વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૪/૧ પાન ૧૪-૧૫
  • શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ કોને પ્રાર્થના કરતા શીખવ્યું?
  • પહેલી સદીના ઈશ્વરભક્તોએ કોને પ્રાર્થના કરી?
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • પ્રાર્થના—એ લહાવાને કીમતી ગણીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ૩ કેવી રીતે કરવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૪/૧ પાન ૧૪-૧૫

શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?

એ ક સંશોધકે હાલમાં કરેલા સર્વેમાં જુદા જુદા ધાર્મિક પંથોના ૮૦૦ કરતાં વધારે યુવાનોને આમ પૂછ્યું: ‘ઈસુ પ્રાર્થનાનો જવાબ આપે છે એવું શું તેઓ માને છે?’ ૬૦ ટકા કરતાં વધારે યુવાનોએ કહ્યું કે, ઈસુ પ્રાર્થનાનો જવાબ આપે છે. પરંતુ, એક યુવાને કહ્યું: ‘ઈસુ નહિ, પણ ઈશ્વર પ્રાર્થનાનો જવાબ આપે છે.’

તમને શું લાગે છે? શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વરને?a એનો જવાબ જાણવા, ચાલો પહેલા એ જોઈએ કે ઈસુએ તેમના શિષ્યોને કઈ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું.

ઈસુએ કોને પ્રાર્થના કરતા શીખવ્યું?

ઈસુએ પોતે બતાવ્યું અને શીખવ્યું કે કોને પ્રાર્થના કરવી જોઈએ.

ઈસુ પોતાના પિતાને પ્રાર્થના કરી રહ્યા છે[પાન ૧૪, ૧૫ પર ચિત્રો]

ઈસુએ સ્વર્ગના પિતાને પ્રાર્થના કરીને આપણા માટે દાખલો બેસાડ્યો

પોતાના શિક્ષણથી: ઈસુના એક શિષ્યએ કહ્યું કે, ‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો.’ ઈસુએ જણાવ્યું: ‘તમે પ્રાર્થના કરો, ત્યારે પિતાને’ કરો. (લુક ૧૧:૧, ૨) પહાડ પરના ભાષણમાં પણ સાંભળનારાઓને તેમણે પ્રાર્થના કરવાની અરજ કરી. તેમણે કહ્યું: ‘તમારા પિતાને પ્રાર્થના કરો.’ તેમણે ખાતરી આપતા આમ કહ્યું: ‘જેની તમને અગત્ય છે, એ તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.’ (માથ્થી ૬:૬, ૮) ધરતી પરની છેલ્લી રાતે ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું: ‘જો તમે પિતા પાસે કંઈ માગશો તો મારે નામે તે તમને આપશે.’ (યોહાન ૧૬:૨૩) આમ, ઈસુએ આપણને શીખવ્યું કે તેમના અને આપણા પિતા, એટલે કે યહોવા ઈશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ.—યોહાન ૨૦:૧૭.

પોતાના દાખલાથી: ઈસુએ લોકોને પ્રાર્થના કરતા શીખવ્યું. એ જ રીતે, પોતે પણ પ્રાર્થના કરી: ‘સ્વર્ગ તથા પૃથ્વીના માલિક, હું તમારી સ્તુતિ કરું છું.’ (લુક ૧૦:૨૧) બીજા એક પ્રસંગે, ‘ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું, કે હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો ઉપકાર માનું છું.’ (યોહાન ૧૧:૪૧) ઈસુ મરવાની અણીએ હતા ત્યારે પણ પ્રાર્થના કરતા કહ્યું: ‘ઓ પિતા, હું મારો જીવ તમારા હાથમાં સોંપું છું.’ (લુક ૨૩:૪૬) ઈસુએ સ્વર્ગના પિતા એટલે કે, “આકાશ તથા પૃથ્વીના પ્રભુ”ને પ્રાર્થના કરીને આપણા માટે દાખલો બેસાડ્યો છે. (માથ્થી ૧૧:૨૫; ૨૬:૪૧, ૪૨; ૧ યોહાન ૨:૬) શું ઈસુના શિષ્યો પણ એ પ્રમાણે પ્રાર્થના કરતા હતા?

પહેલી સદીના ઈશ્વરભક્તોએ કોને પ્રાર્થના કરી?

ઈસુ સ્વર્ગમાં ગયા એના થોડા જ અઠવાડિયામાં તેમના વિરોધીઓ શિષ્યોને ધમકાવવા અને સતાવવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮) એ સમયે, શિષ્યોએ મદદ માટે પ્રાર્થના કરી. તેઓએ કોને પ્રાર્થના કરી? “તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે” મદદ માટે ‘પવિત્ર સેવક ઈસુને નામે’ પ્રાર્થના કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪, ૩૦) ઈસુએ શીખવ્યું હતું એ જ પ્રમાણે શિષ્યોએ પ્રાર્થના કરી. તેઓએ ઈસુને નહિ પણ ઈશ્વરને પ્રાર્થના કરી.

વર્ષો પછી, પ્રેરિત પાઊલે જણાવ્યું કે તેમણે અને તેમના સાથીઓએ કઈ રીતે પ્રાર્થના કરી. પાઊલે સાથી ભાઈ-બહેનોને લખ્યું: “અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ.” (કોલોસી ૧:૩, કોમન લેંગ્વેજ) પ્રેરિત પાઊલે એ પણ જણાવ્યું: “સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો.” (એફેસી ૫:૨૦, કોમન લેંગ્વેજ) એ બતાવે છે કે, પાઊલે બીજાઓને ઈસુના નામે ‘સર્વ બાબતો માટે ઈશ્વરપિતાનો આભાર માનવા’ ઉત્તેજન આપ્યું.—કોલોસી ૩:૧૭.

પહેલી સદીના ઈશ્વરભક્તોની જેમ આપણે પણ ઈસુના શીખવ્યા પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. એનાથી આપણે ઈસુ પ્રત્યે પ્રેમ બતાવી શકીએ છીએ. (યોહાન ૧૪:૧૫) ગીતશાસ્ત્ર ૧૧૬:૧, ૨માં ગીતકર્તાએ જણાવ્યું: ‘યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેમના પર પ્રીતિ રાખું છું. માટે જિંદગી પર્યંત હું તેમને પ્રાર્થના કરીશ.’ તેમની જેમ આપણે પણ ખાતરી રાખી શકીએ કે, યહોવા ઈશ્વરને જ પ્રાર્થના કરીશું તો, તે ચોક્કસ પ્રાર્થના સાંભળશે.b (w૧૫-E ૦૧/૦૧)

a બાઇબલ પ્રમાણે ઈસુ અને ઈશ્વર એક નથી. વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૪ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

b ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે આપણે તેમની ઇચ્છા પ્રમાણે જ ચાલીએ. વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૭ જુઓ.

શું તેઓએ ઈસુને પ્રાર્થના કરી?

બાઇબલના અહેવાલો બતાવે છે કે, ઈસુ સ્વર્ગમાં ગયા પછી અમુક ઈશ્વરભક્તોએ તેમની સાથે વાત કરી હતી. અરે, સ્વર્ગદૂતો સાથે પણ વાત કરી હતી! (પ્રેરિતોનાં કૃત્યો ૯:૪, ૫, ૧૦-૧૬; ૧૦:૩, ૪; પ્રકટીકરણ ૧૦:૮, ૯; ૨૨:૨૦) તો શું તેઓએ ઈસુ અને સ્વર્ગદૂતોને પ્રાર્થના કરી? ના. આ દરેક કિસ્સામાં ઈસુ અને દૂતોએ વાત કરવાની પહેલ કરી હતી. આ ઈશ્વરભક્તોએ તો ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરી હતી.—ફિલિપી ૪:૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો