વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૧ પાન ૧૦-૧૩
  • ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા ઈશ્વરને ઈસુના નામમાં પ્રાર્થના કરીએ
  • તમારું દિલ ઠાલવો
  • યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરો
  • આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ?
  • પ્રાર્થના કરતા રહીએ
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • પ્રાર્થના—એ લહાવાને કીમતી ગણીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૧ પાન ૧૦-૧૩

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે યહોવા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) આપણે બધાં તેમનાં બાળકો હોવાથી તેમને કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. પછી ભલે મોટેથી કરીએ કે મનમાં, તે આપણી પ્રાર્થના સાંભળે છે. તે આપણા પિતા છે એટલે ચાહે છે કે આપણી બધી જ ચિંતાઓ દિલ ખોલીને તેમને જણાવીએ. (માથ્થી ૬:૯) પવિત્ર શાસ્ત્રમાં તેમણે જણાવ્યું છે કે પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ.

યહોવા ઈશ્વરને ઈસુના નામમાં પ્રાર્થના કરીએ

“જો તમે પિતા પાસે કંઈ માંગશો, તો તે તમને મારા નામમાં એ આપશે.”​—યોહાન ૧૬:૨૩.

એ શબ્દો ઈસુએ કહ્યા હતા. એનાથી સાફ જોઈ શકાય છે કે આપણે કોઈ મૂર્તિ, સાધુ-સંત, દેવદૂત કે પૂર્વજોને પ્રાર્થના કરવી ન જોઈએ. એના બદલે યહોવા ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. યહોવાને પ્રાર્થના કરતી વખતે આપણે ઈસુને પણ યાદ કરવા જોઈએ. પ્રાર્થના કરતી વખતે આપણે આમ કહેવું જોઈએ કે આ પ્રાર્થના ઈસુના નામમાં કરીએ છીએ. એમ કરીશું તો જ યહોવા આપણી પ્રાર્થના સાંભળશે. ઈસુએ કહ્યું હતું, “મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.” (યોહાન ૧૪:૬) ઈસુએ આપણા માટે પોતાનું બલિદાન આપ્યું. તેમના નામમાં પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણે તેમની ખૂબ જ કદર કરીએ છીએ.

તમારું દિલ ઠાલવો

‘ઈશ્વર આગળ તમારું હૃદય ખુલ્લું કરો.’​—ગીતશાસ્ત્ર ૬૨:૮.

એક નાનું બાળક પોતાના મનની બધી વાત મમ્મી-પપ્પાને કહે છે. એવી જ રીતે આપણે પણ યહોવા ઈશ્વરને પ્રાર્થનામાં મનની બધી જ વાત કહેવી જોઈએ. આપણી પ્રાર્થના ગોખેલી ન હોવી જોઈએ. તેમજ ચોપડીમાંથી વારંવાર વાંચતા હોય એવું પણ ન હોવું જોઈએ. આપણા મનમાં જે ચાલતું હોય એના વિશે ભગવાન સાથે ખુલ્લા મને વાત કરીએ. પછી ભલે એ વાત દુઃખની હોય કે ખુશીની!

યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરો

‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.’ ​—૧ યોહાન ૫:૧૪.

પવિત્ર શાસ્ત્રમાં યહોવાએ જણાવ્યું છે કે તે આપણા માટે શું કરશે. એ પણ જણાવ્યું છે કે તે આપણી પાસેથી શું ચાહે છે. તેમજ “તેમની ઇચ્છા પ્રમાણે” પ્રાર્થના કરીશું તો તે જરૂર સાંભળશે. આપણે તેમની ઇચ્છા કેવી રીતે જાણી શકીએ? પવિત્ર શાસ્ત્ર વાંચીને આપણે જાણી શકીશું કે તેમને શું ગમે છે અને શું નહિ. જો એ ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરીશું તો તેમને આપણી પ્રાર્થના સાંભળવી ગમશે.

આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ?

એક કુટુંબ જમતા પહેલાં પ્રાર્થના કરી રહ્યું છે.

આપણી જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ. આપણી જીવન જરૂરિયાતો માટે ભગવાનને પ્રાર્થના કરી શકીએ. જેમ કે રોટી, કપડાં અને મકાન. તેમજ યોગ્ય નિર્ણય લેવા પ્રાર્થનામાં બુદ્ધિ માંગી શકીએ અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત માંગી શકીએ. આપણે શ્રદ્ધા મજબૂત કરવા, ભૂલોની માફી માંગવા અને ભગવાનની મદદ મેળવવા પ્રાર્થના કરી શકીએ.—લુક ૧૧:૩, ૪, ૧૩; યાકૂબ ૧:૫, ૧૭.

એક પત્ની હૉસ્પિટલમાં પથારી પર સૂતા છે અને તેમના પતિ તેની સાથે પ્રાર્થના કરી રહ્યા છે.

બીજાઓ માટે પ્રાર્થના કરીએ. કુટુંબમાં બધાં બાળકો એકબીજા સાથે હળીમળીને રહે તો, માતા-પિતાને ખુશી થાય છે. આપણે બધાં યહોવાનાં બાળકો છીએ. એટલે, તે પણ ચાહે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ અને કાળજી રાખીએ. પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “એકબીજા માટે પ્રાર્થના કરો.” (યાકૂબ ૫:૧૬) ચાલો આપણાં જીવનસાથી, બાળકો, મિત્રો, સગા-વહાલાઓ માટે પ્રાર્થના કરતા રહીએ!

સૂરજ આથમી રહ્યો છે એ સમયે એક પુરુષ મેદાનમાંથી પસાર થઈ રહ્યો છે.

આભાર માનીએ. પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે ઈશ્વર આપણું ભલું કરે છે. ‘તે આપણા માટે આકાશમાંથી વરસાદ વરસાવે છે, ફળદાયી ઋતુઓ આપે છે અને ખોરાક આપે છે. તે આનંદથી આપણા હૃદયો ભરી દે છે.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭) ઈશ્વરે આપેલા આશીર્વાદો પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે. એ ઉપરાંત, તેમની આજ્ઞાઓ પાળીને પણ બતાવીએ છીએ કે આપણે તેમના આભારી છીએ.—કોલોસીઓ ૩:૧૫.

પ્રાર્થના કરતા રહીએ

ઘણી વાર એવું બને કે આપણે દિલથી પ્રાર્થના કરીએ, પણ એનો જવાબ ન મળે. એનાથી આપણને લાગે કે ‘ભગવાનને મારી કંઈ જ પડી નથી.’ પણ હકીકતમાં એવું નથી. ચાલો અમુક લોકોના અનુભવોનો વિચાર કરીએ. તેઓ સાથે જે બન્યું એનાથી જોવા મળે છે કે આપણી પ્રાર્થનાનો જવાબ ન મળે તો શું કરીશું? કદી હિંમત ન હારીએ. હંમેશાં પ્રાર્થના કરતા રહીએ.

સ્ટીવ જેમના વિશે આગળ જોઈ ગયા, તે જણાવે છે: “હું જિંદગીથી હારી ગયો હતો. પણ પ્રાર્થના કરવાથી મને આશાનું કિરણ દેખાયું.” સ્ટીવે શાના લીધે ફેરફારો કર્યા? તેમને બાઇબલમાંથી શીખવા મળ્યું કે ઈશ્વરને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. તે કહે છે: “જીવનની મુશ્કેલ ઘડીઓમાં મિત્રોએ મને ખૂબ સાથ આપ્યો. એવા મિત્રો આપવા માટે હું યહોવાનો ખૂબ આભારી છું.”

અંજુબહેન વિશે શું? તેમને લાગતું હતું કે તે ભગવાન સાથે વાત કરવાને પણ લાયક નથી. તે કહે છે: “હું સાવ ભાંગી પડી હતી. મેં પ્રાર્થનામાં ભગવાન પાસે મદદ માંગી. મેં તેમની સામે મારું દિલ ઠાલવ્યું. એનાથી મને મનની શાંતિ મળી. ખરું કે, મારી ભૂલોને લીધે હું પોતાને નકામી ગણતી. પણ ભગવાનની નજરે હું નકામી ન હતી.” કેટલીક વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત નથી મળતો. તોપણ આપણે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. અંજુબહેન કહે છે: “પ્રાર્થના કરવાથી હું જોઈ શકી કે યહોવા પ્રેમાળ ઈશ્વર, પિતા અને મિત્ર છે. તેમણે વચન આપ્યું છે કે તેમનું કહ્યું માનીશું તો, તે હંમેશાં આપણો સાથ નિભાવશે.”

ઇઝાબેલ સાથે તેમના પતિ અને તેમનો દીકરો

ઇઝાબેલ જણાવે છે કે, ‘જેરાર્ડ અપંગ છે, તોય તેના ચહેરા પર ખુશી જોઉં છું. એ જ મારી પ્રાર્થનાનો જવાબ છે’

ઇઝાબેલ નામની એક સ્ત્રીનો વિચાર કરો. તે મા બનવાની હતી. ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે તેમનું બાળક અપંગ જન્મશે. એ સાંભળીને ઇઝાબેલને બહુ દુઃખ થયું. કેટલાક લોકોએ તો તેમને સલાહ આપી કે ગર્ભપાત કરાવી દે. તે કહે છે: “મને સમજ પડતી ન હતી કે હું શું કરું. મેં રાત-દિવસ ભગવાનને પ્રાર્થના કરી અને તેમની મદદ માંગી.” ઇઝાબેલે એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ જેરાર્ડ રાખ્યું. જોકે, તેમનો દીકરો અપંગ જ જન્મ્યો. છતાં, ઇઝાબેલ માને છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી છે. તે જણાવે છે: “હું બહુ ખુશ છું કે જેરાર્ડને જન્મ આપી શકી. આજે જેરાર્ડ ૧૪ વર્ષનો છે. તે અપંગ છે, તોય તેના ચહેરા પર ખુશી જોઉં છું. એ જ મારી પ્રાર્થનાનો જવાબ છે. એ માટે હું હંમેશાં યહોવાની આભારી રહીશ.”

ઇઝાબેલની જેમ એક ઈશ્વરભક્તે પણ પ્રાર્થનામાં આમ કહ્યું: ‘યહોવા, તમે નમ્ર લોકોની ઇચ્છા માન્ય કરો છો. તમે તેઓના મન મક્કમ કરો છો અને તેઓનું સાંભળો છો.’ (ગીતશાસ્ત્ર ૧૦:૧૭) ભરોસો રાખો, ભગવાન આપણી વિનંતીઓ જરૂર સાંભળે છે.

ઈસુએ કરેલી ઘણી પ્રાર્થનાઓ બાઇબલમાં નોંધવામાં આવી છે. તેમણે પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. એ ખૂબ જાણીતી પ્રાર્થના છે. ચાલો, એના પર એક નજર નાખીએ.

ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું

ઈસુ પહાડ પર ઉપદેશ આપી રહ્યા છે અને લોકોનું ટોળું એ ધ્યાનથી સાંભળી રહ્યું છે.

ઈસુએ પહાડ પર ઉપદેશ આપતી વખતે પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. લોકો એને પ્રભુની પ્રાર્થના પણ કહે છે. (માથ્થી ૬:૯-૧૩; લુક ૧૧:૨-૪ પણ જુઓ) આજે એ પ્રાર્થના ઘણા લોકોને મોઢે છે. શું એ પ્રાર્થના ઈસુએ એટલે શીખવી હતી કે એને મોઢે કરીને એનું રટણ કરી શકીએ? એ ઉપદેશમાં તો તેમણે શિષ્યોને કહ્યું હતું કે, તેઓની પ્રાર્થના ગોખેલી ન હોવી જોઈએ. (માથ્થી ૬:૭) પણ પ્રાર્થના કેવી હોવી જોઈએ એ વિશે ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું. ચાલો જોઈએ કે ઈસુની પ્રાર્થનામાંથી આપણને શું શીખવા મળે છે.

“હે સ્વર્ગમાંના અમારા પિતા”

  • આપણે ફક્ત યહોવા ઈશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ.

“તમારું નામ પવિત્ર મનાઓ”

  • યહોવા ઈશ્વરનું નામ પવિત્ર છે. આપણે એવું કોઈ કામ ન કરીએ, જેથી તેમનું નામ બદનામ થાય.

“તમારું રાજ્ય આવો”

  • ઈશ્વરનું રાજ્ય બહુ જ જલદી સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે. એના રાજા ઈસુ હશે.

“જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ”

  • ઈશ્વરની ઇચ્છા છે કે માણસ પૃથ્વી પર હંમેશાં સુખ-ચેનથી જીવે.

“આજ માટે જરૂરી રોટલી અમને આજે આપો”

  • યહોવા આપણી દરરોજની જરૂરિયાતો પૂરી કરે છે.

“અમારાં પાપ માફ કરો”

  • આપણે બધા ભૂલો કરીએ છીએ. એટલે, ભગવાન પાસે માફી માંગવી જોઈએ.

જો આ બાબતોને ધ્યાનમાં રાખીશું, તો દિલથી પ્રાર્થના કરી શકીશું. એવી પ્રાર્થના યહોવા ઈશ્વર જરૂર સાંભળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો