વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ફેબ્રુઆરી પાન ૨૯-પાન ૩૦ ફકરો ૭
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • કસોટીઓનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ફેબ્રુઆરી પાન ૨૯-પાન ૩૦ ફકરો ૭

વાચકો તરફથી પ્રશ્નો

પ્રેરિત પાઊલે લખ્યું હતું કે, તમે “સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે [યહોવા] તમારા પર આવવા દેશે નહિ.” (૧ કોરીં. ૧૦:૧૩) શું એનો એવો અર્થ થાય કે યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને ત્યાર બાદ નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે?

જો એ સાચું હોત, તો જરા વિચારો આપણા જીવન પર એની કેવી અસર પડી હોત. માની લો કે એક ભાઈનો દીકરો આપઘાત કરે છે. પિતા નિરાશામાં ડૂબી ગયા છે. પણ તે વિચારે છે: “યહોવાએ અમારું ભાવિ જોયું અને નક્કી કર્યું કે અમે આ કસોટી ખમી શકીશું. એટલે, તેમણે આ કસોટી આવવા દીધી છે.” જોકે, આ દુષ્ટ દુનિયામાં આપણે બધાએ કરુણ બનાવોનો સામનો કરવો પડે છે. તો શું આપણે એમ માની લેવું જોઈએ કે, આપણા જીવનના દરેક બનાવો પર યહોવા કાબૂ રાખે છે?

પહેલો કોરીંથીઓ ૧૦:૧૩ના વધુ અભ્યાસ પરથી આ તારણ કાઢી શકાય: બાઇબલ એ વિચારને ટેકો આપતું નથી કે, યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને પછી નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે. આપણે એમ શાને આધારે કહી શકીએ? ચાલો, ચાર કારણો પર વિચાર કરીએ.

પહેલું, યહોવાએ મનુષ્યોને પસંદગી કરવાની છૂટ આપી છે. યહોવા ચાહે છે કે, આપણે પોતાના નિર્ણયો જાતે લઈએ. (પુન. ૩૦:૧૯, ૨૦; યહો. ૨૪:૧૫) યહોવાને ખુશ કરતા નિર્ણયો લઈએ છીએ ત્યારે, ભરોસો રાખી શકીએ કે તે આપણને માર્ગદર્શન પૂરું પાડશે. (નીતિ. ૧૬:૯) પરંતુ, ખરાબ નિર્ણય લઈશું તો, એનાં પરિણામ પણ ભોગવવાં પડશે. (ગલા. ૬:૭) આપણા પર આવતી કસોટીઓ જો યહોવા પસંદ કરતા હોય, તો શું કહી શકાય કે આપણી પાસે પસંદગી કરવાની છૂટ છે?

બીજું, યહોવા દરેક અણધારી ઘટનાથી આપણને બચાવતા નથી. (સભા. ૯:૧૧) કોઈ વ્યક્તિ ખોટા સમયે ખોટી જગ્યાએ હોવાથી કદાચ કરુણ અકસ્માતનો ભોગ બને. ઈસુએ એક અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુરજ પડી જવાથી ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમણે સ્પષ્ટ કર્યું કે, એની પાછળ યહોવાનો હાથ ન હતો. (લુક ૧૩:૧-૫) એવું માનવું વાજબી નહિ કહેવાય કે, દરેક અકસ્માત પહેલાં યહોવા નક્કી કરે છે કે, કોણ બચશે અને કોણ મરશે.

ત્રીજું, આપણે દરેકે યહોવા પ્રત્યેની વફાદારી સાબિત કરવાની છે. શેતાને યહોવાના ભક્તોની વફાદારી પર સવાલ ઉઠાવ્યો છે. તેણે દાવો કર્યો છે કે, સતાવણીમાં આપણે યહોવાને વફાદાર નહિ રહીએ. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪; પ્રકટી. ૧૨:૧૦) આનો વિચાર કરો: જો યહોવા અગાઉથી જોઈ લે કે કઈ સતાવણી આપણે ખમી નહિ શકીએ અને એનાથી બચાવી લે, તો શું શેતાનનો દાવો સાચો સાબિત નહિ થાય?

ચોથું, દરેકના જીવનમાં શું બનશે એ યહોવા અગાઉથી જોતા નથી. એમાં કોઈ શંકા નથી કે, યહોવા ચાહે તો આપણું ભવિષ્ય જોઈ શકે છે. (યશા. ૪૬:૧૦) પરંતુ, બાઇબલ જણાવે છે કે, તે એમ કરતા નથી. (ઉત. ૧૮:૨૦, ૨૧; ૨૨:૧૨) યહોવા પ્રેમાળ અને ન્યાયી છે. પસંદગી કરવાની આપણી છૂટમાં તે દખલગીરી કરતા નથી.—પુન. ૩૨:૪; ૨ કોરીં. ૩:૧૭.

પાઊલે કહ્યું હતું: “તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે [યહોવા] તમારા પર આવવા દેશે નહિ.” એ શબ્દો જણાવે છે કે, કસોટી પહેલાં નહિ, પણ કસોટી વખતે યહોવા શું કરે છે. જો યહોવા પર ભરોસો રાખીશું, તો તે આપણને ગમે એવી કસોટીમાંથી પાર ઊતરવા મદદ કરશે. (ગીત. ૫૫:૨૨) પાઊલ એમ શાને આધારે કહી શક્યા? ચાલો બે કારણો તપાસીએ.

પહેલું કારણ, આપણે જેવી કસોટીઓનો સામનો કરીએ છીએ, “એવી બધા મનુષ્યો પર પણ આવે છે.” જ્યાં સુધી શેતાનની દુનિયા ચાલશે, ત્યાં સુધી આપણા બધા પર મુશ્કેલ સંજોગો આવશે, અમુક વાર કરુણ બનાવો પણ બનશે. પણ જો યહોવા પર આધાર રાખીશું, તો કસોટીમાં ટકી શકીશું અને વફાદાર રહી શકીશું. (૧ પીત. ૫:૮, ૯) પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૦માં પાઊલે ઇઝરાયેલીઓએ સહન કરેલી અમુક કસોટીઓ વિશે વાત કરી છે. (૧ કોરીં. ૧૦:૧૩, ૬-૧૧) જેઓએ યહોવા પર આધાર રાખ્યો, તેઓ કસોટીમાં પણ યહોવાને વળગી રહ્યા. પણ અમુક ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓએ યહોવા પર આધાર ન રાખ્યો, એટલે વફાદારી જાળવી ન શક્યા.

બીજું કારણ, “ઈશ્વર ભરોસાપાત્ર છે.” એનો શો અર્થ થાય? યહોવાના સેવકોના ઇતિહાસ પર નજર કરો. યહોવાએ હંમેશાં તેઓની કાળજી લીધી છે. તેમની “આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે” તે વફાદાર રહે છે અને મદદ કરે છે. (પુન. ૭:૯) તેમણે આપેલાં વચનો તે હંમેશાં પૂરાં કરે છે. (યહો. ૨૩:૧૪) આપણે ખાતરી રાખી શકીએ કે, (૧) યહોવા એટલી આકરી કસોટી આપણા પર નહિ આવવા દે કે, આપણે વફાદાર ન રહી શકીએ; અને (૨) કસોટી આવે ત્યારે, “એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે.”

એક બહેન બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે અને બે વડીલોને મળે છે

યહોવા “બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે”

યહોવા કઈ રીતે કસોટીમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે? યહોવા આપણી કસોટીઓ હટાવી શકે છે. પણ યાદ કરો, પાઊલે કહ્યું હતું કે, કસોટીઓમાંથી “બહાર નીકળવાનો માર્ગ પણ તે બતાવશે અને તમે સહન કરી શકો એ માટે મદદ કરશે.” યહોવા આપણને હિંમત આપીને જાણે માર્ગ બતાવે છે, જેથી આપણે તેમને વફાદાર રહી શકીએ. યહોવા કઈ રીતે એમ કરે છે? ચાલો અમુક રીતો જોઈએ.

  • યહોવા “બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” (૨ કોરીં. ૧:૩, ૪) બાઇબલ, પવિત્ર શક્તિ તથા વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા તે આપણા દિલને શાંતિ અને રાહત આપે છે.—માથ. ૨૪:૪૫; યોહા. ૧૪:૧૬, ફૂટનોટ; રોમ. ૧૫:૪.

  • યહોવા પવિત્ર શક્તિ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. (યોહા. ૧૪:૨૬) પવિત્ર શક્તિ આપણને બાઇબલના અહેવાલો અને સિદ્ધાંતો યાદ અપાવે છે, જેથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ.

  • યહોવા દૂતો દ્વારા આપણને મદદ કરે છે.—હિબ્રૂ. ૧:૧૪.

  • યહોવા ભાઈ-બહેનો દ્વારા પણ આપણને સહાય કરે છે. શબ્દો અને કાર્યો દ્વારા તેઓ આપણને ઉત્તેજન આપે છે.—કોલો. ૪:૧૧, ફૂટનોટ.

પહેલો કોરીંથીઓ ૧૦:૧૩માં જણાવેલા પાઊલના શબ્દો પરથી આપણે શું શીખી શકીએ? યહોવા નક્કી નથી કરતા કે, આપણા પર કઈ કસોટીઓ આવે. પરંતુ, ખાતરી રાખી શકીએ કે, જો આપણે તેમના પર ભરોસો રાખીશું, તો કસોટી સહન કરી શકીશું. યહોવા આપણને કસોટીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે, જેથી તેમને વફાદાર રહી શકીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો