વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 એપ્રિલ પાન ૨૦-૨૪
  • એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોને ઉત્તેજનની જરૂર પડે છે?
  • વડીલોએ ઉત્તેજન આપવા મહેનત કરવી જોઈએ
  • ઉત્તેજન આપવાનું કામ શું ફક્ત વડીલોનું છે?
  • ઉત્તેજન આપવાની અમુક રીતો
  • બીજાઓને ઉત્તેજન આપવા આપણે શું કરી શકીએ?
  • “એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • વડીલો—પાઉલના પગલે ચાલતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 એપ્રિલ પાન ૨૦-૨૪
વડીલ ભાઈને ઉત્તેજન આપે છે

એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ

“ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ . . . , એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.”—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

ગીતો: ૫૩, ૨૦

તમે કેવો જવાબ આપશો?

  • પાઊલે શા માટે એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરવા જણાવ્યું?

  • આજે કોને ઉત્તેજનની જરૂર પડે છે?

  • સાથી ભાઈ-બહેનોને કોણ ઉત્તેજન આપી શકે?

૧. પાઊલે શા માટે એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરવા જણાવ્યું?

પ્રથમ સદીમાં, પ્રેરિત પાઊલે હિબ્રૂ ખ્રિસ્તીઓને આ સલાહ આપી હતી: “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. જેમ તમારામાંના કેટલાક કરે છે, એમ ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ, એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.” (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) ભાઈ-બહેનો કદાચ વિચારતાં હશે કે, પાઊલે શા માટે એકબીજાને ઉત્તેજન આપવા વધારે પ્રયત્નો કરવા જણાવ્યું. પરંતુ, પાંચ વર્ષની અંદર તેઓને એનું એક કારણ સમજાયું. એ સમયે, તેઓ જોઈ શક્યાં કે યરૂશાલેમ માટે યહોવાનો ન્યાયનો દિવસ નજીક છે. તેઓને સમજાઈ ગયું કે, ઈસુએ કહ્યું હતું તેમ તેઓએ શહેરમાંથી નાસી જવાનું હતું. (પ્રે.કા. ૨:૧૯, ૨૦; લુક ૨૧:૨૦-૨૨) ૭૦ની સાલમાં રોમનોએ યરૂશાલેમનો વિનાશ કર્યો, એ યહોવાનો ન્યાયચુકાદો હતો.

૨. એકબીજાને ઉત્તેજન આપવા વિશે શા માટે આજે વધારે ધ્યાન આપવું જોઈએ?

૨ આજે આપણે પણ એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. યહોવાનો “મોટો તથા મહા ભયંકર” દિવસ ઘણો નજીક છે. (યોએ. ૨:૧૧) સફાન્યા પ્રબોધકના આ શબ્દો આપણા સમયને પણ લાગુ પડે છે: “યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” (સફા. ૧:૧૪) એટલે, “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનું ધ્યાન રાખીએ.” (હિબ્રૂ. ૧૦:૨૪, ફૂટનોટ) ચાલો આપણે ભાઈ-બહેનોમાં દિલથી રસ લઈએ, જેથી જરૂર પડે ત્યારે તેઓને ઉત્તેજન આપી શકીએ.

કોને ઉત્તેજનની જરૂર પડે છે?

૩. ઉત્તેજન આપવા વિશે પ્રેરિત પાઊલે શું જણાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૩ “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિ. ૧૨:૨૫) જીવનમાં ડગલે ને પગલે આપણને બધાને ઉત્તેજનની જરૂર પડે છે. પાઊલે જણાવ્યું કે જેઓ બીજાઓને ઉત્તેજન આપવાની જવાબદારી નિભાવે છે, તેઓને પણ ઉત્તેજનની જરૂર પડે છે. રોમનાં ભાઈ-બહેનોને તેમણે લખ્યું: “હું તમને જોવા માટે તલપી રહ્યો છું, જેથી ઈશ્વર સાથેનો તમારો સંબંધ દૃઢ કરવા અમુક વાતો જણાવી શકું; અથવા એકબીજાની શ્રદ્ધાથી, તમારી અને મારી શ્રદ્ધાથી આપણને અરસપરસ ઉત્તેજન મળે.” (રોમ. ૧:૧૧, ૧૨) આમ જોઈ શકાય કે, પ્રેરિત પાઊલને પણ અમુક વાર ઉત્તેજનની જરૂર પડી હતી.—રોમનો ૧૫:૩૦-૩૨ વાંચો.

૪, ૫. આજે આપણે કોને ઉત્તેજન આપી શકીએ અને શા માટે?

૪ આજે આપણે યહોવાના પૂરા સમયના સેવકોને ઉત્તેજન આપી શકીએ છીએ, જેમ કે વફાદાર પાયોનિયરોને. એમાંના અમુકે પાયોનિયર સેવા કરવા માટે પોતાને ગમતી બાબતો જતી કરી છે. મિશનરીઓ, બેથેલમાં કામ કરતાં ભાઈ-બહેનો, સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓ તેમજ ભાષાંતર કેન્દ્રોમાં સેવા આપતાં ભાઈ-બહેનોએ પણ એવું જ કર્યું છે. તેઓએ યહોવાની સેવામાં વધારે કરવા ઘણી બાબતો જતી કરી છે. એટલે, આપણે તેઓને ઉત્તેજન આપવું જોઈએ. બીજાં કેટલાંકને ઇચ્છા તો છે, પણ અમુક સંજોગોને લીધે તેઓએ પૂરા સમયની સેવા છોડવી પડી છે. તેઓને ઉત્તેજન આપવામાં આવે છે ત્યારે, તેઓ એની દિલથી કદર કરે છે.

૫ બીજા કોને ઉત્તેજનની જરૂર છે? યહોવાની આજ્ઞા છે કે “ફક્ત પ્રભુમાં” લગ્‍ન કરવા જોઈએ. એ આજ્ઞા પાળવા માટે કુંવારાં રહેનાર ભાઈ-બહેનોને આપણે ઉત્તેજન આપી શકીએ. (૧ કોરીં. ૭:૩૯) એવી રીતે, પતિ જ્યારે મહેનતુ પત્નીના વખાણ કરે છે, ત્યારે તેને ઘણું ઉત્તેજન મળે છે. (નીતિ. ૩૧:૨૮, ૩૧) સતાવણી સહી રહેલાં અને બીમારીનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનોને પણ ઉત્તેજનની જરૂર પડે છે. (૨ થેસ્સા. ૧:૩-૫) એ બધા વફાદાર ભક્તોને યહોવા અને ઈસુ દિલાસો આપે છે.—૨ થેસ્સાલોનિકીઓ ૨:૧૬, ૧૭ વાંચો.

વડીલોએ ઉત્તેજન આપવા મહેનત કરવી જોઈએ

૬. યશાયા ૩૨:૧, ૨માં જણાવ્યા પ્રમાણે વડીલોની કઈ ભૂમિકા છે?

૬ યશાયા ૩૨:૧, ૨ વાંચો. આપણે કપરા સમયમાં જીવી રહ્યા હોવાથી સહેલાઈથી નિરાશ અને હતાશ થઈ જઈએ છીએ. અભિષિક્ત ભાઈઓ અને બીજાં ઘેટાંના વફાદાર “સરદારો” દ્વારા ઈસુ ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે. મંડળના વડીલો આપણી શ્રદ્ધાના “માલિકો” નથી, પણ આપણી “સાથે કામ કરનારા” છે. આપણે ખુશ અને વફાદાર રહીએ, એ માટે તેઓ આપણને મદદ કરવા ચાહે છે.—૨ કોરીં. ૧:૨૪.

૭, ૮. વડીલો શબ્દો અને કાર્યોથી કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપી શકે?

૭ વડીલો પ્રેરિત પાઊલનું અનુકરણ કરી શકે છે. પાઊલ હંમેશાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાની કોશિશ કરતા હતા. તેમણે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને લખ્યું: “અમને તમારા માટે કોમળ લાગણી હોવાથી તમને ઈશ્વરની ખુશખબર જ નહિ, અમારો જીવ પણ આપવા તૈયાર હતા, કેમ કે તમે અમને ઘણા પ્રિય થયા છો.”—૧ થેસ્સા. ૨:૮.

૮ વડીલો શબ્દો દ્વારા ઉત્તેજન આપી શકે છે. પરંતુ શું એટલું પૂરતું છે? પાઊલે એફેસસના વડીલોને કહ્યું હતું કે, “મહેનત કરીને લાચાર લોકોને મદદ કરવી જોઈએ. પ્રભુ ઈસુએ પોતે કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’” (પ્રે.કા. ૨૦:૩૫) ભાઈ-બહેનો માટે પાઊલ ‘બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરા ખર્ચાઈ જવા તૈયાર હતા.’ તેમણે પોતાનાં કાર્યોથી બતાવી આપ્યું કે ભાઈ-બહેનો માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા. (૨ કોરીં. ૧૨:૧૫) એવી જ રીતે, વડીલોએ ઉત્તેજન અને દિલાસો આપવા ફક્ત શબ્દોથી જ નહિ, કાર્યોથી પણ બતાવી આપવું જોઈએ. એનાથી દેખાઈ આવશે કે તેઓ ખરેખર આપણી કાળજી રાખે છે.—૧ કોરીં. ૧૪:૩.

૯. વડીલો કઈ રીતે ઉત્તેજનભરી સલાહ આપી શકે?

૯ ભાઈ-બહેનોને હિંમત આપવા અમુક વાર વડીલોએ સલાહ આપવી પડે છે. ઉત્તેજનભરી સલાહ આપવાનું વડીલો ક્યાંથી શીખી શકે? બાઇબલમાંથી. સલાહ આપવામાં ઈસુએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. સજીવન થયા પછી, તેમણે એશિયા માઈનોરનાં મંડળોને સંદેશો મોકલ્યો હતો. એફેસસ, પેર્ગામમ અને થુવાતિરાનાં મંડળોને તે કડક સલાહ આપવા માંગતા હતા. પરંતુ, સલાહ આપતા પહેલાં તેમણે એ ભાઈ-બહેનોનાં સારાં કામની પ્રશંસા કરી હતી. (પ્રકટી. ૨:૧-૫, ૧૨, ૧૩, ૧૮, ૧૯) લાવદિકિયાના મંડળને ઈસુએ કહ્યું હતું: “જે સર્વને હું પ્રેમ કરું છું તેઓને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી, ઉત્સાહી થા અને પસ્તાવો કર.” (પ્રકટી. ૩:૧૯) સલાહ આપવામાં વડીલો ઈસુને પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે.

ઉત્તેજન આપવાનું કામ શું ફક્ત વડીલોનું છે?

પિતા દીકરીને એકલા બેઠેલા ભાઈને મળવા જવાનું ઉત્તેજન આપે છે

માબાપો, શું તમે બાળકોને બીજાઓને ઉત્તેજન આપવાની તાલીમ આપો છો? (ફકરો ૧૦ જુઓ)

૧૦. આપણે બધા એકબીજાને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૦ ઉત્તેજન આપવાની જવાબદારી ફક્ત વડીલોની જ નથી. પાઊલે બધા ઈશ્વરભક્તોને કહ્યું કે, ‘જરૂર હોય એમ ઉત્તેજન આપતી સારી વાત જ તમારા મોંમાંથી નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય.’ (એફે. ૪:૨૯) બીજાઓને મદદ કરવા શું કરી શકીએ, એ વિશે આપણે દરેકે વિચારવું જોઈએ. પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને લખ્યું: “ઢીલા પડેલા હાથ અને કમજોર ઘૂંટણોને મજબૂત કરો. તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરતા રહો, જેથી નબળું અંગ સાંધામાંથી ખસી ન જાય, પણ સાજું થાય.” (હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩) ભલે આપણે નાના હોય કે મોટા, આપણે બધા એકબીજાને દૃઢ કરી શકીએ અને ઉત્તેજન આપી શકીએ છીએ.

૧૧. માર્થા ઉદાસ હતાં ત્યારે તેમને ક્યાંથી મદદ મળી?

૧૧ ચાલો માર્થા નામનાં બહેનનો દાખલો જોઈએ. તે થોડા સમય માટે ઉદાસ થઈ ગયાં હતાં.a તેમણે લખ્યું: ‘એક દિવસે ઉત્તેજન માટે હું પ્રાર્થના કરતી હતી ત્યારે, એક વૃદ્ધ બહેને મારા માટે લાગણી બતાવી. એ સમયે મને એની જ જરૂર હતી. તેમણે મને જણાવ્યું કે મારા જેવી જ કસોટીનો તેમણે સામનો કર્યો હતો. એ સાંભળીને મને લાગ્યું કે હું એકલી નથી.’ એ વૃદ્ધ બહેનને કદાચ ખબર પણ નહિ હોય કે તેમનાં શબ્દોથી માર્થાને કેટલી મદદ મળી હતી.

૧૨, ૧૩. ફિલિપી ૨:૧-૪માં આપેલી સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?

૧૨ પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને લખ્યું હતું: “તો પછી, જો ખ્રિસ્તમાં કોઈ ઉત્તેજન હોય, પ્રેમથી કોઈ દિલાસો હોય, એકબીજા માટે કોઈ લાગણી હોય, કોઈ કરુણા અને દયા હોય, તો મારો આનંદ ભરપૂર કરવા એક મનના થાઓ, એકસરખો પ્રેમ બતાવો, પૂરી રીતે એકતામાં રહો અને એક વિચારના થાઓ. અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો. તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.”—ફિલિ. ૨:૧-૪.

૧૩ ફક્ત જરૂર પડે ત્યારે જ નહિ, પણ હંમેશાં બીજાઓને મદદ કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા આપણે ‘પ્રેમથી દિલાસો’ આપી શકીએ, ‘એકબીજા માટે લાગણી’ બતાવી શકીએ તેમજ “કરુણા અને દયા” રાખી શકીએ.

ઉત્તેજન આપવાની અમુક રીતો

૧૪. ઉત્તેજન આપવાની એક રીત કઈ છે?

૧૪ અગાઉ આપણે ઘણા લોકોને મદદ કરી હશે. તેઓને વફાદારીથી યહોવાના માર્ગમાં ચાલતા જોઈને આપણને ઘણી ખુશી થાય છે. પ્રેરિત યોહાને લખ્યું હતું: “મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી શું હોય!” (૩ યોહા. ૪) ઘણા પાયોનિયરોને એ જાણીને ખુશી થાય છે કે તેઓના વિદ્યાર્થીઓ વર્ષો પછી પણ વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યા છે, કેટલાક તો પાયોનિયર બન્યા છે. એટલે, પાયોનિયરો નિરાશ થાય ત્યારે, આપણે યાદ અપાવી શકીએ કે તેઓએ બીજાઓને મદદ કરવા ઘણું કર્યું છે.

૧૫. વફાદારીથી સેવા કરી રહેલાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા આપણે શું કરી શકીએ?

૧૫ કેટલાંક સરકીટ નિરીક્ષક અને તેઓની પત્નીને મંડળની મુલાકાત પછી ઉત્તેજન મળ્યું છે. અમુક ભાઈ-બહેનો પત્ર કે કાર્ડથી તેઓનો આભાર માને છે ત્યારે, તેઓને ઘણી ખુશી થાય છે. વડીલો, મિશનરીઓ, પાયોનિયરો, બેથેલનાં ભાઈ-બહેનો માટે પણ એમ કરવું જોઈએ. વફાદારીથી સેવા કરી રહેલાં આ ભાઈ-બહેનોનો આભાર માનીએ છીએ ત્યારે, તેઓને ઘણું ઉત્તેજન મળી શકે છે.

બીજાઓને ઉત્તેજન આપવા આપણે શું કરી શકીએ?

૧૬. કઈ બાબતો કરવાથી બીજાઓને ઉત્તેજન મળી શકે?

૧૬ કેટલીક વાર બીજાઓ વિશે તમને કેવું લાગે છે, એ જણાવવું અઘરું લાગી શકે. યાદ રાખો કે, બીજાઓને ઉત્તેજન આપવું એટલું અઘરું નથી. તમે કદાચ સ્મિત આપી શકો. જો તેઓ સામે સ્મિત ન આપે, તો બની શકે કે કોઈ મુશ્કેલી છે. એ વિશે તેઓ દિલ ઠાલવે ત્યારે, ફક્ત ધ્યાનથી સાંભળશો તોપણ તેઓને દિલાસો મળશે.—યાકૂ. ૧:૧૯.

૧૭. એક યુવાન ભાઈને શાનાથી ઉત્તેજન મળ્યું?

૧૭ હેન્રી નામનો યુવાન ઘણો નિરાશ થઈ ગયો હતો. કારણ કે, તેના કુટુંબીજનોએ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું હતું. અરે, તેના પિતા તો એક સમયે વડીલ હતા. એક સરકીટ નિરીક્ષકના ધ્યાનમાં આવ્યું કે હેન્રી ઉદાસ થઈ ગયો છે. તે હેન્રીને કૉફી પીવા લઈ ગયા. પછી તેમણે હેન્રીની વાત ધ્યાનથી સાંભળી. વાતચીત પછી, હેન્રીને સમજાયું કે કુટુંબીજનો સત્યમાં પાછા ફરે એ માટે તેણે વફાદારી જાળવી રાખવી પડશે. ગીતશાસ્ત્ર ૪૬, સફાન્યા ૩:૧૭ અને માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચવાથી પણ તેને ઘણો દિલાસો મળ્યો હતો.

યુવાન બહેન વૃદ્ધ બહેન સાથે સેવાકાર્યમાં જાય છે; એક યુવાન ભાઈ વૃદ્ધ ભાઈની સામે દરરોજનું શાસ્ત્રવચન વાંચે છે

આપણે એકબીજાને હિંમત અને ઉત્તેજન આપી શકીએ (ફકરો ૧૮ જુઓ)

૧૮. (ક) ઉત્તેજન આપવા વિશે રાજા સુલેમાને શું લખ્યું? (ખ) ઉત્તેજન આપવા વિશે પ્રેરિત પાઊલે કયું સૂચન આપ્યું?

૧૮ માર્થા અને હેન્રીના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? એ જ કે, આપણા ભાઈ કે બહેનને જરૂર હોય ત્યારે, આપણામાંથી કોઈ પણ ઉત્તેજન અને દિલાસો આપી શકે છે. રાજા સુલેમાને લખ્યું: ‘વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે! આંખોના અજવાળાથી અંતઃકરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને તાજગી આપે છે.’ (નીતિ. ૧૫:૨૩, ૩૦) શું તમે એવી કોઈ વ્યક્તિને ઓળખો છો, જે ઉદાસ કે નિરાશ થઈ ગઈ છે? શું તમે તેઓને ચોકીબુરજમાંથી કે આપણી વેબસાઈટ પરથી કોઈ લેખ વાંચીને સંભળાવી શકો? વધુમાં, પાઊલે શીખવ્યું હતું તેમ સાથે મળીને રાજ્યગીતો ગાવાથી પણ મન હળવું થઈ જાય છે. તેમણે લખ્યું હતું: “ગીતો, ઈશ્વરની સ્તુતિ અને આભાર સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો અને ઉત્તેજન આપતા રહો. તમારા દિલોમાં યહોવા માટે ગાતા રહો.”—કોલો. ૩:૧૬; પ્રે.કા. ૧૬:૨૫.

૧૯. શા માટે ઉત્તેજન આપવું વધારે જરૂરી છે અને એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૯ જેમ જેમ યહોવાનો દિવસ નજીક આવતો જાય છે, તેમ તેમ વધારે જરૂરી છે કે આપણે એકબીજાને ઉત્તેજન આપતા રહીએ. (હિબ્રૂ. ૧૦:૨૫) પાઊલે આપેલી આ સલાહ પાળીશું તો આપણે ખુશી મેળવીશું: “એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૧.

a નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો