વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ડિસેમ્બર પાન ૩-૭
  • ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મેં યહોવાની સેવા શરૂ કરી
  • બીજા દેશમાં નવી સોંપણી
  • નવી સોંપણી, નવા ફેરફારો
  • અમે આજે પણ ફેરફારો કરવા તૈયાર છીએ
  • માલિકને અનુસરવા બધું છોડી દીધું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યહોવા વિશે શીખીને અને શીખવીને મને ખુશી મળી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ઈશ્વરની અપાર કૃપાનો અમે અનુભવ કર્યો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ડિસેમ્બર પાન ૩-૭

જીવન સફર

‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’

ડેનટન હૉપકીનસનના જણાવ્યા પ્રમાણે

ડેનટન હૉપકીનસન યુવાન હતા ત્યારે

સાલ ૧૯૪૧માં મારા પપ્પાએ મમ્મીને ધમકી આપી હતી કે, ‘જો તું બાપ્તિસ્મા લઈશ, તો હું તને છોડી દઈશ.’ છતાં, મમ્મીએ બાપ્તિસ્મા લેવાનું નક્કી કર્યું. પપ્પાએ ધમકી આપી હતી એ પ્રમાણે તે અમને છોડીને જતા રહ્યા. એ વખતે હું ફક્ત આઠ વર્ષનો હતો.

એ બનાવ બન્યો એ પહેલાંથી જ મને બાઇબલ સત્ય ગમવા લાગ્યું હતું. મારાં મમ્મી પાસે બાઇબલ આધારિત અમુક સાહિત્ય હતું. મને એ ખૂબ ગમતું, ખાસ કરીને એમાં આપેલાં ચિત્રો. પપ્પા ચાહતા ન હતા કે મમ્મી જે શીખતી હતી એ બધું મને જણાવે. પણ, મને જાણવાની ઘણી જિજ્ઞાસા હતી, એટલે હું સવાલો પૂછતો. પપ્પા ઘરે ન હોય ત્યારે, મમ્મી મારો અભ્યાસ ચલાવતી. પરિણામે, મેં પણ યહોવાને સમર્પણ કરવાનું નક્કી કર્યું. વર્ષ ૧૯૪૩માં દસ વર્ષની ઉંમરે મેં ઇંગ્લૅન્ડના બ્લેકપુલ શહેરમાં બાપ્તિસ્મા લીધું.

મેં યહોવાની સેવા શરૂ કરી

એ સમય પછી હું અને મમ્મી નિયમિત રીતે સાથે પ્રચાર કરતા. પ્રચાર માટે એ અરસામાં ફોનોગ્રાફનો ઉપયોગ થતો. એ યંત્ર મોટું અને વજનદાર હતું. એનું વજન લગભગ સાડા ચાર કિલો હતું. જરા વિચારો, હું એને ઊંચકીને ચાલવાનો પ્રયત્ન કરતો ત્યારે કેવો લાગતો હોઈશ!

હું ૧૪ વર્ષનો થયો ત્યારે મારે પાયોનિયર બનવું હતું. મમ્મીએ કહ્યું પહેલા હું ભાઈઓના સેવક (હવે સરકીટ નિરીક્ષક કહેવાય છે) સાથે વાત કરું. ભાઈએ મને કોઈ નાનું-મોટું કામ શીખવાની સલાહ આપી, જેથી હું પાયોનિયરીંગ કરી શકું. મેં એવું જ કર્યું. બે વર્ષ કામ કર્યા પછી મેં બીજા એક સરકીટ નિરીક્ષકને પાયોનિયરીંગ વિશે પૂછ્યું. તેમણે કહ્યું: ‘જા, એ કામ શરૂ કરી દે.’

એપ્રિલ ૧૯૪૯માં અમે ઘરના બધા માલ-સામાનનો નિકાલ કરીને માંચેસ્ટર નજીક મિડલ્ટનમાં રહેવા ગયા. ત્યાં અમે પાયોનિયરીંગ શરૂ કર્યું. ચાર મહિના પછી એક ભાઈને મેં મારા પાયોનિયર સાથી બનાવ્યા. શાખા કચેરીએ અમને જણાવ્યું કે ઇર્લામમાં હાલમાં જ એક મંડળ સ્થપાયું છે, અમે ત્યાં જઈને સેવા આપીએ તો સારું થશે. મારાં મમ્મીએ બીજા એક મંડળના બહેન સાથે પાયોનિયરીંગ ચાલુ રાખ્યું.

હું ફક્ત ૧૭ વર્ષનો હતો, પણ મને અને મારા પાયોનિયર સાથીને બધી જ સભા ચલાવવાનું કહેવામાં આવ્યું. કારણ કે, નવા મંડળમાં જવાબદારી ઉપાડનાર ભાઈઓ બહુ ઓછા હતા. પછીથી, હું બક્સ્ટન મંડળમાં જોડાયો. કારણ કે, ત્યાં થોડા જ પ્રકાશકો હતા અને મદદની જરૂર હતી. એ અનુભવોએ મને આવનાર મોટી જવાબદારીઓ ઉપાડવા તૈયાર કર્યો.

૧૯૫૩માં જાહેર પ્રવચનની જાહેરાત કરતી વખતે ડેનટન હૉપકીનસન અને બીજાઓ

વર્ષ ૧૯૫૩માં ન્યૂ યૉર્કના રોચેસ્ટર શહેરમાં જાહેર પ્રવચનની જાહેરાત કરતી વખતે

૧૯૫૧માં મેં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં જવા ફૉર્મ ભર્યું. પછી ડિસેમ્બર ૧૯૫૨માં મને સેનામાં જોડાવા આદેશ મળ્યો. પૂરા સમયનો સેવક હોવાથી સેનામાં જોડાવાથી બાકાત રાખવા મેં અધિકારીઓને વિનંતી કરી. પરંતુ, ન્યાયાલયે મારી અરજી ફગાવી દીધી અને મને છ મહિનાની જેલની સજા કરી. જેલમાં હતો ત્યારે, મને ગિલયડ શાળાના બાવીસમા વર્ગમાં જવા આમંત્રણ મળ્યું. જુલાઈ ૧૯૫૩માં જેલમાંથી છૂટ્યા પછી થોડા જ સમયમાં ન્યૂ યૉર્ક જવા મેં દરિયાઈ મુસાફરી કરી. એ વહાણનું નામ જોર્જિક હતું.

ન્યૂ યૉર્ક પહોંચ્યા પછી ૧૯૫૩માં યોજાયેલી ન્યૂ વર્લ્ડ સોસાયટી એસેમ્બ્લીમાં મેં હાજરી આપી. ગિલયડ શાળા ન્યૂ યૉર્કના સાઉથ લેન્સિંગમાં યોજાઈ હતી. ત્યાં પહોંચવા મેં ટ્રેઇન પકડી અને પછી બસમાં મુસાફરી કરી. જેલથી છૂટ્યે બહુ સમય થયો ન હતો એટલે મારી પાસે બહુ પૈસા ન હતા. અરે, બસની ટિકિટ માટે મારે બીજા મુસાફર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા.

બીજા દેશમાં નવી સોંપણી

ગિલયડ શાળામાં અમને સુંદર તાલીમ મળી, જેથી અમે ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બની’ શકીએ. (૧ કોરીં. ૯:૨૨) પૉલ બ્રુન, રેમન્ડ લીચ અને મને ફિલિપાઇન્સમાં સોંપણી મળી. જોકે, વિઝા ન મળવાને લીધે અમારે અમુક મહિના રાહ જોવી પડી. ત્યાર બાદ અમે નેધરલૅન્ડના રોટરડમ તરફ દરિયાઈ મુસાફરી કરી. અમે ભૂમધ્ય સમુદ્ર, સુવેઝની નહેર અને હિન્દ મહાસાગર પાર કરીને મલેશિયા પહોંચ્યા અને ત્યાંથી હૉંગ કૉંગ. છેવટે, ૪૭ દિવસની દરિયાઈ મુસાફરી પછી નવેમ્બર ૧૯, ૧૯૫૪ના રોજ અમે મનીલા પહોંચ્યા.

ડેનટન હૉપકીનસન અને રેમન્ડ લીચ ૧૯૫૪માં જહાજ પર

ફિલિપાઇન્સમાં અમારી મિશનરી સોંપણીએ પહોંચવા મેં અને રેમન્ડ લીચે ૪૭ દિવસ દરિયાઈ મુસાફરી કરી

હવે અમારે નવી ભાષા શીખવાની હતી; તેમજ નવા દેશ અને સંસ્કૃતિમાં પોતાને ઢાળવાના હતા. શરૂઆતમાં અમને ત્રણેયને ક્યુઝોન શહેરના મંડળમાં સોંપણી મળી. ત્યાં ઘણાં ભાઈ-બહેનો અંગ્રેજી બોલતા હતાં, એટલે ૬ મહિના પછી પણ અમે ત્યાંની ટાગાલોગ ભાષાના બહુ ઓછા શબ્દો શીખ્યા હતા. પરંતુ, હવે જે સોંપણી મળવાની હતી એનાથી બધું જ બદલાઈ જવાનું હતું.

મે ૧૯૫૫માં પ્રચારકામ કર્યા પછી એક દિવસે ઘરે આવ્યા ત્યારે, મને અને ભાઈ લીચને એક પત્ર મળ્યો. એમાં જણાવ્યું હતું કે અમને સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી છે. હું ત્યારે ફક્ત ૨૨ વર્ષનો હતો. પરંતુ, એ સોંપણી દ્વારા ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવાની’ મને અનેક તક મળવાની હતી.

ડેનટન હૉપકીનસન જાહેર પ્રવચન આપે છે

બિકોલ ભાષાના સરકીટ સંમેલનમાં જાહેર પ્રવચન આપતી વખતે

દાખલા તરીકે, સરકીટ નિરીક્ષક તરીકે મેં મારું પહેલું જાહેર પ્રવચન ગામડાની એક દુકાન બહાર આપ્યું હતું. ફિલિપાઇન્સમાં એ સમયે જાહેર પ્રવચન જાહેર જગ્યાએ જ આપવામાં આવતું. અલગ અલગ મંડળોની મુલાકાતે જતો ત્યારે, ધર્મશાળા, બજાર, નગરગૃહ, બાસ્કેટ બોલ મેદાન, બગીચા અને ચોકમાં હું પ્રવચન આપતો. એક વાર સાન પાબ્લો શહેરમાં ધોધમાર વરસાદને લીધે હું બજારમાં જાહેર પ્રવચન આપી ન શક્યો. મેં જવાબદાર ભાઈને વિનંતી કરી કે, એ પ્રવચન માટે રાજ્યગૃહમાં ગોઠવણ કરે. ત્યાર બાદ ભાઈઓએ મને પૂછ્યું કે શું તેઓ એ સભાને જાહેર સભા તરીકે ગણી શકશે, કારણ કે એને જાહેર જનતા આગળ આપવામાં આવી ન હતી.

હું હંમેશાં ભાઈઓના ઘરે રોકાતો. તેઓના ઘર નાના, પણ સ્વચ્છ હતા. ઘણી વાર હું જમીન પર ચાદર પાથરીને સૂઈ જતો. નહાવા માટે એક જ જગ્યા હતી, ઘરની બહાર! આવતા-જતા બધા લોકો મને જોઈ શકતા. એવામાં પણ હું પોતાને ઢાળવાનું શીખ્યો. હું બસમાં અને બીજા ટાપુઓ પર જવા નાવડીમાં મુસાફરી કરતો. વર્ષોની મારી સેવામાં મેં ક્યારેય કાર વસાવી નહિ.

હું થોડી ઘણી ટાગાલોગ શીખી ગયો હતો, પણ એ શીખવા ક્યારેય કોઈ ક્લાસમાં ગયો ન હતો. પ્રચારમાં અને સભાઓમાં ભાઈઓ જે બોલતા, એ સાંભળી સાંભળીને હું શીખ્યો હતો. ભાઈઓ મને મદદ કરવા ચાહતા હતા; તેઓની ધીરજ અને પ્રમાણિક સૂચનો માટે હું તેઓનો ઘણો આભારી છું.

સમય વીતતો ગયો તેમ, નવી સોંપણીઓને લીધે મારે વધુ ફેરફારો કરવા પડ્યા. વર્ષ ૧૯૫૬માં ભાઈ નાથાન નૉરે મુલાકાત લીધી ત્યારે અમારું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. મારે સમાચાર માધ્યમો સાથે સંપર્કમાં રહેવાનું હતું. એ ક્ષેત્રે મને કોઈ અનુભવ ન હતો, પણ બીજાઓએ મને મદદ કરી. એક જ વર્ષમાં ફરી એક વાર રાષ્ટ્રીય સંમેલન યોજાયું અને મુખ્ય મથકથી ભાઈ ફ્રેડરિક ફ્રાન્સે મુલાકાત લીધી. આ વખતે મને સંમેલનના નિરીક્ષક તરીકે સોંપણી મળી. ભાઈ ફ્રાન્સે જાહેર પ્રવચન વખતે ફિલિપાઇન્સનો સ્થાનિક પહેરવેશ પહેર્યો હતો, જેને બારોન્ગ ટાગાલોગ કહેવાય છે. એ જોઈને ત્યાંનાં ભાઈ-બહેનો ખૂબ ખુશ થયા. એ બનાવથી હું શીખી શક્યો કે, ફેરફારો કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ.

ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકની સોંપણી મળી ત્યારે હજી વધારે ફેરફારો કરવા પડ્યા. એ અરસામાં અમે લોકોને ધ હેપીનેસ ઑફ ધ ન્યૂ વર્લ્ડ સોસાયટી નામની ફિલ્મ બતાવતા. મોટા ભાગે એને અમે જાહેર જગ્યાઓમાં રજૂ કરતા. ત્યાં જીવડાં અમને હેરાન કરી મૂકતાં. પ્રોજેક્ટરની લાઇટથી આકર્ષાઈને તેઓ એમાં ભરાઈ જતા. કાર્યક્રમ પત્યા પછી એ બધું સાફ કરવું મહેનત માંગી લેતું. એવા કાર્યક્રમો યોજવા સહેલા ન હતા, પરંતુ યહોવાના આંતરરાષ્ટ્રીય સંગઠન વિશે લોકોને શીખતા જોવું ઘણો સંતોષ આપનારું હતું.

અમુક જગ્યાઓમાં કૅથલિક પાદરીઓએ ત્યાંના અધિકારીઓ પર દબાણ કર્યું, જેથી સંમેલન યોજવા અમને પરવાનગી ન મળે. ચર્ચની આજુબાજુ પ્રવચન યોજાય ત્યારે, લોકો એ સાંભળી ન શકે માટે તેઓ એ જ સમયે મોટેથી ચર્ચનો ઘંટ વગાડતા. છતાં, લોકો સત્ય શીખતા રહ્યા અને આજે એ વિસ્તારોમાં ઘણા યહોવાના સાક્ષીઓ છે.

નવી સોંપણી, નવા ફેરફારો

વર્ષ ૧૯૫૯માં મને શાખા કચેરીમાં સેવા માટે બોલાવવામાં આવ્યો. ત્યાં હું ઘણું બધું શીખી શક્યો. થોડા સમય પછી મને બીજા દેશોની મુલાકાતે મોકલવામાં આવ્યો. એવી જ એક મુલાકાતમાં મારો ભેટો થાઇલૅન્ડના મિશનરી બહેન જેનેટ ડુમન્ડ સાથે થયો. કેટલાક સમય સુધી અમે એકબીજાને પત્ર લખ્યા અને પછીથી લગ્‍ન કર્યું. અમારા લગ્‍નજીવનને ૫૧ વર્ષ થઈ ચૂક્યા છે અને આજે પણ અમે ખુશી ખુશી યહોવાની સેવા કરીએ છીએ.

ફિલિપાઇન્સમાં ડેનટન અને જેનેટ

ફિલિપાઇન્સના એક ટાપુ પર જેનેટ સાથે

૩૩ દેશોમાં વસતા યહોવાના ભક્તોની મેં મુલાકાત લીધી છે. એ કામમાં મને ખૂબ મજા આવતી. શરૂઆતની મારી સોંપણી દરમિયાન હું શીખી શક્યો કે અલગ અલગ સંસ્કૃતિ અને દેશજાતિના લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. એ મુલાકાતોથી એક વાત સાફ હતી કે, યહોવા દરેક પ્રકારના લોકો પર પ્રેમ રાખે છે.—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.

ડેનટન અને જેનેટ એક સ્ત્રીને પ્રચાર કરે છે

નિયમિત પ્રચારમાં જવાની અમે ખાતરી કરી

અમે આજે પણ ફેરફારો કરવા તૈયાર છીએ

આજે હું અને જેનેટ, ક્યુઝોન શહેરમાં આવેલી શાખા કચેરીમાં સેવા કરીએ છીએ. અહીં ફિલિપાઇન્સમાં ભાઈ-બહેનો જોડે સેવા કરવામાં અમને ખૂબ મજા આવે છે. અમે અહીં સેવા શરૂ કરી ત્યારની સરખામણીએ આજે ૧૦ ગણા પ્રકાશકો છે. ૬૦થી વધુ વર્ષોની સેવા પછી આજે પણ અમારે યહોવા ચાહે છે એ ફેરફારો કરવા તૈયાર રહેવાનું છે. દાખલા તરીકે, હાલમાં સંગઠનમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે, એને ટેકો આપવા અમે રાજીખુશીથી વધુ ફેરફારો કરવા તૈયાર છીએ.

ડેનટન અને જેનેટ એક નાની સાક્ષી બાળકી સાથે વાત કરે છે

સાક્ષીઓની વધતી જતી સંખ્યા અમને ખૂબ આનંદ આપે છે

યહોવાના માર્ગદર્શન મુજબ કરવા અમે બનતો પ્રયાસ કરીએ છીએ. અમારા જીવનથી અમે ખૂબ સંતોષી છીએ. ભાઈ-બહેનોની વધુ સારી સેવા કરી શકીએ માટે જરૂરી ફેરફારો કરવા અમે હંમેશાં પ્રયત્ન કર્યો છે. યહોવા ચાહે ત્યાં સુધી અમે ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવા’ મક્કમ છીએ.

ફિલિપાઇન્સની શાખા કચેરીમાં ડેનટન હૉપકીનસન બેથેલમાં કામ કરતા એક યુવાન સાથે વાત કરે છે

આજે અમે ક્યુઝોન શહેરમાં આવેલી શાખા કચેરીમાં સેવા આપીએ છીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો