જીવન સફર
યહોવા પરનો ભરોસો, મારી સલામતીનું રહસ્ય
જ્યારે લોકો મને પૂછે છે કે યહોવાની સેવામાં મેં શું કર્યું, ત્યારે હું કહું છું: “હું યહોવાના હાથમાં એક સૂટકેસ જેવો છું!” મારા કહેવાનો અર્થ છે કે જેમ હું મારી સૂટકેસને ચાહું ત્યાં લઈ જાઉં છું, તેમ મારી ઇચ્છા છે કે યહોવા અને તેમનું સંગઠન ચાહે ત્યાં મને લઈ જાય. એટલે કે મારે ક્યાં જવું અને ક્યારે જવું એનું માર્ગદર્શન આપે. અમુક સોંપણીઓમાં મુશ્કેલીઓ આવી, તો અમુક વાર જોખમોનો સામનો કરવો પડ્યો. પણ હું શીખ્યો કે યહોવા પર ભરોસો રાખવો એ જ સાચી સલામતીનું રહસ્ય છે.
યહોવા પર ભરોસો કરવાની શરૂઆત
ઈસવીસન ૧૯૪૮માં નાઇજીરિયાના એક નાનકડા ગામડામાં મારો જન્મ થયો. એ સમય દરમિયાન મારા કાકા મુસ્તફા અને પછીથી મારો મોટો ભાઈ વહાબી બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષીઓ બન્યા. હું નવ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. એનાથી તો હું સાવ પડી ભાંગ્યો. વહાબીએ મને જણાવ્યું કે અમે પપ્પાને ફરી મળીશું, તેમને પાછા જીવતા કરવામાં આવશે. એનાથી મને એટલો દિલાસો મળ્યો કે મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. ૧૯૬૩માં મેં બાપ્તિસ્મા લીધું. થોડા સમયમાં મારા બીજા ત્રણ ભાઈઓએ પણ બાપ્તિસ્મા લીધું.
૧૯૬૫માં હું લાગોસ શહેર ગયો, જ્યાં મારો મોટો ભાઈ વિલ્સન રહેતો હતો. ત્યાં ઇગ્બોબી મંડળમાં સેવા આપતા નિયમિત પાયોનિયરો સાથે મને ખૂબ મજા આવી. તેઓની ખુશી અને પ્રચારમાં તેઓનો ઉત્સાહ જોઈને મને ખૂબ ઉત્તેજન મળ્યું. એટલે જાન્યુઆરી ૧૯૬૮માં મેં પણ પાયોનિયરીંગ શરૂ કર્યું.
બેથેલમાં સેવા આપતા ભાઈ આલ્બર્ટ ઓલુગબેબીએ અમારા યુવાનો સાથે એક ખાસ સભા રાખી. તેમણે કહ્યું કે ઉત્તર નાઇજીરિયામાં ખાસ પાયોનિયરોની ખૂબ જરૂર છે. મને હજીયે યાદ છે કે ભાઈએ ખૂબ ઉત્સાહથી અમને કહ્યું હતું: “તમે હજી યુવાન છો. યહોવાની સેવામાં તમે સમય અને શક્તિ વાપરી શકો છો. કામ પુષ્કળ છે.” મારે પણ પ્રબોધક યશાયા જેવું બનવું હતું. તેમની જેમ યહોવા જ્યાં મોકલે ત્યાં જવું હતું. એટલે મેં ફૉર્મ ભરી દીધું.—યશા. ૬:૮.
મે ૧૯૬૮માં મને ઉત્તર નાઇજીરિયાના કાનો શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી. એ વખતે ત્યાં બાઇફ્રાન યુદ્ધ ચાલતું હતું, જે ૧૯૬૭થી લઈને ૧૯૭૦ સુધી ચાલ્યું. ઉત્તર નાઇજીરિયામાં યુદ્ધે ઘણી તારાજી સર્જી હતી. ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પછી એ યુદ્ધ પૂર્વ નાઇજીરિયામાં ચાલ્યું. એક ભાઈને મારી ખૂબ ચિંતા થતી હતી. એટલે તે ચાહતા ન હતા કે હું મારી સોંપણીમાં જાઉં. પણ મેં તેમને કહ્યું: “ભાઈ, તમે મારી ચિંતા કરો છો એ જાણીને સારું લાગ્યું. પણ જો યહોવા ચાહતા હોય કે હું ત્યાં જઈને સેવા કરું, તો મને પૂરો ભરોસો છે કે ત્યાં તે મારી સાથે હશે.”
યુદ્ધે વેર્યો વિનાશ, પણ હતો યહોવા પર વિશ્વાસ
કાનોની હાલત બહુ ખરાબ હતી. યુદ્ધના લીધે આ મોટું શહેર ખેદાન-મેદાન થઈ ગયું હતું. પ્રચારમાં જતા ત્યારે ઘણી વાર અમને યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની લાશો જોવા મળતી. કાનોમાં ઘણાં મંડળો હતાં. પણ મોટા ભાગનાં ભાઈ-બહેનો શહેર છોડીને જતાં રહ્યાં હતાં. ૧૫થી પણ ઓછાં ભાઈ-બહેનો રહી ગયાં હતાં. તેઓ ખૂબ ડરી ગયાં હતાં અને નિરાશ થઈ ગયાં હતાં. અમે છ ખાસ પાયોનિયરો ત્યાં પહોંચ્યા ત્યારે એ ભાઈ-બહેનોની ખુશી સમાતી ન હતી. અમે તેઓને ઉત્તેજન આપ્યું અને તેઓના જીવમાં જીવ આવ્યો. અમે ફરીથી સભાઓ અને પ્રચારકામ શરૂ કરવા તેઓને મદદ કરી. શાખા કચેરીને પ્રચાર રિપોર્ટ મોકલવા અને સાહિત્ય મંગાવવા પણ તેઓને મદદ કરી.
અમે ખાસ પાયોનિયરોએ હૌસા ભાષા શીખવાનું શરૂ કર્યું. જ્યારે ત્યાંના લોકોએ પોતાની ભાષામાં રાજ્યનો સંદેશો સાંભળ્યો, ત્યારે ઘણાને એમાં રસ પડ્યો. પણ કાનોના મુખ્ય ધર્મના સભ્યોને આપણું પ્રચારકામ ગમતું ન હતું. એટલે અમે ખૂબ સાચવીને પ્રચાર કરવા લાગ્યા. એક વખતે હું અને એક ભાઈ પ્રચાર કરતા હતા ત્યારે, એક માણસ ચપ્પુ લઈને અમારી પાછળ પડ્યો. અમે તેના કરતાં બહુ ઝડપથી ભાગ્યા, એટલે બચી ગયા. જોખમ તો ઘણું હતું, પણ યહોવાએ અમને ‘સલામત રાખ્યા’ અને પ્રકાશકોની સંખ્યા વધવા લાગી. (ગીત. ૪:૮) આજે કાનોનાં ૧૧ મંડળોમાં ૫૦૦ કરતાં વધારે ભાઈ-બહેનો સેવા આપી રહ્યાં છે.
નાઇજરમાં સતાવણી
નાઇજર દેશના ન્યામેમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપતી વખતે
કાનોમાં રહ્યે અમને થોડા જ મહિના થયા હતા. પછી ઑગસ્ટ ૧૯૬૮માં મને અને બીજા બે ખાસ પાયોનિયરોને ન્યામે મોકલવામાં આવ્યા. એ પ્રજાસત્તાક નાઇજરનું પાટનગર છે. નાઇજર પૂર્વ આફ્રિકામાં આવેલું છે. થોડા જ સમયમાં અમને ખબર પડી ગઈ કે અહીં કાળઝાળ ગરમી પડે છે. હકીકતમાં પૃથ્વી પર જ્યાં સૌથી વધારે ગરમી પડે છે, એવા વિસ્તારોમાંનો આ એક છે. એક તો ગરમી સહન થતી ન હતી અને ઉપરથી અહીંની મુખ્ય ભાષા ફ્રેંચ શીખવાની હતી. એ બધી મુશ્કેલીઓ હોવા છતાં અમે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. અમે ન્યામેમાં રહેતાં ગણ્યાં-ગાંઠ્યાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાનું શરૂ કર્યું. એ સમયે સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાંથી લોકોને શીખવવામાં આવતું. ભાઈ-બહેનોનો જોશ જોરદાર હતો. જોતજોતામાં તો ન્યામેમાં જે લોકોને વાંચતા આવડતું હતું, એવા મોટા ભાગના લોકોના હાથમાં એ પુસ્તક પહોંચી ગયું હતું. અમુક વાર તો એ પુસ્તક લેવા લોકો અમને શોધતા આવતા.
થોડા સમયમાં અમને સમજાઈ ગયું કે અધિકારીઓને યહોવાના સાક્ષીઓ ગમતા નથી. જુલાઈ ૧૯૬૯માં દેશમાં પ્રથમ સરકીટ સંમેલન રાખવામાં આવ્યું. ત્યાં વીસેક લોકો આવ્યા હતા. એ સંમેલનમાં બે પ્રકાશકો બાપ્તિસ્મા લેવાના હતા. અમે એ માટે બહુ આતુર હતા. જોકે સંમેલનના પહેલા જ દિવસે ત્યાં પોલીસ આવી અને તેઓએ કાર્યક્રમ બંધ કરાવી દીધો. તેઓ અમને ખાસ પાયોનિયરોને અને સરકીટ નિરીક્ષકને પકડીને લઈ ગયા. તેઓએ અમારી ઘણી પૂછપરછ કરી અને બીજા દિવસે ફરી આવવાનું કહ્યું. અમને ખ્યાલ આવી ગયો કે અધિકારીઓ મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે અમે બાપ્તિસ્માનું પ્રવચન કોઈકના ઘરે રાખ્યું અને પછી કોઈને ખબર ન પડે એ રીતે એ બે પ્રકાશકોને નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
અમુક અઠવાડિયાઓ પછી સરકારે મને અને બીજા પાંચ પાયોનિયરોને નાઇજર દેશ છોડી દેવાનો હુકમ આપ્યો. એમાંથી બે પાયોનિયર મારી સાથે આવ્યા હતા અને ત્રણ પહેલેથી જ ત્યાં સેવા કરતા હતા. અમારી પાસે ફક્ત ૪૮ કલાક હતા અને વ્યવસ્થા પણ પોતે કરવાની હતી. અમે તેઓની વાત માની અને ત્યાંથી નીકળીને નાઇજીરિયાની શાખા કચેરીમાં ગયા. ત્યાં અમને કહેવામાં આવ્યું કે અમારે ક્યાં જવાનું છે.
મને નાઇજીરિયાના ઓરીસનબારે ગામમાં સોંપણી મળી. ત્યાં થોડાંક જ ભાઈ-બહેનો રહેતાં હતાં. તેઓની સાથે મને પ્રચાર કરવામાં અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં બહુ મજા આવી. પણ છ મહિના પછી શાખા કચેરીએ મને ફરીથી નાઇજર જવા કહ્યું. મારે ત્યાં પોતાની રીતે જવાનું હતું. પહેલા તો મને બહુ નવાઈ લાગી અને થોડી ચિંતા થઈ. પણ નાઇજરનાં ભાઈ-બહેનોને ફરીથી મળવા હું આતુર હતો.
હું ન્યામે પાછો આવ્યો. બીજા જ દિવસે મારી મુલાકાત નાઇજીરિયાના એક વેપારી સાથે થઈ. તે તરત જ પારખી ગયો કે હું યહોવાનો સાક્ષી છું. તેણે મને બાઇબલ વિશે ઘણા સવાલો પૂછ્યા. પછી મેં તેને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું. તે ધૂમ્રપાન કરતો હતો અને ખૂબ દારૂ પીતો હતો. એ બધું છોડ્યા પછી તેણે બાપ્તિસ્મા લીધું. નાઇજરના અલગ અલગ વિસ્તારોમાં ભાઈ-બહેનો સાથે મળીને પ્રચાર કરવામાં મને ઘણી ખુશી મળી. મેં જોયું કે કઈ રીતે ધીરે ધીરે ભાઈ-બહેનોની સંખ્યામાં વધારો થયો. હું પહેલી વાર નાઇજર આવ્યો ત્યારે દેશમાં ૩૧ સાક્ષીઓ હતા અને એ છોડ્યું ત્યારે ૬૯ હતા.
“અમે ગિનીમાં ચાલતા રાજ્યના કામ વિશે વધારે કંઈ જાણતા નથી”
ડિસેમ્બર ૧૯૭૭માં મને તાલીમ માટે નાઇજીરિયા બોલાવવામાં આવ્યો. એ તાલીમ ત્રણ અઠવાડિયાની હતી. તાલીમને અંતે શાખા સમિતિના સેવક ભાઈ મેલ્કોમ વીગો મારી પાસે આવ્યા. તેમણે મને સિયેરા લિયોન શાખાથી આવેલો એક પત્ર વાંચવા આપ્યો. એમાં લખ્યું હતું કે ગિનીમાં સરકીટ નિરીક્ષકની જરૂર છે. તેઓને એક તંદુરસ્ત, કુંવારા અને પાયોનિયર ભાઈની જરૂર હતી, જેને અંગ્રેજી અને ફ્રેંચ ભાષા આવડતી હોય. ભાઈ વીગોએ મને જણાવ્યું કે એ જ સોંપણી માટે મને તાલીમ આપવામાં આવી રહી હતી. તેમણે બહુ ભારપૂર્વક મને કહ્યું કે એ સોંપણી સહેલી નહિ હોય. તેમણે સલાહ આપી: “વિચારીને જવાબ આપજે.” પણ મેં તરત જ કહ્યું: “જો યહોવા મને ત્યાં મોકલતા હોય, તો હું જરૂર જઈશ.”
હું વિમાનમાં બેસીને સિયેરા લિયોન ગયો અને શાખા કચેરીના ભાઈઓને મળ્યો. શાખા સમિતિના એક સભ્યએ મને કહ્યું: “અમે ગિનીમાં ચાલતા રાજ્યના કામ વિશે વધારે કંઈ જાણતા નથી.” ખરું કે, સિયેરા લિયોન શાખા ગિનીમાં ચાલતા પ્રચારકામની દેખરેખ રાખતી હતી. પણ ગિનીમાં ચાલતી રાજકીય ઊથલ-પાથલના લીધે જવાબદાર ભાઈઓ ત્યાં રહેતા ભાઈઓનો સંપર્ક કરી શકતા ન હતા. ત્યાંના ભાઈ-બહેનોની મુલાકાત લેવા તેઓ કોઈ ભાઈને મોકલવા માંગતા હતા. જોકે ઘણા પ્રયત્નો પછી પણ એ શક્ય બન્યું ન હતું. એટલે તેઓએ મને ગિનીના પાટનગર કોનાક્રી જવા અને ત્યાં રહેવા સરકાર પાસેથી મંજૂરી મેળવવા કહ્યું.
“જો યહોવા મને ત્યાં મોકલતા હોય, તો હું જરૂર જઈશ”
કોનાક્રી પહોંચીને હું નાઇજીરિયાની ઍમબ્સીમાં (દૂતાવાસમાં) ગયો અને ત્યાંના એક અધિકારીને મળ્યો. મેં તેમને જણાવ્યું કે હું ગિનીમાં રહીને પ્રચાર કરવા માંગું છું. તેમણે મને અરજ કરી કે હું અહીં ના રહું તો સારું, કેમ કે મારી ધરપકડ થઈ શકતી હતી અથવા બીજું કોઈ નુકસાન થઈ શકતું હતું. તેમણે કહ્યું: “નાઇજીરિયા પાછો જતો રહે અને ત્યાં પ્રચાર કર.” મેં તેમને કહ્યું: “મેં તો અહીં રહેવાનું નક્કી કરી લીધું છે.” એટલે તેમણે ગિનીના એક મંત્રીને પત્ર લખ્યો અને મને મદદ કરવા જણાવ્યું. એ મંત્રીએ મને મદદ કરી.
થોડા જ સમય પછી હું સિયેરા લિયોન શાખા કચેરીમાં પાછો ગયો અને ત્યાંના ભાઈઓને મેં મંત્રીનો નિર્ણય સંભળાવ્યો. મને ગિનીમાં રહેવાની પરવાનગી મળી ગઈ હતી! યહોવાએ કઈ રીતે મારી મુસાફરીને સફળ બનાવી હતી, એ જાણીને ભાઈઓની ખુશીનો પાર ન રહ્યો.
સિયેરા લિયોનમાં સરકીટ કામ કરતી વખતે
૧૯૭૮થી ૧૯૮૯ સુધી મેં ગિની અને સિયેરા લિયોનમાં સરકીટ નિરીક્ષક તરીકે તેમજ લાઇબીરિયામાં અવેજી સરકીટ નિરીક્ષક તરીકે કામ કર્યું. શરૂઆતમાં હું વારેઘડીએ બીમાર પડી જતો. અમુક વાર એવા વિસ્તારમાં બીમાર પડતો, જ્યાં આસપાસ કોઈ દવાખાનું ન હોય. પણ મને દવાખાને લઈ જવા ભાઈઓ બનતું બધું કરતા.
એક વાર હું સખત બીમાર પડ્યો. મને ઝેરી મેલેરિયા થયો હતો અને આંતરડાંમાં કીડા પણ પડ્યા હતા. સમય જતાં હું સાજો થઈ ગયો. પણ પછીથી મને જાણવા મળ્યું કે ભાઈઓને લાગતું હતું કે હું નહિ બચું. તેઓ તો એ પણ વિચારવા લાગ્યા હતા કે મને દફનાવશે ક્યાં. જીવ જોખમમાં આવી પડે એવા ઘણા બનાવો બન્યા, પણ મેં કદીયે મારી સોંપણી છોડી દેવાનો વિચાર ન કર્યો. મને પૂરો ભરોસો હતો કે ફક્ત ઈશ્વર જ મારું રક્ષણ કરી શકે છે, સાચી સલામતી આપી શકે છે. કેમ કે જો મરી જઈએ તોપણ તે જ આપણને પાછા જીવતા કરી શકે છે.
મેં અને મારી પત્નીએ યહોવામાં ભરોસો રાખ્યો
૧૯૮૮માં અમારા લગ્નના દિવસે
૧૯૮૮માં હું એક નમ્ર અને યહોવાને પ્રેમ કરનાર પાયોનિયર બહેનને મળ્યો. તેનું નામ દોરકસ હતું. પછી અમે લગ્ન કર્યું. સરકીટ કામમાં તેણે મને ઘણો સાથ આપ્યો. દોરકસ બહુ પ્રેમાળ અને મહેનતુ છે. તે યહોવા માટે કંઈ પણ જતું કરવા તૈયાર છે. અમુક વાર એક મંડળથી બીજા મંડળ જવા અમારે ૨૫-૨૫ કિલોમીટર ચાલીને જવું પડતું, એ પણ સામાન ઊંચકીને. અમુક મંડળો ખૂબ દૂર હતાં. ત્યાં જવા જે કંઈ સાધન મળતું એમાં બેસીને જતાં. એ મુસાફરી ઘણી અઘરી રહેતી, કેમ કે રસ્તાઓ ઊબડ-ખાબડ અને કાદવ-કીચડથી ભરેલા હતા.
દોરકસ ઘણી હિંમતવાળી છે. દાખલા તરીકે, અમુક વાર અમારે એવી નદીઓ પાર કરવી પડતી, જે મગરોથી ભરેલી હતી. એક બનાવ જણાવું. એકવાર અમારે પાંચ દિવસની મુસાફરી કરવાની હતી. રસ્તામાં એક નદી આવતી હતી. એ નદી પર બાંધેલો લાકડાનો પુલ તૂટી ગયો હતો. એટલે અમારે એક નાનકડી હોડીમાં બેસીને એ નદી પાર કરવી પડી. જ્યારે દોરકસ હોડીમાંથી ઊતરવા ગઈ, ત્યારે ઊંડા પાણીમાં પડી ગઈ. એક તો નદીમાં ઘણા મગરો હતા, અને અમને બંનેને તરતા આવડતું ન હતું. એ તો સારું થયું કે અમુક યુવાનિયાઓ એ નદીમાં કૂદ્યા અને દોરકસને બચાવી લીધી. ઘણા સમય સુધી અમને બંનેને એ બનાવનાં ડરામણાં સપનાં આવતાં હતાં. તોપણ અમે સરકીટ કામમાં લાગુ રહ્યાં.
અમારાં બાળકો જાહગિફ્ટ અને એરિક યહોવા તરફથી ભેટ છે
૧૯૯૨ની શરૂઆતમાં અમને એવા સમાચાર મળ્યા, જે વિશે અમે કદી વિચાર્યું ન હતું. અમને જાણવા મળ્યું કે દોરકસ મા બનવાની છે. હવે અમારે નક્કી કરવાનું હતું કે અમે ખાસ પાયોનિયર તરીકે સેવા ચાલુ રાખીશું કે નહિ. અમે એકબીજાને કહ્યું: “યહોવાએ આપણને ભેટ આપી છે!” એટલે અમે અમારી દીકરીનું નામ જાહગિફ્ટ (અર્થ, યહોવા તરફથી ભેટ) રાખ્યું. એના ચાર વર્ષ પછી એરિકનો જન્મ થયો. એ બંને બાળકો સાચે જ યહોવા તરફથી ભેટ છે. જાહગિફ્ટે કોનાક્રીમાં આવેલા ભાષાંતર કેન્દ્રમાં થોડો સમય સેવા આપી અને એરિક સહાયક સેવક છે.
ખરું કે, બાળકોના ઉછેરને લીધે દોરકસે ખાસ પાયોનિયરીંગ છોડવું પડ્યું. પણ તે નિયમિત પાયોનિયરીંગ કરતી રહી. યહોવાની મદદથી હું ખાસ પાયોનિયરીંગ કરતો રહ્યો. બાળકો મોટાં થઈ ગયાં પછી દોરકસ ફરીથી ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા લાગી. હવે અમે બંને કોનાક્રીમાં ફિલ્ડ મિશનરી તરીકે સેવા આપીએ છીએ.
સાચી સલામતી યહોવા આપે છે
યહોવા મને જ્યાં પણ લઈ ગયા છે, ત્યાં હું ગયો છું. મેં અને મારી પત્નીએ ઘણી વાર અનુભવ્યું છે કે યહોવાએ અમારું રક્ષણ કર્યું છે અને અમારી ઝોળી આશીર્વાદોથી ભરી દીધી છે. અમે ધનદોલતમાં નહિ, પણ યહોવામાં ભરોસો રાખ્યો છે. એના લીધે અમે ઘણી તકલીફો અને ચિંતાઓથી બચી શક્યાં છીએ. હું અને દોરકસ પોતાના અનુભવથી શીખ્યાં છીએ કે સાચી સલામતી તો આપણા “તારણહાર ઈશ્વર” યહોવા જ આપી શકે છે. (૧ કાળ. ૧૬:૩૫) મને પૂરી ખાતરી છે કે જેઓ યહોવા પર ભરોસો રાખે છે, તેઓનો ‘જીવ તે જીવનની ઝોળીમાં સાચવી રાખે છે.’—૧ શમુ. ૨૫:૨૯.