વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૭/૧૫ પાન ૧૨-૧૩
  • ‘કપરા દિવસોʼમાં યહોવાની સેવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘કપરા દિવસોʼમાં યહોવાની સેવા
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મક્કમ શ્રદ્ધા જાળવી રાખો
  • યહોવાની સેવા કરતા રહો
  • યહોવાહ ઘરડા ભાઈ-બહેનોને ભૂલશે નહિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ઘડપણમાં હોંશથી યહોવાહની ભક્તિ કરનારા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • વૃદ્ધોનું ધ્યાન રાખવું એ તો આપણો ધર્મ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૭/૧૫ પાન ૧૨-૧૩

‘કપરા દિવસોʼમાં યહોવાની સેવા

અરનેસ્ટ ભાઈ આશરે ૭૨ વર્ષના છે. તે નિસાસો નાખતા કહે છે: ‘મારી તબિયતને લગતી સમસ્યાઓ વધુને વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે.’a શું તમને પણ એવું જ લાગે છે? કદાચ તમે પણ વધતી જતી ઉંમરને લીધે તંદુરસ્તી અને તાકાત ગુમાવી રહ્યા હશો. જો એમ હોય તો તમને પણ સભાશિક્ષક ૧૨:૧માં કરેલા વર્ણન જેવું લાગતું હશે. એ કલમમાં ઘડપણના દિવસોને “માઠા દિવસો” એટલે કે ‘કપરા દિવસો’ કહેવામાં આવ્યા છે. જોકે, એનો અર્થ એવો નથી કે તમારા જીવનમાં કંઈ રહ્યું નથી. હજુ પણ તમે સંતોષ આપનારું જીવન જીવી શકો છો અને યહોવાની સેવા ખુશીથી કરી શકો છો.

મક્કમ શ્રદ્ધા જાળવી રાખો

ખરું કે, ઘડપણમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ વહાલાં વૃદ્ધ ભાઈ-બહેનો, તમે હિંમત રાખો! આપણી પાસે બાઇબલના સમયના અમુક એવા વૃદ્ધ ભક્તોના દાખલા છે, જેઓએ પણ ઘડપણની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેમ કે, ઘડપણમાં ઈસ્હાક, યાકૂબ અને અહીયાહને દેખાવાનું સાવ બંધ થઈ ગયું. (ઉત. ૨૭:૧; ૪૮:૧૦; ૧ રાજા. ૧૪:૪) સારાહને લાગ્યું કે તે સાવ ‘ઘરડી’ થઈ ગઈ છે. (ઉત. ૧૮:૧૧, ૧૨) રાજા દાઊદનો વિચાર કરો. તેમના શરીરમાં ‘ગરમી રહી નહિ.’ (૧ રાજા. ૧:૧) અમીર બાર્ઝિલ્લાય પણ સ્વાદ પારખવાની અને સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા હતા. (૨ શમૂ. ૧૯:૩૨-૩૫) ઈબ્રાહીમ અને નાઓમીએ પોતાના લગ્‍નસાથીને ગુમાવવાનું દુઃખ સહેવું પડ્યું.—ઉત. ૨૩:૧, ૨; રૂથ ૧:૩, ૧૨.

યહોવાને વફાદાર રહેવા અને પોતાનો આનંદ જાળવી રાખવા તેઓને શામાંથી મદદ મળી? ઈબ્રાહીમે ઘડપણમાં પણ યહોવાનાં વચનોમાં ભરોસો રાખ્યો, જેના લીધે તે ‘શ્રદ્ધામાં ડગ્યા નહિ.’ (રોમ. ૪:૧૯, ૨૦) આપણે પણ એવી મક્કમ શ્રદ્ધા રાખવાની જરૂર છે. એવી શ્રદ્ધાનો આધાર આપણી ઉંમર, ક્ષમતાઓ કે સંજોગો પર હોતો નથી. દાખલા તરીકે, યાકૂબ કમજોર પડ્યા, તેમને દેખાવાનું સાવ બંધ થઈ ગયું અને છેવટે પથારીવશ થઈ ગયા, તોપણ તેમણે યહોવાનાં વચનોમાં અડગ શ્રદ્ધા બતાવી. (ઉત. ૪૮:૧-૪, ૧૦; હિબ્રૂ ૧૧:૨૧) ઈનેસ બહેનનો દાખલો લો. તે ૯૩ વર્ષનાં છે. તેમનાં સ્નાયુઓ નબળા પડી ગયા છે. તેમ છતાં તે કહે છે, ‘હું દરરોજ યહોવાના આશીર્વાદો અનુભવું છું. હું દરરોજ બાગ જેવી સુંદર નવી દુનિયાનો વિચાર કરું છું. એમ કરવાથી મને અનેરી આશા મળે છે.’ કેટલું સરસ વલણ!

પ્રાર્થના, બાઇબલ વાંચન અને સભામાં નિયમિત રહીને, આપણે શ્રદ્ધા મક્કમ બનાવી શકીએ છીએ. દાનીયેલ વૃદ્ધ થયા તોપણ દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરતા અને શાસ્ત્રવચનોનો અભ્યાસ કરવાનું ચૂકતા નહિ. (દાની. ૬:૧૦; ૯:૨) વિધવા આન્‍ના વૃદ્ધ હોવાં છતાં, નિયમિત રીતે ‘મંદિરમાં હાજર રહેતાં.’ (લુક ૨:૩૬, ૩૭) તમારાથી શક્ય હોય ત્યાં સુધી સભામાં હાજર રહો અને એમાં ભાગ લો. એમ કરવાથી તમને અને બીજા ભાઈ-બહેનોને તાજગી મળશે. ભલેને નબળાઈઓને લીધે તમારાથી બહુ કરી શકાતું ન હોય, તોપણ તમારી પ્રાર્થનાથી યહોવાને હંમેશાં ખુશી મળે છે.—નીતિ. ૧૫:૮.

એક વૃદ્ધ ભાઈ ફોન પર બીજાને બાઇબલમાંથી ઉત્તેજન આપી રહ્યા છે

એકબીજાને ઉત્તેજન આપો

વહાલાં ભાઈ-બહેનો, તમારાંમાંથી ઘણાની આંખોનું તેજ જતું રહ્યું હશે કે શરીર કમજોર પડી ગયું હશે. તમે ચાહતા હશો કે એમાં સુધારો થાય, જેથી તમે વાંચી શકો અને સભાઓમાં જઈ શકો. પરંતુ, હાલમાં તમારા માટે એમ કરવું અઘરુંને અઘરું બનતું જાય છે. અરે, અશક્ય બની ગયું હશે. એવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ? તમારી પાસે હાલમાં જે કંઈ છે, એનો સારો ઉપયોગ કરો. જેમ કે, જેઓ સભામાં જઈ શકતા નથી, તેઓ ટેલીફોન પર સભા સાંભળે છે. ઈન્જી નામનાં ૭૯ વર્ષનાં એક બહેનને ઝાંખું દેખાય છે. તેમ છતાં, તે પોતાની સભા માટે તૈયારી કરે છે. એ માટે મંડળના એક ભાઈ પાસેથી તેમને મોટા અક્ષરોમાં પ્રિન્ટઆઉટ મળી રહે છે.

ઉપરાંત, આજે મોટા ભાગના લોકો પાસે સમય નથી. પણ બની શકે તમારી પાસે સમય છે. કેમ નહિ કે તમે એ સમયનો ઉપયોગ આપણાં રેકોર્ડિંગ સાંભળવામાં કરો! જેમ કે, બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય, પ્રવચનો અને ઑડિયો ડ્રામાનું રેકોર્ડિંગ સાંભળી શકો. વધુમાં, તમે બીજાં ભાઈ-બહેનોને ફોન કરીને “અરસપરસ” ઉત્તેજન આપી શકો. એ રીતે તમે તેઓને જાણે ભક્તિમાં મજબૂત કરતી ભેટ આપો છો.—રોમ. ૧:૧૧, ૧૨.

યહોવાની સેવા કરતા રહો

એક વૃદ્ધ ભાઈ બગીચામાં બાંકડે બેસીને એક માણસ સાથે બાઇબલમાંથી ચર્ચા કરી રહ્યા છે

ખુશખબર જણાવો

આશરે ૮૫ વર્ષનાં ક્રિસ્ટા નામનાં બહેન નિસાસો નાખતા કહે છે: ‘યહોવાની સેવામાં હું હવે પહેલાં જેટલું કરી શકતી નથી. એ વિચારીને મને ઘણું દુઃખ થાય છે.’ તો પછી, વૃદ્ધજનો પોતાનો આનંદ કઈ રીતે જાળવી શકે? ૭૫ વર્ષના પીટર ભાઈ જણાવે છે: ‘આપણે જે નથી કરી શકતા એનો સતત વિચાર કરીને દુઃખી ન થઈએ. એના બદલે હાલમાં જેટલું કરી શકીએ છીએ એમાં આનંદ માણીએ.’

શું તમે વિચાર કર્યો છે કે અત્યારે તમારી પાસે સાક્ષી આપવાની કઈ તકો રહેલી છે? હેઈડી બહેન, જે આશરે ૮૬ વર્ષનાં છે, તે પહેલાંની જેમ હવે ઘર-ઘરના પ્રચારમાં જઈ શકતાં નથી. એ ઉંમરે પણ તે ખુશખબર જણાવવા માટે કૉમ્પ્યુટર પર પત્રો લખતા શીખ્યાં. અમુક વૃદ્ધ ભાઈ-બહેનો બગીચામાં કે પછી બસસ્ટૉપ પર બેઠાં હોય ત્યારે, ખુશખબર જણાવવાની તક ઝડપે છે. ઉપરાંત, જો તમે ઘરડાઘરમાં રહેતા હો, તો તમારી સંભાળ રાખનારને કે પછી આસપાસની વ્યક્તિઓને ખુશખબર જણાવીને, પોતાનો પ્રચારવિસ્તાર બનાવી શકો.

મોટી ઉંમરના એક બહેન યુવાનોને ચા-નાસ્તો પીરસી રહ્યા છે

મહેમાનગતિ બતાવો

પોતાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં રાજા દાઊદે, યહોવાની શુદ્ધ ભક્તિ ફેલાવવા ઉત્સાહથી પ્રયત્નો કર્યા. તેમણે પ્રદાનોથી અને બીજી ગોઠવણો કરીને મંદિરના બાંધકામમાં ટેકો આપ્યો. (૧ કાળ. ૨૮:૧૧–૨૯:૫) એ જ રીતે, તમે પણ દુનિયા ફરતે ચાલી રહેલાં રાજ્યના કામને ફેલાવવામાં રસ બતાવી શકો. તમે મંડળના પાયોનિયરો અથવા બીજા ઉત્સાહી પ્રકાશકોને ટેકો આપવા ઉત્તેજનભર્યા શબ્દો કહી શકો, નાની ભેટ આપી શકો કે ચા-નાસ્તા માટે બોલાવી શકો. એ ઉપરાંત, તમે તરુણો, કુટુંબો, પૂરા સમયના સેવકો, બીમારો અને મોટી જવાબદારી ઉપાડતા ભાઈઓ માટે પ્રાર્થના કરી શકો.

તમે અને તમારી સેવા બહુ જ મૂલ્યવાન છે. વહાલા વૃદ્ધજનો, આપણા સ્વર્ગમાંના પિતા ક્યારેય તમને ત્યજશે નહિ. (ગીત. ૭૧:૯) તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તે તમારી કદર કરે છે. જલદી જ એવો સમય આવશે જ્યારે આપણી ઉંમર વધશે છતાં શરીર ઘરડું નહિ થાય. તેમજ, ઘડપણથી આવતાં કપરા દિવસો પણ નહિ હોય! એના બદલે, આપણે પૂરી તંદુરસ્તી અને સ્ફૂર્તિ સાથે આપણા પ્રેમાળ ઈશ્વર યહોવાની સેવામાં હંમેશ માટે લાગુ રહીશું.

a અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો