વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૧ પાન ૬-૮
  • પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મનની શાંતિ.
  • મુશ્કેલીઓમાં દિલાસો અને હિંમત.
  • ઈશ્વર તરફથી જ્ઞાન.
  • પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • પ્રાર્થના કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • તમારી અરજો ઈશ્વરને જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૧ પાન ૬-૮
પોતાની બીમાર માતા માટે એક સ્ત્રી પ્રાર્થના કરે છે

મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?

પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?

કોઈ કામ શરૂ કરતા પહેલાં તમે કદાચ વિચારશો, ‘એનાથી મને શું ફાયદો થશે?’ પ્રાર્થના માટે એમ વિચારવું શું સ્વાર્થી કહેવાય? ના, એવું નથી. આપણે ચોક્કસ જાણવા માંગીશું કે એનાથી શું ફાયદો થાય છે. ઈશ્વરભક્ત અયૂબે પણ પૂછ્યું હતું: “જો હું તેમને બોલાવું, તો શું તે મને જવાબ આપશે?”—અયૂબ ૯:૧૬, NW.

આગલા લેખોમાં જોઈ ગયા તેમ, પ્રાર્થના ફક્ત એક ધાર્મિક વિધિ અથવા સારવાર જ નથી. પરંતુ, એમાં ઘણું બધું સમાયેલું છે. આપણે યોગ્ય રીતે અને યોગ્ય બાબત માટે પ્રાર્થના કરીએ તો, સાચા ઈશ્વર ખરેખર આપણી પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. હકીકતમાં, ઈશ્વર ચાહે છે કે આપણે તેમની સાથે નજીકનો સંબંધ બાંધીએ. (યાકૂબ ૪:૮) તેથી, જો આપણે પ્રાર્થનાને જીવનનો ભાગ બનાવીશું, તો બદલામાં શું મેળવીશું? ચાલો, એના અમુક ફાયદા જોઈએ.

મનની શાંતિ.

મુશ્કેલીઓ આવે ત્યારે, શું આપણે ચિંતામાં ડૂબી જઈએ છીએ? શાસ્ત્ર આપણને ઉત્તેજન આપે છે કે, એવા અઘરા સંજોગોમાં “નિત્ય પ્રાર્થના” કરીએ અને આપણી “અરજો ઈશ્વરને” જણાવીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; ફિલિપી ૪:૬) શાસ્ત્ર ખાતરી આપે છે કે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું તો, ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણાં હૃદયની અને મનની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૭) સ્વર્ગમાંના પિતા આગળ આપણું દિલ ઠાલવીશું તો, અમુક હદે આપણને રાહત મળશે. ગીતશાસ્ત્ર ૫૫:૨૨માંથી ઉત્તેજન મળે છે કે, “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”

“તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨

આખી દુનિયામાં ઘણા લોકોએ એ શાંતિનો અનુભવ કર્યો છે. દક્ષિણ કોરિયામાં રહેતાં હી રૅન બહેન કહે છે: “ગંભીર મુશ્કેલીઓ હોય તોપણ, એ વિશે પ્રાર્થનામાં જણાવવાથી મને રાહત મળે છે. જાણે એ મુશ્કેલી સહન કરવાની શક્તિ મળે છે.” ફિલિપાઇન્સમાં રહેતાં સિસિલ્યા બહેન જણાવે છે: “મારી દીકરીઓ અને મમ્મીની મને બહુ ચિંતા થાય છે. બીમારીને લીધે મારાં મમ્મી મને ઓળખી પણ નથી શકતાં. પરંતુ, પ્રાર્થના કરવાથી રોજિંદા જીવનમાં મારી ચિંતાઓ હળવી થઈ છે. હું જાણું છું કે તેઓની સંભાળ રાખવા યહોવા મને મદદ કરશે.”

મુશ્કેલીઓમાં દિલાસો અને હિંમત.

શું તમે તણાવમાં છો? બની શકે કે, તમારું જીવન જોખમમાં છે અથવા તમે કરુણ બનાવોનો સામનો કરી રહ્યા છો. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, ઈશ્વર ‘સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે.’ તેથી, ‘સર્વ દિલાસાના ઈશ્વરને’ પ્રાર્થના કરવાથી ચોક્કસ મનની શાંતિ મળે છે. (૨ કોરીંથી ૧:૩, ૪) ઈસુનો વિચાર કરો. એકવાર તે ઘણા તણાવમાં હતા ત્યારે, ‘ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરી.’ એનું પરિણામ શું આવ્યું? ‘આકાશમાંથી એક દૂત તેમને હિંમત આપતા દેખાયો.’ (લુક ૨૨:૪૧, ૪૩) વફાદાર નહેમ્યા પૂરા દિલથી ઈશ્વરનું કામ કરતા હતા. એ કામ અટકાવવા માંગતા દુષ્ટ લોકોની ધમકીઓ તેમણે સહન કરી. તેમણે પ્રાર્થનામાં કહ્યું: ‘હે ઈશ્વર, મારા હાથ તમે બળવાન કરો.’ એ પછીના બનાવો બતાવે છે કે, ઈશ્વરે નહેમ્યાને ડર પર જીત મેળવવા અને કામમાં સફળ થવા મદદ કરી હતી. (નહેમ્યા ૬:૯-૧૬) ઘાનામાં રહેતા રેઝિનાલ્ડ ભાઈએ પ્રાર્થના વિશે પોતાનો અનુભવ જણાવતા કહ્યું: “હું પ્રાર્થના કરું છું ત્યારે મને દિલાસો મળે છે, ખાસ કરીને મુશ્કેલ સંજોગોમાં. એ વખતે એવું લાગે છે કે, હું મારી તકલીફો એવી વ્યક્તિને જણાવી રહ્યો છું જે મને મદદ કરી શકે છે. તે મને ખાતરી આપે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” હા, ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે, તે આપણને દિલાસો આપે છે.

ઈશ્વર તરફથી જ્ઞાન.

આપણા અમુક નિર્ણયોની અસર આપણા પર અને આપણા પ્રિયજનો પર થાય છે. તેથી, આપણે કઈ રીતે સારા નિર્ણયો લઈ શકીએ? પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય [ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરતી વખતે], તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે; એટલે તેને તે આપવામાં આવશે.” (યાકૂબ ૧:૫) જો આપણે જ્ઞાન અને ડહાપણ મેળવવા પ્રાર્થના કરીશું, તો સારા નિર્ણયો લેવા ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ આપશે. આપણે પવિત્ર શક્તિ મેળવવા માટે ખાસ પ્રાર્થના કરી શકીએ. કેમ કે, ઈસુએ ખાતરી આપતા કહ્યું હતું કે, ‘આકાશમાંના પિતાની પાસેથી જેઓ માંગે, તેઓને તે પવિત્ર શક્તિ આપશે.’—લુક ૧૧:૧૩.

એક માણસ પ્રાર્થના કરે છે

“મેં માર્ગદર્શન માટે યહોવાને સતત પ્રાર્થના કરી, જેથી સારો નિર્ણય લઈ શકું.”—ભાઈ ક્વાબેના, ઘાના

અરે, ઈસુએ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માંગી હતી. શાસ્ત્ર જણાવે છે કે, ઈસુએ ૧૨ શિષ્યોની પસંદગી કરતા પહેલાં ‘ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત કાઢી હતી.’—લુક ૬:૧૨.

ઈસુને સારા નિર્ણયો લેવા ઈશ્વરે મદદ કરી હતી. એવી જ રીતે, આજે ઘણા લોકોને ખાતરી મળી છે કે સારા નિર્ણયો લેવા ઈશ્વરે તેઓને મદદ કરી છે. ફિલિપાઇન્સમાં રહેતાં બહેન રેજિનાએ જુદી જુદી તકલીફોનો સામનો કર્યો છે. તેમના પતિનું અવસાન થયું અને કુટુંબની જવાબદારીઓ તેમના માથે આવી. તેમણે નોકરી ગુમાવી અને બાળકોનાં ઉછેરમાં તેમને મુશ્કેલીઓ પડી. સારા નિર્ણયો લેવા તેમને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘મેં યહોવાને પ્રાર્થના કરી અને તેમના પર ભરોસો રાખ્યો.’ ઘાનામાં રહેતા ભાઈ ક્વાબેનાનો વિચાર કરો. તે જણાવે છે, “મેં બાંધકામ કરનાર કંપનીમાં સારા પગારની નોકરી ગુમાવી દીધી.” બીજી નોકરીની પસંદગી કરતી વખતે તેમણે યહોવા પાસે મદદ માંગી. તે જણાવે છે, “મેં માર્ગદર્શન માટે યહોવાને સતત પ્રાર્થના કરી, જેથી સારો નિર્ણય લઈ શકું.” તે આગળ જણાવે છે, “મને પૂરી ખાતરી છે કે યહોવાએ મને એવી નોકરી મેળવવા મદદ કરી, જેનાથી હું ભક્તિને લગતી અને જીવનની જરૂરિયાતો પૂરી કરી શક્યો.” ઈશ્વર સાથેનો સંબંધ નબળો પાડે એવી કોઈ પણ બાબતનો સામનો કરવા તમે પ્રાર્થના કરી શકો. તમે ચોક્કસ ઈશ્વરના માર્ગદર્શનનો અનુભવ કરશો.

પ્રાર્થના તમને કઈ રીતે મદદ કરી શકે છે એ વિશે આપણે અમુક બાબતોની ચર્ચા કરી. (વધુ માહિતી માટે, “પ્રાર્થના કરવાના ફાયદા” બૉક્સ જુઓ.) એવી મદદ મેળવવા, સૌથી પહેલા તો ઈશ્વર અને તેમની ઇચ્છા વિશે જાણો. એ માટે, તમને યહોવાના સાક્ષીઓ પાસેથી ઈશ્વર વિશે શીખવા ઉત્તેજન આપીએ છીએ.a “પ્રાર્થનાના સાંભળનાર” ઈશ્વર સાથે નજીકનો સંબંધ બાંધવાનું એ પહેલું પગલું છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨. (w15-E 10/01)

a વધારે માહિતી માટે તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરી શકો અથવા આ વેબસાઇટ જુઓ: www.pr418.com/gu

પ્રાર્થના કરવાના ફાયદા

મનની શાંતિ ‘કશાની ચિંતા ન કરો પણ, દરેક બાબતમાં પ્રાર્થના અને વિનંતીઓ સાથે આભાર માનતા તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયની અને મનની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭.

ઈશ્વર પાસેથી દિલાસો “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વર તથા બાપ, જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો ઈશ્વર છે, તેની સ્તુતિ થાઓ.”—૨ કોરીંથી ૧:૩, ૪.

સારા નિર્ણયો લેવા માર્ગદર્શન “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે; એટલે તેને તે આપવામાં આવશે.”—યાકૂબ ૧:૫.

લાલચથી દૂર રહેવા મદદ “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”—લુક ૨૨:૪૦.

પાપોની માફી “જો મારા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે; તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓનાં પાપ માફ કરીશ.”—૨ કાળવૃત્તાંત ૭:૧૪.

બીજાઓને મદદ કરવાની એક રીત ‘ન્યાયી માણસની પ્રાર્થનાનું પરિણામ સારું આવે છે.’—યાકૂબ ૫:૧૬.

પ્રાર્થનાનો જવાબ મળવાથી ઉત્તેજન મળે છે “યહોવાએ તેને [સુલેમાનને] કહ્યું, કે મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે.”—૧ રાજાઓ ૯:૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો