મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?
‘જે મર્યાદામાં રહે છે તે સમજુ છે.’—નીતિ. ૧૧:૨, NW.
૧, ૨. યહોવાએ શા માટે શાઊલનો નકાર કર્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
યહોવાએ જ્યારે શાઊલને રાજા તરીકે પસંદ કર્યો ત્યારે, તે નમ્ર હતો. (૧ શમૂ. ૯:૧, ૨, ૨૧; ૧૦:૨૦-૨૪) પરંતુ, રાજા બન્યા પછી તે ઘમંડી બની ગયો. એક વખતે હજારો પલિસ્તીઓ ઇઝરાયેલીઓ પર ચડી આવ્યા. પ્રબોધક શમૂએલે શાઊલને કહ્યું હતું કે, તે આવશે અને યહોવાને બલિદાન ચઢાવશે. શમૂએલ આવે એ પહેલાં ઇઝરાયેલીઓ ગભરાઈ ગયા અને ઘણાએ શાઊલનો સાથ છોડી દીધો. શાઊલ અધીરો બની ગયો અને શમૂએલની રાહ જોવાને બદલે તેણે પોતે યહોવાને બલિદાન ચઢાવ્યું. એ બલિદાન ચઢાવવાનો અધિકાર શાઊલ પાસે ન હતો. યહોવા એનાથી ઘણા નાખુશ થયા.—૧ શમૂ. ૧૩:૫-૯.
૨ શમૂએલ ત્યાં આવ્યા ત્યારે, તેમણે શાઊલને ઠપકો આપ્યો. કારણ કે, તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. પણ, શાઊલને જરાય ન લાગ્યું કે તેણે કશું ખોટું કર્યું છે. તે બહાનાં બનાવવા લાગ્યો. અરે, તેના દોષનો ટોપલો તે બીજા પર ઢોળવા લાગ્યો. (૧ શમૂ. ૧૩:૧૦-૧૪) એ બનાવ પછી, શાઊલે ઘમંડને લીધે ઘણાં અયોગ્ય કામો કર્યાં. તેથી, યહોવાએ રાજા તરીકે તેનો નકાર કર્યો. (૧ શમૂ. ૧૫:૨૨, ૨૩) શાઊલની શરૂઆત સારી હતી, પણ અંત ખરાબ હતો.—૧ શમૂ. ૩૧:૧-૬.
૩. (ક) મર્યાદામાં રહેવા વિશે લોકોનું શું માનવું છે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ આજે ઘણા લોકોને લાગે છે કે, મર્યાદામાં રહીને જીવનમાં કે કારકિર્દીમાં સફળ થવું શક્ય નથી. તેઓ દાવો કરે છે કે, તેઓ બીજાઓ કરતાં ચઢિયાતા છે. દાખલા તરીકે, એક મશહૂર અભિનેતા અને રાજકારણીએ કહ્યું: ‘મર્યાદા શબ્દ મને કોઈ પણ રીતે લાગુ પડતો નથી. હું આશા રાખું છું કે ક્યારેય લાગુ પડે પણ નહિ.’ લોકોનું ગમે તે માનવું હોય, પણ યહોવાના ભક્તો માટે મર્યાદામાં રહેવું શા માટે મહત્ત્વનું છે? મર્યાદામાં રહેવાનો અર્થ શો થાય અને શો ન થાય? આ લેખમાં આપણે એ સવાલોની ચર્ચા કરીશું. આવતા લેખમાં આપણે જોઈશું કે, મુશ્કેલ સંજોગોમાં પણ આપણે કઈ રીતે મર્યાદા જાળવી શકીએ.
મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?
૪. જાણીબૂજીને કરેલાં પાપમાં શાનો સમાવેશ થાય છે?
૪ બાઇબલ સમજાવે છે કે, જે મર્યાદામાં રહેતો નથી તે ઘમંડી છે. (નીતિવચનો ૧૧:૨ વાંચો.a) રાજા દાઊદે યહોવાને આજીજી કરતા કહ્યું: “જાણીબૂજીને કરેલાં પાપથી તું તારા સેવકને અટકાવ.” (ગીત. ૧૯:૧૩) અહીં, ઘમંડને લીધે કરેલાં કામોને ‘જાણીબૂજીને કરેલાં પાપ’ કહેવામાં આવ્યા છે. એવાં કામોમાં શાનો સમાવેશ થાય છે? એવાં કામો જે કરવાનો આપણી પાસે કોઈ હક કે અધિકાર નથી, પણ કદાચ અહંકારમાં આવીને આપણે એ કરી બેસીએ. અપૂર્ણ હોવાને લીધે આપણે બધાએ અહંકારમાં આવીને કંઈક ને કંઈક અયોગ્ય કામ કર્યું હશે. પણ, રાજા શાઊલના દાખલા પરથી જોયું તેમ, જો એ આદત બની જશે તો યહોવા એનાથી નાખુશ થશે. ગીતશાસ્ત્ર ૧૧૯:૨૧ જણાવે છે કે, યહોવા “ગર્વિષ્ઠોને ધમકાવે છે.” તે શા માટે એમ કરે છે?
૫. જાણીબૂજીને કરેલાં પાપ શા માટે વધારે ગંભીર છે?
૫ અજાણતા થયેલી ભૂલો કરતાં જાણીબૂજીને કરેલાં પાપ વધારે ગંભીર છે. શા માટે? પહેલું કારણ, જ્યારે આપણે અહંકારી બનીને કંઈક કરીએ છીએ, ત્યારે આપણા ઈશ્વર અને રાજા યહોવાનો અનાદર કરીએ છીએ. બીજું, આપણા અધિકારમાં ન હોય એ કામ કરીએ છીએ ત્યારે, આપણે મોટા ભાગે દલીલોમાં પડીએ છીએ અને બીજાઓના વિચારો સાથે અસહમત થઈએ છીએ. (નીતિ. ૧૩:૧૦) ત્રીજું, બીજાઓ જ્યારે જાણશે કે આપણે ઘમંડને લીધે કશું કર્યું છે, ત્યારે તેઓ આગળ આપણે મૂર્ખ દેખાઈએ છીએ. (લુક ૧૪:૮, ૯) આમ, સાફ જોઈ શકાય છે કે, આપણે મર્યાદામાં રહીએ એવું યહોવા શા માટે ચાહે છે.
મર્યાદામાં રહેવું—એમાં શું સમાયેલું છે?
૬, ૭. મર્યાદામાં રહેવાને અને નમ્ર હોવાને શો સંબંધ છે?
૬ મર્યાદામાં રહેવાને અને નમ્ર હોવાને ગાઢ સંબંધ છે. બાઇબલ જણાવે છે કે, નમ્ર વ્યક્તિ અભિમાની નથી હોતી, પણ બીજાઓને પોતાના કરતાં ઉત્તમ ગણે છે. (ફિલિ. ૨:૩) તે મોટા ભાગે મર્યાદામાં રહે છે; પોતાની હદ જાણે છે અને પોતાની ભૂલોને નમ્રતાથી સ્વીકારે છે. તે બીજાઓના વિચારોને સાંભળવા અને તેઓ પાસેથી શીખવા તૈયાર રહે છે. નમ્ર વ્યક્તિ યહોવાના દિલને પ્રફુલ્લિત કરી દે છે.
૭ બાઇબલ જણાવે છે કે, મર્યાદામાં રહેનાર વ્યક્તિ પોતાને સારી રીતે ઓળખે છે. તેને ખ્યાલ હોય છે કે, અમુક બાબતો તે કરી શકતી નથી અથવા એમ કરવાની તેને પરવાનગી નથી. એનાથી તેને બીજાઓને માન આપવા અને દયાથી વર્તવા મદદ મળે છે.
૮. મર્યાદામાં રહેવા માટે કેવા પ્રકારના વિચારો ટાળવા જોઈએ?
૮ બની શકે કે, આપણે અજાણતા જ અહંકારી રીતે વિચારવા લાગી શકીએ. એવું કઈ રીતે બની શકે? કદાચ આપણી પાસે અથવા આપણા સગા-સંબંધી કે મિત્રો પાસે મંડળમાં જવાબદારીઓ છે. એના લીધે કદાચ લાગે કે બીજાઓ કરતાં આપણું મહત્ત્વ વધારે છે. (રોમ. ૧૨:૧૬) અથવા આપણે કદાચ બીજાઓનું ધ્યાન પોતાના તરફ દોરવા લાગીએ. (૧ તિમો. ૨:૯, ૧૦) કદાચ બીજાઓને કહેવા લાગીએ કે તેઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.—૧ કોરીં. ૪:૬.
૯. અમુક લોકો શા માટે ઘમંડી બને છે? બાઇબલના અમુક દાખલા આપો.
૯ જો આપણા ખોટા ઇરાદાને કાબૂમાં નહિ રાખીએ, તો આપણે ઘમંડી બની જઈશું. ઘણા લોકો ઘમંડી બની ગયા છે. કારણ કે, તેઓ બીજાઓની ઈર્ષા કરે છે, પોતાનો મહિમા શોધે છે અથવા ગુસ્સો કાબૂમાં રાખતા નથી. બાઇબલ સમયના અમુક લોકો જોડે એવું જ બન્યું હતું. જેમ કે, આબ્શાલોમ, ઉઝ્ઝિયા અને નબૂખાદનેસ્સાર. યહોવાએ તેઓને સાફ જણાવ્યું હતું કે તેઓએ નમ્ર બનવાની જરૂર હતી.—૨ શમૂ. ૧૫:૧-૬; ૧૮:૯-૧૭; ૨ કાળ. ૨૬:૧૬-૨૧; દાની. ૫:૧૮-૨૧.
૧૦. શા માટે આપણે બીજાઓનો ન્યાય ન કરવો જોઈએ? બાઇબલનો દાખલો આપો.
૧૦ અમુક વાર મર્યાદાભંગ પાછળ બીજાં કારણો હોય શકે. અબીમેલેખ અને પીતરનો વિચાર કરો. (ઉત. ૨૦:૨-૭; માથ. ૨૬:૩૧-૩૫) શું એ માણસો ઘમંડી હતા? અથવા શું તેઓ હકીકતથી અજાણ હતા કે પછી શું તેઓએ ઉતાવળે પગલું ભર્યું હતું? ખરું કે, આપણે બીજાઓના હૃદયમાં ડોકિયું કરી શકતા નથી, પણ આપણે બીજાઓનો ન્યાય ન કરવો જોઈએ.—યાકૂબ ૪:૧૨ વાંચો.
ઈશ્વરની ગોઠવણમાં તમારી ભૂમિકા
૧૧. આપણે કઈ હકીકત સમજવાની જરૂર છે?
૧૧ મર્યાદામાં રહેનાર વ્યક્તિ ઈશ્વરે કરેલી ગોઠવણમાં પોતાની ભૂમિકાને સારી રીતે સમજે છે. યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેમણે મંડળના દરેક સભ્યને એક ભૂમિકા આપી છે. તેથી, મંડળમાં દરેકની જરૂર છે. યહોવાએ ઉદારપણે દરેકને અલગ અલગ ભેટ, આવડત, હુન્નર અથવા કાબેલિયત આપી છે. જો આપણે મર્યાદામાં રહીશું, તો યહોવા ચાહે છે એ રીતે એ ભેટોનો ઉપયોગ કરીશું. (રોમ. ૧૨:૪-૮) યહોવા ઇચ્છે છે કે એ ભેટોનો ઉપયોગ કરીને આપણે તેમને માન આપીએ અને બીજાઓને મદદ કરીએ.—૧ પીતર ૪:૧૦ વાંચો.
સોંપણીમાં ફેરફાર થાય ત્યારે ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (ફકરા ૧૨-૧૪ જુઓ)
૧૨, ૧૩. યહોવાની સેવામાં ફેરફારો આવે ત્યારે, આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૨ યહોવાની સેવામાં સમયે સમયે આપણી સોંપણીમાં ફેરફાર થતા રહે છે. ઈસુના જીવનમાં આવેલા ઘણા ફેરફારોનો વિચાર કરો. સૌ પ્રથમ, તે યહોવા સાથે એકલા જ હતા. (નીતિ. ૮:૨૨) પછી, દૂતો, વિશ્વ અને માણસોને બનાવવામાં તેમણે યહોવાને સાથ આપ્યો. (કોલો. ૧:૧૬) સમય જતાં, તેમને પૃથ્વી પર મોકલવામાં આવ્યા. તે બાળક તરીકે જન્મ્યા અને મોટા થયા. (ફિલિ. ૨:૭) તેમના મરણ પછી, તે પાછા સ્વર્ગમાં ગયા અને ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. (હિબ્રૂ. ૨:૯) ભાવિમાં, તે પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરશે અને પછી યહોવાને રાજ્ય પાછું સોંપી દેશે, જેથી “ઈશ્વર બધાના રાજાધિરાજ ગણાય.”—૧ કોરીં. ૧૫:૨૮.
૧૩ આપણા જીવનમાં પણ ઘણા ફેરફારો આવી શકે. અમુક સમયે, પોતાના નિર્ણયોને લીધે આપણી જવાબદારી બદલાઈ શકે. દાખલા તરીકે, તમે કુંવારા હતા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. અથવા તમને બાળકો થાય. અમુક વર્ષો પછી, તમે કદાચ અમુક ફેરફારો કરવાનું વિચારો, જેથી યહોવાની પૂરા સમયની સેવા કરી શકો. અમુક વખતે, સંજોગોને લીધે આપણી જવાબદારી બદલાઈ શકે. યહોવાની સેવામાં આપણે વધારે કરતા હોઈએ કે ઓછું, પણ યહોવા જાણે છે કે આપણે કેટલું કરી શકીએ છીએ, પછી ભલેને આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, તંદુરસ્ત હોઈએ કે નાદુરસ્ત. તે આપણી શક્તિ ઉપરાંત અપેક્ષા રાખતા નથી. પણ, આપણે તેમના માટે જે કરીએ છીએ એનાથી તે ખુશ થાય છે.—હિબ્રૂ. ૬:૧૦.
૧૪. મર્યાદામાં રહેવાથી આપણે કઈ રીતે કોઈ પણ સંજોગમાં સંતોષી અને ખુશ રહી શકીએ?
૧૪ યહોવાએ આપેલી દરેક સોંપણીમાં ઈસુ ખુશ હતા. (નીતિ. ૮:૩૦, ૩૧) તેમની જેમ આપણે પણ ખુશ રહી શકીએ છીએ. મર્યાદામાં રહેનાર વ્યક્તિ પોતાની સોંપણી અને મંડળમાં મળેલી જવાબદારીઓથી સંતુષ્ટ હોય છે. બીજાઓ શું કરે છે એના પર વધુ પડતું ધ્યાન આપવાને બદલે, ઈશ્વરના સંગઠનમાં મળેલી પોતાની ભૂમિકામાં તે સંતોષ માને છે. તેમ જ, એને ઈશ્વર તરફથી મળેલી સોંપણી ગણે છે. તે બીજાઓને આદર આપે છે અને ખુશી ખુશી તેઓને મદદ પણ કરે છે. તેને ખ્યાલ છે કે, યહોવાએ દરેકને કંઈક ને કંઈક ભૂમિકા આપી છે.—રોમ. ૧૨:૧૦.
મર્યાદામાં રહેવા પ્રત્યે યોગ્ય વલણ
૧૫. ગિદિયોનના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?
૧૫ મર્યાદામાં રહીને કામ કઈ રીતે કરવું એ માટે ગિદિયોને સારો દાખલો બેસાડ્યો છે. ઇઝરાયેલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવાની જવાબદારી યહોવાએ તેમને સોંપી ત્યારે, તેમણે કહ્યું: “જો, મનાશ્શેમાં મારું કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.” (ન્યા. ૬:૧૫) ગિદિયોને યહોવામાં ભરોસો રાખ્યો અને એ સોંપણીનો સ્વીકાર કર્યો. ગિદિયોને ખાતરી કરી કે, યહોવા તેમની પાસેથી જે ચાહી રહ્યા છે એને તે સારી રીતે સમજ્યા છે. માર્ગદર્શન માટે તેમણે યહોવાને પ્રાર્થના કરી. (ન્યા. ૬:૩૬-૪૦) શક્તિશાળી અને બહાદુર હોવાની સાથે સાથે ગિદિયોન સમજુ અને સાવધ પણ હતા. (ન્યા. ૬:૧૧, ૨૭) પછીથી, લોકોએ તેમને રાજા બનવા આગ્રહ કર્યો ત્યારે, તેમણે એનો નકાર કરી દીધો. યહોવા તરફથી મળેલી સોંપણી પૂરી કર્યા પછી તે પોતાને ઘેર પાછા ફર્યા.—ન્યા. ૮:૨૨, ૨૩, ૨૯.
૧૬, ૧૭. શું મર્યાદામાં રહેનાર વ્યક્તિ પ્રગતિ કરી શકે? કઈ રીતે?
૧૬ જો કોઈ વ્યક્તિ નવી સોંપણી સ્વીકારે અથવા મંડળમાં વધારે કરવા ચાહે, તો એનો મતલબ એ નથી કે તે વ્યક્તિ નમ્ર નથી. બાઇબલ જણાવે છે કે, યહોવાનો કોઈ ભક્ત ભાઈ-બહેનોની વધારે સેવા કરવા અને પ્રગતિ કરવા ચાહે તો, એ સારું કહેવાય. (૧ તિમો. ૪:૧૩-૧૫) પરંતુ, શું પ્રગતિ કરવા નવી સોંપણી સ્વીકારવી જરૂરી છે? ના. આપણે પોતાની આવડતોમાં અને સ્વભાવમાં સુધારો કરીને પણ પ્રગતિ કરી શકીએ છીએ. આમ, વધુ સારી રીતે યહોવાની સેવા કરી શકીએ અને બીજાઓને મદદ કરી શકીએ.
૧૭ સોંપણી સ્વીકારતા પહેલાં, મર્યાદામાં રહેનાર વ્યક્તિ વિચારે છે કે, તેની પાસેથી શાની અપેક્ષા રાખવામાં આવશે. પોતાના સંજોગોને ધ્યાનમાં લઈને તે પ્રાર્થનાપૂર્વક આવા સવાલો પર વિચાર કરે છે: “શું હું એ સોંપણી પૂરી કરી શકીશ? શું બીજી મહત્ત્વની બાબતો કરવા મારી પાસે સમય અને શક્તિ હશે? જો નહિ, તો હમણાં હું જે કામ કરું છું, એમાંના અમુક કામ શું બીજું કોઈ કરી શકે?” આ સવાલોનો વિચાર કર્યા પછી, મર્યાદામાં રહેનારા વ્યક્તિ કદાચ નક્કી કરે કે એ નવી સોંપણી તે ઉપાડી શકતી નથી. જો આપણે પોતાની ક્ષમતા જાણતા હોઈશું, તો આપણે કદાચ “ના” પાડવાની જરૂર પડે.
૧૮. (ક) નવી સોંપણી મળે ત્યારે, મર્યાદામાં રહેનાર વ્યક્તિ શું કરશે? (ખ) મર્યાદામાં રહેવા રોમનો ૧૨:૩ કઈ રીતે આપણી મદદ કરે છે?
૧૮ યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે “નમ્રતાથી” એટલે કે મર્યાદામાં રહીને ચાલીએ. (મીખા. ૬:૮) તેથી, નવી સોંપણી મળે ત્યારે, આપણે ગિદિયોનની જેમ માર્ગદર્શન અને મદદ માટે યહોવા પર આધાર રાખીએ. આપણે ઊંડો વિચાર કરવો જોઈએ કે બાઇબલ અને સંગઠન દ્વારા યહોવા આપણને શું કહે છે. આપણે હંમેશાં યાદ રાખીએ કે, સંગઠનમાં મળેલી જવાબદારીઓ આપણી આવડતોને લીધે નહિ, પણ યહોવાની નમ્રતા અને મદદને લીધે મળી છે. (ગીત. ૧૮:૩૫) મર્યાદામાં રહેનાર વ્યક્તિ ક્યારેય ‘એમ નહિ વિચારે કે પોતે કંઈક છે.’—રોમનો ૧૨:૩ વાંચો.
૧૯. આપણે શા માટે મર્યાદામાં રહેવું જોઈએ?
૧૯ મર્યાદામાં રહેનાર વ્યક્તિ જાણે છે કે, સર્વ માન-મહિમા ફક્ત યહોવાને જ જવાં જોઈએ. કારણ કે, તે આપણા સર્જનહાર અને વિશ્વના માલિક છે. (પ્રકટી. ૪:૧૧) જો આપણે મર્યાદામાં રહેતા હોઈશું, તો યહોવાની સેવામાં જે કંઈ કરી શકીએ છીએ એનાથી ખુશ રહીશું. આપણે ભાઈ-બહેનોની લાગણી અને વિચારોને માન આપીશું. પરિણામે, આપણે એકતામાં રહી શકીશું. મર્યાદામાં રહેનાર વ્યક્તિ પગલું ભરતા પહેલાં વિચાર કરે છે અને આમ ગંભીર ભૂલ કરવાથી દૂર રહે છે. મર્યાદામાં રહેનાર લોકોથી યહોવા ખૂબ ખુશ થાય છે. આ કારણોને લીધે, યહોવાના લોકોએ મર્યાદામાં રહેવું જોઈએ. આવતા લેખમાં આપણે જોઈશું કે, અઘરું હોય ત્યારે પણ કઈ રીતે મર્યાદામાં રહી શકાય.
a નીતિવચનો ૧૧:૨ (NW): જે અહંકારી બને છે તેણે અપમાન સહેવું પડે છે, પણ જે મર્યાદામાં રહે છે તે સમજુ છે.