લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો?
“એ બનાવો એ માટે લખવામાં આવ્યા કે આપણને, એટલે કે જેઓ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે.”—૧ કોરીં. ૧૦:૧૧.
૧, ૨. યહુદાના ચાર રાજાઓના દાખલા પર આપણે શા માટે વિચાર કરવો જોઈએ?
કલ્પના કરો, તમે રસ્તા પરથી જઈ રહ્યા છો. રસ્તા પર થોડે દૂર એક વ્યક્તિને તમે લપસી પડતા જુઓ છો. એ જગ્યાએથી પસાર થતા શું તમે વધુ કાળજી નહિ રાખો? ચોક્કસ રાખશો. એવી જ રીતે, બીજાઓએ કરેલી ભૂલો તપાસીશું તો, એવી ભૂલો કરવાથી બચી શકીશું. બાઇબલમાં અમુક લોકોની ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.
૨ ગયા લેખમાં આપણે યહુદાના ચાર રાજાઓ વિશે જોઈ ગયા. તેઓએ સંપૂર્ણ હૃદયથી યહોવાની ભક્તિ કરી હતી. જોકે, ગંભીર ભૂલો પણ કરી હતી. એ દાખલા બાઇબલમાં નોંધી લેવામાં આવ્યા છે, જેથી આપણે એના પર મનન કરી શકીએ અને કીમતી બોધપાઠ લઈ શકીએ. તેઓ સાથે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ? એવી ભૂલો ટાળવા આપણે શું કરી શકીએ?—રોમનો ૧૫:૪ વાંચો.
માનવીય ડહાપણ આફત નોંતરે છે
૩-૫. (ક) આસાએ કઈ ભૂલ કરી હતી? (ખ) બાઅશાએ ઘેરો ઘાલ્યો ત્યારે, આસાએ શા માટે માણસો પર આધાર રાખ્યો હશે?
૩ રાજા આસાનો વિચાર કરો. દસ લાખ સૈનિકોથી બનેલું ઇથિયોપિયાનું સૈન્ય યહુદા પર ચઢી આવ્યું ત્યારે, તેમણે યહોવા પર આધાર રાખ્યો હતો. પણ ઇઝરાયેલના રાજા બાઅશા વિરુદ્ધ લડાઈ કરી ત્યારે, તેમણે યહોવા પર આધાર રાખ્યો નહિ. બાઅશાની ઇચ્છા રામાહ શહેરના કોટને વધુ મજબૂત કરવાની હતી, જે યહુદાની સરહદ નજીક આવેલું એક મહત્ત્વનું શહેર હતું. આસા એ કામને રોકવા ચાહતા હતા. (૨ કાળ. ૧૬:૧-૩) આસાએ વિચાર્યું કે, મદદ માટે અરામના (સિરિયાના) રાજાને લાંચ આપવી સારું રહેશે. સિરિયાના સૈન્યે ઇઝરાયેલના શહેરો પર હુમલો કર્યો ત્યારે, બાઅશા “રામાહ બાંધવાનું કામ પડતું મૂકીને” પાછો જતો રહ્યો. (૨ કાળ. ૧૬:૫) આસાને લાગ્યું હશે કે, તેમનો નિર્ણય એકદમ ખરો હતો.
૪ પણ, યહોવાને એ વિશે કેવું લાગ્યું? આસાએ યહોવા પર આધાર ન રાખ્યો, એટલે તે નાખુશ થયા. આસાને ઠપકો આપવા તેમણે હનાની પ્રબોધકને મોકલ્યા. (૨ કાળવૃત્તાંત ૧૬:૭-૯ વાંચો.) હનાનીએ આસાને કહ્યું: “હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.” આસાએ રામાહ શહેર પર કબજો તો મેળવ્યો, પરંતુ જીવનભર તેમણે અને તેમના લોકોએ ઘણાં યુદ્ધો લડવાં પડ્યાં.
૫ ગયા લેખમાં શીખી ગયા કે, યહોવા આસાથી ઘણા ખુશ હતા. આસા અપૂર્ણ હતા, પણ ઈશ્વરે જોયું કે આસા સંપૂર્ણ હૃદયથી તેમની ભક્તિ કરે છે. (૧ રાજા. ૧૫:૧૪) જોકે, આસાએ ખોટા નિર્ણયનાં પરિણામો ભોગવવાં પડ્યાં. તેમણે શા માટે યહોવાને બદલે પોતાના પર અને બીજા માણસો પર આધાર રાખ્યો? આસાએ કદાચ વિચાર્યું હશે કે, લશ્કરી વ્યૂહરચનાથી તે યુદ્ધ જીતી શકે છે. અથવા કદાચ તેમણે બીજાઓની ખોટી સલાહો ધ્યાનમાં લીધી હશે.
૬. આસાએ કરેલી ભૂલમાંથી આપણે શું શીખી શકીએ? દાખલો આપો.
૬ આસાએ કરેલી ભૂલમાંથી આપણે શું શીખી શકીએ? ગમે તેવા સંજોગો આવે યહોવા પર ભરોસો રાખીએ, પોતાની બુદ્ધિ પર નહિ. મુશ્કેલી નાની હોય કે મોટી, મદદ માટે યહોવા તરફ મીટ માંડીએ. આનો વિચાર કરો: મુશ્કેલીઓનો હલ લાવવા શું તમે કોઈક વાર પોતાની બુદ્ધિ પર આધાર રાખો છો? કે પછી, સૌથી પહેલા બાઇબલનું માર્ગદર્શન શોધીને એને લાગુ કરો છો? દાખલા તરીકે, જો કુટુંબીજનો તમને સભા કે સંમેલનમાં જતા રોકે, તો તમે શું કરશો? શું તમે યહોવા પાસે મદદ માંગશો કે પોતાની જાતે મામલાને હાથ ધરવાની કોશિશ કરશો? બીજા એક સંજોગનો વિચાર કરો: તમે બેરોજગાર છો અને નોકરી માટે આમતેમ રઝળપાટ કરો છો. છેવટે એક નોકરી તમારે હાથ લાગે છે. શું તમે માલિકને અગાઉથી જણાવશો કે, તમારા માટે દર અઠવાડિયે સભાઓમાં હાજર રહેવું જરૂરી છે? કે પછી નોકરી હાથમાંથી જતી રહેશે એ ડરથી તમે તડજોડ કરશો? ગમે એવી મુશ્કેલી હોય, ગીતકર્તાની આ સલાહ હંમેશાં યાદ રાખો: “તારા માર્ગો યહોવાને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.”—ગીત. ૩૭:૫.
ખોટી સંગતનાં ખરાબ પરિણામો
૭, ૮. યહોશાફાટે કઈ ભૂલો કરી અને એનું કેવું પરિણામ આવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ ચાલો, હવે આસાના દીકરા યહોશાફાટ વિશે જોઈએ. તેમનામાં ઘણા સારા ગુણો હતા, જેના લીધે યહોવા તેમના પર પ્રસન્ન હતા. તેમણે યહોવા પર આધાર રાખ્યો ત્યારે, તેમણે ઘણા સારાં કામ કર્યાં. પણ તેમણે અમુક ખરાબ નિર્ણયો લીધા. દાખલા તરીકે, તેમણે પોતાના દીકરાના લગ્ન દુષ્ટ રાજા આહાબની દીકરી જોડે કરાવ્યા. પછીથી, સિરિયા વિરુદ્ધની લડાઈમાં તેમણે આહાબને ટેકો આપ્યો. અરે, પ્રબોધક મીખાયાએ એમ ન કરવા ચેતવણી આપી હતી, છતાંય તેમણે એમ કર્યું. એ યુદ્ધમાં, સિરિયાના સૈન્યે યહોશાફાટ પર હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. (૨ કાળ. ૧૮:૧-૩૨) યરૂશાલેમ પાછા ફર્યા પછી યેહુ પ્રબોધકે તેમને પૂછ્યું: ‘શું તારે ભૂંડાને મદદ કરવી જોઈએ અને યહોવાના વેરીઓ પર પ્રીતિ કરવી જોઈએ?’—૨ કાળવૃત્તાંત ૧૯:૧-૩ વાંચો.
૮ શું યહોશાફાટે એ બનાવ પરથી અને પ્રબોધકની ચેતવણી પરથી બોધપાઠ લીધો? અફસોસ કે તેમણે એમ ન કર્યું. તે યહોવાને ચાહતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. પરંતુ, તેમણે ફરી એક વાર ખરાબ દોસ્તી પસંદ કરી. તેમણે આહાબના દીકરા રાજા અહાઝ્યા સાથે હાથ મિલાવ્યો, જે યહોવાનો ભક્ત ન હતો. યહોશાફાટ અને અહાઝ્યાએ ભેગા મળીને વહાણો બનાવ્યાં. પરંતુ, તેઓ એને વાપરે એ પહેલાં જ એ પડી ભાંગ્યાં.—૨ કાળ. ૨૦:૩૫-૩૭.
૯. ખોટી સંગતનું કેવું પરિણામ આવી શકે?
૯ યહોશાફાટ જોડે જે બન્યું એ પરથી આપણે શું શીખી શકીએ? તેમણે જે ખરું હતું એ કર્યું અને “પોતાના ખરા અંતઃકરણથી યહોવાની શોધ” કરી. (૨ કાળ. ૨૨:૯) છતાં, તેમણે એવા લોકો જોડે મિત્રતા કરી જેઓ યહોવાને પ્રેમ કરતા ન હતા. પરિણામે, તેમના જીવનમાં ગંભીર મુસીબતો આવી. એક પ્રસંગે તે મરતાં મરતાં બચ્યા. બાઇબલની આ સલાહ યાદ કરો: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિ. ૧૩:૨૦) ખરું કે, આપણે બીજાઓને યહોવા વિશે જણાવવા ચાહીએ છીએ. પણ, યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકો સાથે ગાઢ મિત્રતા ખતરારૂપ બની શકે છે.
૧૦. (ક) જો તમે લગ્ન કરવાનું વિચારતા હો, તો યહોશાફાટના દાખલામાંથી કયો બોધપાઠ લઈ શકો? (ખ) આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૦ જો તમે લગ્ન કરવાનું વિચારતા હો, તો યહોશાફાટના દાખલામાંથી કયો બોધપાઠ લઈ શકો? કદાચ તમારું દિલ એવી કોઈ વ્યક્તિ પર આવી ગયું છે, જે યહોવાને પ્રેમ નથી કરતી. તમને લાગે કે, યહોવાના લોકોમાં ક્યારેય યોગ્ય સાથી નહિ મળે. અથવા કદાચ સગાં-સંબંધીઓ તમારી ઉંમર વીતી જાય એ પહેલાં પરણી જવા દબાણ કરે છે. ખરું કે, પ્રેમ કરવાની અને પ્રેમ મેળવવાની લાગણી યહોવાએ આપણામાં મૂકી છે. પણ, જો યોગ્ય સાથી ન મળે, તો શું? યહોશાફાટના દાખલા પર મનન કરવાથી તમને મદદ મળશે. મોટા ભાગના કિસ્સામાં તેમણે યહોવાનું માર્ગદર્શન લીધું હતું. (૨ કાળ. ૧૮:૪-૬) પરંતુ, દુષ્ટ રાજા આહાબ સામે દોસ્તીનો હાથ લંબાવ્યા પછી, તેમણે યહોવાના માર્ગદર્શનની અવગણના કરી. તેમણે યાદ રાખવું જોઈતું હતું કે, “યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળ. ૧૬:૯) આપણે પણ યાદ રાખવું જોઈએ કે, યહોવા આપણને મદદ કરવા ચાહે છે. તે આપણા સંજોગો અને લાગણીઓ સમજે છે. તે આપણને પ્રેમ કરે છે. શું તમને પૂરો વિશ્વાસ છે કે, યોગ્ય લગ્નસાથી માટેનું તમારું અરમાન યહોવા જાણે છે? ખાતરી રાખો, યોગ્ય સમયે યહોવા તમારું એ અરમાન ચોક્કસ પૂરું કરશે.
યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકોની સંગત ટાળો (ફકરો ૧૦ જુઓ)
હૃદયને ઘમંડી ન બનવા દો
૧૧, ૧૨. (ક) કઈ રીતે હિઝકિયાનું વલણ દેખાઈ આવ્યું? (ખ) યહોવાએ શા માટે હિઝકિયાને માફ કર્યા?
૧૧ હિઝકિયાના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ? હિઝકિયા પોતાના દિલમાં ડોકિયું કરી શકે માટે યહોવાએ તેમને મદદ કરી. (૨ કાળવૃત્તાંત ૩૨:૩૧ વાંચો.) તે ગંભીર બીમારીમાં સપડાયા ત્યારે યહોવાએ તેમને કહ્યું કે તે સાજા થશે. તેમને ખાતરી કરાવવા યહોવાએ એક નિશાની આપી. એ નિશાની પ્રમાણે છાંયડો દસ ડગલાં પાછળ ગયો. એવું લાગે છે કે, પછીથી બાબેલોનના રાજાઓને એ નિશાની વિશે વધારે જાણવાની રુચિ જાગી. વધુ માહિતી મેળવવા તેઓએ હિઝકિયા પાસે માણસો મોકલ્યા. (૨ રાજા. ૨૦:૮-૧૩; ૨ કાળ. ૩૨:૨૪) યહોવાએ હિઝકિયાને જણાવ્યું ન હતું કે એ માણસો સાથે કેવી રીતે વર્તવું. પણ બાઇબલ જણાવે છે કે, હિઝકિયાના ‘અંતઃકરણમાં જે કંઈ હતું તે સઘળું જાણવામાં આવે માટે ઈશ્વરે તેમને સ્વતંત્ર મૂક્યા.’ તેમણે એ માણસોને પોતાનો આખો મહેલ અને એના ભંડારમાં જે કંઈ હતું એ બધું બતાવ્યું. એનાથી તેમના દિલમાં જે હતું એ દેખાઈ આવ્યું.
૧૨ દુઃખની વાત છે કે, તેમનું દિલ ઘમંડથી ભરાઈ ગયું હતું. તેમણે પોતાના પર થયેલા “ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહિ.” બાઇબલ જણાવતું નથી કે તેમનું વલણ શા માટે બદલાઈ ગયું હતું. આશ્શૂરીઓ પર મળેલી મોટી જીત અથવા માંદગીમાંથી સાજાપણું કદાચ તેમના ઘમંડનું કારણ હતું. અથવા કદાચ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિને લીધે તે અહંકારી બની ગયા હતા. તેમણે સંપૂર્ણ હૃદયથી યહોવાની ભક્તિ કરી હતી, પણ અમુક સમય માટે તેમનામાં ઘમંડ આવી ગયું હતું. યહોવા એનાથી નાખુશ થયા. પણ પછીથી, હિઝકિયા “દીન બની” ગયા ત્યારે, ઈશ્વરે તેમને માફ કર્યા.—૨ કાળ. ૩૨:૨૫-૨૭; ગીત. ૧૩૮:૬.
૧૩, ૧૪. (ક) કેવા સંજોગોમાં દેખાઈ આવે છે કે આપણા દિલમાં શું છે? (ખ) બીજાઓ આપણી વાહવાહ કરે ત્યારે, આપણે કઈ રીતે વર્તવું જોઈએ?
૧૩ હિઝકિયાના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ? યહોવાની મદદથી હિઝકિયાએ આશ્શૂરીઓ પર જીત મેળવી અને માંદગીમાંથી સાજા થયા. થોડા જ વખતમાં, તે ઘમંડી બની ગયા. જો આપણું જીવન ખુશીઓથી ભરેલું હોય અથવા લોકો આપણી વાહવાહ કરે ત્યારે, આપણે કઈ રીતે વર્તવું જોઈએ? આપણાં વાણી-વર્તનથી દેખાઈ આવશે કે આપણા દિલમાં શું છે. દાખલા તરીકે, એક ભાઈ મોટા શ્રોતાગણ સામે પ્રવચન આપવા ઘણી મહેનત કરે છે. પ્રવચન પછી લોકો આવીને તેમની વાહવાહ કરે છે. એવા સમયે ભાઈએ કઈ રીતે વર્તવું જોઈએ?
૧૪ આપણે બધાએ ઈસુના આ શબ્દો હંમેશાં યાદ રાખવા જોઈએ: “તમને સોંપાયેલું બધું કામ પૂરું કરો ત્યારે કહો: ‘અમે નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’” (લુક ૧૭:૧૦) યાદ કરો, હિઝકિયા ઘમંડી બની ગયા ત્યારે, યહોવાએ કરેલા ઉપકારો તે ભૂલી ગયા. એવી જ રીતે, આપણી વાહવાહ થાય ત્યારે સાતમા આસમાને ન પહોંચી જઈએ. તો પછી, નમ્ર રહેવા આપણને ક્યાંથી મદદ મળશે? યહોવાએ આપણા માટે જે કર્યું છે એના પર મનન કરીએ. તેમણે જે મદદ કરી છે એ વિશે બીજાઓને જણાવીએ અને બધો મહિમા યહોવાને આપીએ. એમ પણ, યહોવાની પવિત્ર શક્તિ અને બાઇબલ વગર શું કોઈ પણ વ્યક્તિ અસરકારક પ્રવચનો આપી શકે? ક્યારેય નહિ.
નિર્ણયો લો ત્યારે યહોવાને ભૂલશો નહિ
૧૫, ૧૬. યોશિયાની કઈ ભૂલ તેમના મોતનું કારણ બની?
૧૫ ચાલો, હવે યોશિયા વિશે જોઈએ. તે એક સારા રાજા હતા. પણ, તેમની એક ભૂલ તેમના મોતનું કારણ બની. (૨ કાળવૃત્તાંત ૩૫:૨૦-૨૨ વાંચો.) ઇજિપ્તના રાજા નખો વિરુદ્ધ તેમણે કારણ વગર યુદ્ધ છેડ્યું. નખોએ તેમને કહ્યું હતું કે, તે યુદ્ધ કરવા માંગતો નથી. બાઇબલ જણાવે છે કે, નખોના શબ્દો “ઈશ્વરના મુખમાંથી આવેલા” હતા. પણ, યોશિયા નખો વિરુદ્ધ રણભૂમિમાં ઊતર્યા અને માર્યા ગયા. તે શા માટે યુદ્ધ કરવા ગયા હતા, એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી.
૧૬ યુદ્ધમાં જતા પહેલાં યોશિયાએ તપાસ કરવાની જરૂર હતી કે, નખોના શબ્દો યહોવા તરફથી હતા કે કેમ. તે પ્રબોધક યિર્મેયાને પૂછી શક્યા હોત. (૨ કાળ. ૩૫:૨૩, ૨૫) તેમણે નખોના ઇરાદા જાણવાની જરૂર હતી. હકીકતમાં નખો યરૂશાલેમ પર નહિ, પણ બીજા રાષ્ટ્ર સામે લડવા કાર્કમીશ જઈ રહ્યો હતો. વધુમાં, તેણે યહોવા કે તેમના લોકોનું અપમાન કર્યું ન હતું. રણભૂમિમાં ઊતરવાનો નિર્ણય લેતા પહેલાં યોશિયાએ આ બધી બાબતોનો વિચાર ન કર્યો. એમાંથી આપણને શો બોધપાઠ મળે છે? મુશ્કેલ સંજોગોમાં કોઈ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે યહોવા આપણી પાસે શું ચાહે છે.
૧૭. યોશિયા જેવી ભૂલ કરવાનું કઈ રીતે ટાળી શકીએ?
૧૭ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે, કયા બાઇબલ સિદ્ધાંતો મદદ કરી શકે અને એ કઈ રીતે લાગુ પાડી શકાય. આ સંજોગનો વિચાર કરો: એક બહેનના પતિ સત્યમાં નથી. બહેન એક દિવસે પ્રચારમાં જવાની યોજના બનાવે છે. (પ્રે.કા. ૪:૨૦) પરંતુ, તેનો પતિ ચાહે છે કે તે એ દિવસે પ્રચારમાં ન જાય, પણ તેની સાથે સમય વિતાવે. પતિને લાગે છે કે, ઘણા વખતથી તેઓએ સાથે સમય વિતાવ્યો નથી. એટલે, તે પત્ની જોડે બહાર જવા માંગે છે. યોગ્ય નિર્ણય લેવા, બહેન બાઇબલ કલમો તપાસે છે. તે જાણે છે કે, ઈશ્વરનું કહ્યું માનવું જોઈએ અને શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞા પાળવી જોઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૫:૨૯) જોકે, તે એ જાણે છે કે, પોતાના પતિને આધીન રહેવું અને સમજદારીથી વર્તવું પણ જરૂરી છે. (એફે. ૫:૨૨-૨૪; ફિલિ. ૪:૫) શું તેનો પતિ તેને પ્રચારમાં જતા રોકી રહ્યો છે, કે પછી ફક્ત પત્ની સાથે સમય વિતાવવા ચાહે છે? ઈશ્વરભક્તો તરીકે આપણે એવા નિર્ણયો લેવા ચાહીએ છીએ, જે વાજબી હોય તેમજ યહોવાને ખુશ કરતા હોય. અમુક કિસ્સામાં, આપણે સાહિત્યમાંથી સંશોધન કરી શકીએ અથવા કોઈ વડીલની સલાહ લઈ શકીએ. તે કદાચ આપણું ધ્યાન બીજા બાઇબલ સિદ્ધાંતો તરફ દોરે. આમ, આપણે ભૂલ કરવાનું ટાળી શકીશું.
સંપૂર્ણ હૃદય રાખો અને સુખી રહો
૧૮. યહુદાના ચાર રાજાઓના દાખલા પર મનન કરવાથી આપણે શું શીખી શકીએ?
૧૮ યહુદાના ચાર રાજાઓની જેમ કદાચ આપણે પણ ભૂલ કરી બેસીએ. જેમ કે, (૧) પોતાની બુદ્ધિ પર આધાર રાખવા લાગીએ, (૨) ખોટા મિત્રોની પસંદગી કરી બેસીએ, (૩) ઘમંડી બની જઈએ અથવા (૪) ઈશ્વરની ઇચ્છા જાણ્યા વગર નિર્ણયો લઈ લઈએ. તેમ છતાં, એવું ન વિચારવું જોઈએ કે આપણે ક્યારેય યહોવાને ખુશ કરી શકતા નથી. યહોવાએ એ ચાર રાજાઓનાં સારાં કામ પર ધ્યાન આપ્યું. એવી જ રીતે, તે આપણામાં પણ જે સારું છે એ જુએ છે. તે એ પણ જુએ છે કે, આપણે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પૂરા દિલથી તેમની ભક્તિ કરવા માંગીએ છીએ. તેમણે બાઇબલમાં અમુક અહેવાલો લખાવ્યા છે, જેથી આપણે ગંભીર ભૂલો ટાળી શકીએ. ચાલો, એ અહેવાલો પર મનન કરીએ અને એ લખાવવા માટે યહોવાનો આભાર માનીએ!