વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ડિસેમ્બર પાન ૨૮-૩૧
  • માલિકને અનુસરવા બધું છોડી દીધું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માલિકને અનુસરવા બધું છોડી દીધું
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • માલિકને અનુસરવાનું શીખ્યો
  • બધું છોડી દેવાની વધુ એક તક
  • ગિલયડ શાળામાં જવા ફિલિપાઇન્સ છોડ્યું
  • શહેરની સુખ-સુવિધાઓ છોડી
  • બેથેલનું ફરી આમંત્રણ મળ્યું
  • ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું બેથેલ સેવાને તમારો ઉત્તમ ધ્યેય બનાવી શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ડિસેમ્બર પાન ૨૮-૩૧
નોરા અને ફેલીક્સ ફરહાદો

જીવન સફર

માલિકને અનુસરવા બધું છોડી દીધું

ફેલીક્સ ફરહાદોના જણાવ્યા પ્રમાણે

“જો તું પ્રચારમાં ગયો, તો પાછો ન આવતો. જો પાછો આવ્યો તો તારા ટાંટિયા તોડી નાંખીશ.” મારા પપ્પાની એ ધમકી મારા મનમાં ભમી રહી હતી, મેં ઘર છોડવાનું નક્કી કર્યું. મારા જીવનનો એ પ્રથમ કિસ્સો હતો, જ્યારે મેં માલિક પાછળ ચાલવા કંઈક છોડી દીધું. એ સમયે મારી ઉંમર ૧૬ વર્ષ હતી.

ચાલો તમને એ વિશે જણાવું. મારો જન્મ ૨૯ જુલાઈ, ૧૯૨૯માં થયો હતો. ફિલિપાઇન્સના બુલાકન પ્રાંતના એક ગામમાં મારો ઉછેર થયો. અમારું જીવન સાદું હતું પણ એ સમયે બધી બાજુ આર્થિક કટોકટી ચાલી રહી હતી. હું યુવાન થયો ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું. જાપાનનું લશ્કર ફિલિપાઇન્સ પર ચઢી આવ્યું. જોકે, અમારું ગામ બહુ દૂર હતું, એટલે ત્યાં યુદ્ધની કંઈ ખાસ અસર થઈ ન હતી. રેડિયો, ટીવી, છાપું ન હોવાથી યુદ્ધની ખબર ફક્ત લોકોના મોઢે સાંભળવા મળતી.

આઠ ભાઈ-બહેનોમાં હું બીજા નંબરે હતો. આઠ વર્ષનો થયો ત્યારે, મારાં નાના-નાની મને તેમની સાથે રહેવા લઈ ગયા. આમ તો અમે કેથલિક હતા, પણ નાનાજીને બીજા ધર્મો વિશે જાણવામાં અને મિત્રો તરફથી મળતાં બીજા ધર્મોનાં સાહિત્ય લેવામાં કશો વાંધો ન હતો. મને યાદ છે, તેમણે મને ટાગાલોગ ભાષામાં પુસ્તિકાઓ બતાવી, જે જૂઠા ધર્મના શિક્ષણને ખુલ્લું પાડતી હતી. તેમ જ, તેમણે મને બાઇબલ પણ આપ્યું. મને બાઇબલ વાંચવાનું ગમવા લાગ્યું, ખાસ કરીને ખુશખબરનાં ચાર પુસ્તકો. એમ કરવાથી હું ઈસુને અનુસરવા પ્રેરાયો.—યોહા. ૧૦:૨૭.

માલિકને અનુસરવાનું શીખ્યો

૧૯૪૫માં જાપાનનું લશ્કર પાછું જતું રહ્યું. એ અરસામાં, મારાં મમ્મી-પપ્પાએ મને ઘરે પાછો બોલાવ્યો. મારા નાનાજીએ કહ્યું કે, મારે જવું જોઈએ. એટલે હું મમ્મી-પપ્પા પાસે પાછો ગયો.

થોડા સમય પછી, ડિસેમ્બર ૧૯૪૫માં અંગાત શહેરથી કેટલાંક યહોવાના સાક્ષીઓ અમારા ગામમાં પ્રચાર કરવા આવ્યા. એમાંથી એક વૃદ્ધ ભાઈ અમારા ઘરે આવ્યા અને અમને સમજાવ્યું કે, બાઇબલ “છેલ્લા દિવસો” વિશે શું જણાવે છે. (૨ તિમો. ૩:૧-૫) તેમણે અમને બાઇબલ અભ્યાસમાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માટે અમારે નજીકના ગામમાં જવાનું હતું. મારાં મમ્મી-પપ્પા ગયા નહિ, પણ હું ગયો. ત્યાં વીસેક લોકો હતા અને એમાંથી અમુક બાઇબલ વિશેના સવાલો પૂછી રહ્યા હતા.

મને તો તેઓની વાતો જરાય સમજાય નહિ, એટલે મેં ત્યાંથી નીકળી જવાનો વિચાર કર્યો. પણ એટલામાં જ તેઓએ રાજ્ય ગીત ગાવાનું શરૂ કર્યું. એ ગીત મને ખૂબ ગમ્યું, એટલે મેં જવાનો વિચાર માંડી વાળ્યો. ગીત અને પ્રાર્થના પછી, બીજા રવિવારે અંગાતમાં થનારી સભાનું બધાને આમંત્રણ આપવામાં આવ્યું.

અમારામાંથી અમુક લોકો આઠ કિલોમીટર ચાલીને ક્રુઝ કુટુંબના ઘરે સભા માટે ગયા, જ્યાં પચાસ લોકો હાજર હતા. ત્યાં હાજર બાળકો પણ બાઇબલના અઘરાં વિષયો પર જવાબ આપી રહ્યા હતા, એની મારા પર ઘણી ઊંડી અસર થઈ. એટલે હું સભામાં જવા લાગ્યો. થોડા દિવસો પછી, એક ઉંમરવાળા પાયોનિયર ભાઈ ડેમિયન સાન્ટોસે અમને પોતાના ત્યાં રાત રોકાવા આમંત્રણ આપ્યું. અગાઉ તે મેયર હતા. અમે લગભગ આખી રાત તેમની સાથે બાઇબલ વિશે ચર્ચા કરી.

બાઇબલમાંથી થોડું ઘણું શીખ્યા પછી તરત જ અમારામાંથી ઘણાએ જીવનમાં ફેરફાર કર્યો. થોડીક સભાઓ પછી, ભાઈઓએ મને અને બીજાઓને પૂછ્યું, “શું તમારે બાપ્તિસ્મા લેવું છે?” મેં જવાબ આપ્યો, “હા, મારે લેવું છું.” કારણ કે, મારે “માલિક ખ્રિસ્તની સેવા” કરવી હતી. (કોલો. ૩:૨૪) અમે નજીકની નદીએ ગયા અને ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ અમે બે જણે બાપ્તિસ્મા લીધું.

અમને સમજાયું કે, ઈસુને અનુસરવા માટે અમારે નિયમિત પ્રચાર કરવાની જરૂર છે. પણ, એનાથી મારા પપ્પા જરાય ખુશ ન હતા, તે કહેતાં, ‘તું તો હજુ બહુ નાનો છે. નદીમાં ડૂબકી લગાવવાથી કંઈ પ્રચારક નથી બની જવાતું.’ મેં તેમને સમજાવ્યું, ઈશ્વર ચાહે છે કે આપણે રાજ્યની ખુશખબર ફેલાવીએ. (માથ. ૨૪:૧૪) મેં આગળ કહ્યું, “ઈશ્વરને આપેલું વચન મારે પૂરું કરવું જોઈએ.” એ પછી, મારા પપ્પાએ ગુસ્સામાં જે ધમકી આપી, એ આ લેખની શરૂઆતમાં જણાવેલી છે. હા, તેમનો ઇરાદો મને પ્રચારમાં જતા રોકવાનો હતો. એ મારો પહેલો કિસ્સો હતો, જ્યારે ભક્તિમાં આગળ વધવા મેં કંઈક છોડ્યું હોય.

ક્રુઝ કુટુંબે મને તેમની સાથે રહેવા અંગાત શહેરમાં બોલાવી લીધો. તેમણે મને અને તેમની દીકરી, નોરાને પાયોનિયર બનવા ઉત્તેજન આપ્યું. ૧ નવેમ્બર, ૧૯૪૭માં અમે બંનેએ પાયોનિયર સેવા શરૂ કરી. નોરા બીજા શહેરમાં ગઈ અને હું અંગાતમાં પ્રચાર કામ કરતો.

બધું છોડી દેવાની વધુ એક તક

પાયોનિયર તરીકે ત્રીજું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે, શાખા કચેરીથી ભાઈ અર્લ સ્ટુઅર્ટ અંગાત આવ્યા હતા. તેમણે શહેરના જાહેર ચોકમાં આશરે પાંચસો લોકો આગળ પ્રવચન આપ્યું. એ અંગ્રેજીમાં હતું અને પછીથી એના મુખ્ય મુદ્દા મેં ટાગાલોગ ભાષામાં જણાવ્યા. હું સાત ધોરણ જ ભણ્યો છું, પણ મારા શિક્ષકો અંગ્રેજી બોલતા હતા. ઉપરાંત, ટાગાલોગ ભાષામાં ઓછું બાઇબલ સાહિત્ય પ્રાપ્ય હતું, એટલે મારે અંગ્રેજી સાહિત્યમાંથી અભ્યાસ કરવો પડતો. એનાથી મારું અંગ્રેજી સુધર્યું હતું. આમ, હું એટલું અંગ્રેજી જાણતો હતો કે એ પ્રવચનનો અનુવાદ કરી શકું. પછીથી, બીજા પ્રસંગોએ પણ મેં અનુવાદ કર્યો.

ભાઈ સ્ટુઅર્ટ માટે મેં અનુવાદ કર્યો, એ દિવસે તેમણે મંડળને જણાવ્યું કે, શાખા કચેરી ચાહે છે કે એકાદ બે પાયોનિયર બેથેલમાં આવે. ૧૯૫૦માં ન્યૂ યૉર્ક, અમેરિકામાં થનાર મહાસંમેલનમાં મિશનરીઓ જાય ત્યારે, તેઓની જગ્યાએ આ પાયોનિયરો કામ કરી શકે. અનેક ભાઈઓની સાથે મને પણ બોલાવવામાં આવ્યો. માલિકને અનુસરવા મારે ફરીથી કંઈક છોડવું પડ્યું, બેથેલ જઈ શકું એ માટે મેં મારી જાણીતી જગ્યા છોડી.

૧૯ જૂન, ૧૯૫૦માં હું બેથેલમાં આવ્યો અને મારું નવું કામ શરૂ કર્યું. બેથેલ એક મોટા, જૂનાં ઘરમાં હતું, એની આસપાસ મોટાં મોટાં ઝાડ હતાં. બધું મળીને અઢી એકર જમીન હતી. આશરે બાર કુંવારા ભાઈઓ ત્યાં સેવા આપતા હતા. વહેલી સવારે હું રસોડામાં મદદ કરતો. પછી, નવેક વાગ્યે કપડાંને ઈસ્ત્રી કરતો. બપોરે પણ એ બંને કામ કરતો. મિશનરીઓ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જઈ આવ્યા પછી પણ હું બેથેલમાં સેવા આપતો હતો. ટપાલમાં મોકલવા મૅગેઝિન કાગળમાં લપેટતો, લવાજમની માહિતી રાખતો અને રિસેપ્શન પર કામ કરતો; મને જે કંઈ કામ સોંપાતું એ બધું કરતો.

ગિલયડ શાળામાં જવા ફિલિપાઇન્સ છોડ્યું

૧૯૫૨માં મને ગિલયડ શાળાના ૨૦મા ક્લાસમાં જવાનું આમંત્રણ મળ્યું, જેનાથી મારી ખુશીનો પાર ન રહ્યો. ફિલિપાઇન્સથી બીજા છ ભાઈઓને પણ આમંત્રણ મળ્યું હતું. અમેરિકામાં અમે એવી ઘણી બાબતો જોઈ અને અનુભવી, જે અમારા માટે જુદી અને નવી હતી. સાચે જ, નાનકડા ગામડાના જીવન કરતા એ સાવ અલગ હતું.

૧૯૫૨માં ફેલીક્સ ફરહાદો ગિલયડમાં બીજા વિદ્યાર્થીઓ સાથે

ગિલયડમાં બીજા વિદ્યાર્થીઓ સાથે

જેમ કે, એવાં સાધનો અને વાસણો વાપરતાં શીખવું પડ્યું, જે વિશે અમને ખબર ન હતી. હવામાનની તો વાત જ ન પૂછો! એક દિવસે, હું બહાર નીકળ્યો અને આખી દુનિયા સફેદ થઈ ગઈ હતી. જીવનમાં પહેલી વાર મેં બરફ જોયો હતો. જોકે, પછી ખ્યાલ આવ્યો કે ઠંડી તો હાંજા ગગડાવી નાખે એવી હતી!

જોકે, ગિલયડમાં જે અદ્‍ભુત તાલીમ મળી, એની સરખામણીમાં તો એ મુશ્કેલીઓ કંઈ જ ન હતી. શિક્ષકો અસરકારક રીતે શીખવતા. અમે સારી રીતે સંશોધન અને અભ્યાસ કરવાનું શીખ્યા. ગિલયડમાં મળેલી તાલીમથી હું યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શક્યો.

ગિલયડ શાળા પછી, મને ખાસ પાયોનિયર તરીકે બ્રોન્ક્સ, ન્યૂ યૉર્ક શહેરમાં થોડા સમય માટે સેવા કરવાનો લહાવો મળ્યો. જુલાઈ, ૧૯૫૩માં શહેરના એ વિસ્તારમાં થયેલા ન્યૂ વર્લ્ડ સોસાયટી એસેમ્બ્લીમાં હાજર રહેવાનો મને મોકો મળ્યો. સંમેલન પછી, મને ફરીથી ફિલિપાઇન્સમાં સોંપણી મળી.

શહેરની સુખ-સુવિધાઓ છોડી

શાખા કચેરીના ભાઈઓએ જણાવ્યું: “હવે તમે સરકીટ ઓવરસિયર તરીકે સેવા આપો.” યહોવાના લોકોને મદદ કરવા ઈસુ નગરો અને શહેરોમાં જતા હતા. મને પણ માલિક ઈસુને અનુસરવાનો મોકો મળ્યો. (૧ પીત. ૨:૨૧) મારે ફિલિપાઇન્સના સૌથી મોટા ટાપુ, લૂઝોનના મધ્ય ભાગમાં આવેલા મોટા વિસ્તારને આવરવાનો હતો. એમાં બુલાકેન, નોયેવા એસેજા, ટારલેક અને ઝેમબલ્સ પ્રાંતોનો સમાવેશ થતો હતો. કેટલાક નગરોમાં જવા, મારે સિયેરા માદરેના પર્વતવાળા વિસ્તારમાંથી થઈને જવું પડતું. એ જગ્યાએ જવા જાહેર વાહનવ્યવહારની વ્યવસ્થા ન હતી. એટલે મારે લાકડાં ભરેલી ટ્રકમાં પાછળ બેસવા ડ્રાઇવરોને પૂછવું પડતું. મોટાભાગે તેઓ હા પાડતા. પણ એ મુસાફરી જરાય આરામદાયક ન હતી.

મોટાભાગના મંડળો નાના અને નવા હતા. તેથી, સભાઓ અને પ્રચારકાર્યની ગોઠવણ અસરકારક રીતે કરવા હું તેઓને મદદ કરતો ત્યારે, તેઓ એની ઘણી કદર કરતા.

પછીથી, હું બીજી સરકીટમાં ગયો, જેમાં આખા બાઇકોલ પ્રદેશનો સમાવેશ થતો હતો. એમાં છૂટાછવાયાં ગ્રૂપ હતા. ખાસ પાયોનિયરો એવા વિસ્તારમાં પ્રચાર કરવા જતા, જ્યાં પહેલાં પ્રચાર થયો ન હતો. એક ઘરમાં બાથરૂમ તરીકે, જમીનમાં ખાડો અને આજુબાજુ લાકડાંની પગ રાખવાની જગ્યા હતી. મેં એના પર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે, એ લાકડાં ખાડામાં પડી ગયા અને સાથે હું પણ પડી ગયો. નાસ્તા માટે જઉં એ પહેલાં પોતાને સાફ કરવામાં મને ઘણો સમય લાગ્યો હતો!

એ સોંપણી દરમિયાન હું નોરા વિશે વિચારવા લાગ્યો, તેણે બુલાકેનમાં પાયોનિયર સેવા શરૂ કરી હતી. હવે, તે ડ્યુમોગટ શહેરમાં ખાસ પાયોનિયર હતી. હું તેને મળવા ગયો. એ પછી, અમે એકબીજાના સંપર્કમાં રહેતા, ૧૯૫૬માં અમે લગ્‍ન કર્યા. લગ્‍ન પછીના પહેલાં અઠવાડિયે અમે રોપુ રોપુ ટાપુ પરના મંડળની મુલાકાત માટે ગયા હતા. ત્યાં અમારે પહાડો ચઢીને જવાનું હતું અને ઘણું બધું ચાલવાનું હતું. યુગલ તરીકે, દૂરના વિસ્તારના ભાઈઓને મદદ કરવાનો કેટલો મોટો લહાવો!

બેથેલનું ફરી આમંત્રણ મળ્યું

સરકીટ ઓવરસિયર તરીકે લગભગ ચાર વર્ષ સેવા આપ્યા પછી, અમને શાખા કચેરીમાં કામ કરવાનું આમંત્રણ મળ્યું. જાન્યુઆરી, ૧૯૬૦માં અમે બેથેલમાં સેવા આપવાનું શરૂ કર્યું. અમે ઘણા વર્ષો સુધી બેથેલમાં કામ કર્યું. ભારે જવાબદારી ધરાવતા ભાઈઓ સાથે વર્ષો સુધી કામ કરીને મને ઘણું શીખવા મળ્યું અને નોરાને બેથેલમાં અલગ અલગ કામ મળતા હતા.

૧૯૬૩માં ફેલીક્સ ફરહાદો સંમેલનમાં પ્રવચન આપે છે

સંમેલનમાં પ્રવચન આપતા, સાથે સેબુઆનો ભાષાના અનુવાદક

બેથેલમાં હોવાથી મને ફિલિપાઇન્સમાં થયેલી પ્રગતિ જોવાનો મોકો મળ્યો. હું કુંવારો હતો અને પહેલી વાર બેથેલમાં આવ્યો હતો ત્યારે, આખા દેશમાં આશરે ૧૦,૦૦૦ પ્રકાશકો હતા. આજે આખા ફિલિપાઇન્સમાં ૨ લાખથી પણ વધારે પ્રકાશકો છે અને સેંકડો ભાઈ-બહેનો બેથેલમાં પ્રચાર કામને આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

વર્ષો દરમિયાન કામ વધ્યું તેમ, બેથેલની જગ્યા નાની પડવા લાગી. એટલે, નિયામક જૂથના ભાઈઓએ અમને જગ્યા શોધવા કહ્યું, જેથી મોટી શાખા બાંધી શકાય. હું અને છાપકામ વિભાગની દેખરેખ રાખનાર ભાઈ, જે વિસ્તારમાં શાખા હતી એની નજીકના રહેવાસીઓને મળતા હતા. કોઈ પોતાની જગ્યા વેચવા માંગે છે કે નહિ એ વિશે અમે પૂછપરછ કરતા, પણ કોઈ તૈયાર ન હતું. એક ઘરના માલિકે તો કહ્યું: ‘ચાઇનીઝ લોકો ઘર વેચે નહિ પણ ખરીદે.’

૧૯૮૩માં ફેલીક્સ ફરહાદો આલ્બર્ટ શ્રોડરનું પ્રવચન અનુવાદ કરે છે

આલ્બર્ટ શ્રોડરનું પ્રવચન અનુવાદ કરતા

જોકે, એક દિવસે એક વ્યક્તિએ આવીને જણાવ્યું કે તે અમેરિકા જતો હોવાથી પોતાની જમીન વેચવા માંગે છે. એ પછી, એવી ઘટનાઓ બની, જે અમે ધારી જ ન હતી. બીજી એક વ્યક્તિએ મિલકત વેચવાનું નક્કી કર્યું અને આજુબાજુના લોકોને પણ એમ કરવા જણાવ્યું. અરે, “ચાઇનીઝ લોકો વેચે નહિ” એવું કહેનાર વ્યક્તિએ પણ પોતાની મિલકત અમને વેચી. થોડા જ સમયમાં, શાખા ત્રણ ગણી મોટી થઈ ગઈ. એનાથી મને પૂરી ખાતરી થઈ કે, એ યહોવા ઈશ્વરની ઇચ્છાથી થયું છે.

૧૯૫૦માં, આખા બેથેલમાં હું સૌથી નાનો હતો. આજે, હું અને મારી પત્ની બેથેલમાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિઓ છીએ. માલિક મને જુદી જુદી જગ્યાએ લઈ ગયા છે, માલિકને અનુસરવાનું મને જરાય દુઃખ નથી. ભલે, મારાં મમ્મી-પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો, પણ યહોવાએ મને મોટું કુટુંબ આપ્યું છે. આપણને ગમે એ સોંપણી મળી હોય પણ એમાં કોઈ શંકા નથી કે આપણને જેની જરૂર છે એ બધું યહોવા પૂરું પાડશે. યહોવાએ બધું પૂરું પાડ્યું હોવાથી હું અને નોરા તેમનો દિલથી આભાર માનીએ છીએ. અમે બીજાઓને પણ યહોવાનું પારખું કરવાનું ઉત્તેજન આપીએ છીએ.—માલા. ૩:૧૦.

ઈસુએ એક વાર કર ઉઘરાવનાર માથ્થી લેવીને કહ્યું હતું, “મારો શિષ્ય થા.” તેમણે શું કર્યું? તે ‘બધું છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા.’ (લુક ૫:૨૭, ૨૮) મને પણ એવી જ તક મળી હતી. હું બીજાઓને પણ અરજ કરું છું કે તેઓ પણ એવું કરે અને ઘણા આશીર્વાદોનો લાભ ઉઠાવે.

ફેલીક્સ ફરહાદો ફિલિપાઈન્સમાં થયેલા અનુભવો વિશે ફોટા બતાવે છે

ફિલિપાઇન્સમાં થઈ રહેલી પ્રગતિમાં મદદ કરતા રહેવાની ખુશી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો