વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 ફેબ્રુઆરી પાન ૨૬-૩૦
  • અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રેમાળ માબાપ
  • શરૂઆતની પ્રવૃત્તિઓ
  • નાઇજીરિયામાં કામ આગળ વધાર્યું
  • નવી સોંપણી
  • ઈશ્વરની કૃપાથી હું ટકી રહ્યો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોવા પરનો ભરોસો, મારી સલામતીનું રહસ્ય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 ફેબ્રુઆરી પાન ૨૬-૩૦
વુડવર્થ મીલ્સ

જીવન સફર

અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો

વુડવર્થ મીલ્સના જણાવ્યા પ્રમાણે

એકદમ સૂમસામ રાત હતી, અમે નાઇજર નદીને કાંઠે ઊભા હતા. એ નદી આશરે દોઢ કિલોમીટર પહોળી હતી, એમાં ઝડપથી પાણી વહી રહ્યું હતું. નાઇજીરિયા દેશમાં અંદરોઅંદર લડાઈ ચાલતી હતી, એટલે નદી પાર કરવામાં જોખમ હતું. પણ, અમારે એ જોખમ ઉઠાવવું પડે એમ હતું. એ પણ એકવાર નહિ, અનેકવાર. હું કેમ એવી હાલતમાં આવી પડ્યો? એ જાણવા તો મારા જન્મ પહેલાથી વાત શરૂ કરવી પડશે.

મારા પપ્પા જોન મીલ્સ ૨૫ વર્ષના હતા ત્યારે, ન્યૂ યૉર્કમાં ૧૯૧૩માં તેમણે બાપ્તિસ્મા લીધું. ભાઈ રસેલે બાપ્તિસ્માની ટોક આપી હતી. એના થોડા સમય પછી, પપ્પા ત્રિનિદાદ દેશમાં ગયા. ત્યાં એક બાઇબલ વિદ્યાર્થીને (એ સમયે યહોવાના સાક્ષીઓ એ નામથી જાણીતા હતા) મળ્યા. એ બહેનનું નામ કોનસ્ટ્‌ન્સ ફાર્મર હતું. તેઓએ લગ્‍ન કર્યાં. પપ્પાના એક મિત્ર હતા, વિલિયમ આર. બ્રાઉન. પપ્પા તેમને “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન”ના કાર્યક્રમ ગોઠવવામાં મદદ કરતા. ૧૯૨૩માં વિલિયમભાઈને પશ્ચિમ આફ્રિકાની સોંપણી મળી. મારાં માબાપ ત્રિનિદાદમાં જ રહ્યાં, તેઓ બંને પાસે સ્વર્ગમાં જવાની આશા હતી.

પ્રેમાળ માબાપ

મારાં આઠ ભાઈ-બહેનો હતાં. વોચ ટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટીના પ્રમુખ રધરફર્ડભાઈ હતા. તેમના નામ પરથી મારાં માબાપે પોતાના પહેલા દીકરાનું નામ રધરફર્ડ રાખ્યું. ૩૦ ડિસેમ્બર, ૧૯૨૨માં મારો જન્મ થયો. એ સમયે ધ ગોલ્ડન એજ મૅગેઝિનના (હમણાંનું સજાગ બનો!) સંપાદક ક્લેયટોન જે. વુડવર્થ હતા. એટલે મારું નામ વુડવર્થ રાખવામાં આવ્યું. અમારા માબાપે અમને પ્રાથમિક શિક્ષણ આપ્યું હતું. પણ તેઓએ અમને હંમેશાં ભક્તિમાં આગળ વધવા ઉત્તેજન આપ્યું. મારી મમ્મી પાસે એક અજોડ આવડત હતી. શાસ્ત્રનો ઉપયોગ કરીને લોકો સાથે તે સરસ ચર્ચા કરી શકતી. પપ્પા અમને બાઇબલની વાર્તાઓ કહેતા. તે સરસ હાવભાવ સાથે વાર્તાઓ કહેતા એટલે, એ વાર્તાઓ એકદમ જીવંત લાગતી.

અમારા માબાપની મહેનત રંગ લાવી. પાંચ ભાઈઓમાંથી ત્રણને તો ગિલયડ શાળામાં જવાનો મોકો મળ્યો છે. મારી ત્રણ બહેનોને વર્ષો સુધી ત્રિનિદાદ અને ટોબેગોમાં પાયોનિયર તરીકે સેવા આપવાનો મોકો મળ્યો છે. માબાપે અમને સારી રીતે શીખવ્યું અને સારો દાખલો બેસાડ્યો. આમ, તેઓએ અમને “યહોવાના મંદિરમાં” મોકલ્યા. એનાથી તો અમે યહોવાની નજીક રહી શક્યા અને “ઈશ્વરનાં આંગણાંમાં” પ્રગતિ કરી શક્યા.—ગીત. ૯૨:૧૩.

અમારું ઘર તો પ્રચારની પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. પાયોનિયરો ત્યાં આવતા અને ભાઈ જ્યોર્જ યંગની વાતો કરતા. જ્યોર્જભાઈ કેનેડાના હતા. તેમણે મિશનરી તરીકે ત્રિનિદાદમાં સેવા આપી હતી. મારાં માબાપ પણ પશ્ચિમ આફ્રિકામાં કામ કરતા તેમના મિત્ર વિલિયમ વિશે જણાવતા. આવું ઉત્તેજન મળ્યું હોવાથી દસ વર્ષની ઉંમરથી જ મેં સેવાકાર્ય શરૂ કર્યું.

શરૂઆતની પ્રવૃત્તિઓ

એ દિવસોમાં જૂઠા ધર્મો, લોભી વેપાર-ધંધા અને ગંદા રાજકારણ વિશે આપણા મૅગેઝિનમાં સાફ સાફ છાપવામાં આવતું. ૧૯૩૬માં પાદરી તરફથી ત્રિનિદાદના ગવર્નર પર દબાણ કરવામાં આવ્યું. એટલે, વોચ ટાવર સંગઠનના બધા સાહિત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમે સાહિત્ય છુપાવી રાખ્યું. બધું સાહિત્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી અમે એ વાપર્યું. અમે ચોપાનિયાનો ઉપયોગ કરીને અને સૂત્ર લખેલા પાટિયાં પહેરીને કૂચ અને સાયકલ પરેડ કરતા. ટૂનાપૂના નગરના ભાઈઓ પાસે સાઉન્ડ કાર હતી, તેઓ સાથે મળીને અમે ત્રિનિદાદના દૂર દૂરના વિસ્તારો ફરી વળ્યા હતા. એ મજાનો સમય હતો! એ ઉત્સાહને લીધે મેં ૧૬ વર્ષે બાપ્તિસ્મા લીધું.

ટૂનાપૂના નગરની સાઉન્ડ કારના ભાઈ-બહેનો

ટૂનાપૂના નગરની સાઉન્ડ કારનાં ભાઈ-બહેનો

ભક્તિમાં અમારું કુટુંબ મજબૂત હતું. અમને વારસામાં એ જ મળ્યું હતું અને શરૂઆતના અનુભવોને લીધે મને મિશનરી બનવાની ઇચ્છા જાગી હતી. ૧૯૪૪માં હું અરુબા દેશ ગયો ત્યારે પણ મિશનરી બનવાની મારી ઇચ્છા એવી ને એવી જ હતી. ત્યાં હું ભાઈ એડમુડ કેમિન્ઝ સાથે કામ કરવા લાગ્યો. ૧૯૪૫ના સ્મરણપ્રસંગ વખતે અમે દસ લોકોને બોલાવવામાં સફળ રહ્યા હતા. એનાથી અમને ઘણી ખુશી મળી હતી. ૧૯૪૬માં તો ત્યાં પહેલું મંડળ શરૂ થયું.

ઓરિસ અને વુડવર્થ મીલ્સ શરૂઆતના વર્ષોમાં

ઓરિસના સંગાથથી મારું જીવન મહેકી ઊઠ્યું

ઓરિસ વિલિયમ્સ મારી સાથે નોકરી કરતી હતી. મેં તેને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. ઓરિસ પોતાની માન્યતાને સાચી ઠરાવવા મારી સાથે ખૂબ દલીલો કરતી. પણ, બાઇબલ અભ્યાસ કરવાથી તેને ખબર પડી કે બાઇબલ શું શીખવે છે. ૫ જાન્યુઆરી, ૧૯૪૭માં તેણે બાપ્તિસ્મા લીધું. સમય જતાં, અમે પ્રેમમાં પડ્યા અને લગ્‍ન કર્યા. નવેમ્બર, ૧૯૫૦માં ઓરિસ પાયોનિયર બની. ઓરિસના આવવાથી મારું જીવન મહેકી ઊઠ્યું!

નાઇજીરિયામાં કામ આગળ વધાર્યું

૧૯૫૫માં અમને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. હું અને ઓરિસ એની તૈયારી કરવા લાગ્યા. અમે નોકરી છોડી, ઘર અને બીજી વસ્તુઓ વેચી દીધાં અને અરુબાને અલવિદા કહી દીધી. ૨૯ જુલાઈ, ૧૯૫૬ના રોજ અમે ગિલયડ શાળા પૂરી કરી. ગિલયડના ૨૭મા વર્ગમાં સ્નાતક થયા પછી અમને નાઇજીરિયાની સોંપણી મળી.

વુડવર્થ અનેઓરિસ મીલ્સ ૧૯૫૭માં નાઇજીરિયાના લાગોસમાં બેથેલ કુટુંબ સાથે

૧૯૫૭માં નાઇજીરિયાના લાગોસમાં બેથેલ કુટુંબ સાથે

એ સમય વિશે ઓરિસ જણાવે છે: ‘મિશનરી જીવનમાં આવતા ઉતાર-ચઢાવ સહેવા યહોવાની શક્તિ મદદ કરે છે. મારા પતિને મિશનરી બનવું હતું, પણ મને એવી ઇચ્છા થઈ ન હતી. મારે તો ઘર જોઈતું હતું, બાળકો જોઈતા હતા. પણ, ખુશખબર ફેલાવવાનો હમણાં જ યોગ્ય સમય છે, એ વિશે મને ભાન થયું ત્યારથી મારા વિચારો પણ બદલાયા. ગિલયડ શાળા પૂરી થઈ ત્યાં સુધીમાં તો મિશનરી તરીકે ખુશખબર ફેલાવવા હું પૂરી રીતે તૈયાર હતી. સોંપણી પર જવા અમે ક્વીન મેરી નામના જહાજ પર ચઢ્યા. ત્યારે ભાઈ નોરની ઓફિસમાં કામ કરતા, ભાઈ વર્થ થોર્નટોને કહ્યું, ‘મુસાફરી સારી રહે, એવી આશા રાખું છું!’ તેમણે એમ પણ જણાવ્યું કે નાઇજીરિયામાં અમારી નવી સોંપણી બેથેલમાં હશે. એ સાંભળીને હું નિરાશ થઈ ગઈ. પણ, પછી મેં વિચારો બદલ્યા. બેથેલમાં મને ઘણાં અલગ અલગ કામ મળતા. સમય જતાં મને બેથેલ ગમવા લાગ્યું, રિસેપ્શનીસ્ટ તરીકેનું કામ મને ખૂબ ગમતું. લોકોને મળવાની ખૂબ મજા આવતી. એટલે રિસેપ્શનીસ્ટ હતી ત્યારે, નાઇજીરિયાનાં ભાઈ-બહેનોને મળવાનો મને મોકો મળ્યો. કેટલાંય ભાઈ-બહેનો બેથેલ આવે ત્યારે, તેમનાં કપડાં ધૂળવાળા હોય, તેઓ થાકેલાં-પાકેલાં હોય, અમુક ભૂખ્યાં-તરસ્યાં હોય. તેઓની સાર-સંભાળ રાખવી મને ખૂબ ગમતું. એ પણ યહોવાની પવિત્ર સેવાનો ભાગ છે. એનાથી મને સંતોષ અને ખુશી મળતાં.’ કેટલી સાચી વાત! દરેક સોંપણીથી આપણા દિલને ખુશી મળે છે!

૧૯૬૧માં ત્રિનિદાદમાં અમારું આખું કુટુંબ ભેગું થયું હતું. એ સમયે વિલિયમભાઈએ આફ્રિકાના કેટલાંક રોમાંચક અનુભવો કહ્યા હતા. મેં પણ નાઇજીરિયાના અનુભવ જણાવ્યા. વિલિયમભાઈએ પ્રેમથી મારી ફરતે હાથ વિંટાળીને મારા પપ્પાને કહ્યું: ‘જોની, તું તો ક્યારેય આફ્રિકા નથી ગયો, પણ તારો દીકરો પહોંચી ગયો.’ મારા પપ્પા બોલ્યા, ‘દીકરા, આવી મહેનત કરતો રહેજે!’ આવા ભાઈઓના ઉત્તેજનથી મને સેવાકાર્યમાં વધારે કરવા પ્રેરણા મળી.

વુડવર્થ મીલ્સ, એન્ટોનિયા બ્રાઉન, વિલિયમ ‘બાઇબલ’ બ્રાઉન અને ઓરિસ મીલ્સ

વિલિયમ ‘બાઇબલ’ બ્રાઉન અને તેમના પત્ની એન્ટોનિયાએ અમને ઘણું ઉત્તેજન આપ્યું

૧૯૬૨માં મને ગિલયડના ૩૭મા વર્ગમાં વધારે તાલીમ માટે મોકલવામાં આવ્યો. એ કોર્સ દસ મહિનાનો હતો. વિલ્ફડ ગુચ નાઇજીરિયાની શાખાના સેવક હતા. તેમને ગિલયડના ૩૮મા વર્ગમાં મોકલવામાં આવ્યા, પછી તેમને ઇંગ્લૅન્ડમાં સોંપણી મળી. એટલે, નાઇજીરિયા શાખાની દેખરેખ રાખવાની જવાબદારી મારા પર આવી. નાઇજીરિયાનાં ભાઈ-બહેનોને જાણવા અને તેમના માટે પ્રેમ બતાવવા એ દેશમાં મેં ઘણી મુસાફરી કરી. આમ, વિલિયમભાઈના દાખલાને હું અનુસર્યો. ભલે અમીર દેશના લોકો જેટલાં પૈસા અને વસ્તુઓ આ દેશનાં ભાઈ-બહેનો પાસે નથી. પણ, તેઓનું જીવન બતાવે છે કે ખુશી અને સંતોષ મેળવવા એ બધી વસ્તુઓ હોવી જરૂરી નથી. એ જોવું ગમતું કે, તેઓ સ્વચ્છ અને સુઘડ કપડાંમાં સભામાં આવતાં. મને એ પણ ગમતું કે તેઓ સંમેલનમાં સાથે મળીને આવતાં. તેઓ ટ્રકમાં કે પછી છાપરા વગરની ખુલ્લી બસમાંa બેસીને આવતાં. એ બસ પર રસપ્રદ સૂત્રો લખેલાં જોવા મળતાં. એક બસ પર લખ્યું હતું: ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ કેટલી સાચી વાત!

એ સૂત્રથી જોવા મળે છે કે, આપણા દરેકની મહેનત ખૂબ જરૂરી છે. એટલે આપણે પોતાનો ભાગ બરાબર ભજવવો જોઈએ. ૧૯૭૪માં નાઇજીરિયાએ અજોડ સિદ્ધિ મેળવી. અમેરિકા પછી એ બીજો એવો દેશ બન્યો, જ્યાં એક લાખ પ્રકાશકો હોય. આપણું કામ ઝડપથી આગળ વધી રહ્યું હતું!

પણ ૧૯૬૭-૭૦ના સમયગાળામાં નાઇજીરિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. નાઇજર નદીની એક તરફ બાઇફ્રાન પ્રદેશ આવેલો છે. મહિનાઓ સુધી એ પ્રદેશનાં ભાઈ-બહેનોનો શાખા કચેરી સાથે સંપર્ક તૂટી ગયો હતો. એટલે, તેઓ સુધી સાહિત્ય પહોંચાડવું ખૂબ જરૂરી હતું. અમે પ્રાર્થના કરી અને યહોવામાં ભરોસો રાખ્યો. શરૂઆતમાં જોઈ ગયા તેમ, અમે કેટલીય વાર નાઇજર નદી પાર કરવાનું જોખમ ઉઠાવ્યું હતું.

મને બરાબર યાદ છે, નાઇજર નદી પાર કરવામાં તકલીફોની ભરમાર હતી. જેમ કે, સૈનિકો ગમે ત્યારે ગોળી મારે, બીમારીનો ખતરો અને બીજાં કેટલાંય જોખમો. આ બાજુ સૈનિકોના પહેરામાંથી માંડ માંડ છટકી નીકળીએ, ત્યાં તો સામેની બાજુના સૈનિકોની તલવાર માથે લટકતી હોય. એકવાર તો નાનકડી હોડીમાં બેસીને મારે બે કાંઠે વહેતી નાઇજર નદી પાર કરવી પડી હતી. એ હોડી અસાબા શહેરથી ઓનિત્શા શહેર જતી હતી. હું એ સમયે ઓનુગુ શહેરના વડીલોને ઉત્તેજન આપવા ગયો હતો. બીજી એકવાર અબા શહેરના વડીલોની હિંમત વધારવા ગયો હતો. એ શહેરમાં ફરજિયાત અંધારપટ લાદવામાં આવ્યો હતો. એકવાર હરકેટ નામના બંદરે અમે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી રહ્યા હતા. એવામાં અમને ખબર પડી કે પેલી તરફના સૈનિકોએ આ તરફના સૈનિકો પર હુમલો કર્યો છે. અમે ફટાફટ પ્રાર્થના કરી અને ત્યાંથી નીકળી ગયા.

પણ એ ભાઈ-બહેનોને મળવું ઘણું અગત્યનું હતું. એનાથી તેઓને ખાતરી મળતી કે, યહોવા તેઓની પ્રેમાળ સંભાળ રાખે છે. ઉપરાંત, રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવા અને મંડળમાં એકતા જાળવી રાખવા શું કરવું, એ વિશે પણ તેઓને સલાહ મળતી. એ મુશ્કેલ સમયનો ભાઈ-બહેનોએ હિંમતથી સામનો કર્યો. ભાઈ-બહેનોએ સાબિત કર્યું કે જાતિ માટેના ધિક્કારને પ્રેમથી જીતી શકાય છે. તેઓએ મંડળની એકતાને ઊની આંચ આવવા દીધી ન હતી. હું ખુશ છું કે ખભેખભા મિલાવીને અમે મુશ્કેલીઓનો સામનો કર્યો!

૧૯૬૯માં ન્યૂ યૉર્કના યાંકી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. એનો વિષય હતો, ‘પીસ ઓન અર્થ.’ ભાઈ મિલ્ટન જી. હેન્શલ સંમેલનના ચેરમેન હતા. મને તેમના સહાયક તરીકે ઘણું શીખવા મળ્યું. ૧૯૭૦માં નાઇજીરિયાના લાગોસમાં “મેન ઓફ ગુડવિલ” આંતરરાષ્ટ્રીય સંમેલન થયું ત્યારે, મારો એ અનુભવ કામ લાગ્યો. યુદ્ધ પૂરું થયાને તો હજી થોડો જ સમય થયો હતો, પણ યહોવાના આશીર્વાદથી એ સંમેલન સફળ રહ્યું. ૧૭ ભાષામાં યોજાયેલો એ કાર્યક્રમ ૧,૨૧,૧૨૮ લોકોએ માણ્યો હતો. એ એક રેકોર્ડ હતો. એ સંમેલનમાં ૩,૭૭૫ લોકોએ બાપ્તિસ્મા લીધું હતું. બાઇબલમાં પચાસમાના દિવસે થયેલા બાપ્તિસ્માનો ઉલ્લેખ છે. પચાસમાના દિવસ પછી ક્યારેય આટલી મોટી સંખ્યામાં બાપ્તિસ્મા થયું નથી. એ અદ્‍ભુત ઘડી જોવાનો મોકો ભાઈ નોર, ભાઈ હેન્શલ અને અમેરિકા, ઇંગ્લૅન્ડથી આવેલાં બીજા ભાઈ-બહેનોને મળ્યો હતો. તમે કદાચ વસ્તી વિસ્ફોટ વિશે સાંભળ્યું હશે, પણ આને હું પ્રકાશક વિસ્ફોટ કહીશ!

૧૯૭૦માં નાઇજીરિયાના લાગોસમાં “મેન ઓફ ગુડવિલ” આંતરરાષ્ટ્રીય સંમેલનમાં

“મેન ઓફ ગુડવિલ” આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ૧,૨૧,૧૨૮ લોકો હાજર હતા. કાર્યક્રમ ઇબો અને બીજી ૧૬ ભાષાઓમાં હતો

નાઇજીરિયામાં મેં ત્રીસથી વધુ વર્ષ સેવા આપી હતી. કેટલીક વાર મને મંડળોની મુલાકાત લેવાનો મોકો મળ્યો, તો કેટલીક વાર પશ્ચિમ આફ્રિકાના દેશોની શાખામાં ઝોન ઓવરસિયર તરીકે જવાનો. એવી મુલાકાત દરમિયાન મિશનરીઓને મળવાનું થતું. દરેકને મળીને ઉત્તેજન આપવામાં આવતું. મિશનરીઓ એની ઘણી કદર કરતા. યહોવાનું સંગઠન તેમને ભૂલી નથી ગયું, એવું આશ્વાસન આપવું મારા માટે એક લહાવો હતો. આ બધાથી મને એક વાત સમજાઈ છે, ભાઈ-બહેનોમાં અંગત રસ લઈને તેમની સારસંભાળ રાખવામાં આવે ત્યારે, તેઓ વધારે પ્રગતિ કરે છે. એનાથી યહોવાનું સંગઠન મજબૂત થાય છે અને એકતા જળવાય રહે છે.

યહોવાની મદદ વગર અમે યુદ્ધ અને બીમારીઓ જેવી મુશ્કેલીઓ સહી શક્યા ન હોત. ડગલે ને પગલે અમને યહોવાના આશીર્વાદ મળ્યા છે. ઓરિસ કહે છે:

‘અમને ઘણી વાર મેલેરિયા થયો હતો. લાગોસ શહેરમાં હતા ત્યારે, એક વાર તો મારા પતિ બેભાન થઈ ગયા હતા, હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. લોકો કહેતા કે તે નહિ બચે, પણ તે બચી ગયા! તેમને ભાન આવ્યું ત્યારે, તેમનું ધ્યાન રાખનાર નર્સને તે ખુશખબર જણાવવા લાગ્યા. એ ભાઈનું નામ નવામ્બીવી હતું. પછી, અમે બંને તેમને બાઇબલ શીખવવા જતા. તેમણે સત્ય સ્વીકાર્યું અને સમય જતાં તે અબા મંડળના વડીલ બન્યા. ઘણા લોકોને યહોવાના ભક્ત બનવા મદદ કરવાનો મને પણ મોકો મળ્યો છે. અરે, ઘણા ચુસ્ત મુસ્લિમોને પણ મેં યહોવાના ભક્ત બનવા મદદ કરી છે. નાઇજીરિયાના લોકોને મળીને અમને સૌથી વધારે ખુશી થઈ છે. તેઓનાં રીત-રિવાજો, સંસ્કૃતિ અને ભાષા જાણવાની ઘણી મજા આવી છે.’

બીજો એક બોધપાઠ: વિદેશમાં મળેલી સોંપણીમાં સફળ થવું હોય તો, આપણાં ભાઈ-બહેનો માટે પ્રેમ કેળવવો પડે, ભલે પછી તેઓ ગમે એ સમાજના હોય.

નવી સોંપણી

નાઇજીરિયાના બેથેલમાં સેવા કર્યા પછી, ૧૯૮૭માં અમને ફિલ્ડ મિશનરી તરીકે નવી સોંપણી મળી હતી. કૅરિબિયન ટાપુઓમાંના સેન્ટ લુસિયા નામના સુંદર ટાપુ પર અમારે જવાનું હતું. આફ્રિકામાં એક કોયડો જોવા મળતો, એક પુરુષ ઘણી પત્ની રાખતો. અહીં સેન્ટ લુસિયામાં બીજી તકલીફ છે, અહીં સ્ત્રી-પુરુષ લગ્‍ન કર્યા વગર સાથે રહે છે. પણ, અમારા એવા ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ હતા, જેઓએ બાઇબલમાંથી શીખ્યા પછી જરૂરી ફેરફાર કર્યા.

ઓરિસ અને વુડવર્થ મીલ્સ પછીના વર્ષોમાં

ઓરિસ સાથે મેં જીવનના યાદગાર ૬૮ વર્ષો વિતાવ્યા

ઉંમર વધે છે એમ શરીરની શક્તિ ઘટતી જાય છે. એટલે નિયામક જૂથે ૨૦૦૫માં અમને બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં મુખ્યમથકે મોકલ્યા. હું યહોવાનો દરરોજ આભાર માનું છું કે મને ઓરિસ જેવી પત્ની આપી. ૨૦૧૫માં મરણે તેને મારી પાસેથી છીનવી લીધી. આજની તારીખે મને જીવન ખાલી ખાલી લાગે છે. ખભેથી ખભા મિલાવીને તેણે મને ટેકો આપ્યો છે. હું તેને ખૂબ પ્રેમ કરતો. અમે જિંદગીના ૬૮ વર્ષ સાથે વિતાવ્યા છે. લગ્‍નજીવન હોય કે મંડળ, અમે ખુશ રહી શક્યા છે. એ ખુશીનું રહસ્ય છે: જવાબદાર વ્યક્તિને માન આપવું, દિલથી માફ કરવું, નમ્રતા કેળવવી અને ઈશ્વરની શક્તિથી ઉત્ત્પન્‍ન થતા ગુણો કેળવવા.

જ્યારે નિરાશ થઈ જતા, ત્યારે અમે મદદ માટે યહોવા તરફ મીટ માંડતા. જતી કરેલી બાબતો માટે પસ્તાવો ન કરવાનું અમને શીખવા મળ્યું. અમે જરૂરી સુધારો કરતા તેમ, જોઈ શકતા કે સમય જતાં એ સમસ્યાનો ઉકેલ આવે છે. અરે, કાયમી ઉકેલ આવવાનો તો હજી બાકી છે!—યશા. ૬૦:૧૭; ૨ કોરીં. ૧૩:૧૧.

ત્રિનિદાદ અને ટોબેગોમાં મારાં મમ્મીપપ્પા અને બીજા વફાદાર ભક્તોની મહેનત પર યહોવાએ આશીર્વાદ આપ્યો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ત્યાં ૯,૮૯૨ લોકો યહોવાના ભક્ત બન્યા છે. અરુબા દેશમાં હું જે મંડળમાં હતો, એ મંડળને મજબૂત કરવા ઘણા લોકોએ મહેનત કરી છે. એ દેશમાં આજે ૧૪ મંડળો છે. નાઇજીરિયામાં એક સમયે થોડા પ્રકાશકો હતા, આજે ૩,૮૧, ૩૯૮ જેટલા પ્રકાશકો છે. સેન્ટ લુસિયા ટાપુ પર ૭૮૩ ઈશ્વરભક્તો છે.

મારી ઉંમર હવે નેવુંથી પણ વધારે છે. જેઓ યહોવાના ઘરમાં રોપાયેલા છે, તેઓ વિશે ગીતશાસ્ત્ર ૯૨:૧૪ જણાવે છે: ‘તેઓ ઘડપણમાં પણ ફળ આપશે, તેઓ તાજા અને લીલા રહેશે.’ હું યહોવાનો આભારી છું કે તેમની સેવામાં આખી જિંદગી વિતાવી શક્યો. યહોવાએ મારા પર પ્રેમ વરસાવ્યો છે, એના લીધે હું “ઈશ્વરનાં આંગણાંમાં ખીલી” શક્યો છું.—ગીત. ૯૨:૧૩.

a માર્ચ ૮, ૧૯૭૨ સજાગ બનો! (અંગ્રેજી), પાન ૨૪-૨૬ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો