વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 ડિસેમ્બર પાન ૨૪-૨૮
  • યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાનું કહેવું માનશો તો જીવનમાં સફળ થશો
  • ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા બનતો પ્રયત્ન કરો
  • સાચા મિત્રો બનાવો
  • સારા ધ્યેયો રાખો
  • ઈશ્વરે આપેલી આઝાદીને કીમતી ગણો
  • યુવાનો, ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 ડિસેમ્બર પાન ૨૪-૨૮
દાઊદ યુદ્ધના મેદાનમાં ગોલ્યાથ સામે ઊભા છે; યહોશુઆ અને તેમના માણસો વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે

યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો

‘તમે મને જીવનનો માર્ગ જણાવો છો.’—ગીત. ૧૬:૧૧.

ગીતો: ૪૧, ૬

ગીતશાસ્ત્ર ૧૬ તમને કઈ રીતે . . .

  • યહોવાને પોતાનો ‘હિસ્સો’ બનાવવા મદદ કરે છે?

  • સાચા મિત્રો પસંદ કરવા અને સારા ધ્યેયો રાખવા મદદ કરે છે?

  • સારી બાબતો પસંદ કરવા અને ખરાબ બાબતો ધિક્કારવા મદદ કરે છે?

૧, ૨. જીવનમાં બદલાણ લાવવું શક્ય છે, એ ટોનીના દાખલા પરથી કઈ રીતે જોવા મળે છે?

ટોનીના પપ્પા ન હતા. ટોની નાનો હતો ત્યારે તે મરણ પામ્યા હતા. ટોનીને સ્કૂલમાં ભણવાનું ગમતું ન હતું. એટલે તે સ્કૂલ છોડી દેવાનું વિચારતો હતો. રજાના દિવસે તે ફિલ્મ જોવા જતો અથવા મિત્રોને મળવા જતો. તે હિંસક અને ડ્રગ્સનો બંધાણી ન હતો. જીવનમાં કંઈક ખૂટતું હોય એવું તેને લાગતું હતું. ઈશ્વર છે કે નહિ, એ વિશે તેને શંકા થતી. એક દિવસે, ટોનીને યહોવાના સાક્ષી મળ્યા. તેણે ઈશ્વર વિશે તેઓને સવાલો પૂછ્યા. તેઓએ તેને બે પુસ્તિકાઓ આપી—ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ અને વોઝ લાઈફ ક્રિએટેડ?

૨ સાક્ષીઓ ફરી મળવા આવ્યા ત્યારે ટોનીના વિચારો બદલાઈ ગયા હતા. તેણે એ પુસ્તિકાઓ ઘણી વાર વાંચી નાખી. અરે, એ પુસ્તિકાઓની હાલત તો જોવા જેવી હતી! ટોનીએ તેઓને કહ્યું કે ‘હવે હું માનું છું કે ઈશ્વર છે.’ તેણે બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે જીવન વિશે તેના વિચારો બદલાયા. બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો એ પહેલા તેને ભણવાનું ગમતું ન હતું. પણ પછી તે સ્કૂલનો સૌથી હોશિયાર વિદ્યાર્થી ગણાવા લાગ્યો. અરે, સ્કૂલના પ્રિન્સિપાલને પણ એ માનવામાં આવતું ન હતું. તેમણે ટોનીને કહ્યું: ‘તું સુધરી ગયો છે અને તારા માર્ક્સ પણ સારા આવે છે. શું યહોવાના સાક્ષીઓ સાથે હળવા-મળવાથી આવો સુધારો આવ્યો છે?’ ટોનીએ જણાવ્યું કે એ વાત સાચી છે. એટલું જ નહિ, પોતે શીખેલી વાતો પણ તેણે પ્રિન્સિપાલને જણાવી. તેણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું. આજે તે નિયમિત પાયોનિયર અને સહાયક સેવક તરીકે સેવા આપે છે. ટોનીને ઘણી ખુશી છે કે હવે તેને પિતા મળ્યા છે, પ્રેમાળ પિતા યહોવા.—ગીત. ૬૮:૫.

યહોવાનું કહેવું માનશો તો જીવનમાં સફળ થશો

૩. યહોવા યુવાનોને કઈ સલાહ આપે છે?

૩ ટોનીના અનુભવથી જોવા મળે છે કે યહોવા ખરેખર યુવાનોની કાળજી રાખે છે. તે ચાહે છે કે તમે જીવનમાં સફળ થાઓ અને સંતોષ મેળવો. એટલે તે સલાહ આપે છે: ‘તારી યુવાનીના દિવસોમાં તારા સરજનહારને યાદ કર.’ (સભા. ૧૨:૧) ભલે એ સહેલું લાગતું ન હોય, પણ એમ કરવું શક્ય છે. ઈશ્વરની મદદથી તમે યુવાનીમાં અને જીવનભર સફળ થઈ શકો છો. એ સમજવા ચાલો બે દાખલા જોઈએ. આપણે જોઈશું કે વચનનો દેશ જીતવા ઇઝરાયેલીઓને ક્યાંથી મદદ મળી હતી. તેમ જ, એ પણ જોઈશું કે દાઊદને કદાવર ગોલ્યાથ સામે જીત મેળવવા ક્યાંથી શક્તિ મળી હતી.

દાઊદ યુદ્ધના મેદાનમાં ગોલ્યાથ સામે ઊભા છે; યહોશુઆ અને તેમના માણસો વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે

૪, ૫. ઇઝરાયેલીઓ અને દાઊદના અહેવાલમાંથી આપણને કયો બોધપાઠ મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૪ ઇઝરાયેલીઓ વચનના દેશમાં પ્રવેશવાને આરે હતા ત્યારે, યહોવાએ તેઓને કયા સૂચનો આપ્યાં? શું યહોવાએ તેઓને સારા સૈનિક બનવા કે યુદ્ધની તાલીમ લેવા જણાવ્યું હતું? ના! (પુન. ૨૮:૧, ૨) તેમણે ઇઝરાયેલીઓને આજ્ઞા પાળવાનું અને ભરોસો રાખવાનું જણાવ્યું હતું. (યહો. ૧:૭-૯) મનુષ્યોની નજરે એ મૂર્ખામી લાગી શકે, પણ ઇઝરાયેલીઓ માટે એ સૌથી સારી સલાહ હતી. યહોવાએ પોતાના લોકોને કનાનીઓ પર જીત મેળવવા વારંવાર મદદ કરી હતી. (યહો. ૨૪:૧૧-૧૩) ઈશ્વરની આજ્ઞા પાળવા શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. શ્રદ્ધા હશે તો હંમેશાં સફળતા મળશે. એ વાત સોએ સો ટકા સાચી છે, પછી ભલે એ ઇઝરાયેલીઓનો સમય હોય કે આપણો સમય!

૫ ગોલ્યાથ એક શક્તિશાળી સૈનિક હતો. તે આશરે ૯.૫ ફૂટ (૨.૯ મી.) લાંબો હતો અને તેની પાસે ખતરનાક હથિયારો હતાં. (૧ શમૂ. ૧૭:૪-૭) જ્યારે કે, દાઊદના હાથમાં ગોફણ અને દિલમાં શ્રદ્ધા હતી. ફક્ત એટલું લઈને તે ગોલ્યાથ સામે લડવા નીકળી પડ્યા. શ્રદ્ધા ન રાખનાર વ્યક્તિને તો દાઊદ મૂર્ખ લાગે. પણ હકીકતમાં તો ગોલ્યાથ મૂર્ખ હતો!—૧ શમૂ. ૧૭:૪૮-૫૧.

૬. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૬ ગયા લેખમાં આપણે એવી ચાર બાબતોની ચર્ચા કરી હતી, જેનાથી સુખ અને સફળતા મળે છે. આપણે શીખ્યા કે ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા બનતો બધો પ્રયત્ન કરવો જોઈએ. એવા મિત્રો બનાવવા જોઈએ, જેઓ ઈશ્વરને પ્રેમ કરતા હોય. આપણે સારા ધ્યેયો રાખવા જોઈએ અને ઈશ્વરે આપેલી આઝાદીને કીમતી ગણવી જોઈએ. આ લેખમાં જોઈશું કે એ ચાર બાબતો કરવાથી બીજા કયા ફાયદાઓ થાય છે. એ માટે ચાલો આપણે ગીતશાસ્ત્ર ૧૬માં આપેલા અમુક સિદ્ધાંતોની ચર્ચા કરીએ.

ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા બનતો પ્રયત્ન કરો

૭. (ક) ઈશ્વર જેવું મન કેળવનાર વ્યક્તિ કોને કહેવાય? (ખ) દાઊદ શાને પોતાનો ‘હિસ્સો’ ગણતા હતા અને એનાથી તેમને કેવો ફાયદો થયો?

૭ ઈશ્વર જેવું મન કેળવનાર વ્યક્તિ ઈશ્વરમાં શ્રદ્ધા રાખશે અને ઈશ્વરની નજરે બાબતોને જોશે. તે યહોવાનાં માર્ગદર્શન અને આજ્ઞા પ્રમાણે જીવન જીવશે. (૧ કોરીં. ૨:૧૨, ૧૩) એનું સૌથી સારું ઉદાહરણ દાઊદ છે. તેમણે કહ્યું: ‘યહોવા મારો હિસ્સો છે.’ (ગીત. ૧૬:૫) દાઊદ ઈશ્વર સાથેના સંબંધને ‘હિસ્સો’ ગણતા હતા. ઈશ્વરે તેમને આશરો આપ્યો હતો. એ માટે તે આભારી હતા. (ગીત. ૧૬:૧) એટલે તેમણે કહ્યું: ‘હું ખુશીથી ઝૂમી ઊઠું છું.’ યહોવા સાથેની મિત્રતાથી દાઊદને ઘણી ખુશી મળતી હતી. એવી ખુશી તેમને બીજે ક્યાંયથી મળતી ન હતી!—ગીતશાસ્ત્ર ૧૬:૯, ૧૧ વાંચો.a

૮. સાચી ખુશી શાનાથી મળે છે?

૮ ધનદોલત કે મોજશોખ પર મન લગાડનાર લોકોને દાઊદ જેવી ખુશી મળતી નથી. (૧ તિમો. ૬:૯, ૧૦) કેનેડાના એક ભાઈ જણાવે છે: ‘જીવનમાં જે કંઈ મેળવીએ છીએ એનાથી સાચી ખુશી મળતી નથી. પણ આપણને બધું આપનાર ઈશ્વર યહોવાને આપણે કંઈક આપીએ છીએ ત્યારે સાચી ખુશી મળે છે.’ (યાકૂ. ૧:૧૭) તમે યહોવામાં મૂકેલી શ્રદ્ધા મજબૂત કરો છો અને તેમની ભક્તિ કરો છો ત્યારે તમને જીવનમાં મકસદ મળે છે અને સાચી ખુશી મળે છે. શ્રદ્ધા મજબૂત કરવા તમે શું કરી શકો? બાઇબલ વાંચો, યહોવાએ બનાવેલી સૃષ્ટિનો વિચાર કરો અને તેમના ગુણો, ખાસ કરીને પ્રેમ વિશે મનન કરો. આમ, યહોવા વિશે શીખવા સમય કાઢશો તો શ્રદ્ધા મજબૂત થશે.—રોમ. ૧:૨૦; ૫:૮.

૯. ઈશ્વરના વિચારો અપનાવવા તમે શું કરી શકો?

૯ પ્રેમાળ પિતાની જેમ યહોવા આપણને જરૂર પડે ત્યારે પ્રેમથી સુધારે છે. એવી સલાહની કદર કરતા દાઊદે જણાવ્યું: ‘યહોવાએ મને બોધ આપ્યો છે, હું તેમની સ્તુતિ કરીશ; મારું અંતર મને રાત્રે બોધ આપે છે.’ (ગીત. ૧૬:૭) દાઊદે ઈશ્વરના વિચારો પર મનન કર્યું અને એને અપનાવી લીધા. એ વિચારો પ્રમાણે તેમણે ફેરફાર કર્યા, જેથી પોતે સારા વ્યક્તિ બની શકે. જો તમે પણ એમ કરશો, તો ઈશ્વર માટેનો પ્રેમ અને તેમને ખુશ કરવાની ઇચ્છા વધશે. આમ, તમે એક સારા ઈશ્વરભક્ત બની શકશો. ક્રિસ્ટીન બહેન જણાવે છે કે તે સાહિત્યમાંથી સંશોધન કરે છે અને એ વાંચે છે. એના પર મનન કરે છે ત્યારે તેમને લાગે છે કે એ બધું યહોવાએ તેમના માટે જ લખાવ્યું છે.

૧૦. યશાયા ૨૬:૩ પ્રમાણે ઈશ્વર જેવું મન કેળવવાથી કેવા ફાયદા થાય છે?

૧૦ ઈશ્વર જેવું મન કેળવશો તો, દુનિયાને અને એના ભાવિને ઈશ્વરની નજરે જોઈ શકશો. યહોવા તમને અજોડ જ્ઞાન અને સમજણ આપે છે. તે ચાહે છે કે જીવનમાં શું મહત્ત્વનું છે એ આપણે જાણીએ, સારા નિર્ણયો લઈએ અને પૂરા ભરોસાથી ભાવિ તરફ મીટ માંડીએ. (યશાયા ૨૬:૩ વાંચો.) અમેરિકામાં રહેતા ભાઈ જોશુઆ કહે છે કે જો તમે યહોવાની નજીક રહેશો, તો સાફ પારખી શકશો કે કઈ બાબત મહત્ત્વની છે અને કઈ નથી.

સાચા મિત્રો બનાવો

૧૧. દાઊદે કેવા મિત્રો પસંદ કર્યા હતા?

૧૧ ગીતશાસ્ત્ર ૧૬:૩ વાંચો. દાઊદ સારા મિત્રો પસંદ કરવાનું જાણતા હતા. તેમણે એવા મિત્રો પસંદ કર્યા, જેઓ યહોવાને પ્રેમ કરતા હતા. તેઓની સાથે રહેવાથી તેમને ઘણો “આનંદ” થતો હતો. દાઊદે કહ્યું કે તેમના મિત્રો “પવિત્ર” છે. કારણ કે તેઓ યહોવાના સારા સંસ્કારો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતા હતા. બીજા એક લેખકને પણ મિત્રો પસંદ કરવા વિશે આવું જ લાગ્યું હતું. તેમણે કહ્યું: ‘જે કોઈ તમારા હુકમો પાળે છે, એ સર્વનો હું મિત્ર છું.’ (ગીત. ૧૧૯:૬૩) ગયા લેખમાં જોયું એ પ્રમાણે, તમે પણ એવા મિત્રો શોધી શકો જેઓ યહોવાને પ્રેમ કરતા હોય અને તેમની આજ્ઞા પાળતા હોય. તમે અલગ અલગ ઉંમરના લોકોને મિત્રો બનાવી શકો છો.

૧૨. દાઊદ અને યોનાથાન શા માટે પાકા મિત્રો હતા?

૧૨ દાઊદે ફક્ત પોતાની જ ઉંમરના લોકોને મિત્રો બનાવ્યા નહિ. શું તમને દાઊદના કોઈ ખાસ મિત્રનું નામ યાદ છે? તમારા મનમાં પહેલું નામ યોનાથાનનું આવ્યું હશે. મિત્રતાની વાત આવે ત્યારે બાઇબલમાં નોંધેલી દાઊદ અને યોનાથાનની મિત્રતા ચોક્કસ યાદ આવશે. પણ શું તમે જાણો છો કે યોનાથાન દાઊદ કરતાં ૩૦ વર્ષ મોટા હતા? તેઓ શા માટે પાકા મિત્રો હતા? તેઓને ઈશ્વરમાં શ્રદ્ધા હતી. તેઓ એકબીજાને માન આપતા હતા. તેઓ એકબીજાના સારા ગુણોની કદર કરતા હતા, જેમ કે ઈશ્વરના દુશ્મનો સામે લડતી વખતે તેઓએ બતાવેલી હિંમત.—૧ શમૂ. ૧૩:૩; ૧૪:૧૩; ૧૭:૪૮-૫૦; ૧૮:૧.

૧૩. તમે કઈ રીતે ઘણા મિત્રો બનાવી શકો? દાખલો આપો.

૧૩ આપણે એવા મિત્રો પસંદ કરવા જોઈએ, જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમનામાં શ્રદ્ધા રાખે છે. જો એમ કરીશું તો આપણને પણ દાઊદ અને યોનાથાન જેવો “આનંદ” થશે. કિયારા ઘણાં વર્ષોથી યહોવાની સેવા કરે છે. તે જણાવે છે કે, ‘અલગ અલગ દેશ, જાતિ અને સમાજનાં ભાઈ-બહેનોને મેં મિત્રો બનાવ્યા છે.’ જો એમ કરશો તો તમે બાઇબલ અને પવિત્ર શક્તિની તાકાત જોઈ શકશો. એનાથી દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોની એકતા જળવાઈ રહેશે.

સારા ધ્યેયો રાખો

૧૪. (ક) જીવનમાં સારા ધ્યેયો રાખવા ક્યાંથી મદદ મળશે? (ખ) અમુક યુવાનો પોતાના ધ્યેયો વિશે શું જણાવે છે?

૧૪ ગીતશાસ્ત્ર ૧૬:૮ વાંચો. દાઊદ માટે ઈશ્વરભક્તિ સૌથી મહત્ત્વની હતી. સારા ધ્યેયો બાંધવા અને યહોવાની ઇચ્છા પૂરી કરવામાં દાઊદે સારો દાખલો બેસાડ્યો છે. તેમને અનુસરશો તો તમને મનનો સંતોષ મળશે. સ્ટીવન નામના ભાઈ જણાવે છે: ‘હું ધ્યેયો પાછળ મહેનત કરું છું, એ પૂરા કરું છું અને એ માટે કરેલા ફેરફારો પર વિચાર કરું છું ત્યારે મને સંતોષ મળે છે.’ જર્મનીના એક યુવાન ભાઈ બીજા દેશમાં સેવા આપે છે. તે કહે છે: ‘ઘડપણમાં મારી જિંદગીના પાના ફેરવું ત્યારે હું એવું જોવા નથી માંગતો કે જીવનમાં મેં ફક્ત પોતાના માટે જ બધું કર્યું હોય.’ શું તમને પણ એવું લાગે છે? તમારી આવડત અને હુન્‍નર ઈશ્વરને મહિમા આપવા અને બીજાઓને મદદ કરવા વાપરો. (ગલા. ૬:૧૦) યહોવાની સેવામાં ધ્યેયો રાખો અને એ પૂરા કરવા યહોવા પાસે મદદ માંગો. ખાતરી રાખો કે તે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે.—૧ યોહા. ૩:૨૨; ૫:૧૪, ૧૫.

એક યુવાન ભાઈ સેવાકાર્યમાં વીડિયો બતાવે છે

અમુક ધ્યેયો

  • બાઇબલ વાંચનમાંથી સારા મુદ્દા શોધવા

  • સેવાકાર્યમાં સારી રીતે વાત કરતા શીખવું

  • સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું

  • સહાયક સેવક બનવું

  • સારા શિક્ષક બનવા મહેનત કરવી

  • બાઇબલ અભ્યાસ મેળવવો

  • સહાયક કે નિયમિત પાયોનિયર બનવું

  • બેથેલમાં સેવા આપવી

  • બીજી ભાષા શીખવી

  • વધુ જરૂર હોય ત્યાં જઈને સેવા આપવી

  • પ્રાર્થનાઘરના બાંધકામમાં કે રાહત કામમાં સેવા આપવી

૧૫. તમે કેવા ધ્યેયો રાખી શકો? (“અમુક ધ્યેયો” બૉક્સ જુઓ.)

૧૫ તમે કેવા ધ્યેયો રાખી શકો? સભાઓમાં પોતાના શબ્દોમાં જવાબ આપવાનો શું તમે ધ્યેય રાખી શકો? શું તમે પાયોનિયર બનવાનો અથવા બેથેલમાં સેવા આપવાનો ધ્યેય રાખી શકો? ખુશખબર જણાવવા શું તમે નવી ભાષા શીખવાનો ધ્યેય રાખી શકો? બરાક નામના યુવાન ભાઈ પૂરા સમયની સેવા કરે છે. તે જણાવે છે: ‘મારી સવાર એ વિચાર સાથે શરૂ થાય છે કે હું મારી બધી તાકાત યહોવાની સેવામાં વાપરવાનો છું. બીજા કોઈ કામમાં મને એટલી મજા આવતી નથી.’

ઈશ્વરે આપેલી આઝાદીને કીમતી ગણો

૧૬. યહોવાના નિયમો અને સિદ્ધાંતો વિશે દાઊદને કેવું લાગતું હતું અને શા માટે?

૧૬ ગીતશાસ્ત્ર ૧૬:૨, ૪ વાંચો. ગયા લેખમાં જોયું તેમ, યહોવાના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જીવીશું તો આપણે ખરી આઝાદી મેળવી શકીશું. જે સારું છે એને પસંદ કરીશું અને જે ખોટું છે એને ધિક્કારીશું. (આમો. ૫:૧૫) દાઊદે કહ્યું કે યહોવા સારા કામ કરે છે. યહોવા જે કરે છે એ સારું જ હોય છે. આપણી પાસે જે સારી બાબતો છે એ તેમની પાસેથી આવે છે. યહોવાને અનુસરવા અને તેમને પસંદ છે એવાં કામ કરવા દાઊદે મહેનત કરી. ઈશ્વરની નજરે ખરાબ છે એવાં કામને ધિક્કારવાનું પણ તે શીખ્યા. એમાંનું એક કામ છે, મૂર્તિપૂજા. મૂર્તિપૂજા એટલે કે યહોવા સિવાય બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુની ભક્તિ કરવી. એવી ભક્તિથી તો માણસો પોતાને નીચા સાબિત કરે છે. જે મહિમા યહોવાને મળવો જોઈએ, એ તેઓ બીજાને આપે છે.—યશા. ૨:૮, ૯; પ્રકટી. ૪:૧૧.

૧૭, ૧૮. (ક) જૂઠી ભક્તિ વિશે દાઊદે શું કહ્યું હતું? (ખ) આજે કેમ લોકોનાં ‘દુઃખ વધી પડ્યાં છે’?

૧૭ બાઇબલ સમયમાં વ્યભિચાર જેવાં કામો જૂઠી ભક્તિનો ભાગ હતા. (હોશી. ૪:૧૩, ૧૪) એવાં કામોને લીધે ઘણા લોકોને જૂઠી ભક્તિ ગમતી. પણ શું એવી ભક્તિથી તેઓને સાચી ખુશી મળતી? ના, જરાય નહિ! દાઊદે કહ્યું કે જૂઠા દેવોને ભજનારાઓનાં ‘દુઃખ વધી પડશે.’ અરે, તેઓ તો જૂઠા દેવો આગળ પોતાનાં બાળકોની બલિ ચઢાવતા પણ અચકાતા ન હતા. (યશા. ૫૭:૫) એવાં ક્રૂર કામોને યહોવા ધિક્કારતા હતા. (યિર્મે. ૭:૩૧) જરા વિચારો તમે એ સમયમાં જીવી રહ્યા છો. તમારા માબાપ યહોવાની ભક્તિ કરી રહ્યા છે. એ માટે તમે કેટલા આભારી હશો!

૧૮ આજે ઘણા જૂઠા ધર્મોમાં વ્યભિચાર જેવાં ગંદાં કામોને ચલાવી લેવામાં આવે છે, જેમ કે સજાતીય સંબંધો. એનાથી ભલે લોકોને લાગે કે તેઓ મનફાવે એ કરી શકે છે, પણ હકીકતમાં તો તેઓનાં ‘દુઃખ વધી પડશે.’ (૧ કોરીં. ૬:૧૮, ૧૯) તમે પણ એવી બાબતો થતા જોઈ હશે. યુવાનો, તમારા સ્વર્ગના પિતા યહોવાનું સાંભળો. પૂરી ખાતરી રાખો કે યહોવાનું માનવામાં જ તમારી ભલાઈ છે. વ્યભિચાર જેવાં કામોનાં ખરાબ પરિણામો વિશે વિચારો. ધ્યાન નહિ રાખો તો પળ બે પળની મજા જીવનભરની સજા બની જશે. (ગલા. ૬:૮) અગાઉ આપણે જોશુઆ વિશે જોઈ ગયા. તે કહે છે, ‘આપણે ચાહીએ એ પ્રમાણે પોતાની આઝાદીનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એનો ખોટો ઉપયોગ કરીશું તો સાચી ખુશી મળશે નહિ.’

૧૯, ૨૦. યુવાનો, યહોવામાં શ્રદ્ધા રાખવાથી અને તેમની આજ્ઞા પાળવાથી કેવા આશીર્વાદો મળશે?

૧૯ ઈસુએ કહ્યું હતું: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહા. ૮:૩૧, ૩૨) આપણે જૂઠા ધર્મો અને અંધશ્રદ્ધાથી આઝાદ છીએ. એ માટે આપણે યહોવાના આભારી છીએ. ‘ઈશ્વરનાં બાળકો તરીકે ભવ્ય આઝાદી’ મેળવવા આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. (રોમ. ૮:૨૧) તમે ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે જીવશો તો આજે તમને અમુક હદે આઝાદી મળશે. આ રીતે તમે ‘સત્ય જાણશો.’ એટલે કે તમે સત્યની વાતો શીખશો, એટલું જ નહિ એ પ્રમાણે જીવશો પણ ખરાં!

૨૦ યુવાનો, ઈશ્વરે આપેલી આઝાદીને કીમતી ગણો. એનો સમજી-વિચારીને ઉપયોગ કરો. એની મદદથી આજે તમે એવા નિર્ણયો લઈ શકશો, જે તમને સારું ભાવિ આપશે. એક યુવાન ભાઈ એ વિશે કહે છે: ‘આઝાદીનો સમજી-વિચારીને ઉપયોગ કરવાથી મોટા નિર્ણયો લેવા મને મદદ મળી. જેમ કે, યોગ્ય નોકરી શોધવી, થોડોક સમય કુંવારા રહેવું કે લગ્‍ન કરવું.’

૨૧. તમે ‘ખરું જીવન’ કઈ રીતે મેળવી શકો?

૨૧ આજનું જીવન ભલે મજેદાર લાગતું હોય પણ એ લાંબું ટકતું નથી. કાલે શું થશે એ કોઈ જાણતું નથી, જીવનનો કોઈ ભરોસો નથી. (યાકૂ. ૪:૧૩, ૧૪) એટલે હમણાંના જીવનમાં એવી પસંદગી કરીએ, જેથી ‘ખરું જીવન’ મળે. એ જીવન તો ઈશ્વરની નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન છે. (૧ તિમો. ૬:૧૯) યહોવા કોઈને પણ તેમની ભક્તિ કરવાનું દબાણ કરતા નથી. આપણે શું કરીશું એ આપણા હાથમાં છે. યહોવાની નજીક જવા દરરોજ મહેનત કરીએ અને તેમને પોતાનો ‘હિસ્સો’ બનાવીએ. યહોવા તરફથી મળતી ‘ઉત્તમ વસ્તુઓને’ કીમતી ગણો. (ગીત. ૧૦૩:૫) ભરોસો રાખો કે યહોવા તમને હંમેશ માટેની સુખ-શાંતિ આપશે.—ગીત. ૧૬:૧૧.

a ગીતશાસ્ત્ર ૧૬:૯ (NW): ‘એ માટે મારું મન ખુશ થાય છે, હું ખુશીથી ઝૂમી ઊઠું છું. હું એકદમ સલામત રહું છું. ૧૬:૧૧ તમે મને જીવનનો માર્ગ જણાવો છો. તમારી આગળ પુષ્કળ આનંદ છે. તમારા જમણા હાથે રહેવાથી મને કાયમનું સુખ મળે છે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો