વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 માર્ચ પાન ૨૯-૩૧
  • તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘બધા લોકો કહેશે, “આમેન!”’
  • ‘બધા લોકોએ “આમેન” કહીને યહોવાની સ્તુતિ કરી’
  • “આમેન” બોલવું શા માટે મહત્ત્વનું છે?
  • યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ અજોડ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • તમારી અરજો ઈશ્વરને જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 માર્ચ પાન ૨૯-૩૧
મંડળનાં ભાઈ-બહેનો પ્રાર્થનામાં માથું નમાવે છે

તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે

યહોવા આપણી ભક્તિને અનમોલ ગણે છે. યહોવા આપણું ‘ધ્યાન દઈને સાંભળે છે.’ (માલા. ૩:૧૬) આપણે યહોવાને મહિમા આપવા જે કંઈ કરીએ છીએ, એ તેમના ધ્યાન બહાર જતું નથી. અરે, એક નાનકડો શબ્દ પણ તેમના ધ્યાન બહાર જતો નથી! દાખલા તરીકે, તમે “આમેન” શબ્દનો ઘણી વખત ઉપયોગ કર્યો હશે. શું એ નાનકડા શબ્દને પણ યહોવા કીમતી ગણે છે? હા, ચોક્કસ! એ સમજવા ચાલો જોઈએ કે “આમેન” શબ્દનો શો અર્થ થાય અને બાઇબલમાં એ કઈ રીતે વપરાય છે.

‘બધા લોકો કહેશે, “આમેન!”’

અંગ્રેજી શબ્દ “આમેન”નો અર્થ છે, “એ પ્રમાણે થાય” અથવા “ચોક્કસ.” એ માટેના મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ છે, “વિશ્વાસુ બનવું” અથવા “ભરોસાને લાયક બનવું.” પ્રાચીન સમયમાં ન્યાય કરતી વખતે પણ એ શબ્દ કેટલીક વાર વપરાતો. સોગંદ લીધા પછી વ્યક્તિ “આમેન” બોલતી, જે બતાવતું કે તેણે જે કહ્યું છે એ સાચું છે. ઉપરાંત, તેણે જે કહ્યું છે એનું પરિણામ ભોગવવા પણ તે તૈયાર છે. (ગણ. ૫:૨૨) એ વ્યક્તિ જાહેરમાં “આમેન” બોલી હોવાથી જરૂરી હતું કે તે પોતાનું વચન પાળે.—નહે. ૫:૧૩.

“આમેન” શબ્દ વપરાયો હોય એવો એક દાખલો જોઈએ. એ પુનર્નિયમ ૨૭મા અધ્યાયમાં જોવા મળે છે. વચનના દેશમાં પ્રવેશ કર્યા પછી, ઇઝરાયેલીઓ એબાલ અને ગરીઝીમ પર્વત પાસે ભેગા મળ્યા હતા. તેઓ નિયમશાસ્ત્ર સાંભળવા આવ્યા હતા. એટલું જ નહિ, તેઓએ નિયમશાસ્ત્રનો સ્વીકાર કર્યો છે એવું જાહેર કરવા પણ આવ્યા હતા. આજ્ઞા નહિ પાળવાથી કેવી શિક્ષા થશે, એ સાંભળીને તેઓ બધાએ “આમેન” કહ્યું હતું. (પુન. ૨૭:૧૫-૨૬) જરા વિચારો, હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો અવાજ કેટલે દૂર સુધી સંભળાયો હશે! (યહો. ૮:૩૦-૩૫) એ શબ્દ તેઓ ક્યારેય ભૂલ્યા નહિ હોય. એ ઇઝરાયેલીઓએ પોતાનું વચન પાળ્યું હતું. એ વિશે બાઇબલમાં લખ્યું છે: ‘યહોશુઆની આખી જિંદગી સુધી, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા અને યહોવાએ જે સર્વ કામ ઇઝરાયેલને માટે કર્યાં હતાં એ જેઓ જાણતા હતા તેઓના જીવતાં સુધી, ઇઝરાયેલે યહોવાની સેવા કરી.’—યહો. ૨૪:૩૧.

ઈસુએ પણ પોતાની વાત સાચી છે, એ બતાવવા “આમેન” કહ્યું હતું. પણ તેમની કહેવાની રીત અનોખી હતી. વાક્યને અંતે “આમેન” (ગુજરાતીમાં એનો અનુવાદ “સાચું” અથવા “સાચે જ” થયો છે) બોલવાને બદલે, ઈસુએ વાક્યની શરૂઆત એ શબ્દથી કરી હતી. કેટલીક વાર તે “આમેન” શબ્દ બે વાર પણ બોલ્યા હતા. (માથ. ૫:૧૮; યોહા. ૧:૫૧) આમ, તેમણે પોતાના સાંભળનારાઓને ખાતરી અપાવી કે પોતે જે કહે છે એ ખરેખર સાચું છે. ઈસુ શા માટે એવું ખાતરીથી કહી શક્યા? કારણ કે, ઈશ્વરના બધાં વચનો પૂરાં કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.—૨ કોરીં. ૧:૨૦; પ્રકટી. ૩:૧૪.

‘બધા લોકોએ “આમેન” કહીને યહોવાની સ્તુતિ કરી’

ઇઝરાયેલીઓ યહોવાની સ્તુતિ કરવા અને તેમને પ્રાર્થના કરવા પણ “આમેન” શબ્દ વાપરતા હતા. (નહે. ૮:૬; ગીત. ૪૧:૧૩) પ્રાર્થના સાંભળનારા લોકો છેલ્લે “આમેન” બોલતા હતા. આમ, તેઓ બતાવતા કે પ્રાર્થનામાં જે કહેવામાં આવ્યું એમાં તેઓ સહમત છે. આ રીતે બધા લોકો યહોવાની ભક્તિ કરવાનો લહાવો લઈ શકતા. દાઊદ રાજા યહોવાનો કરારકોશ યરૂશાલેમ લાવ્યા ત્યારે આવું જ કંઈક થયું હતું. એ ઉજવણીમાં તેમણે દિલથી પ્રાર્થના કરી હતી. ૧ કાળવૃત્તાંત ૧૬:૮-૩૬માં એ પ્રાર્થના ગીત તરીકે લખેલી જોવા મળે છે. એ શબ્દો લોકોનાં દિલને એટલા સ્પર્શી ગયા કે, તેઓએ ‘“આમેન” કહીને યહોવાની સ્તુતિ કરી.’ સાથે મળીને યહોવાની ભક્તિ કરવાથી તેઓની ખુશીનો પાર રહ્યો નહિ.

એવી જ રીતે, પહેલી સદીના ખ્રિસ્તીઓ યહોવાને મહિમા આપતી વખતે “આમેન” શબ્દ વાપરતા. બાઇબલના લેખકો ઘણી વાર પોતાના પત્રોમાં એ શબ્દનો ઉપયોગ કરતા. (રોમ. ૧:૨૫; ૧૬:૨૭; ૧ પીત. ૪:૧૧) પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે સ્વર્ગના દૂતો પણ યહોવાને મહિમા આપવા આમ કહે છે: “આમેન! યાહની સ્તુતિ કરો!” (પ્રકટી. ૧૯:૧, ૪) પહેલી સદીના ખ્રિસ્તીઓ સભામાં પ્રાર્થનાને અંતે “આમેન” બોલતા હતા. (૧ કોરીં. ૧૪:૧૬) પરંતુ, તેઓ વગર વિચાર્યે એ શબ્દ બોલતા ન હતા.

“આમેન” બોલવું શા માટે મહત્ત્વનું છે?

આપણે જોઈ ગયા કે અગાઉના ઈશ્વરભક્તો પણ “આમેન” શબ્દનો ઉપયોગ કરતા હતા. એટલે સમજી શકાય કે પ્રાર્થનાને અંતે “આમેન” બોલવું કેટલું મહત્ત્વનું છે. આપણે જાતે પ્રાર્થના કરીએ ત્યારે “આમેન” બોલીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે, પ્રાર્થનામાં આપણે જે કંઈ કહ્યું એ દિલથી કહ્યું છે. જાહેરમાં પ્રાર્થના થાય ત્યારે, “આમેન” બોલીને બતાવીએ છીએ કે આપણે પ્રાર્થનાના શબ્દોથી સહમત છીએ. પછી ભલેને આપણે “આમેન” મનમાં બોલ્યા હોઈએ. ચાલો આપણે “આમેન” બોલવાના બીજાં કારણો પણ જોઈએ.

યહોવાની ભક્તિમાં ધ્યાન આપી શકીએ છીએ. પ્રાર્થના આપણી ભક્તિનો ભાગ છે. પ્રાર્થના પછી આપણે “આમેન” બોલીએ છીએ અને પ્રાર્થના દરમિયાન યોગ્ય રીતે વર્તીએ છીએ. આમ, આપણે બતાવીએ છીએ કે પ્રાર્થનાથી યહોવાની ભક્તિ કરીએ છીએ. જો આપણે દિલથી “આમેન” બોલવા માંગતા હોઈશું, તો આપણે ધ્યાનથી પ્રાર્થનાના શબ્દો સાંભળીશું.

ભાઈ-બહેનો સાથે એકતામાં રહી શકીએ છીએ. જાહેરમાં પ્રાર્થના થાય ત્યારે, બધાં ભાઈ-બહેનોનું ધ્યાન એક જ સંદેશા પર હોય છે. આમ, તેઓ એક મનના થાય છે. (પ્રે.કા. ૧:૧૪; ૧૨:૫) પ્રાર્થનાને અંતે બધા એકસાથે “આમેન” બોલે છે ત્યારે પણ એકતા વધે છે. ભલે આપણે “આમેન” મનમાં કે જોરથી બોલીએ યહોવા એ ચોક્કસ સાંભળે છે. અને તે આપણી ઇચ્છા પૂરી કરવા પ્રેરાય છે.

એક બહેન ફોન પર સભા સાંભળે છે ત્યારે પ્રાર્થનામાં પોતાનું માથું નમાવે છે

આપણા “આમેન” બોલવાથી યહોવાને મહિમા મળે છે

યહોવાને મહિમા આપી શકીએ છીએ. ભક્તિમાં આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવાના ધ્યાન બહાર જતું નથી, ભલે પછી એ નાનકડી બાબત હોય. (લુક ૨૧:૨, ૩) તે આપણાં વિચારો અને દિલની લાગણીઓ જાણે છે. ફોનથી સભા સાંભળતા હોઈએ, એ સમયે આપણે “આમેન” કહીએ છીએ ત્યારે પણ યહોવા ચોક્કસ સાંભળે છે. આમ, યહોવાને મહિમા આપવામાં મંડળનાં ભાઈ-બહેનો સાથે આપણે પણ જોડાઈએ છીએ.

આપણને લાગી શકે કે આ નાનકડો શબ્દ કંઈ એટલો મહત્ત્વનો નથી. પણ એવું નથી. એક બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા કહે છે, ‘આ શબ્દ દ્વારા ઈશ્વરભક્તો પોતાની આશા, ભરોસો અને સહમતી બતાવે છે.’ આપણે ચાહીએ છીએ કે આપણા “આમેન” બોલવાથી દર વખતે યહોવાને ખુશી મળે.—ગીત. ૧૯:૧૪.

શું પ્રાર્થનામાં દર વખતે “આમેન” કહેવું જરૂરી છે?

“આમેન” મહત્ત્વનો શબ્દ છે. પ્રાર્થના કરનારથી કોઈ વાર બોલવામાં ભૂલ થઈ જાય ત્યારે આપણે શું કરીશું? શું આપણે “આમેન” બોલીશું નહિ? ના, એવું નહિ કરીએ. યહોવા જાણે છે કે આપણે બોલવામાં ભૂલો કરીએ છીએ. તે આપણી ભૂલો પર ધ્યાન આપતા નથી. એટલે પ્રાર્થના કરનારની ભૂલો કાઢવી ન જોઈએ. તેઓ શું કહેવા માંગે છે, એના પર ધ્યાન આપીશું તો આપણે “આમેન” બોલી શકીશું.

જેઓ યહોવાની ભક્તિ કરતા નથી, તેઓ પ્રાર્થના કરાવે ત્યારે આપણે ક્યારેય જોરથી કે મનમાં પણ “આમેન” બોલીશું નહિ. દાખલા તરીકે, આપણે જાહેર પ્રસંગમાં જઈએ અને કોઈ પ્રાર્થના કરાવતું હોય ત્યારે શું કરી શકીએ? અથવા કુટુંબના શિર યહોવાના ભક્ત ન હોય અને તે પ્રાર્થના કરાવે ત્યારે શું કરવું જોઈએ? અથવા કુટુંબના બધા સભ્યો યહોવાના ભક્ત ન હોય અને તેઓ દ્વારા પ્રાર્થના કરાવવામાં આવે ત્યારે શું કરવું જોઈએ?

એવા સંજોગોમાં આપણે ચૂપ રહેવું જોઈએ. આપણે એવા સમયે પ્રાર્થનામાં “આમેન” બોલીશું નહિ. બધા સહમત છે એ બતાવવા એકબીજાનો હાથ પકડે ત્યારે, આપણે હાથ પકડીશું નહિ. આપણે મનમાં અલગથી પ્રાર્થના કરીશું, પણ મોટેથી “આમેન” બોલીશું નહિ. આપણે પ્રાર્થનામાં સાથ આપીએ છીએ એવું લોકોને લાગવું ન જોઈએ. જો પ્રાર્થના કરવા બધા લોકો ઊભા થાય, તો આપણે ઊભા થવું કે નહિ એ પોતે નક્કી કરવું જોઈએ. ઊભા રહેવું કે માથું નમાવવું એ કંઈ ભક્તિનો ભાગ નથી. એવા સંજોગોમાં શું કરવું એ વ્યક્તિ પોતે નક્કી કરશે. તે જે કંઈ કરે એની બીજા કોઈએ ટીકા કરવી ન જોઈએ.

આપણે જે સંજોગોની ચર્ચા કરી, એનાથી જોવા મળે છે કે આપણું “આમેન” બોલવું યહોવાની નજરે કેટલું મહત્ત્વનું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો