વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp18 નં. ૨ પાન ૧૪-૧૫
  • ભવિષ્ય તમારું, પસંદગી તમારી!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભવિષ્ય તમારું, પસંદગી તમારી!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરો
  • તેમની વાણી સાંભળો
  • તેમને વળગી રહો
  • પસંદગી તમારી છે
  • જીવતા રહેવા જીવન પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવાહે આપણને પસંદગી આપી છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • તમે કેવું ભવિષ્ય પસંદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
wp18 નં. ૨ પાન ૧૪-૧૫
રસ્તાના બે ફાંટા

ભવિષ્ય તમારું, પસંદગી તમારી!

તમારું ભવિષ્ય કેવું હશે એની પસંદગી શું ખરેખર તમારા હાથમાં છે? ઘણાંને લાગે છે કે તેઓનું જીવન નસીબના હાથમાં છે, તેઓના નિર્ણયો કે પસંદગીઓથી કોઈ ફરક પડતો નથી. પોતાના અમુક ધ્યેયો પૂરા ન થાય ત્યારે તેઓ એમ કહી પોતાના હાથ ખંખેરી નાખે છે કે, “નસીબ આગળ કોનું જોર ચાલે?” “નસીબમાં જે લખેલું હતું એ જ થયું!”

બીજા અમુક, આ જુલમી અને દુષ્ટ જગતમાં કોઈ છુટકારો નજરે ન પડતા ગૂંચવણ અને નિરાશાના વમળમાં ધસતા જાય છે. એવું નથી કે તેઓ પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન નથી કરતા. પણ યુદ્ધો, ગુનાઓ, કુદરતી આફતો અને બીમારીને લીધે તેઓની મહેનત અને યોજનાઓ પર પાણી ફરી વળવાથી તેઓને થાય છે, “મેં નકામી મહેનત કરી! એનો કોઈ ફાયદો નથી.”

ખરું કે, આપણી યોજનાઓ પર સમય અને સંજોગોની અસર પડી શકે છે. (સભાશિક્ષક ૯:૧૧) પણ જો વાત સારા ભાવિની હોય, તો તમને જાણીને નવાઈ લાગશે કે એ વિશેની પસંદગી તમારા પોતાના હાથમાં છે. બાઇબલ જણાવે છે કે તમારું ભવિષ્ય તમારી પસંદગી પર આધાર રાખે છે. ચાલો જોઈએ, એ શું કહે છે.

ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને દેશ આપવાનું વચન આપ્યું હતું. મુસાની આગેવાની હેઠળ ઇઝરાયેલ પ્રજા એ દેશમાં પ્રવેશવાની હતી, એ સમયે મુસાએ કહ્યું: ‘મેં આજે તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કરો, કે તમે તથા તમારાં સંતાન જીવતાં રહે: યહોવા તમારા ઈશ્વર પર પ્રીતિ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું પસંદ કરો.’—પુનર્નિયમ ૩૦: ૧૫, ૧૯, ૨૦.

“મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર.”—પુનર્નિયમ ૩૦:૧૯

હા, ઇઝરાયેલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને ઈશ્વરે તેઓ સામે વચનના દેશમાં એક સ્વતંત્ર અને સુખી જીવનની તક મૂકી હતી. પણ એવું જીવન તેઓને કંઈ આપોઆપ મળી જવાનું નહોતું. એ આશીર્વાદ મેળવવા તેઓએ ‘જીવન પસંદ કરવાનું’ હતું. કઈ રીતે? ‘ઈશ્વર પર પ્રીતિ રાખીને, તેમની વાણી સાંભળીને, ને તેમને વળગી રહીને.’

આજે તમારી સામે પણ એવી જ પસંદગી છે. તમે જેવી પસંદગી કરશો એવું તમારું ભવિષ્ય હશે. ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળીને પાળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરીને તમે ખરેખર તો જીવન જ પસંદ કરો છો. હા, સુંદર બગીચા જેવી ધરતી પર હંમેશાંનું જીવન! પણ એવા જીવનનો આશીર્વાદ મેળવવા કેવાં પગલાં ભરવાં પડશે?

ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરો

પ્રેમ, એ ઈશ્વર યહોવાનો મુખ્ય ગુણ છે. ઈશ્વરની પ્રેરણાથી તેમના ભક્ત યોહાને લખ્યું: “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) ઈસુને સૌથી મોટી આજ્ઞા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું: “તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર.” (માથ્થી ૨૨:૩૭) યહોવા સાથે અતૂટ સંબંધ બાંધવા ડર કે આંધળી શ્રદ્ધા નહિ, પણ પ્રેમ બહુ જરૂરી છે. જોકે, આપણે તેમને પ્રેમ કરવાનું કેમ પસંદ કરવું જોઈએ?

માણસજાત માટે યહોવાનો પ્રેમ એવો જ છે, જેવો માબાપને બાળકો માટે હોય છે. અપૂર્ણ માનવી હોવા છતાં પ્રેમાળ માબાપ તેઓનાં બાળકોને શીખવે છે. ઉપરાંત ઉત્તેજન, મદદ અને શિસ્ત આપે છે, કેમ કે તેઓ બાળકોને ખુશ અને સફળ જોવા માંગે છે. બદલામાં માબાપ શું ચાહે છે? બાળકો તેઓને પ્રેમ કરે અને પોતાના ભલા માટે માબાપે આપેલાં સલાહ-સૂચનો પાળે. તો પછી, આપણા ઈશ્વરપિતા જે સંપૂર્ણ છે, તેમણે તો આપણા માટે ઘણું બધું કર્યું છે. તો શું તે અપેક્ષા ન રાખે કે, આપણે એ બધા માટે તેમની પ્રેમથી કદર કરીએ?

તેમની વાણી સાંભળો

બાઇબલની મૂળ ભાષામાં “સાંભળ” માટેના શબ્દનો અર્થ મોટાભાગે “આજ્ઞા પાળવી” એમ થતો હોય છે. ઘણી વખત આપણે બાળકોને કહીએ છીએ કે, “માબાપનું સાંભળો.” પણ, આપણા કહેવાનો અર્થ હોય છે કે માબાપની આજ્ઞા પાળો. એવી જ રીતે, ઈશ્વરની વાણી સાંભળવી એટલે, તે જે કહે છે એ શીખવું અને પાળવું. ઈશ્વર આપણી સાથે સીધેસીધા વાત કરતા નથી, પણ બાઇબલ દ્વારા વાત કરે છે. બાઇબલમાં આપેલાં તેમનાં વચનો-આજ્ઞાઓ વાંચીને, એને જીવનમાં લાગુ કરીને આપણે તેમની વાણી સાંભળીએ છીએ.—૧ યોહાન ૫:૩.

ઈશ્વરની વાણી સાંભળવાનું મહત્ત્વ જણાવતા ઈસુએ કહ્યું: “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે.” (માથ્થી ૪:૪) ખોરાક આપણા માટે જરૂરી છે. ઈશ્વરનું જ્ઞાન એનાથીયે વધારે જરૂરી છે. કેમ? રાજા સુલેમાને સમજાવ્યું: “જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૨) ઈશ્વર પાસેથી મળતાં જ્ઞાન અને ડહાપણ આજે આપણું રક્ષણ કરી શકે છે. તેમ જ, એવા ડહાપણભર્યા નિર્ણયો લેવા મદદ કરી શકે છે, જે ભવિષ્યમાં મળનાર હંમેશના જીવન તરફ લઈ જાય છે.

તેમને વળગી રહો

અગાઉના લેખમાં આપણે ઈસુએ આપેલા એક દૃષ્ટાંતની ચર્ચા કરી હતી, એ યાદ કરો. તેમણે કહ્યું હતું: “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે વિનાશમાં લઈ જતો દરવાજો પહોળો છે અને એનો રસ્તો સરળ છે અને ઘણા એ રસ્તે જાય છે; જ્યારે કે જીવનમાં લઈ જતો દરવાજો સાંકડો છે અને એનો રસ્તો મુશ્કેલ છે અને બહુ થોડા લોકોને એ મળે છે.” (માથ્થી ૭:૧૩, ૧૪) આવા રસ્તા પર મુસાફરી કરતી વખતે જો કોઈ અનુભવી અને કાબેલ માર્ગદર્શક આપણી સાથે હોય તો કેવું સારું! તેમની સાથે ને સાથે રહીને અને તેમના કહ્યા પ્રમાણે ચાલીને આપણને મંજિલ સુધી, એટલે કે હંમેશ માટેના જીવન સુધી પહોંચવામાં ચોક્કસ મદદ મળશે. આમ, યહોવા ઈશ્વરને વળગી રહેવા આપણી પાસે સારું કારણ છે. (ગીતશાસ્ત્ર ૧૬:૮) હવે, આપણને થાય કે, યહોવાને વળગી રહેવા શું કરવું પડે?

રોજબરોજના જીવનમાં આપણે ઘણાં કામ કરવા પડે છે અને બીજાં કેટલાંક એવાં છે જે આપણે કરવા માંગીએ છીએ. એ બધામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈ શકીએ કે યહોવા આપણી પાસે જે કરાવવા માંગે છે, એના વિશે વિચારવાનો પણ સમય ન રહે. તેથી બાઇબલ સલાહ આપે છે: “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો, કેમ કે દિવસો બહુ ખરાબ છે.” (એફેસીઓ ૫:૧૫, ૧૬) યહોવા સાથેના આપણા સંબંધને સૌથી વધારે મહત્ત્વ આપીને આપણે યહોવાને વળગી રહીએ છીએ.—માથ્થી ૬:૩૩.

પસંદગી તમારી છે

જે બની ગયું છે એને કોઈ બદલી શકતું નથી. હા, પણ તમે તમારા તેમજ તમારાં સ્નેહીજન માટે સુખી ભવિષ્ય મેળવવા જરૂર કંઈક કરી શકો. બાઇબલ જણાવે છે કે આપણા પિતા યહોવા ઈશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણે શું કરવું જોઈએ એ આપણને જણાવે છે. પ્રબોધક મીખાહના આ શબ્દો પર ધ્યાન આપો:

‘હે મનુષ્ય, સારું શું છે એ તેમણે તને બતાવ્યું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, અને તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માગે છે?’—મીખાહ ૬:૮.

શું તમે યહોવા સાથે ચાલવાનું તેમનું આમંત્રણ સ્વીકારશો? જો હા, તો યહોવા તેમની સાથે ચાલનારને આપે છે એવા અનંત આશીર્વાદો તમને પણ આપશે. પસંદગી તમારી છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો