્ર ૧૧૮ શું જણાવે છે? ધ્યાન આપો કે ગીતના લેખક આગળ જણાવે છે: “ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.”—ગીત. ૧૧૮:૨૨.

ઈસુનો યહુદી આગેવાનો નકાર કરે છે; ઈસુ વધસ્તંભ પર મરણ પામે છે

‘બાંધનારાઓએ મસીહને નકાર્યા’ (ફકરો ૭ જુઓ)

૭. યહુદીઓએ ઈસુનો કઈ રીતે નકાર કર્યો?

૭ એ ‘બાંધનારાઓ’ યહુદી આગેવાનો હતા. તેઓએ ઈસુને નજરઅંદાજ કર્યા અને ખ્રિસ્ત તરીકે તેમનો નકાર કર્યો. એટલું જ નહિ, મોટા ભાગના યહુદીઓએ પીલાત પાસે તેમને મરણની સજા કરવાની માંગણી પણ કરી. આમ, તેઓએ ઈસુનો નકાર કર્યો. (લુક ૨૩:૧૮-૨૩) હા, ઈસુના મરણ માટે તેઓ પણ જવાબદાર હતા.

સજીવન થયેલા ઈસુ સ્વર્ગમાં રાજગાદીએ બેઠા છે

ઈસુને સજીવન કરવામાં આવ્યા, જેથી તે “ખૂણાનો મુખ્ય પથ્થર” બની શકે (ફકરા ૮, ૯ જુઓ)

૮. ઈસુ કઈ રીતે “ખૂણાનો મુખ્ય પથ્થર” બન્યા?

૮ જો ઈસુને મારી નાખવામાં આવ્યા હોય, તો તે કઈ રીતે “ખૂણાનો મુખ્ય પથ્થર” બની શકે? એવું ત્યારે જ શક્ય બને જો તેમને ફરી ઉઠાડવામાં આવ્યા હોય. ઈસુએ દ્રાક્ષાવાડીના માલિકની વાર્તા દ્વારા એ વાત સાફ સમજાવી હતી. માલિકે પોતાની દ્રાક્ષાવાડી ખેડૂતોને ભાગે આપી અને પછીથી પોતાના ચાકરોને તેઓ પાસે મોકલ્યા. ખેડૂતોએ તેઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો. થોડા સમય પછી, માલિકે એવી આશા સાથે પોતાના દીકરાને મોકલ્યો કે કદાચ ખેડૂતો તેનું સાંભળશે. પરંતુ, તેઓએ માલિકના દીકરાને મારી નાખ્યો. એવી જ રીતે, ઈશ્વરે મોકલેલા પ્રબોધકો સાથે ઇઝરાયેલીઓએ ખરાબ વ્યવહાર કર્યો હતો. આખરે, યહોવાએ પોતાના દીકરાને મોકલ્યા. પણ, લોકોએ તેમને મારી નાખ્યા. એ વાર્તા કહ્યા પછી, ઈસુએ ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ની ભવિષ્યવાણી ટાંકી હતી. (લુક ૨૦:૯-૧૭) “યહુદીઓના અધિકારીઓ, વડીલો અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા મળ્યા” ત્યારે, પ્રેરિત પીતરે આ કલમનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ‘નાઝરેથના ઈસુ ખ્રિસ્ત, જેમને તમે વધસ્તંભ પર ચડાવીને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા’ છે. પછી તેમણે કહ્યું: ‘ઈસુ એ “પથ્થર છે જેને તમે બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે.”’—પ્રે.કા. ૩:૧૫; ૪:૫-૧૧; ૧ પીત. ૨:૫-૭.

૯. કયા મહત્ત્વના બનાવ વિશે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨માં ભવિષ્યવાણી કરવામાં આવી?

૯ સજીવન થવાના પ્રસંગ વિશે, ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨માં કરવામાં આવેલી ભવિષ્યવાણી સદીઓ પછી પૂરી થવાની હતી. એ ભવિષ્યવાણી પ્રમાણે મસીહનો નકાર થવાનો હતો અને તેમનું મરણ થવાનું હતું. એ ભવિષ્યવાણીથી જોવા મળે છે કે તેમને પાછા ઉઠાડવામાં આવશે અને તે ખૂણાનો મુખ્ય પથ્થર બનશે. સજીવન થયા પછી ફક્ત ઈસુ જ એવી વ્યક્તિ બન્યા, જેમનું નામ ‘માણસોમાં આપવામાં આવ્યું અને જેમના દ્વારા આપણે બચી શકીએ’ છીએ.—પ્રે.કા. ૪:૧૨; એફે. ૧:૨૦.

૧૦. (ક) ગીતશાસ્ત્ર ૧૬:૧૦માં કઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે? (ખ) આપણે શા માટે ખાતરીથી કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૧૬:૧૦ની ભવિષ્યવાણી દાઊદ વિશે ન હતી?

૧૦ ચાલો હવે બીજી એક કલમ જોઈએ, જેમાં સજીવન થવા વિશે અગાઉથી કહેવામાં આવ્યું હતું. એ ભવિષ્યવાણી લગભગ હજાર વર્ષ પછી પૂરી થઈ હતી. એ હકીકતથી આપણને ભરોસો થવો જોઈએ કે આવી ભવિષ્યવાણી કે વચન વર્ષો પછી પણ ચોક્કસ પૂરું થઈ શકે છે. ગીતશાસ્ત્ર ૧૬મા અધ્યાયમાં દાઊદે લખ્યું હતું: ‘તમે તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ.’ (ગીત. ૧૬:૧૦) દાઊદ એવું કહેવા માંગતા ન હતા કે તે ક્યારેય મરશે નહિ અને કબરમાં જશે નહિ. બાઇબલ સાફ જણાવે છે કે દાઊદ વૃદ્ધ થયા અને ‘પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયા, ને તેમને દાઊદનગરમાં દાટવામાં આવ્યા.’ (૧ રાજા. ૨:૧, ૧૦) તો પછી, આ કલમ કોના વિશે જણાવે છે?

૧૧. પીતરે ક્યારે ગીતશાસ્ત્ર ૧૬:૧૦ સમજાવી?

૧૧ દાઊદે એ શબ્દો લખ્યા એના હજારેક વર્ષ પછી, પીતરે સમજાવ્યું કે ગીતશાસ્ત્ર ૧૬:૧૦ કોને લાગુ પડે છે. ઈસુ સજીવન થયા એના થોડાં અઠવાડિયાં પછી, પીતરે આ શબ્દો યહુદીઓને અને જેઓ યહુદી બન્યા હતા તેઓને કહ્યા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૨:૨૯-૩૨ વાંચો.) તેમણે યાદ અપાવ્યું કે દાઊદ મરણ પામ્યા હતા અને તેમને દફનાવવામાં આવ્યા હતા. પીતરે કહ્યું કે દાઊદે ‘અગાઉથી જોયું અને મસીહના સજીવન થવા વિશે જણાવ્યું.’ બાઇબલ ક્યાંય એવું જણાવતું નથી કે પીતરે લોકોને આ વાત કહી ત્યારે, લોકોએ તેમની વાતનો નકાર કર્યો હતો.

૧૨. ગીતશાસ્ત્ર ૧૬:૧૦ કઈ રીતે પૂરી થઈ? એનાથી સજીવન થવા વિશેના વચન પર આપણો ભરોસો કઈ રીતે મજબૂત થાય છે?

૧૨ ગીતશાસ્ત્ર ૧૧૦:૧ના દાઊદના શબ્દોનો ઉપયોગ કરીને પીતરે પોતાનો મુદ્દો સમજાવ્યો. (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૩-૩૬ વાંચો.) શાસ્ત્રના આધારે પીતરે જે રીતે સમજાવ્યું, એનાથી લોકોના ટોળાને ખાતરી થઈ કે ‘ઈશ્વરે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે.’ લોકોને એ પણ ખબર પડી કે ઈસુને સજીવન કરવામાં આવ્યા ત્યારે, ગીતશાસ્ત્ર ૧૬:૧૦ની ભવિષ્યવાણી પૂરી થઈ. પછીથી, પ્રેરિત પાઊલે પિસીદિયાના અંત્યોખ શહેરમાં યહુદીઓ સાથે વાત કરતી વખતે એ પુરાવાઓનો ઉપયોગ કર્યો હતો. એ પુરાવાઓની એટલી અસર થઈ કે તેઓ એ વિશે વધુ જાણવા માંગતા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૩:૩૨-૩૭, ૪૨ વાંચો.) એનાથી, આપણને પણ ખાતરી મળવી જોઈએ કે સજીવન થવા વિશેની બાઇબલની ભવિષ્યવાણીઓ ભલે સદીઓ પછી પૂરી થઈ હોય, તોપણ એ ભરોસાપાત્ર હતી.

મરણ પામેલા લોકોને ક્યારે ઉઠાડવામાં આવશે?

૧૩. સજીવન થવા વિશે આપણને કયા સવાલો થઈ શકે?

૧૩ આપણે જોઈ ગયા તેમ, ભવિષ્યવાણી થઈ હોય એની સદીઓ પછી વ્યક્તિને સજીવન કરવામાં આવી હતી. એનાથી આપણને કેટલું ઉત્તેજન મળે છે! તેમ છતાં, અમુક કદાચ પૂછે: “શું એનો અર્થ એવો થયો કે, મારા સ્નેહીજનને પાછા જોવા માટે વર્ષો સુધી રાહ જોવી પડશે? તેઓને ક્યારે સજીવન કરવામાં આવશે?” ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે અમુક બાબતો વિશે તેઓ જાણતા નથી અને જાણી શકશે નહિ. એ “સમયો અને દિવસો ઠરાવવાનો અધિકાર પિતાએ પોતાની પાસે રાખ્યો છે.” (પ્રે.કા. ૧:૬, ૭; યોહા. ૧૬:૧૨) જોકે, લોકોને ક્યારે સજીવન કરવામાં આવશે એ વિશે આપણી પાસે અમુક માહિતી છે.

૧૪. ઈસુનું સજીવન થવું કઈ રીતે અગાઉના કિસ્સાઓથી અલગ છે?

૧૪ સજીવન કરવામાં આવ્યા હોય એવા ઘણા બનાવો બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. એ બધામાં સૌથી મહત્ત્વનો બનાવ હતો, ઈસુનું સજીવન થવું. જો તેમને સજીવન કરવામાં ન આવ્યા હોત, તો સ્નેહીજનોના સજીવન થવાની આપણી પાસે કોઈ આશા ન હોત. ઈસુ પહેલાં અમુકને સજીવન કરવામાં આવ્યા હતા, પણ તેઓ હંમેશ માટે જીવ્યા ન હતા. તેઓ પાછા મરણ પામ્યા અને ધૂળમાં મળી ગયા. પરંતુ, ઈસુને “મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે, તે ફરીથી મરનાર નથી; હવેથી મરણનો તેમના પર કોઈ અધિકાર નથી.” સ્વર્ગમાં તે ‘હંમેશાં, સદાને માટે જીવે છે.’—રોમ. ૬:૯; પ્રકટી. ૧:૫, ૧૮; કોલો. ૧:૧૮; ૧ પીત. ૩:૧૮.

૧૫. શા માટે ઈસુને સજીવન થનારાઓમાં “પ્રથમ” કહેવામાં આવ્યા?

૧૫ સજીવન થઈને ઈસુ સ્વર્ગમાં ગયા. એ પહેલો અને સૌથી મહત્ત્વનો બનાવ હતો. (પ્રે.કા. ૨૬:૨૩) જોકે, સજીવન થઈને સ્વર્ગમાં જનારા તે એકલા જ ન હતા. ઈસુએ વચન આપ્યું હતું કે તેમના વફાદાર શિષ્યો તેમની સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (લુક ૨૨:૨૮-૩૦) પણ, મરણ પછી જ તેઓને એ ઇનામ મળશે. તેઓને દૂતો જેવું શરીર આપવામાં આવશે. પાઊલે લખ્યું, “ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી તેમને પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે.” પાઊલે જણાવ્યું કે, બીજાઓ પણ સજીવન કરાશે અને તેઓ સ્વર્ગમાં જશે. તેમણે કહ્યું: “દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ ખ્રિસ્તને, પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી દરમિયાન ઉઠાડવામાં આવશે.”—૧ કોરીં. ૧૫:૨૦, ૨૩.

૧૬. સ્વર્ગમાં સજીવન કરવાનું કામ ક્યારે શરૂ થશે, એ વિશે આપણી પાસે કઈ માહિતી છે?

૧૬ સ્વર્ગમાં સજીવન કરવાનું કામ ક્યારે શરૂ થશે, એ વિશે પાઊલના શબ્દો થોડી માહિતી આપે છે. એ કામ ખ્રિસ્તની હાજરી દરમિયાન થશે. ઘણાં વર્ષોથી, યહોવાના સાક્ષીઓએ બાઇબલમાંથી ખ્રિસ્તની હાજરી વિશે સાબિતી આપી છે. એ મુજબ, ખ્રિસ્તની “હાજરી” ૧૯૧૪માં શરૂ થઈ છે અને હજુ ચાલી રહી છે, તેમજ દુષ્ટ દુનિયાનો નાશ ઘણો નજીક છે.

૧૭, ૧૮. ખ્રિસ્તની હાજરી દરમિયાન અમુક અભિષિક્તોનું શું થશે?

૧૭ સ્વર્ગમાં સજીવન થવા વિશે બાઇબલ વધારે માહિતી જણાવે છે: ‘અમે ચાહીએ છીએ કે જેઓ મરણની ઊંઘમાં છે, તેઓ વિશે તમે અજાણ ન રહો. એટલે, જો આપણને ખાતરી હોય કે ઈસુ મરણ પામ્યા અને પાછા જીવતા થયા, તો આપણે એ પણ ખાતરી રાખી શકીએ કે જેઓ ઈસુને વફાદાર રહીને મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને ઈશ્વર ઉઠાડશે. પ્રભુની હાજરીના સમયે આપણે જેઓ જીવતા હોઈશું, તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પરંતુ, જેઓ અગાઉ મરણ પામ્યા છે, પ્રથમ તેઓને અને પછી આપણને સ્વર્ગમાં લેવામાં આવશે. કેમ કે પ્રભુ પોતે પ્રમુખ સ્વર્ગદૂતના અવાજમાં હુકમ આપતા, સ્વર્ગમાંથી નીચે આવશે. જેઓ ખ્રિસ્ત સાથે એકતામાં હોવાને લીધે મરણ પામ્યા છે, તેઓ પ્રથમ ઊઠશે. એ પછી, આપણે જેઓ જીવતા હોઈશું, તેઓને વાદળોમાં લઈ લેવામાં આવશે, જેથી આપણે તેઓ સાથે હોઈએ અને આકાશમાં પ્રભુને મળીએ. આમ, આપણે હંમેશાં પ્રભુ સાથે હોઈશું.’—૧ થેસ્સા. ૪:૧૩-૧૭.

૧૮ ખ્રિસ્તની હાજરી શરૂ થઈ પછી, સ્વર્ગમાં સજીવન કરવાનું કામ શરૂ થયું. મહાન વિપત્તિ દરમિયાન જીવી રહેલાં અભિષિક્ત ભાઈ-બહેનોને “વાદળોમાં લઈ લેવામાં આવશે.” (માથ. ૨૪:૩૧) એનો અર્થ શું થાય? જેઓને “લઈ લેવામાં આવશે,” તેઓ ‘મરણની ઊંઘમાં સરી જવાના નથી,’ એટલે કે તેઓ લાંબા સમય સુધી મરણની ઊંઘમાં નહિ રહે. તેઓ મરણ પામશે ત્યારે, ‘બદલાણ પામશે. છેલ્લું રણશિંગડું વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે.’—૧ કોરીં. ૧૫:૫૧, ૫૨.

૧૯. ‘વધારે સારા જીવન માટે જીવતા’ કરવાનો અર્થ શું થાય?

૧૯ આજે મોટાભાગના ઈશ્વરભક્તો અભિષિક્ત નથી. એટલે કે, તેઓને સ્વર્ગમાં રાજ કરવા માટે પસંદ કરવામાં આવ્યા નથી. એના બદલે, તેઓ ‘યહોવાના દિવસની’ આતુરતાથી રાહ જુએ છે, જ્યારે યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે. કોઈ જાણતું નથી કે અંત ક્યારે આવશે, પણ નિશાનીઓ બતાવે છે કે એ બહુ જલદી આવશે. (૧ થેસ્સા. ૫:૧-૩) ઈશ્વરની નવી દુનિયામાં લોકોને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. અગાઉ પૃથ્વી પર જેઓને સજીવન કરવામાં આવ્યા હતા, તેઓ થોડા સમય પછી મરણ પામ્યા હતા. પણ, નવી દુનિયામાં સજીવન થનારાઓ સંપૂર્ણ થશે અને ફરી ક્યારેય મરશે નહિ. એ રીતે તેઓ ‘વધારે સારા જીવન માટે જીવતા’ કરાશે.—હિબ્રૂ. ૧૧:૩૫.

૨૦. આપણે કઈ રીતે ભરોસો રાખી શકીએ કે, સજીવન કરવાનું કામ વ્યવસ્થિત રીતે થશે?

૨૦ બાઇબલ જણાવે છે કે, સ્વર્ગમાં સજીવન થનાર ‘દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવશે.’ (૧ કોરીં. ૧૫:૨૩) એ પરથી ભરોસો રાખી શકીએ કે, પૃથ્વી પર સજીવન થવાનું કામ પણ વ્યવસ્થિત રીતે થશે. આપણને કદાચ આવા સવાલો થઈ શકે: જેઓ હમણાં મરણ પામ્યા છે, શું તેઓ ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યની શરૂઆતમાં સજીવન કરાશે? પ્રાચીન સમયના અમુક વફાદાર ભક્તો સારા આગેવાનો હતા. શું તેઓને શરૂઆતમાં સજીવન કરાશે, જેથી તેઓ ઈશ્વરના લોકોને નવી દુનિયામાં વ્યવસ્થા જાળવવા મદદ આપી શકે? સજીવન થનાર એવા લોકો વિશે શું જેઓએ ક્યારેય યહોવાની ભક્તિ કરી નથી? તેઓ ક્યાં અને ક્યારે સજીવન થશે? આપણને એવા ઘણા સવાલો થઈ શકે. પણ, હમણાં આપણે એ બાબતો વિશે ચિંતા કરવાની જરૂર નથી. રાહ જોઈએ અને બાબતો યહોવાના હાથમાં છોડી દઈએ. આપણે ભરોસો રાખી શકીએ કે, યહોવા જે રીતે બાબતો હાથ ધરશે, એ જોવું રોમાંચક હશે!

૨૧. તમે કેવી આશા રાખો છો?

૨૧ અંત આવે ત્યાં સુધી આપણે યહોવામાં શ્રદ્ધા મજબૂત કરતા રહીએ. તેમણે ઈસુ દ્વારા વચન આપ્યું હતું કે, મરણ પામેલા તેમની યાદમાં છે અને તેઓ ફરીથી જીવતા થશે. (યોહા. ૫:૨૮, ૨૯; ૧૧:૨૩) યહોવા મરણ પામેલા લોકોને સજીવન કરશે, એનો બીજો એક પુરાવો પણ છે. ઈસુએ એક વાર કહ્યું હતું કે ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબ યહોવાની ‘નજરમાં જીવે છે.’ (લુક ૨૦:૩૭, ૩૮) આપણી પાસે એવાં ઘણાં કારણો છે, જેનાથી આપણે પ્રેરિત પાઊલની જેમ કહી શકીએ: ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું કે, લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’—પ્રે.કા. ૨૪:૧૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો