વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ઑગસ્ટ પાન ૩-૭
  • શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ધીરજ ધરવામાં શું સમાયેલું છે?
  • તેઓએ ધીરજ રાખી
  • ધીરજ ધરવા ક્યાંથી મદદ મળી શકે?
  • ધીરજ બતાવતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • યહોવા અને ઈસુની ધીરજમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • શું તમે યહોવાની રાહ જોવા તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મોડું તું કરશે નહિ!
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ઑગસ્ટ પાન ૩-૭
બાઇબલ સમયનું દૃશ્ય, એક ખેડૂત ખેતર પર નજર કરે છે

શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?

“તમે પણ ધીરજ રાખો.”—યાકૂ. ૫:૮.

ગીતો: ૩૫, ૧૩૯

જવાબમાં તમે શું કહેશો?

  • ધીરજ એટલે શું?

  • બાઇબલ સમયના ભક્તોને ધીરજથી રાહ જોવા ક્યાંથી મદદ મળી?

  • કઈ રીતે યહોવા અને ઈસુએ બતાવ્યું છે કે તેઓ રાહ જોવા તૈયાર છે?

૧, ૨. (ક) કેવા સંજોગોમાં આપણે પોકારી ઊઠીએ છીએ: “ક્યાં સુધી?” (ખ) વફાદાર ભક્તોના દાખલામાંથી આપણને શા માટે ઉત્તેજન મળી શકે?

“ક્યાં સુધી?” એ સવાલ વફાદાર પ્રબોધક યશાયા અને હબાક્કૂકે પૂછ્યો હતો. (યશા. ૬:૧૧; હબા. ૧:૨) રાજા દાઊદે ગીતશાસ્ત્રના ૧૩મા ગીતમાં ચાર વખત એ સવાલ પૂછ્યો હતો. (ગીત. ૧૩:૧, ૨) શ્રદ્ધા વગરના લોકોથી ઘેરાયેલા હતા ત્યારે, ઈસુએ પણ એ જ સવાલ પૂછ્યો હતો. (માથ. ૧૭:૧૭) સંજોગોને લીધે કદાચ આપણે પણ એ જ સવાલ પૂછતા હોઈશું.

૨ પરંતુ, કેવા સંજોગોમાં આપણે પોકારી ઊઠીએ છીએ: “ક્યાં સુધી?” આપણી સાથે અન્યાય થાય ત્યારે. અથવા કદાચ બીમારી કે વૃદ્ધાવસ્થાને લીધે. કદાચ તણાવ અને ચિંતાને લીધે, કારણ કે આપણે ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, જે “સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) બની શકે કે, આપણી આસપાસના લોકોના ખરાબ વલણથી નિરાશ થઈને પોકારી ઊઠીએ: “ક્યાં સુધી?” ગમે એ કારણ હોય, પણ એ જાણીને ઉત્તેજન મળે છે કે પોતાના વફાદાર ભક્તોને એ સવાલ પૂછવા બદલ યહોવાએ તેઓને ધમકાવ્યા ન હતા.

૩. મુશ્કેલ સંજોગોમાં આપણને શું મદદ કરી શકે?

૩ સંજોગો સહેવા મુશ્કેલ બની જાય ત્યારે, આપણને શું મદદ કરી શકે? ઈસુના સાવકા ભાઈ યાકૂબને આમ લખવા પ્રેરણા મળી હતી: “એ માટે ભાઈઓ, આપણા પ્રભુની હાજરીનો સમય આવે ત્યાં સુધી ધીરજ રાખો.” (યાકૂ. ૫:૭) તેથી, આપણે બધાએ ધીરજ ધરવાની જરૂર છે. પરંતુ, ધીરજ ધરવામાં શું સમાયેલું છે? આ સુંદર ગુણ આપણે કઈ રીતે બતાવી શકીએ?

ધીરજ ધરવામાં શું સમાયેલું છે?

૪, ૫. (ક) ધીરજ ધરવામાં શું સમાયેલું છે? (ખ) યાકૂબે કઈ રીતે ધીરજનો ગુણ સમજાવ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૪ બાઇબલ જણાવે છે કે ધીરજનો ગુણ ઈશ્વરની પવિત્ર શક્તિથી મળે છે. ઈશ્વરની મદદ વગર, અપૂર્ણ માનવીઓ માટે વિકટ સંજોગોમાં ધીરજ રાખવી અશક્ય છે. ધીરજનો ગુણ ઈશ્વર તરફથી એક ભેટ છે. ધીરજ ધરીને આપણે યહોવા અને લોકો માટે પ્રેમ બતાવીએ છીએ. પણ, અધીરા બનીએ છીએ ત્યારે, આપણો પ્રેમ નબળો પડી જાય છે. (૧ કોરીં. ૧૩:૪; ગલા. ૫:૨૨) ધીરજ ધરવામાં શું સમાયેલું છે? એમાં મુશ્કેલ સંજોગો સહેવાની સાથે સાથે સારું વલણ બતાવવાનો પણ સમાવેશ થાય છે. (કોલો. ૧:૧૧; યાકૂ. ૧:૩, ૪) ધીરજનો ગુણ આપણને મુશ્કેલીઓ છતાં યહોવાને વફાદાર રહેવા મદદ કરે છે. તેમ જ, અન્યાયનો બદલો અન્યાયથી વાળતા રોકે છે. બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે ખુશી ખુશી ધીરજ ધરવી જોઈએ. યાકૂબ ૫:૭, ૮માંથી એ મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. (વાંચો.)

૫ યહોવા પગલાં ભરે ત્યાં સુધી રાહ જોવી શા માટે ખૂબ જરૂરી છે? શિષ્ય યાકૂબે આપણા સંજોગોને એક ખેડૂતના સંજોગો સાથે સરખાવ્યા. ખેડૂત બીજ રોપવા ઘણી મહેનત કરે છે. પરંતુ, ફસલ જલદી પાકે કે મોસમ સારી રહે એ માટે, તે કંઈ કરી શકતો નથી. તે જાણે છે કે ઉતાવળે આંબા ન પાકે. એટલે, તે “ધરતીના અનમોલ પાકની રાહ જુએ છે.” એવી જ રીતે, યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈએ ત્યારે, ઘણી બાબતો આપણા કાબૂ બહાર હોય છે. (માર્ક ૧૩:૩૨, ૩૩; પ્રે.કા. ૧:૭) ખેડૂતની જેમ આપણે ધીરજ ધરવાની જરૂર છે.

૬. પ્રબોધક મીખાહના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?

૬ આપણી જેમ પ્રબોધક મીખાહે પણ મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. તેમના સમયમાં રાજા આહાઝનું રાજ ચાલતું હતું. તે દુષ્ટ રાજા હતો અને પરિણામે આખો દેશ ભ્રષ્ટાચારમાં ડૂબેલો હતો. પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ હતી. બાઇબલ જણાવે છે કે ‘ભૂંડું કરવા માટે એ લોકોના બંને હાથ ચપળ’ બની ગયા હતા. (મીખાહ ૭:૧-૩ વાંચો.) મીખાહ જાણતા હતા કે પરિસ્થિતિ સુધારવી તેમના હાથ બહારની વાત છે. તેમણે શું કર્યું? તેમણે કહ્યું: “હું તો યહોવા તરફ જોઈ રહીશ; હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ; મારો ઈશ્વર મારું સાંભળશે.” (મીખા. ૭:૭) મીખાહની જેમ આપણે પણ “વાટ” જોવાની જરૂર છે.

૭. યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈએ તેમ, શું ધ્યાન રાખવાની જરૂર છે?

૭ જો આપણી શ્રદ્ધા મીખાહ જેવી હશે, તો ખુશી ખુશી રાહ જોવા તૈયાર રહીશું. આપણા સંજોગ એ કેદી જેવા નથી, જે ફાંસીના દિવસની રાહ જોઈને જેલમાં દિવસો કાઢે છે. રાહ જોવી તેની મજબૂરી છે, એમાં તેને જરાય ખુશી મળતી નથી. પરંતુ, આપણે તો યહોવા પગલાં ભરે ત્યાં સુધી રાહ જોવા તૈયાર રહીએ છીએ. કારણ કે, આપણે જાણીને છીએ કે યોગ્ય સમયે તે આપણને હંમેશ માટેનું જીવન આપશે! તેથી, આપણે “ધીરજ અને આનંદથી બધું સહન” કરીએ છીએ. (કોલો. ૧:૧૧, ૧૨) ધીરજથી સહન કરતી વખતે ફરિયાદ ન કરીએ કે યહોવા મોડું કરી રહ્યા છે. જો મનમાં શંકાના બી વાવીશું, તો યહોવા આપણાથી ખુશ નહિ થાય.—કોલો. ૩:૧૨.

તેઓએ ધીરજ રાખી

૮. અગાઉના વફાદાર ભક્તોના દાખલામાંથી શું શીખવા મળે છે?

૮ ખુશી ખુશી રાહ જોવા આપણને શું મદદ કરશે? અગાઉના વફાદાર ભક્તોએ યહોવાનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી ધીરજથી રાહ જોઈ. (રોમ. ૧૫:૪) તેઓના દાખલા પર મનન કરો: તેઓએ કેટલો સમય રાહ જોઈ, શા માટે રાહ જોઈ અને તેઓને કેવાં આશીર્વાદ મળ્યા.

ઇસ્હાક, રિબકાહ અને પોતાના પ્રપૌત્ર એસાવ અને યાકૂબ સાથે ઇબ્રાહીમ

ઈબ્રાહીમે ઘણાં વર્ષો રાહ જોઈ પછી તેમના પૌત્રો એસાવ અને યાકૂબ જન્મ્યા (ફકરા ૯, ૧૦ જુઓ)

૯, ૧૦. ઈબ્રાહીમ અને સારાહે કેટલો સમય રાહ જોવાની હતી?

૯ ચાલો, ઈબ્રાહીમ અને સારાહનો દાખલો જોઈએ. “શ્રદ્ધા અને ધીરજ” રાખવાને લીધે તેઓ “વચનોના વારસ” બન્યા. બાઇબલ જણાવે છે કે “ઈબ્રાહીમે ધીરજ રાખી” એટલે યહોવાએ તેમને એક અદ્‍ભુત વચન આપ્યું. એ મુજબ યહોવા તેમને આશીર્વાદ આપશે અને તેમના વંશજને એક મોટી પ્રજા બનાવશે. (હિબ્રૂ. ૬:૧૨, ૧૫) ઈસવીસન પૂર્વે ૧૯૪૩માં નીસાન ૧૪મીએ ઈબ્રાહીમ, સારાહ અને તેમના ઘરના લોકોએ ફ્રાત નદી પાર કરીને વચનના દેશમાં પગ મૂક્યો હતો. આમ, એ વચન પૂરું થવાની શરૂઆત થઈ. જોકે, ઈબ્રાહીમે હજી ઘણી ધીરજ રાખવાની હતી. કારણ કે એ વચનની પરિપૂર્ણતા ઘણાં વર્ષો પછી થવાની હતી. ઈબ્રાહીમે ૨૫ વર્ષ રાહ જોઈ પછી તેમને દીકરો ઈસ્હાક થયો. ત્યાર બાદ, બીજાં ૬૦ વર્ષ રાહ જોયા પછી તેમના પૌત્રો એસાવ અને યાકૂબ જન્મ્યા. ઈબ્રાહીમે ખરેખર ધીરજ બતાવી!—હિબ્રૂ. ૧૧:૯.

૧૦ વચનના દેશમાં ઈબ્રાહીમને વારસામાં કેટલી જમીન મળી? બાઇબલ જણાવે છે કે, “ઈશ્વરે તેમને એમાં કોઈ વારસો આપ્યો નહિ. ના, પગ મૂકવા જેટલી જગ્યા પણ નહિ; પરંતુ, ઈશ્વરે તેમને વચન આપ્યું કે આ દેશ તેમને અને તેમના વંશજને વારસા તરીકે આપશે. એ સમયે તો તેમને કોઈ બાળક પણ ન હતું.” (પ્રે.કા. ૭:૫) યહોવાનું વચન પૂરું થવામાં હજી ઘણો સમય બાકી હતો. ઈબ્રાહીમે ફ્રાત નદી પાર કરી, એના આશરે ૪૩૦ વર્ષ પછી તેમના વંશજો એક પ્રજા બન્યા. વર્ષો પછી, એ પ્રજાએ વચનના દેશનો વારસો મેળવ્યો.—નિર્ગ. ૧૨:૪૦-૪૨; ગલા. ૩:૧૭.

૧૧. શા માટે ઈબ્રાહીમ યહોવાની રાહ જોવા તૈયાર હતા અને ધીરજ ધરવાનું તેમને કેવું ફળ મળશે?

૧૧ ભલે ઈબ્રાહીમ જીવતે જીવ બધાં વચનો પૂરાં થતાં ન જોઈ શક્યા, પણ તે રાહ જોવા તૈયાર હતા. તેમને ખાતરી હતી કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. તેમને યહોવામાં પૂરી શ્રદ્ધા હતી. (હિબ્રૂઓ ૧૧:૮-૧૨ વાંચો.) જરા કલ્પના કરો, ઈબ્રાહીમ સજીવન થશે ત્યારે તેમને કેટલો આનંદ થશે! તેમને જાણીને નવાઈ લાગશે કે તેમની અને તેમના કુટુંબની જીવન સફર વિશે બાઇબલમાં અનેક વાર લખવામાં આવ્યું છે.a મસીહ વિશે વચન આપીને યહોવા પોતાનો હેતુ પાર પાડવાના હતા. એ હેતુમાં ઈબ્રાહીમની મુખ્ય ભૂમિકા હતી. એ જાણીને ઈબ્રાહીમની ખુશીનો પાર નહિ રહે. આપણને ચોક્કસ ખાતરી છે કે, એ સમયે ઈબ્રાહીમ ધીરજનાં મીઠાં ફળનો અનુભવ કરશે.

૧૨, ૧૩. યુસફે શા માટે ધીરજ ધરવાની જરૂર હતી અને તેમણે કેવું વલણ બતાવ્યું?

૧૨ ઈબ્રાહીમના પ્રપૌત્ર યુસફ પણ ધીરજ ધરવા તૈયાર હતા. તેમની સાથે ઘોર અન્યાય થયો હતો. તે ૧૭ વર્ષના હતા ત્યારે, તેમના ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. પછીથી, તેમના માલિકની પત્નીએ તેમના પર બળાત્કારનો જૂઠો આરોપ મૂક્યો, જેના લીધે તેમણે જેલમાં જવું પડ્યું. (ઉત. ૩૯:૧૧-૨૦; ગીત. ૧૦૫:૧૭, ૧૮) યુસફ યહોવાને વફાદાર હતા, છતાં આશીર્વાદને બદલે જાણે તેમને શાપ મળ્યો. પરંતુ, ૧૩ વર્ષ પછી તેમનું જીવન બદલાઈ ગયું. યુસફને જેલમાંથી છોડવામાં આવ્યા અને ઇજિપ્તમાં રાજા પછીની પદવી તેમને આપવામાં આવી.—ઉત. ૪૧:૧૪, ૩૭-૪૩; પ્રે.કા. ૭:૯, ૧૦.

૧૩ શું એવા અન્યાયોને લીધે યુસફનું મન ખાટું થઈ ગયું? શું તેમને એવું લાગ્યું કે યહોવાએ તેમને તરછોડી દીધા છે? ના, જરાય નહિ. યુસફે ધીરજથી યહોવાની રાહ જોઈ, કારણ કે તેમને યહોવામાં પૂરી શ્રદ્ધા હતી. તે જાણતા હતા કે સંજોગો યહોવાના કાબૂ બહાર નથી. તેમણે પોતાના ભાઈઓને જે કહ્યું, એમાં તેમનો ભરોસો જોઈ શકાય છે: “બીહો મા; કેમ કે શું હું ઈશ્વરને ઠેકાણે છું? તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું; પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું, કે જેમ આજે થયું છે તેમ, તે ઘણા લોકના જાન બચાવે.” (ઉત. ૫૦:૧૯, ૨૦) યુસફ જાણતા હતા કે જો તે ધીરજ ધરશે, તો યહોવાનો આશીર્વાદ મેળવશે.

૧૪, ૧૫. (ક) દાઊદની ધીરજ શા માટે વખાણવા જેવી છે? (ખ) ધીરજથી રાહ જોવામાં દાઊદને શાનાથી મદદ મળી?

૧૪ રાજા દાઊદનો વિચાર કરો. તે પણ ઘોર અન્યાયનો ભોગ બન્યા હતા. તે યુવાન હતા ત્યારે યહોવાએ તેમને ઇઝરાયેલના રાજા નીમ્યા. પરંતુ, પોતાના કુળના લોકો પર રાજ કરવા માટે પણ તેમણે ૧૫ વર્ષ રાહ જોવી પડી. (૨ શમૂ. ૨:૩, ૪) એ દરમિયાન મોટાભાગે તેમણે રાજા શાઊલથી છુપાઈને નાસવું પડ્યું હતું, કારણ કે શાઊલ તેમને મારી નાંખવા માંગતો હતો.b દાઊદે પરદેશમાં અને ગુફાઓમાં ભટકવું પડ્યું. સમય જતાં, શાઊલ યુદ્ધમાં માર્યો ગયો. એ પછી પણ દાઊદે આખા ઈઝરાયેલના રાજા બનવા માટે બીજા સાત વર્ષ રાહ જોવી પડી.—૨ શમૂ. ૫:૪, ૫.

૧૫ દાઊદે ચાર વખત ગીતમાં સવાલ કર્યો હતો: “ક્યાં સુધી?” એ જ ગીતમાં તેમણે ધીરજ ધરવાનું કારણ જણાવ્યું હતું: “પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે.” (ગીત. ૧૩:૫, ૬) દાઊદ જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમને ક્યારેય તજશે નહિ. યહોવાએ અગાઉ તેમને જે મદદ કરી હતી, એના પર તેમણે મનન કર્યું. અને એ સમયની રાહ જોઈ જ્યારે યહોવા તેમની કસોટીઓનો અંત લાવશે. દાઊદ જાણતા હતા કે રાહ જોવાથી તેમને યહોવાના આશીર્વાદો મળશે.

યહોવા ક્યારેય આપણને એવું કંઈ કરવાનું નથી કહેતા, જે તે પોતે ન કરતા હોય

૧૬, ૧૭. રાહ જોવામાં યહોવા અને ઈસુએ કઈ રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે?

૧૬ યહોવા ક્યારેય આપણને એવું કંઈ કરવાનું નથી કહેતા, જે તે પોતે ન કરતા હોય. રાહ જોવામાં સૌથી સારો દાખલો તેમણે બેસાડ્યો છે. (૨ પીતર ૩:૯ વાંચો.) હજારો વર્ષો અગાઉ એદન બાગમાં શેતાને યહોવા પર અન્યાયી હોવાનો આરોપ મૂક્યો હતો. યહોવા એ સમયની ધીરજથી રાહ જુએ છે, જ્યારે તેમના નામને પૂરેપૂરી રીતે પવિત્ર મનાવવામાં આવશે. પરિણામે, ‘જેઓ તેમની વાટ જુએ છે’ તેઓ સર્વ અદ્‍ભુત આશીર્વાદોનો આનંદ માણશે.—યશા. ૩૦:૧૮.

૧૭ ઈસુ પણ રાહ જોવા તૈયાર હતા. પૃથ્વી પર મરણપર્યંત તે યહોવાને વફાદાર રહ્યા. સાલ ૩૩માં તે સ્વર્ગમાં ગયા પછી, તેમણે પોતાના બલિદાનની કિંમત યહોવાને ચૂકવી. પરંતુ, રાજા બનવા માટે તેમણે ૧૯૧૪ સુધી રાહ જોવાની હતી. (પ્રે.કા. ૨:૩૩-૩૫; હિબ્રૂ. ૧૦:૧૨, ૧૩) વધુમાં, તેમના હજાર વર્ષના રાજ માટે અને એના અંતે દુશ્મનોના વિનાશ માટે પણ તેમણે રાહ જોવાની છે. (૧ કોરીં. ૧૫:૨૫) કેટલી લાંબી ધીરજ! છતાં, રાહ જોવાને લીધે તેમને ભરપૂર આશીર્વાદો મળ્યા છે અને મળતા રહેશે.

ધીરજ ધરવા ક્યાંથી મદદ મળી શકે?

૧૮, ૧૯. ધીરજથી રાહ જોવામાં શું મદદ કરશે?

૧૮ યહોવા ચાહે છે કે આપણે ધીરજ રાખીએ, ખુશીથી રાહ જોઈએ. એમ કરવા શું મદદ કરશે? પ્રાર્થના. ઈશ્વરની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરવી જરૂરી છે. યાદ રાખો, ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી આપણે ધીરજનો ગુણ કેળવી શકીએ છીએ. (એફે. ૩:૧૬; ૬:૧૮; ૧ થેસ્સા. ૫:૧૭-૧૯) ધીરજથી સહન કરી શકો માટે યહોવાને આજીજી કરો.

૧૯ એ પણ યાદ રાખો કે ઈબ્રાહીમ, યુસફ અને દાઊદે યહોવાનાં વચનો પર પૂરો ભરોસો હતો. તેઓએ ધીરજથી રાહ જોઈ. તેઓને શેનાથી મદદ મળી? યહોવામાં શ્રદ્ધા અને ભરોસો રાખવાથી. તેઓએ પોતાની ઇચ્છાઓ કરતાં યહોવાની ઇચ્છાને મહત્ત્વની ગણી. તેઓએ જાતે અનુભવ્યું કે ધીરજના ફળ મીઠાં છે. તેઓને જે આશીર્વાદો મળ્યા, એ પર મનન કરવાથી આપણને પણ રાહ જોવા ઉત્તેજન મળશે.

૨૦. આપણે કયો દૃઢ નિર્ણય કરવો જોઈએ?

૨૦ કસોટીઓ સહેવી મુશ્કેલ લાગે શકે. પણ ચાલો વાટ જોઈએ, યહોવાની ‘વાટ જોઈએ.’ અમુક વાર આપણે કદાચ પોકારી ઊઠીએ: ‘હે યહોવા, ક્યાં સુધી?’ (યશા. ૬:૧૧) પણ પવિત્ર શક્તિની મદદથી આપણે પ્રબોધક યિર્મેયાની જેમ કહી શકીએ છીએ: “યહોવા મારો હિસ્સો છે” અને હું “શાંતિથી તેના આવવાની વાટ” જોઈશ.—યિ.વિ. ૩:૨૪, ૨૬.

a ઈબ્રાહીમના જીવન વિશે ઉત્પત્તિના પુસ્તકમાં ૧૫ જેટલા અધ્યાયોમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ૭૦થી વધુ વખત ઈબ્રાહીમનો ઉલ્લેખ થયો છે.

b શાઊલના રાજના બે વર્ષ પછી, થોડા જ સમયમાં યહોવાએ તેને નકારી કાઢ્યો હતો. છતાં, શાઊલે બીજા ૩૮ વર્ષ રાજ કર્યું; તે મરણપર્યંત રાજા રહ્યો.—૧ શમૂ. ૧૩:૧; પ્રે.કા. ૧૩:૨૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો