વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જાન્યુઆરી પાન ૨૨-૨૬
  • મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સંજોગો બદલાય ત્યારે
  • બીજાઓ તમારી નિંદા કે પ્રશંસા કરે ત્યારે
  • નિર્ણયો લઈએ ત્યારે
  • મર્યાદામાં રહેવાનું શીખીએ
  • મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • નમ્રતા - શાંતિ લાવતો ગુણ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • “નમ્ર જનો શાણા બને છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જાન્યુઆરી પાન ૨૨-૨૬
યહુદાથી આવેલો પ્રબોધક વૃદ્ધ માણસથી છેતરાય છે

મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

‘મર્યાદામાં રહીને તારા ઈશ્વરની સાથે ચાલ.’—મીખા. ૬:૮, NW.

ગીતો: ૪૮, ૧

મર્યાદામાં રહેવાથી આપણને કઈ રીતે . . .

  • સોંપણીમાં સફળ થવા મદદ મળશે?

  • નિંદા કે પ્રશંસાને હાથ ધરવા મદદ મળશે?

  • સારા નિર્ણયો લેવા મદદ મળશે?

૧-૩. યહુદાથી આવેલા પ્રબોધકે શું કરવાનું છોડી દીધું અને એનું કેવું પરિણામ આવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઇઝરાયેલના રાજા યરોબઆમે જૂઠી ઉપાસના માટે બેથેલ શહેરમાં વેદી ઊભી કરી હતી. તેને ન્યાયચુકાદો જણાવવા યહોવાએ યહુદામાંથી એક પ્રબોધક મોકલ્યો. એ પ્રબોધકે નમ્ર બનીને યહોવાની આજ્ઞા પાળી અને રાજાને સંદેશો જણાવ્યો. એ સાંભળીને રાજાનો ક્રોધ તેના પર ભભૂકી ઊઠ્યો, પણ યહોવાએ એ પ્રબોધકનું રક્ષણ કર્યું.—૧ રાજા. ૧૩:૧-૧૦.

૨ યહોવાએ એ પ્રબોધકને આજ્ઞા કરી હતી કે તે ઇઝરાયેલમાં કંઈ ખાએ-પીએ નહિ અને બીજા માર્ગે થઈને ઘરે પાછો આવે. ઘરે પાછા જતી વખતે પ્રબોધકને એક વૃદ્ધ માણસ મળ્યો. એ માણસ જૂઠું બોલ્યો કે તેની પાસે યહોવાનો સંદેશો છે. એમ કહીને તેણે પ્રબોધકને છેતર્યો અને પ્રબોધકને પોતાના ઘરે ખાવા-પીવા નોતર્યો. પ્રબોધક તે વૃદ્ધ માણસના ઘરે ગયો અને યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એનાથી યહોવા ખૂબ નાખુશ થયા. પ્રબોધક પોતાના માર્ગે આગળ વધ્યો ત્યારે, એક સિંહ તેના પર ત્રાટક્યો અને તેને ફાડી ખાધો.—૧ રાજા. ૧૩:૧૧-૨૪.

૩ આપણે જાણતા નથી કે, પ્રબોધકે યહોવાના બદલે પેલા વૃદ્ધ માણસનું સાંભળવાનું શા માટે નક્કી કર્યું. પરંતુ, આપણે એ જરૂર જાણીએ છીએ કે તેણે યહોવા સાથે ‘મર્યાદામાં રહીને ચાલવાનું’ છોડી દીધું. (મીખાહ ૬:૮ વાંચો.a) બાઇબલ પ્રમાણે યહોવા સાથે ચાલવામાં શાનો સમાવેશ થાય છે? એમાં યહોવા પર ભરોસો રાખવાનો, તેમના માર્ગદર્શન પર આધાર રાખવાનો અને તેમની આજ્ઞાઓ પાળવાનો સમાવેશ થાય છે. મર્યાદામાં રહેનાર વ્યક્તિ જાણે છે કે તેણે નિરંતર પ્રાર્થના કરવાની જરૂર છે. જો એ પ્રબોધક પોતાની મર્યાદામાં રહ્યો હોત, તો તેણે યહોવાને પૂછ્યું હોત કે તેમનાં સૂચનોમાં ફેરફાર થયા છે કે નહિ. અમુક વાર આપણે પણ અઘરા નિર્ણયો લેવાની જરૂર પડે છે. પણ, એ સંજોગમાં યહોવા શું ચાહે છે એ એકદમ સ્પષ્ટ ન હોય, તો શું? જો આપણે પોતાની હદ જાણતા હોઈશું, તો યહોવાનું માર્ગદર્શન શોધીશું, જેથી કોઈ ગંભીર ભૂલ ન કરી બેસીએ.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૪ પાછલા લેખમાં આપણે જોઈ ગયા કે, મર્યાદામાં રહેવાનો શો અર્થ થાય અને આજે એમ કરવું શા માટે જરૂરી છે. આ લેખમાં આપણે જોઈશું કે, કેવા સંજોગોમાં મર્યાદા જાળવવી અઘરું બની શકે. તેમ જ, આપણે કઈ રીતે મર્યાદામાં રહેવાનું શીખી શકીએ, ખાસ કરીને વિકટ સંજોગોમાં. ચાલો, ત્રણ અલગ અલગ સંજોગોનો વિચાર કરીએ.—નીતિ. ૧૧:૨.

સંજોગો બદલાય ત્યારે

૫, ૬. બાર્ઝિલ્લાયે કઈ રીતે બતાવ્યું કે, તે પોતાની મર્યાદા વિશે સભાન હતા?

૫ આપણા સંજોગ કે સોંપણી બદલાય ત્યારે, આપણે કેવું વલણ બતાવીએ છીએ એના પરથી દેખાઈ આવશે કે આપણે પોતાની મર્યાદામાં રહીએ છીએ કે નહિ. રાજા દાઊદના વફાદાર મિત્ર બાર્ઝિલ્લાયના દાખલા પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તે ૮૦ વર્ષના હતા ત્યારે, દાઊદે તેમને પોતાના મહેલમાં રહેવા આમંત્રણ આપ્યું. એ એક મોટું સન્માન હતું, છતાં બાર્ઝિલ્લાયે કહ્યું કે એ લહાવો કિમ્હામને આપવામાં આવે તો સારું. કદાચ કિમ્હામ તેમનો દીકરો હતો.—૨ શમૂ. ૧૯:૩૧-૩૭.

૬ બાર્ઝિલ્લાયે એ અમૂલ્ય લહાવો શા માટે જતો કર્યો? શું તે જવાબદારીથી દૂર ભાગતા હતા કે પછી તે પોતાના જીવનમાં મસ્ત રહેવા ચાહતા હતા? ના, એવું નથી. બાર્ઝિલ્લાય એક નમ્ર વ્યક્તિ હતા. તેમને ખ્યાલ હતો કે તેમના સંજોગો પહેલાં જેવા રહ્યા નથી અને તે પોતાની મર્યાદા વિશે સભાન હતા. (ગલાતીઓ ૬:૪, ૫ વાંચો.) બાર્ઝિલ્લાયની જેમ આપણે પણ પોતાની મર્યાદાઓ પારખવાની જરૂર છે. પોતાની ઇચ્છા સંતોષવાને બદલે યહોવાની ઇચ્છા પૂરી કરીએ; બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાને બદલે, પૂરું ધ્યાન યહોવાને ઉત્તમ આપવા પર રાખીએ. (ગલા. ૫:૨૬) પ્રસિદ્ધિ કે ખાસ સોંપણી કરતાં પણ એ વધારે મહત્ત્વનું છે. જો આપણે પોતાની મર્યાદા પ્રમાણે ચાલતા હોઈશું, તો યહોવાને મહિમા આપવા અને બીજાઓને મદદ કરવા ભાઈ-બહેનો સાથે સંપીને કામ કરીશું.—૧ કોરીં. ૧૦:૩૧.

૭, ૮. નમ્ર વ્યક્તિ કઈ રીતે પોતાના પર ભરોસો કરવાનું ટાળશે?

૭ આપણને વધુ જવાબદારીઓ કે અધિકાર મળે ત્યારે, નમ્રતા જાળવવી અઘરું બની શકે. નહેમ્યાનો વિચાર કરો. તેમને જાણ થઈ કે યરૂશાલેમના લોકો અનેક પ્રકારની મુસીબતોમાં છે ત્યારે, મદદ માટે તેમણે યહોવા આગળ હાથ ફેલાવ્યા. (નહે. ૧:૪, ૧૧) યહોવાએ નહેમ્યાની પ્રાર્થના સાંભળી. રાજા આર્તાહશાસ્તાએ નહેમ્યાને એ વિસ્તારના સૂબેદાર બનાવ્યા. સત્તા અને ધનસંપત્તિ મળ્યા છતાં, તેમણે ક્યારેય પોતાના પર ભરોસો રાખ્યો નહિ. પણ, માર્ગદર્શન માટે તેમણે યહોવા પર મીટ માંડી અને નિયમિત રીતે શાસ્ત્રનું વાંચન કર્યું. (નહે. ૮:૧, ૮, ૯) ઘણા લોકો નહેમ્યાના તાબે હતા. પરંતુ, તેમણે ક્યારેય પોતાના ફાયદા માટે હોદ્દાનો ઉપયોગ કર્યો નહિ કે કોઈની પર બોજ નાખ્યો નહિ.—નહે. ૫:૧૪-૧૯.

૮ આપણને વધુ જવાબદારીઓ કે નવી સોંપણી મળે ત્યારે, નહેમ્યાની જેમ નમ્ર રહીએ. પોતાની કાબેલિયત કે અનુભવ પર આધાર ન રાખીએ. આ સંજોગોનો વિચાર કરો: જો કોઈ વડીલ પ્રાર્થના કર્યા વગર મંડળની કોઈ બાબત હાથ ધરે, તો શું તે વડીલ નમ્રતા બતાવે છે? અથવા કોઈ ભાઈ કે બહેન નિર્ણય લીધા પછી એ સફળ થાય માટે પ્રાર્થના કરે, તો શું એને નમ્રતા કહેવાય? ના. એક નમ્ર વ્યક્તિ પોતાની મર્યાદા પારખશે અને પોતાના પર આધાર રાખશે નહિ, પછી ભલેને તેણે એ કામ અગાઉ અનેક વાર કેમ ન કર્યું હોય. તે હંમેશાં યાદ રાખે છે કે, યહોવાની શક્તિ સામે તેની કાબેલિયતની કંઈ વિસાત નથી. (નીતિવચનો ૩:૫, ૬ વાંચો.) આજે, દુનિયામાં ઘણા લોકો સ્વાર્થી છે અને બીજાઓ કરતાં આગળ નીકળવા ચાહે છે. પરંતુ, યહોવાના સેવકો એવા નથી. આપણે એવું નથી માનતા કે, કુટુંબ અથવા મંડળમાં વધુ જવાબદારીઓ હોવાથી આપણે બીજાઓ કરતાં ચઢિયાતા છીએ. એના બદલે, આપણે તો ભાઈ-બહેનો સાથે સંપીને કામ કરીએ છીએ.—૧ તિમો. ૩:૧૫.

બીજાઓ તમારી નિંદા કે પ્રશંસા કરે ત્યારે

૯, ૧૦. નમ્ર રહેવાથી કઈ રીતે નિંદાનો સામનો કરવા મદદ મળે છે?

૯ કોઈ આપણી નિંદા કરે ત્યારે આપણું દિલ વીંધાઈ જાય છે. હાન્‍ના જોડે એવું જ બન્યું હતું. તેમનાં પતિ તેમને ઘણો પ્રેમ કરતા હતા, પણ તેમને હજી સંતાનનું સુખ મળ્યું ન હતું. એ વાતને લઈને તે ઘણા દુઃખી હતાં. અધૂરામાં પૂરું તેમની શોક્ય પનિન્‍ના તેમને મહેણાં-ટોણાં મારતી હતી. દાઝ્યા પર ડામ દેવાનો તે એક પણ મોકો ન છોડતી. એક દિવસે હાન્‍ના ખૂબ ઉદાસ હતાં. તે પ્રાર્થના કરવા મુલાકાતમંડપમાં ગયાં. પ્રમુખયાજક એલીએ તેમને રડતાં જોયા ત્યારે આક્ષેપ મૂક્યો કે તે નશામાં છે. હાન્‍ના કદાચ ખૂબ ગુસ્સે થઈ શક્યા હોત. પરંતુ, તેમણે એલીને માનપૂર્વક જવાબ આપ્યો. પછીથી, હાન્‍નાએ જે પ્રાર્થના કરી એમાં યહોવા પરનો તેમનો ભરોસો અને પ્રેમ દેખાઈ આવ્યો.—૧ શમૂ. ૧:૫-૭, ૧૨-૧૬; ૨:૧-૧૦.

૧૦ મર્યાદા જાળવવાથી ‘સારાથી ભૂંડાઈ પર જીત મેળવી’ શકાય છે. (રોમ. ૧૨:૨૧) શેતાનની દુનિયા દુષ્ટતાથી ખદબદે છે. તેથી, કોઈ આપણી જોડે અન્યાયથી વર્તે તો આપણને નવાઈ લાગવી ન જોઈએ. કદાચ આપણને ગુસ્સો આવી શકે, છતાં એને વશમાં કરવા લડત આપીએ. (ગીત. ૩૭:૧) જો આપણી તકરાર મંડળનાં ભાઈ-બહેનો સાથે થાય, તો એ વધુ પીડાદાયક હોય છે. એવા સમયે આપણે ઈસુનું અનુકરણ કરીએ. બાઇબલ જણાવે છે: “જ્યારે તેમનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે તેમણે સામે અપમાન કર્યું નહિ . . . પણ અદલ ન્યાય કરનારના હાથમાં તેમણે પોતાને સોંપી દીધા.” (૧ પીત. ૨:૨૩) ઈસુ નમ્ર હતા અને જાણતા હતા કે, અન્યાયનો બદલો લેવાનું કામ યહોવાનું છે. (રોમ. ૧૨:૧૯) આપણે પણ નમ્ર બનીએ અને ‘બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળીએ.’—૧ પીત. ૩:૮, ૯.

૧૧, ૧૨. (ક) બીજાઓ આપણી વાહ-વાહ કે ખુશામત કરે ત્યારે, કઈ રીતે મર્યાદા જાળવી શકીએ? (ખ) આપણાં પહેરવેશ અને વાણી-વર્તનથી કઈ રીતે બતાવી શકીએ કે આપણે પોતાની મર્યાદા જાણીએ છીએ?

૧૧ કોઈ આપણી પ્રશંસા કે ખુશામત કરે ત્યારે, મર્યાદા જાળવવી અઘરું બની શકે. એસ્તેરની ઘણી પ્રશંસા અને વાહ-વાહ થઈ હતી. આખા ઇરાનમાં સૌથી સુંદર સ્ત્રીઓમાં તે એક હતાં. અનેક યુવાન સ્ત્રીઓની સાથે એસ્તેરને પણ સુંદરતા નિખારવા ખાસ માવજત આપવામાં આવી હતી. એ બધી સ્ત્રીઓ રાજાને પોતાની તરફ આકર્ષવા હોડમાં લાગી હતી. છેવટે, રાજાનું દિલ એસ્તેર પર આવ્યું અને તેમને રાણી બનાવ્યાં. એ માન-મોભો મેળવીને શું એસ્તેર બદલાઈ ગયાં? શું તે સ્વાર્થી બની ગયાં? ના. તેમણે પોતાની મર્યાદા જાળવી તેમજ નમ્રતા, દયા અને માન બતાવતાં રહ્યાં.—એસ્તે. ૨:૯, ૧૨, ૧૫, ૧૭.

રાજ્યગૃહમાં શાલિન અને કઢંગા કપડાં પહેર્યાં હોય એનું ઉદાહરણ

આપણાં દેખાવ અને પહેરવેશ પરથી શું જોવા મળે છે? યહોવા અને બીજાઓ પ્રત્યે માન, કે પછી માન-મર્યાદાનો અભાવ? (ફકરો ૧૨ જુઓ)

૧૨ જો આપણે મર્યાદામાં રહીશું, તો આપણાં પહેરવેશ અને વર્તનથી બતાવી આપીશું કે આપણે બીજાઓને તેમજ પોતાને માન આપીએ છીએ. પોતાની બડાઈ હાંકવાને કે બીજાઓને પ્રભાવિત કરવાને બદલે આપણે ‘શાંત અને નમ્ર સ્વભાવના’ બનવા પ્રયત્ન કરીશું. (૧ પીતર ૩:૩, ૪ વાંચો; યિર્મેયા ૯:૨૩, ૨૪) આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવશે. દાખલા તરીકે, આપણે બીજાઓ પર એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરીએ કે આપણે બીજાઓ કરતાં ચડિયાતા છીએ. એ માટે કદાચ પોતાનાં કાર્યો, જ્ઞાન કે ઓળખાણની મોટી મોટી વાતો કરીએ. અથવા કદાચ આપણે એવી બડાઈ હાંકીએ કે, જાત-મહેનતથી કંઈક હાંસલ કર્યું છે, જ્યારે કે એ માટે તો બીજાઓએ આપણને મદદ કરી છે. પરંતુ જરા ઈસુનો વિચાર કરો. પોતાના ડહાપણથી તે બીજાઓને પ્રભાવિત કરી શક્યા હોત. છતાં તેમણે ઘણી વાર શાસ્ત્રવચનોમાંથી શબ્દો ટાંક્યા. લોકો તેમની વાહ-વાહ કરે એવું તે ચાહતા ન હતા, પરંતુ બધો જ માન-મહિમા યહોવાને જાય એવી તેમની ઇચ્છા હતી.—યોહા. ૮:૨૮.

નિર્ણયો લઈએ ત્યારે

૧૩, ૧૪. પોતાની હદ પારખવાથી કઈ રીતે સારો નિર્ણય લેવા મદદ મળશે?

૧૩ પોતાના નિર્ણયની અથવા બીજાઓના નિર્ણયની આપણા પર અસર થતી હોય, ત્યારે પણ આપણે પોતાની મર્યાદાનું ધ્યાન રાખવાનું છે. પ્રેરિત પાઊલનો દાખલો લો. તે કાઈસારીઆમાં રહેતા હતા ત્યારે, તેમને યરૂશાલેમ જવું હતું જેથી યહોવાએ આપેલી સોંપણી પૂરી કરી શકે. પરંતુ, પ્રબોધક આગાબાસે તેમને જણાવ્યું કે, જો તે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. કદાચ મોતને ઘાટ ઉતારવામાં આવશે. ભાઈઓએ પાઊલને યરૂશાલેમ ન જવા કાલાવાલા કર્યાં. છતાં, પાઊલે યરૂશાલેમ જવાનો નિર્ણય લીધો. શું તેમને પોતાના પર વધુ પડતો ભરોસો હતો? ના. પાઊલ પોતાની મર્યાદાઓ જાણતા હતા અને તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. બીજા ભાઈઓએ પણ પોતાની હદ ન વટાવી, તેઓએ પાઊલના નિર્ણયને માન આપ્યું અને તેમને જવા દીધા.—પ્રે.કા. ૨૧:૧૦-૧૪.

૧૪ પોતાની મર્યાદા ધ્યાનમાં રાખીશું તો, સારા નિર્ણયો લેવા મદદ મળશે. ખાસ કરીને, જ્યારે સંજોગો આપણા કાબૂ બહાર હોય અથવા સંજોગો કેવા વળાંક લેશે એ જાણી શકતા ન હોઈએ. દાખલા તરીકે, આપણે કદાચ પૂરા સમયની સેવામાં જોડાવાનું વિચારતા હોઈએ. પરંતુ, જો આપણે બીમાર પડી જઈએ, તો શું? અથવા આપણાં વૃદ્ધ માતા-પિતાને આપણી મદદની જરૂર પડે, તો શું? વૃદ્ધ થઈશું ત્યારે શું કરીશું? આપણે એ સવાલોના જવાબ આપી શકતા નથી, પ્રાર્થના અને મનન કરીએ તોપણ નહિ. (સભા. ૮:૧૬, ૧૭) પરંતુ, જો યહોવામાં ભરોસો રાખીશું, તો પોતાની મર્યાદાઓ જાણી શકીશું અને એનો સ્વીકાર કરી શકીશું. નિર્ણય લેતા પહેલાં સંશોધન કરીએ, સલાહ લઈએ અને સૌથી મહત્ત્વનું તો પ્રાર્થના કરીએ. ત્યાર બાદ, પવિત્ર શક્તિ દ્વારા જે માર્ગદર્શન મળે એ પાળીએ. (સભાશિક્ષક ૧૧:૪-૬ વાંચો.) એમ કરીશું તો, યહોવા આપણા નિર્ણયને આશીર્વાદ આપશે અથવા આપણો નિર્ણય બદલવા મદદ કરશે.—નીતિ. ૧૬:૩, ૯.

મર્યાદામાં રહેવાનું શીખીએ

૧૫. યહોવાના ગુણો પર મનન કરવાથી કઈ રીતે નમ્ર બનવા મદદ મળશે?

૧૫ મર્યાદામાં કઈ રીતે રહેવું એની ચાર રીતોની ચર્ચા કરીએ. સૌથી પહેલા, આપણે યહોવાના ગુણો પર મનન કરીએ. આપણે પોતાને આ વિશ્વના માલિક યહોવા સાથે સરખાવીએ ત્યારે, ખ્યાલ આવશે કે તેમની સામે આપણે રજ સમાન છીએ. અરે, તેમની બુદ્ધિ સામે તો આપણું જ્ઞાન નહિવત્‌ છે! (યશા. ૮:૧૩) યાદ રાખીએ કે આપણે સર્વ શક્તિમાન ઈશ્વર સાથે ચાલીએ છીએ, કોઈ માણસ કે દૂત સાથે નહિ. એ હકીકત પર મનન કરવાથી “ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર” કરવા મદદ મળશે.—૧ પીત. ૫:૬.

૧૬. યહોવાએ બતાવેલા પ્રેમ પર મનન કરવાથી કઈ રીતે મર્યાદામાં રહેવા મદદ મળે છે?

૧૬ મર્યાદામાં રહેવાની બીજી રીત છે કે, યહોવાએ બતાવેલા પ્રેમ પર મનન કરીએ. પ્રેરિત પાઊલે મંડળને શરીર સાથે સરખાવ્યું હતું. યહોવાએ દરેક અંગને મહત્ત્વ આપ્યું છે. (૧ કોરીં. ૧૨:૨૩, ૨૪) યહોવા માટે આપણે દરેક જણ મહત્ત્વના છીએ. તે બીજાઓ જોડે આપણી સરખામણી કરતા નથી, તેમજ આપણે ભૂલ કરીએ ત્યારે પ્રેમ બતાવવાનું છોડતા નથી. યહોવાનો અપાર પ્રેમ જોઈને શું તમારા દિલને ઠંડક મળતી નથી?

૧૭. બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપવાથી કેવું પરિણામ આવશે?

૧૭ બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. પોતાની મર્યાદાઓને વધુ સારી રીતે પારખવાની એ ત્રીજી રીત છે. બીજાઓનું ધ્યાન હંમેશાં પોતાની તરફ ન ખેંચીએ. બીજાઓને સલાહ-સૂચનો આપતા ન રહીએ. એના બદલે, બીજાઓ પાસેથી સલાહ લઈએ અને તેઓના વિચારો જાણવા આતુર રહીએ. (નીતિ. ૧૩:૧૦) આપણાં ભાઈ-બહેનોને કોઈ ખાસ સોંપણી મળે ત્યારે, ખુશ થઈએ. યહોવાનો આભાર માનીએ કે, તે આપણને દરેકને તેમની સેવાનો મોકો આપે છે.—૧ પીત. ૫:૯.

૧૮. અંતઃકરણ કેળવવાથી મર્યાદામાં રહેવા કઈ રીતે મદદ મળશે?

૧૮ ચોથી રીત છે કે, પોતાના અંતઃકરણને કેળવવા બાઇબલ સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ. એ સિદ્ધાંતો આપણને યહોવાની લાગણી અને વિચારો જાણવા મદદ કરે છે. આપણે બાબતોને યહોવાની નજરે જોતા શીખીએ છીએ ત્યારે, તેમને ખુશ કરે એવા નિર્ણયો લઈ શકીએ છીએ. આપણે અભ્યાસ, પ્રાર્થના અને શીખેલી વાતોને લાગુ પાડવાનું ચૂકીએ નહિ. એનાથી પોતાના અંતઃકરણને વધારે કેળવી શકીશું. (૧ તિમો. ૧:૫) તેમ જ, બીજાઓને વધુ માનપાત્ર ગણવા પ્રેરાઈશું. જો આપણે આ પ્રમાણે કરીશું, તો યહોવા આપણી “તાલીમ પૂરી કરશે” અને મર્યાદામાં રહેવાનું શીખવશે.—૧ પીત. ૫:૧૦.

૧૯. હંમેશાં મર્યાદા જાળવી રાખવા આપણને શું મદદ કરશે?

૧૯ યહુદાનો પેલો પ્રબોધક તમને યાદ છે, જેના વિશે આપણે શરૂઆતમાં જોઈ ગયા? તેણે હદ વટાવી માટે યહોવા સાથેની મિત્રતા અને જીવ ગુમાવ્યાં. પરંતુ, આપણે મુશ્કેલ સંજોગોમાં પણ પોતાની હદમાં રહેવાનું શીખી શકીએ છીએ. યહોવાના વફાદાર ભક્તોએ સાબિત કર્યું છે કે એમ કરવું શક્ય છે. યહોવાની સેવામાં વર્ષો વિતાવીએ તેમ, તેમના પર વધુ આધાર રાખીએ, જેથી મર્યાદા જાળવી શકીએ. (નીતિ. ૮:૧૩) આપણા સંજોગો ગમે તેવા હોય છતાં, આપણે યહોવા સાથે ચાલી શકીએ છીએ. આપણા માટે એ સૌથી મોટું સન્માન છે. તેથી, મર્યાદામાં રહેવા અને યહોવા સાથે ચાલતા રહેવા બનતું બધું જ કરીએ.

a મીખાહ ૬:૮ (NW): ‘હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને જણાવ્યું છે. અને યહોવા તારી પાસે બસ આટલું જ ચાહે છે કે, તું ન્યાયથી વર્ત, વફાદારીને પકડી રાખ અને મર્યાદામાં રહીને તારા ઈશ્વરની સાથે ચાલ.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો