વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૮/૧૫ પાન ૧૮-૨૨
  • એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • “એકબીજાનો વિચાર કરીએ”
  • ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપો’
  • “એકબીજાને ઉત્તેજન આપીએ”
  • જીવનના માર્ગે ચાલતા રહેવા એકબીજાને ઉત્તેજન આપો
  • એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સારાં કામ કરવાં એકબીજાનો ઉત્સાહ વધારીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • “એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • “યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૮/૧૫ પાન ૧૮-૨૨

એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો

“પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.”—હિબ્રૂ ૧૦:૨૪.

તમે કેવો જવાબ આપશો?

  • “એકબીજાનો વિચાર કરીએ” એનો અર્થ શું થાય?

  • ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપવાનો’ અર્થ શું થાય?

  • આપણે એકબીજાને ઉત્તેજન આપવા શું કરી શકીએ?

૧, ૨. બીજા વિશ્વયુદ્ધના અંતે મરણ કૂચમાં ટકી રહેવા યહોવાના ૨૩૦ સાક્ષીઓને શામાંથી મદદ મળી?

બીજા વિશ્વયુદ્ધના અંતે નાઝી રાજ ભાંગી પડ્યું. એ સમયે જુલમી છાવણીમાં હતા, એવા હજારો લોકોનું નામનિશાન મિટાવી દેવાનો હુકમ આપવામાં આવ્યો હતો. સક્સેનહુસેન છાવણીના કેદીઓને દરિયાનાં બંદરોએ લઈ જઈને વહાણોમાં ભરીને દરિયામાં ડુબાડી દેવાના હતા. આ કાવતરું પછીથી મરણ કૂચ તરીકે જાણીતું થયું.

૨ સક્સેનહુસેન છાવણીમાંથી ૩૩,૦૦૦ કેદીઓને જર્મનીના લુબેક શહેરમાં આવેલાં બંદરો સુધી ચાલવાનું હતું. એ બંદરો ૧૫૫ માઈલ (૨૫૦ કિ.મી) દૂર હતાં. કેદીઓમાં છ દેશોમાંથી આવેલા યહોવાના ૨૩૦ સાક્ષીઓ પણ હતા, જેઓને સાથે રહીને કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. ભૂખમરો અને બીમારીને કારણે બધા જ લોકો કમજોર થઈ ગયા હતા. આપણા ભાઈઓ કઈ રીતે એ કૂચમાં ટકી શક્યા? તેઓમાંના એક ભાઈએ કહ્યું, “અમે એકબીજાને હિંમત ન હારવાનું ઉત્તેજન આપતા રહ્યા.” તેઓ પાસે ઈશ્વર તરફથી મળતી “પરાક્રમની અધિકતા” એટલે કે અજોડ તાકાત હતી; સાથે સાથે એકબીજા માટેનો પ્રેમ હતો, જેનાથી તેઓને આ સતાવણી સહેવા મદદ મળી.—૨ કોરીં. ૪:૭.

૩. આપણે કેમ એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ?

૩ આજે આપણે એવી મરણ કૂચ સહેતા નથી, પણ ઘણી તકલીફો સહીએ છીએ. ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪માં શરૂ થયા પછી શેતાનને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો. તેને પૃથ્વીની હદ પૂરતો મર્યાદિત કરવામાં આવ્યો. એટલે “તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” (પ્રકટી. ૧૨:૭-૯, ૧૨) આ દુનિયા આર્માગેદનની નજીક જઈ રહી છે તેમ, શેતાન આપણને યહોવાની ભક્તિમાં ઠંડા પાડી દેવા પ્રયત્ન કરે છે. એ માટે તે આપણા પર કસોટીઓ અને દબાણો લાવે છે. એમાંય પાછી રોજબરોજની ચિંતાનો ઉમેરો થાય છે. (અયૂ. ૧૪:૧; સભા. ૨:૨૩) આપણા પર આવતી એક પછી એક તકલીફોની કોઈ વાર ઘણી અસર પડી શકે. એ કારણે લાગણીમય રીતે અને યહોવાની ભક્તિમાં આપણે ગમે એટલી હિંમત ભેગી કરીએ, તોપણ નિરાશ થઈ જઈ શકીએ. એક ભાઈનો વિચાર કરો, જેમણે વર્ષો સુધી ઘણા બધાને યહોવાની ભક્તિ કરતા રહેવા મદદ કરી હતી. પણ જેમ તે મોટી ઉંમરના થયા, તેમ પતિ-પત્ની બંનેની તબિયત બગડવા માંડી અને તે નિરાશામાં ડૂબી ગયા. એ ભાઈની જેમ આપણને બધાને યહોવાની અજોડ શક્તિ અને એકબીજાના ઉત્તેજનની જરૂર પડે છે.

૪. આપણે બીજાઓને ઉત્તેજન આપવું હોય તો, પ્રેરિત પાઊલની કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૪ આપણે બીજાઓને ઉત્તેજન આપતા રહેવા શું કરવું જોઈએ? હિબ્રૂ ખ્રિસ્તીઓને પ્રેરિત પાઊલે આપેલી આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) આ શબ્દો ઘણું કહી જાય છે. આપણે એ શિખામણ કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ?

“એકબીજાનો વિચાર કરીએ”

૫. “એકબીજાનો વિચાર કરીએ” એનો અર્થ શું થાય? એમ કરવા માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ?

૫ “એકબીજાનો વિચાર કરીએ” એનો અર્થ થાય કે “બીજાઓની જરૂરિયાતો ધ્યાનમાં લઈએ, તેઓ વિશે વિચારીએ.” માનો કે આપણે રાજ્ય ગૃહમાં ભાઈબહેનોને ઝડપથી ‘કેમ છો’ કહીએ છીએ; અથવા તો ફક્ત સામાન્ય બાબતોની વાતચીત કરીએ છીએ; એનાથી શું એમ કહી શકાય કે આપણે તેઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈએ છીએ? ના. ખરું કે આપણે ‘પોતપોતાનું કામ કરવા’ ચાહીએ છીએ અને ‘બીજાઓના કામમાં માથું મારવા’ માંગતા નથી. (૧ થેસ્સા. ૪:૧૧; ૧ તીમો. ૫:૧૩) જોકે, આપણે ભાઈબહેનોને ઉત્તેજન આપવા માંગતા હોઈએ તો, તેઓને સારી રીતે ઓળખવાની જરૂર છે. જેમ કે, તેઓના જીવનમાં શું ચાલી રહ્યું છે, સ્વભાવ કેવો છે, યહોવાની ભક્તિમાં કેવું કરે છે, તેઓના સારા ગુણો અને કમજોરીઓ. તેઓ આપણને મિત્રો ગણતા હોવા જોઈએ અને આપણો પ્રેમ જોઈ શકતા હોવા જોઈએ. એ માટે તેઓ મુશ્કેલીમાં આવી પડે અને નિરાશ થઈ જાય ત્યારે જ નહિ, બીજા સંજોગોમાં પણ તેઓ સાથે સમય વિતાવવાની જરૂર છે.—રોમ. ૧૨:૧૩.

૬. વડીલોને પોતાની દેખરેખ નીચેના ભાઈબહેનો વિશે “વિચાર” કરવા શામાંથી મદદ મળશે?

૬ મંડળના વડીલોને ખુશીથી અને હોંશથી ‘ઈશ્વરના ટોળાનું પ્રતિપાલન કરવાની’ સલાહ આપવામાં આવી છે. (૧ પીત. ૫:૧-૩) જો તેઓ પોતાને સોંપવામાં આવેલાં ઘેટાંને સારી રીતે જાણતા ન હોય, તો કઈ રીતે તેઓની બરાબર સંભાળ રાખી શકે? (નીતિવચનો ૨૭:૨૩ વાંચો.) વડીલો ભાઈબહેનો સાથે સમય પસાર કરે અને તેઓની સાથે રહેવાનો આનંદ માણે; એમ કરે તો ભાઈબહેનોને મદદની જરૂર પડે ત્યારે મોટે ભાગે તેઓ અચકાશે નહિ. ભાઈ-બહેનો પોતાના દિલની વાત પણ સહેલાઈથી જણાવશે. એનાથી વડીલો પોતાની દેખરેખ નીચેના ભાઈબહેનો વિશે “વિચાર” કરી અને જોઈતી મદદ આપી શકશે.

૭. નિરાશ લોકો કંઈ “અવિચારી” બોલે તો આપણે શું યાદ રાખવું જોઈએ?

૭ થેસ્સાલોનીકીના મંડળને પાઊલે લખ્યું: “નિર્બળોને આશ્રય આપો.” (૧ થેસ્સાલોનીકીઓ ૫:૧૪ વાંચો.) હિંમત હારી ગયેલા અને નિરાશ લોકો એક રીતે કમજોર હોય છે. નીતિવચનો ૨૪:૧૦ કહે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” હિંમત હારી ગયેલા લોકોનું બોલવું “અવિચારી” બની શકે છે. (અયૂ. ૬:૨, ૩) આવા લોકોનો ‘વિચાર કરતી વખતે’ આપણે યાદ રાખીએ કે ભલે તેઓ જેમતેમ બોલે, પણ કદાચ દિલથી તેઓ એવું કહેવા માંગતા ન હોય. રેશલને પોતાના અનુભવથી આ શીખવા મળ્યું. તેની મમ્મી ઘણી ડિપ્રેશ થઈ ગઈ હતી. રેશલ કહે છે: “ઘણી વાર મમ્મી દિલ દુખાવે એવું બોલી જતાં. આવા સમયે હું મોટા ભાગે યાદ રાખવાનો પ્રયત્ન કરતી કે હકીકતમાં મમ્મી કેટલાં પ્રેમાળ, દયાળુ અને ઉદાર છે. મને શીખવા મળ્યું કે ડિપ્રેશ વ્યક્તિ એવું ઘણું કહે છે જે ખરેખર તેના દિલમાં ન હોય. એટલે, જો તેની સામે કોઈ કડવાશથી બોલે કે વર્તે તો કેટલું ખરાબ કહેવાશે.” નીતિવચનો ૧૯:૧૧ જણાવે છે કે “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.”

૮. ખાસ કરીને આપણા પ્રેમની “ખાતરી” કોને કરાવવી જોઈએ અને શા માટે?

૮ માનો કે કોઈએ કંઈ ભૂલ કરી હોય અને એ સુધારવા પગલાં પણ ભર્યા હોય. ત્યાર પછી પણ તેને દોષની લાગણી થતી હોય અને નિરાશ થઈ જતા હોય. આવી વ્યક્તિનો ‘વિચાર કરવા’ આપણે શું કરી શકીએ? કોરીંથમાં એક વ્યક્તિએ ભૂલ કરી અને એનો પસ્તાવો કર્યો. તેના વિશે પાઊલે લખ્યું: “તમારે એને ક્ષમા અને હિંમત આપવી જોઈએ; નહિ તો કદાચ તે વધારે પડતા શોકમાં ડૂબી જાય. એટલે મારી તમને વિનંતી છે કે, તમે એને તમારા પ્રેમની ખાતરી થાય એમ કરો.” (૨ કરિં. ૨:૭, ૮, સંપૂર્ણ બાઇબલ) એક શબ્દકોશ પ્રમાણે ‘ખાતરી કરાવવી’ એટલે કે ‘સ્વીકાર કરવું, માન્ય ઠરાવવું, કાયદેસર કરવું.’ આપણે એવું ધારી ન લઈએ કે આપણે તેને કેટલું ચાહીએ છીએ અને તેની ચિંતા કરીએ છીએ એ તેને ખબર છે. આપણાં વાણી-વર્તનમાં તેને એ દેખાઈ આવવું જોઈએ.

‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપો’

૯. ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપવાનો’ અર્થ શું થાય?

૯ પાઊલે લખ્યું: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” પ્રેમ બતાવવા અને સારાં કામ કરવા ભાઈબહેનોને આપણે ઉત્તેજન આપવું જોઈએ. આગ હોલવાઈ જવાની તૈયારી હોય ત્યારે, કદાચ કોલસા હલાવવા પડે અને હવા નાખવી પડે. (૨ તીમો. ૧:૬) એ જ રીતે, આપણે ભાઈબહેનોને પ્રેમથી ઉત્તેજન આપી શકીએ કે તેઓ ઈશ્વર માટે અને પડોશી માટે પ્રેમ બતાવે. સારાં કામ કરવા બીજાઓને ઉત્તેજન આપવું હોય તો શું કરવું જોઈએ? જરૂર પ્રમાણે શાબાશી આપવી બહુ મહત્ત્વની છે.

બીજાઓ સાથે પ્રચારમાં જાઓ

૧૦, ૧૧. (ક) આપણામાંથી કોને શાબાશીની જરૂર છે? (ખ) ‘અપરાધ કર્યો હોય’ એવી વ્યક્તિને સુધારવા શાબાશી આપવાથી કેવી મદદ મળી શકે એનો અનુભવ જણાવો.

૧૦ આપણે નિરાશામાં ડૂબી ગયા હોઈએ કે નહિ, આપણને બધાને શાબાશીની જરૂર છે. એક વડીલે લખ્યું: ‘મારા પિતાએ એકેય વાર મને શાબાશી આપી ન હતી. તેથી, હું મોટો થયો તેમ મારામાં સ્વમાન જેવું કંઈ ન હતું. હવે હું ૫૦ વર્ષનો થયો છું. તોપણ, જ્યારે મારા મિત્રો મને ખાતરી અપાવે છે કે વડીલ તરીકેની જવાબદારી હું સારી રીતે નિભાવું છું ત્યારે હું એની કદર કરું છું. મારા અનુભવે મને શીખવ્યું છે કે બીજાઓને ઉત્તેજન આપવું કેટલું જરૂરી છે. એટલે, હું એમ કરવા બધી તકનો લાભ ઉઠાવું છું.’ શાબાશી આપવાથી દરેકને ઉત્તેજન મળે છે, ભલે પછી એ પાયોનિયર હોય, ઘરડા કે નિરાશ થઈ ગયેલા ભાઈબહેનો હોય.—રોમ. ૧૨:૧૦.

૧૧ “કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય” અને જવાબદાર ભાઈઓ “એવાને નમ્ર ભાવે” સુધારવાની કોશિશ કરે ત્યારે, શું મદદ કરી શકે? પ્રેમાળ સલાહ અને યોગ્ય શાબાશી આપવાથી, અપરાધીને સારાં કામ કરવાના માર્ગે પાછા વળવા મદદ મળી શકે. (ગલા. ૬:૧) મરિયમ નામની બહેનના કિસ્સામાં એ સાચું સાબિત થયું. તે લખે છે: “મારા અમુક ખાસ મિત્રો સત્ય છોડી ગયા અને એ જ સમયે મારા પિતાને બ્રેઇન હેમરેજ થયું. એ મારા જીવનનો ઘણો કઠિન સમય હતો. હું બહુ ડિપ્રેશ થઈ ગઈ. ડિપ્રેશનમાંથી બહાર નીકળવાની કોશિશમાં હું એવા છોકરા સાથે હરવા-ફરવા લાગી જે સત્યમાં ન હતો.” આને કારણે મરિયમને લાગવા માંડ્યું કે પોતે યહોવાના પ્રેમને લાયક નથી. તેણે સત્ય છોડી દેવાનો વિચાર કર્યો. પણ જ્યારે એક વડીલે તેને યાદ કરાવ્યું કે અગાઉ તે ભક્તિમાં કેટલું સારું કરતી હતી, ત્યારે તેનું દિલ યહોવા માટેના પ્રેમથી ભરાઈ આવ્યું. યહોવા તેને કેટલું ચાહે છે એની ખાતરી અપાવવાની તક તેણે વડીલોને આપી. તેનામાં યહોવા માટેનો પ્રેમ ફરી જાગ્યો. તેણે પેલા છોકરા સાથેનો સંબંધ તોડી નાખ્યો અને યહોવાની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું.

પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપો

૧૨. બીજાઓને ઉત્તેજન આપવા તેમને શરમમાં નાખીએ, ટીકા કરીએ કે દોષની લાગણી કરાવીએ તો શું થઈ શકે?

૧૨ વ્યક્તિને શાનાથી ઉત્તેજન નહિ મળે? તેની કોઈ સાથે અયોગ્ય સરખામણી કરીને શરમમાં નાખવાથી, કડક નિયમો બનાવીને ટીકા કરવાથી અથવા તે વધારે નથી કરતા એના વિશે તેને દોષની લાગણી કરાવવાથી કંઈ ફાયદો થશે નહિ. એનાથી તે કદાચ તરત જ કંઈ કરવા માંડે, પણ એ થોડા સમય પૂરતું હશે. જ્યારે કે એ ભાઈ કે બહેનના વખાણ કરવાથી અને ઈશ્વર માટેના તેમના પ્રેમ વિશે વાત કરવાથી સારી અસર પડી શકે છે, જે કાયમ ટકી શકે.—ફિલિપી ૨:૧-૪ વાંચો.

“એકબીજાને ઉત્તેજન આપીએ”

૧૩. બીજાઓને ઉત્તેજન આપવામાં શાનો સમાવેશ થાય છે? (શરૂઆતનો ફોટો જુઓ.)

૧૩ ‘આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તે દહાડો પાસે આવતો જોઈએ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરીએ.’ બીજાઓનો ઉત્સાહ વધારવા આપણે શું કરવું જોઈએ? ઈશ્વરની ભક્તિમાં પ્રગતિ કરતા રહેવા તેઓની હોંશ વધારવી જોઈએ. પ્રેમ રાખવા અને સારાં કામ કરવા ઉત્તેજન આપવું, એ બૂઝાતી આગના કોલસા હલાવવા જેવું છે. બીજાઓને ઉત્તેજન આપવું, એ આગ સળગતી રાખવા કે વધારે સળગાવવા લાકડાં કે તેલ નાખવા જેવું છે. બીજાઓનો ઉત્સાહ વધારવામાં નિરાશ થએલા ભાઈબહેનોની હિંમત બંધાવવાનો અને તેઓને દિલાસો આપવાનો પણ સમાવેશ થાય છે. જો એવી વ્યક્તિને ઉત્તેજન આપવાની તક મળે, તો પ્રેમથી બોલવું જોઈએ. (નીતિ. ૧૨:૧૮) એ ઉપરાંત, ચાલો આપણે ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા’ થઈએ. (યાકૂ. ૧:૧૯) જો ધ્યાનથી સાંભળીશું, તો આપણા ભાઈ કે બહેન કેમ નિરાશ થઈ ગયા છે એ પારખી શકીશું. તેમ જ, એવા સંજોગો સહન કરવા તેઓને મદદ મળે એવું કંઈ કહી શકીશું.

સારી સંગતનો આનંદ માણો

૧૪. નિરાશ થઈ ગયેલા એક ભાઈને કઈ રીતે મદદ કરવામાં આવી?

૧૪ યહોવાની ભક્તિમાં અમુક વર્ષોથી ઠંડા પડી ગયેલા એક ભાઈને પ્રેમાળ વડીલે કઈ રીતે મદદ કરી, એનો વિચાર કરો. વડીલે પેલા ભાઈની વાતો સાંભળી તેમ દેખાઈ આવ્યું કે તેમને યહોવા માટે હજુ ઘણો પ્રેમ હતો. તે ચોકીબુરજના દરેક અંકનો મન લગાડીને અભ્યાસ કરતા અને દરેક મિટિંગમાં જવા માટે પ્રયત્ન કરતા. જોકે, મંડળમાંથી અમુકના વર્તનને લીધે તે ભાઈને ખોટું લાગ્યું હતું અને અમુક હદે મનમાં કડવાશ ભરાઈ ગઈ હતી. વડીલે તે ભાઈનું ધ્યાનથી સાંભળ્યું. તેમણે કોઈનો વાંક કાઢ્યા વગર એ ભાઈ અને તેમના કુટુંબ માટે ચિંતા બતાવી. ધીમે ધીમે ભાઈએ પારખ્યું કે પોતે વીતી ગયેલા અનુભવોને ઈશ્વરની ભક્તિ કરવાને આડે આવવા દે છે, જેમને તે ખૂબ ચાહે છે. વડીલે એ ભાઈને પોતાની સાથે પ્રચારમાં આવવા જણાવ્યું. વડીલની મદદથી પેલા ભાઈએ યહોવાની ભક્તિ ચાલુ રાખી અને આખરે વડીલ તરીકે ફરીથી સેવા આપવા લાગ્યા.

ઉત્તેજનની જરૂર છે એવી વ્યક્તિને ધીરજથી સાંભળો (૧૪ અને ૧૫ ફકરા જુઓ)

૧૫. નિરાશ થયેલાઓને ઉત્તેજન આપવા વિશે યહોવા પાસેથી આપણે શું શીખી શકીએ છીએ?

૧૫ આપણે મદદ આપીએ ત્યારે નિરાશ વ્યક્તિને કદાચ તરત સારું ન પણ લાગે; અથવા તે તરત જ કંઈ ફેરફાર કરવા નહિ લાગે. એવું બને કે આપણે તેમને મદદ કરતા રહેવાની જરૂર પડી શકે. પાઊલે કહ્યું: “નિર્બળોને મદદ કરો, સઘળાની સાથે ધીરજપૂર્વક કામ કરો.” (૧ થેસ્સા. ૫:૧૪, કોમન લેંગ્વેજ) એટલે, નબળાઓથી તરત જ હિંમત હારી જવાને બદલે, તેઓને ‘મદદ કરતા’ રહીએ અને સાથ આપતા રહીએ. અગાઉના સમયમાં પણ કોઈ વાર યહોવાના ભક્તો નિરાશ થઈ ગયા હતા. તેઓ સાથે યહોવા ધીરજથી વર્ત્યા હતા. દાખલા તરીકે, યહોવા એલિયાની સાથે બહુ પ્રેમથી વર્ત્યા અને તેમની લાગણીઓને ધ્યાનમાં લીધી. યહોવાની ભક્તિ કરતા રહેવા પ્રબોધકને જેની જરૂર હતી એ તેમણે પૂરું પાડ્યું. (૧ રાજા. ૧૯:૧-૧૮) દાઊદે દિલથી પસ્તાવો કર્યો હોવાથી દરિયાદિલ યહોવાએ તેમને માફ કર્યા. (ગીત. ૫૧:૭, ૧૭) ગીતશાસ્ત્ર ૭૩ના લેખક ઈશ્વરની ભક્તિ છોડી દેવાની તૈયારીમાં હતા, એ સમયે ઈશ્વરે તેમને મદદ કરી. (ગીત. ૭૩:૧૩, ૧૬, ૧૭) યહોવા આપણને પણ પ્રેમ અને દયા બતાવે છે, ખાસ કરીને જ્યારે આપણે નિરાશ અને ઉદાસ હોઈએ. (નિર્ગ. ૩૪:૬) તેમની કૃપા “દર સવારે નવી થાય છે” અને એ ચોક્કસ “અખૂટ છે.” (યિ.વિ. ૩:૨૨, ૨૩) યહોવા ચાહે છે કે આપણે પણ તેમના જેવા બનીએ અને નિરાશ થયેલા સાથે પ્રેમથી વર્તીએ.

જીવનના માર્ગે ચાલતા રહેવા એકબીજાને ઉત્તેજન આપો

૧૬, ૧૭. આ દુનિયાની દુષ્ટતાનો અંત નજીક છે તેમ આપણે શું નક્કી કરવું જોઈએ અને શા માટે?

૧૬ સક્સેનહુસેન જુલમી છાવણીમાંથી નીકળેલા ૩૩,૦૦૦ કેદીઓમાંથી હજારો મરણ પામ્યા. જોકે, છાવણીમાંથી નીકળેલા યહોવાના ૨૩૦ સાક્ષીઓમાંના દરેક એ સતાવણીમાંથી જીવતા રહ્યા. એકબીજા પાસેથી તેઓને મળેલા ઉત્તેજન અને સાથને લીધે એ મરણ કૂચ તેઓ માટે બચાવ કૂચ સાબિત થઈ.

૧૭ આજે આપણે “જે માર્ગ જીવનમાં પહોંચાડે છે,” એના પર છીએ. (માથ. ૭:૧૪) જલદી જ યહોવાના બધા ભક્તો એવી નવી દુનિયામાં સંપથી ચાલીને જશે, જ્યાં ફક્ત ઈશ્વરની ભક્તિ થતી હોય. (૨ પીત. ૩:૧૩) ચાલો આપણે પણ નક્કી કરીએ કે કાયમ માટેના જીવન તરફ દોરી જતા માર્ગ પર ચાલવા એકબીજાને ઉત્તેજન આપતા રહીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો