વાચકો તરફથી પ્રશ્નો
પરફ્યુમની સુગંધથી સખત આડઅસર થતી હોય, એવાં ભાઈ-બહેનોને રાહત મળે માટે શું કરી શકાય?
પરફ્યુમની સુગંધથી આડઅસર થાય એવી વ્યક્તિઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોજબરોજના જીવનમાં એવી વ્યક્તિઓ પરફ્યુમનો ઉપયોગ કરનાર લોકોના સંપર્કમાં આવે છે. એવા સમયે આડઅસરથી બચવા તેઓ ખાસ કંઈ કરી શકતા નથી. છતાં, મંડળમાં અમુકને જાણવું છે, કે એવી વ્યક્તિઓને રાહત મળે માટે શું કરી શકાય. શું, સભાઓમાં અથવા સંમેલનોમાં આવતાં ભાઈ-બહેનોને પરફ્યુમનો ઉપયોગ ન કરવાની અરજ કરી શકાય?
કોઈ પણ સાક્ષી નહિ ચાહે કે તેના લીધે બીજાઓ માટે સભાઓમાં હાજર રહેવું અઘરું બને. આપણે બધાને સભાઓથી મળતા ઉત્તેજનની જરૂર છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) પરંતુ, અમુકને પરફ્યુમની સુગંધની એટલી આડઅસર થાય છે કે તેના માટે સભાઓમાં હાજર રહેવું મુશ્કેલ બને છે. એવા સંજોગોમાં એ વ્યક્તિ એના વિશે મંડળના વડીલોની જોડે ચર્ચા કરી શકે. ખરું કે, વડીલો મંડળ માટે પરફ્યુમના ઉપયોગ વિશે કોઈ નિયમ બનાવશે નહિ. કારણ કે, એમ કરવું બાઇબલ આધારિત કે વાજબી નહિ કહેવાય. જોકે વડીલો, એવી માહિતી પૂરી પાડી શકે, જેથી પીડાઈ રહેલી વ્યક્તિની તકલીફને મંડળ સમજી શકે. સંજોગો ધ્યાનમાં રાખીને વડીલો એવી માહિતીને “મંડળની જરૂરિયાતો” ભાગમાં આવરી શકે. તેઓ એ વિષય પર અગાઉ છપાયેલી માહિતીનો ઉપયોગ કરી શકે.a અથવા તેઓ કોઈને ખોટું ન લાગે એ રીતે જાહેરાત કરી શકે. જોકે, વડીલો વારંવાર એવી જાહેરાતો નહિ કરે. આપણી સભાઓમાં, રસ ધરાવતી વ્યક્તિઓ અને મહેમાનો આવે છે, જેઓ એ મુશ્કેલી વિશે જાણતા નથી. આપણે નથી ચાહતા કે તેઓ આવી જાહેરાતોને લીધે સભાઓમાં આવતા અચકાય. જેઓ વાજબી પ્રમાણમાં પરફ્યુમનો ઉપયોગ કરે છે, તેઓનું મન ડંખ્યા કરે એવું પણ આપણે ઇચ્છતા નથી.
જે ભાઈ-બહેનો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ માટે વડીલોનું જૂથ ખાસ ગોઠવણ કરી શકે. જો શક્ય હોય તો રાજ્યગૃહમાં તેઓ માટે અલગ બેઠકની વ્યવસ્થા કરી શકાય. દાખલા તરીકે, જે રાજ્યગૃહોમાં કોઈ અલગ રૂમ હોય તો, ત્યાં બેસીને સાંભળવાની ગોઠવણ કરી શકાય. એ બધા પ્રયત્નો છતાં, હજીયે કોઈને તકલીફ થતી હોય તો શું કરી શકાય? આપણાં મંડળોમાં બીમાર કે પથારીવશ ભાઈ-બહેનો માટે આખી સભાને રેકોર્ડ કરવામાં આવે છે. એવી જ ગોઠવણ એ સમસ્યાથી પીડાતી વ્યક્તિઓ માટે કરી શકાય. અથવા શક્ય હોય તો ટેલીફોન દ્વારા સભાનું પ્રસારણ કરી શકાય.
હાલનાં વર્ષોમાં આપણી રાજ્ય સેવામાં એ સમસ્યા પર ધ્યાન દોરવામાં આવ્યું છે. ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે મહાસંમેલનો વખતે એવી વ્યક્તિનો વિચાર કરવો જોઈએ, જેઓને સુંગધીઓની આડઅસર થાય છે. આપણાં મોટાં ભાગનાં મહાસંમેલનો એવા હૉલમાં યોજાય છે, જ્યાં હવાની અવર-જવર ઓછી હોય છે. તેથી, હાજર રહેનાર દરેકને અરજ કરવામાં આવે છે કે તેઓ તેજ સુગંધીઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે. કારણ કે, એવાં સંમેલનગૃહોમાં અલગ બેઠકની વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે. જોકે, મંડળની સભાઓ માટે એ માર્ગદર્શન ક્યારે પણ નિયમ તરીકે આપવામાં આવ્યું નથી. અને આ લેખ પણ એવો કોઈ નિયમ બનાવતો નથી.
આપણને દરેકને વારસામાં ખામીઓ મળી છે. અને આ જગત શેતાનની સત્તામાં છે ત્યાં સુધી એ ખામીઓને લીધે સહન કરવું પડશે. એ દરમિયાન આપણી સમસ્યાઓને હળવી બનાવવા જેઓ પ્રયત્નો કરે છે, તેઓની આપણે કેટલી કદર કરીએ છીએ! બીજાઓ પણ સભાનો આનંદ માણી શકે માટે અમુકે પરફ્યુમ કે બીજી સુગંધીઓનો ઉપયોગ ઓછો કર્યો છે. ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાને લીધે તેઓએ એમ કર્યુ છે. શું તમે પણ એમ નહિ કરો?
શું ઇતિહાસનાં પુસ્તકો પણ પોંતિયસ પીલાતના અસ્તિત્વની સાબિતી આપે છે?
પથ્થરની આ શિલા પર લેટીન ભાષામાં પીલાતનું નામ કોતરવામાં આવ્યું હતું
બાઇબલ વાચકોને પોંતિયસ પીલાત વિશે ખબર હશે. કારણ કે, તેણે ઈસુ પર મુકદમો ચલાવવામાં અને સજા ફરમાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો. (માથ. ૨૭:૧, ૨, ૨૪-૨૬) પોંતિયસ પીલાતનું નામ ઈસુના સમયના ઇતિહાસનાં બીજાં પુસ્તકોમાં કેટલીક વાર જોવા મળે છે. ધી ઍન્કર બાઇબલ ડિક્શનરી જણાવે છે કે ઇતિહાસનાં પુસ્તકોના અહેવાલો તપાસતા જોવા મળે છે કે ‘યહુદાના બીજા રોમન સૂબેદારોની સરખામણીમાં પીલાત વિશે વધુ વિગતો છે.’
યહુદી ઇતિહાસકાર જોસેફસનાં લખાણોમાં પીલાતનું નામ ઘણી વાર જોવા મળે છે. યહુદા પર રાજ કરતી વખતે પીલાતને કેટલીક મુશ્કેલીઓ આવી હતી. જોસેફસે પોતાનાં લખાણોમાં એવી ત્રણ ઘટનાઓનો સમય ક્રમ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત, ચોથી ઘટનાને યહુદી ઇતિહાસકાર ફીલોએ પોતાનાં લખાણમાં ઉમેરી હતી. રોમન લેખક ટેસીટસે પણ રોમના રાજાઓનો ઇતિહાસ નોંધ્યો છે. તેમણે પણ પોતાનાં લખાણોમાં જણાવ્યું છે કે તીબેરિયસના શાસન દરમિયાન પોંતિયસ પીલાતે ઈસુને મોતની સજા ફરમાવી હતી.
વર્ષ ૧૯૬૧માં, ઈસ્રાએલના કાઈસારીઆ નામની જગ્યામાં એક પ્રાચીન રોમન થિએટરમાં સંશોધકો ખોદકામ કરી રહ્યા હતા. એ સમયે તેઓને ખોદકામ વખતે એક પથ્થરની શિલા મળી હતી. એના પર લેટીન ભાષામાં પીલાતનું નામ સાફ દેખાઈ આવે છે. અહીં આપેલા ચિત્રમાં એ શિલા જોઈ શકાય છે, જેમાં કોતરેલાં લખાણનો અમુક ભાગ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે એ પથ્થર પર આવું કંઈક લખવામાં આવ્યું છે: ‘પોંતિયસ પીલાત, યહુદિયાના અધિકારી દ્વારા માનનીય દેવોને તીબેરિયમ સમર્પિત.’
જો કોઈ બહેન એક પ્રકાશક ભાઈની હાજરીમાં બાઇબલ અભ્યાસ ચલાવે તો, શું તેણે માથે ઓઢવું જોઈએ?
માથે ઓઢવા વિશે જુલાઈ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં માહિતી આવી હતી. એમાં જણાવ્યું હતું કે એક પ્રકાશક ભાઈની હાજરીમાં જો કોઈ બહેન બાઇબલ અભ્યાસ ચલાવે, તો તેમણે માથે ઓઢવું જરૂરી છે. પછી ભલે એ ભાઈ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક હોય, તોપણ બહેને માથે ઓઢવું જોઈએ. એ વિષયને વધુ ધ્યાનથી તપાસતા લાગે છે કે એ સમજણમાં ફેરફાર કરવો યોગ્ય છે.
બાપ્તિસ્મા પામેલા ભાઈની હાજરીમાં જો બહેન બાઇબલ અભ્યાસ ચલાવે તો તેમણે માથે ઓઢવું જોઈએ. બાઇબલ અભ્યાસ દરમિયાન શીખવવાનું કામ કરીને બહેન એવી સોંપણી હાથ ધરે છે, જે સામાન્ય રીતે ભાઈઓની છે. એવા સંજોગોમાં બહેન માથે ઓઢીને યહોવાએ આપેલા શિરપણાના નિયમને માન આપે છે. (૧ કોરીં. ૧૧:૫, ૬, ૧૦) સાથે આવેલા ભાઈ બાઇબલ અભ્યાસ ચલાવી શકતા હોય અને બહેન ઇચ્છે તો તેમને અભ્યાસ ચલાવવાનું કહી શકે.
હવે માની લો કે, એક બહેન થોડા સમયથી બાઇબલ અભ્યાસ ચલાવે છે. આ વખતે તેમની સાથે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક ભાઈ છે, જે તેમના પતિ નથી. એવા કિસ્સામાં શું એ બહેને માથે ઓઢવાની જરૂર ખરી? એ કિસ્સામાં તેમને માથે ઓઢવાની બાઇબલ આધારિત કોઈ ફરજ પડતી નથી. જોકે એવા સંજોગોમાં પણ મન ન ડંખે માટે બહેન માથે ઓઢી શકે.
a એ વિષય પર વધુ માહિતી માટે ઑગસ્ટ ૮, ૨૦૦૦નાં અંગ્રેજી સજાગ બનો!માં પાન ૮-૧૦ જુઓ.