વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 જૂન પાન ૨૦-૨૫
  • ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ધીરજ રાખીએ
  • દયા બતાવીએ
  • દિલાસાના શબ્દો બોલીએ
  • પરીક્ષણોનો સામનો કરતી વિધવાઓને મદદ કરવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • એકબીજાને અતૂટ પ્રેમ બતાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવા નિરાશ લોકોને બચાવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 જૂન પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૨૬

ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ

“તમે બધા એક મનના, સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ અને નમ્ર બનો.”—૧ પીત. ૩:૮.

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

ઝલકa

૧. આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ?

યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. (યોહા. ૩:૧૬) આપણે પણ તેમને અનુસરવા માંગીએ છીએ. તેથી, આપણે દરેક વ્યક્તિ માટે “સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ” બનવા ચાહીએ છીએ, ખાસ કરીને “શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો” માટે. (૧ પીત. ૩:૮; ગલા. ૬:૧૦) આપણાં ભાઈ-બહેનો પર મુશ્કેલી આવે ત્યારે, આપણે તેમની પડખે રહેવા માંગીએ છીએ.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨ યહોવાના કુટુંબનો ભાગ બનવા ચાહે છે, એ બધા પર મુશ્કેલીઓ તો આવશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) દુનિયાનો અંત નજીક હોવાથી, આપણે વધારે તકલીફો સહેવી પડશે. આપણે કઈ રીતે એકબીજાને મદદ કરી શકીએ? ચાલો લોત, અયૂબ અને નાઓમીના દાખલામાંથી શીખીએ. આપણે જોઈશું કે, ભાઈ-બહેનોએ આજે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે; આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ.

ધીરજ રાખીએ

૩. બીજો પીતર ૨:૭, ૮માં જણાવ્યા પ્રમાણે લોતે કેવો નિર્ણય લીધો? એનું શું પરિણામ આવ્યું?

૩ લોતે એક ખોટો નિર્ણય લીધો, તે સદોમ રહેવા ગયા. ત્યાંના લોકો સાવ બગડી ગયા હતા. (૨ પીતર ૨:૭, ૮ વાંચો.) એ વિસ્તારની જાહોજલાલી જેવી-તેવી ન હતી. પણ, ત્યાં રહેવા લોતે મોટી કિંમત ચૂકવી, તેમણે ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. (ઉત. ૧૩:૮-૧૩; ૧૪:૧૨) તેમની પત્નીને એ શહેર માટે કે પછી ત્યાંના કેટલાંક લોકો માટે એટલો બધો પ્રેમ હતો કે, તે યહોવાને બેવફા બની. ઈશ્વરે એ વિસ્તારનો આગ અને ગંધકથી નાશ કર્યો ત્યારે લોતની પત્નીએ જીવ ગુમાવ્યો. લોતની બે છોકરીઓએ પણ મુશ્કેલીઓ સહેવી પડી. તેઓની સગાઈ થઈ હતી. એ પુરુષો પણ સદોમમાં મરણ પામ્યા. લોતે ઘરબાર ગુમાવ્યા. સૌથી મોટું નુકસાન તો પત્નીને ગુમાવી. (ઉત. ૧૯:૧૨-૧૪, ૧૭, ૨૬) એ મુશ્કેલ ઘડીમાં શું યહોવાએ લોતનો સાથ છોડી દીધો? ના, યહોવાએ એવું કર્યું નહિ.

દૂતો લોત અને તેમના કુટુંબને સદોમ શહેરમાંથી બહાર કાઢે છે

લોત અને તેમના કુટુંબને બચાવવા યહોવાએ દૂતો મોકલીને દયા બતાવી (ફકરા ૪ જુઓ)

૪. યહોવા લોત સાથે કઈ રીતે વર્ત્યા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૪ સદોમમાં રહેવાનો નિર્ણય ભલે લોતે લીધો હતો. છતાં, યહોવાએ દયા બતાવી. લોત અને તેમના કુટુંબને બચાવવા દૂતો મોકલ્યા. દૂતોએ લોતને શહેર છોડવા જણાવ્યું. તરત જ એમ કરવાને બદલે ‘તે મોડું કરતા હતા.’ છેવટે, દૂતોએ તેમનો હાથ પકડીને તેમને અને તેમના કુટુંબને શહેરની બહાર નીકળવા મદદ કરવી પડી. (ઉત. ૧૯:૧૫, ૧૬) દૂતોએ પર્વતવાળા વિસ્તારમાં ભાગી જવાનું જણાવ્યું. એ આજ્ઞા માનવાને બદલે લોતે પૂછ્યું કે નજીકના નગરમાં જઈ શકે કે કેમ. (ઉત. ૧૯:૧૭-૨૦) યહોવાએ ધીરજથી તેમની વાત સાંભળી અને એ નગરમાં જવાની છૂટ આપી. સમય જતાં, લોતને એ નગરમાં ડર લાગ્યો. છેવટે તે પર્વતવાળા વિસ્તારમાં રહેવા ગયા. યહોવાએ તો પહેલેથી જ તેમને એ વિસ્તારમાં જવાનું કહ્યું હતું! (ઉત. ૧૯:૩૦) યહોવાએ કેટલી બધી ધીરજ બતાવી! આપણે કઈ રીતે તેમની જેમ વર્તી શકીએ?

૫-૬. પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૪ની સલાહ કઈ રીતે લાગુ પાડી શકાય?

૫ લોત જેવું આજે આપણાં ભાઈ-બહેનો પણ કરે છે. તેઓ પણ ખોટાં નિર્ણય લે છે અને પછી મુશ્કેલીઓમાં સપડાય છે. એવું થાય ત્યારે આપણે શું કરીશું? કદાચ આપણને થાય: ‘તેને મોં પર કહી દઉં કે, તેણે જે વાવ્યું છે એ જ લણવું પડશે.’ એ વાત સાચી પણ હોય! (ગલા. ૬:૭) પણ, આપણે તો યહોવાના દાખલાને અનુસરવાનું છે. યહોવાએ જે રીતે લોતને મદદ કરી એ રીતે આપણે તેઓને મદદ કરવી જોઈએ. ચાલો જોઈએ કે એવું કેમનું કરી શકાય.

૬ યહોવાએ ફક્ત દૂતો મોકલીને લોતને ચેતવણી જ ન આપી. પરંતુ, ત્યાંથી ભાગવા મદદ પણ કરી. એવી જ રીતે, આપણા ભાઈ કે બહેન મુશ્કેલીમાં પડવાના હોય, તો તેમને ચેતવણી આપીશું. તેમને મદદ પણ કરીશું. બાઇબલની સલાહ લાગુ પાડવામાં તે મોડું કરતા હોય, તો આપણે ધીરજ રાખીશું. પેલા બે દૂતોની જેમ આપણે વર્તીશું. ભાઈને છોડી ન દઈએ, પણ મદદ કરતા રહીએ. ફક્ત શબ્દોથી નહિ, કાર્યોથી પણ મદદ કરીએ. (૧ યોહા. ૩:૧૮) કદાચ આપણે તેમનો હાથ પકડવો પડે, એટલે કે તેમને મળેલી સલાહ લાગુ પાડવા મદદ કરવી પડે.—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ વાંચો.

૭. યહોવાની જેમ વર્તવા આપણે શું કરવું જોઈએ?

૭ યહોવાએ ચાહ્યું હોત તો, લોતની ભૂલો પર ધ્યાન આપી શક્યા હોત. પણ યહોવાએ એવું કર્યું નહિ. તેમણે તો પીતર પાસે એવું લખાવ્યું કે લોત નેક માણસ હતા. કેટલી ખુશીની વાત કહેવાય કે યહોવા આપણી ભૂલોને માફ કરે છે! (ગીત. ૧૩૦:૩) યહોવા લોત સાથે જે રીતે વર્ત્યા, શું આપણે એવું કરી શકીએ? હા, જો આપણે ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓ સાથે ધીરજથી વર્તી શકીશું. પછી, તેઓને સલાહ આપીશું તો, તેઓ પણ ખુશીથી એ સ્વીકારશે.

દયા બતાવીએ

૮. દયાથી પ્રેરાઈને આપણે શું કરીશું?

૮ અયૂબે લોતની જેમ ખોટા નિર્ણય લીધા ન હતા. છતાં, તેમણે મુશ્કેલીઓનો ભોગ બનવું પડ્યું. તેમની મિલકત જતી રહી, સમાજમાંથી માન-મોભો જતો રહ્યો અને તબિયત પણ બગડી ગઈ. સૌથી મોટું નુકસાન તો, તેમનાં બાળકો મરણ પામ્યાં. અધૂરામાં પૂરું, તેમના ત્રણ મિત્રોએ તેમના પર ખોટા આરોપ મૂક્યા. તેઓ અયૂબ સાથે દયાથી વર્ત્યા નહિ. એનું એક કારણ છે, તેઓએ અયૂબના સંજોગો સમજવાની કોશિશ કરી ન હતી. તેઓના વિચારો યોગ્ય ન હતા એટલે તેઓ અયૂબ સાથે ખરાબ રીતે વર્ત્યા. આપણે શા માટે એવી ભૂલ ન કરવી જોઈએ? વ્યક્તિના સંજોગો વિશે યહોવા જેટલું બીજું કોઈ જાણતું નથી. એ વ્યક્તિનું ધ્યાનથી સાંભળો. ફક્ત સાંભળશો જ નહિ, તેનું દુઃખ અનુભવો. એમ કરશો ત્યારે ભાઈ-બહેનો માટેનો સાચો પ્રેમ દેખાઈ આવશે.

૯. આપણામાં દયા હશે તો શું નહિ કરીએ? શા માટે?

૯ બીજાઓ મુશ્કેલીઓનો સામનો કરતા હોય ત્યારે આપણે દયા બતાવવી જોઈએ. તેઓ વિશે ખોટી અફવાઓ ફેલાવવી ન જોઈએ. નિંદાખોર માણસ મંડળની એકતામાં વધારો કરતો નથી, પણ મંડળમાં ભાગલા પાડે છે. (નીતિ. ૨૦:૧૯; રોમ. ૧૪:૧૯) નિંદાખોર માણસમાં પ્રેમ પણ હોતો નથી, કેમ કે તેને બીજાઓની કંઈ પડી હોતી નથી. તેના શબ્દોથી તો દુઃખી માણસના દુઃખમાં વધારો થાય છે! (નીતિ. ૧૨:૧૮; એફે. ૪:૩૧, ૩૨) આપણે બીજાઓના સારા ગુણો તરફ ધ્યાન આપવું જોઈએ. તકલીફો સહેવા તેઓને કઈ રીતે મદદ કરી શકીએ, એનો વિચાર કરવો જોઈએ.

એક ભાઈને ખોટું લાગ્યું છે અને તે વિચાર્યા વગર બોલે છે ત્યારે વડીલ તેમનું ધ્યાનથી સાંભળે છે; પછીથી બંને ભાઈઓ ચાલવા નીકળે છે

આપણાં ભાઈ કે બહેન ‘વિચાર્યા વગર બોલે’ ત્યારે ધ્યાનથી સાંભળીએ અને યોગ્ય સમયે દિલાસાના શબ્દો બોલીએ (ફકરા ૧૦-૧૧ જુઓ)c

૧૦. અયૂબ ૬:૨, ૩માં લખેલા શબ્દો આપણને શું શીખવે છે?

૧૦ અયૂબ ૬:૨, ૩ વાંચો. અયૂબ ઘણી વાર ‘વિચાર્યા વગર બોલ્યા હતા.’ પછીથી તેમને અમુક વાતનો પસ્તાવો થયો હતો. (અયૂ. ૪૨:૬) કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે કદાચ તે પણ અયૂબની જેમ વગર વિચાર્યે બોલી જાય. પછીથી તેને પસ્તાવો થાય. એવા સમયે આપણે શું કરીશું? ટીકા કરવાને બદલે આપણે તેના પર દયા બતાવવી જોઈએ. યાદ રાખો, યહોવાએ માણસોને તકલીફો સહેવા બનાવ્યા ન હતા! પણ આજે આપણે ચિંતા અને તકલીફો સહેવી પડે છે. કોઈ ઈશ્વરભક્ત ચિંતામાં હોય ત્યારે વગર વિચાર્યું બોલી જાય, એ સમજી શકાય. યહોવા વિશે કે આપણા વિશે પણ તે કદાચ યોગ્ય ન હોય એવી વાત બોલી જાય તો, આપણે ગુસ્સે ન થવું જોઈએ. તેણે જે કહ્યું એ પકડીને બેસી ન જવું જોઈએ.—નીતિ. ૧૯:૧૧.

૧૧. સલાહ આપતી વખતે વડીલો કઈ રીતે અલીહૂના પગલે ચાલી શકે?

૧૧ મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વ્યક્તિને અમુક વાર સલાહ કે શિસ્તની જરૂર પડી શકે. (ગલા. ૬:૧) એવા સંજોગોમાં વડીલો શું કરી શકે? તેઓ અલીહૂના પગલે ચાલી શકે. તેમણે અયૂબની વાત દિલથી સાંભળી હતી. (અયૂ. ૩૩:૬, ૭) અયૂબની વાત સમજ્યા પછી જ તેમણે સલાહ આપી. વડીલો પણ અલીહૂની જેમ પહેલા ધ્યાનથી સાંભળશે અને વ્યક્તિના સંજોગો સમજશે. એ પછી જ તેઓ સલાહ આપશે. એમ કરવાથી સાંભળનારના દિલ સુધી એની અસર થશે.

દિલાસાના શબ્દો બોલીએ

૧૨. નાઓમીના પતિ અને બે દીકરા ગુજરી ગયા ત્યારે તેને કેવું લાગ્યું?

૧૨ નાઓમી એક વફાદાર સ્ત્રી હતી અને યહોવાને પ્રેમ કરતી હતી. તેના પતિ અને બે દીકરા ગુજરી ગયા હતા. એટલે તે ચાહતી હતી કે તેનું નામ બદલીને “મારા” રાખવામાં આવે, જેનો અર્થ થાય “કડવી.” (રૂથ ૧:૩, ૫, ૨૦, ૨૧) તેના દીકરાની વહુ રૂથ બધી કસોટીઓમાં તેની પડખે રહી હતી. રૂથ તેની કાળજી રાખતી હતી. એટલું જ નહિ, નાઓમીને દિલાસો મળે એવી વાતો કરતી હતી. રૂથે જે શબ્દો કહ્યા ભલે એ સાદા હતા, પણ એમાં નાઓમી માટે પ્રેમ છલકાતો હતો. અરે, તેણે તો એટલે સુધી જણાવ્યું કે તે ક્યારેય નાઓમીનો સાથ છોડશે નહિ.—રૂથ ૧:૧૬, ૧૭.

૧૩. લગ્‍નસાથી ગુમાવનાર વ્યક્તિને કેમ આપણા સહારાની જરૂર પડે છે?

૧૩ મંડળની કોઈ વ્યક્તિ પોતાના લગ્‍નસાથીને મરણમાં ગુમાવે ત્યારે, તેને આપણા સહારાની જરૂર પડે છે. એ સમજવા આ દાખલાનો વિચાર કરો. બે ઝાડ છે, જે એકબીજાની બાજુમાં છે. વર્ષો વીતે તેમ એ બંને ઝાડના મૂળ એકબીજા સાથે વીંટળાઈ જાય છે. એક ઝાડ મૂળમાંથી ઊખડી જાય અને સુકાઈ જાય તો, બીજા ઝાડ પર એની ઊંડી અસર થાય છે. એવી જ રીતે, જીવનસાથી મોતની ઊંઘમાં સરી જાય ત્યારે, તેમના સાથીના દિલ પર એની અસર પડે છે. એ ઊંડા ઘા વર્ષો સુધી રૂઝાતા નથી! પૌલાબહેનનાb પતિનું અચાનક મોત થયું. બહેન કહે છે: ‘મારું જીવન વેરવિખેર થઈ ગયું. મને લાગ્યું કે હું એકલી પડી ગઈ છું. મેં મારા દિલોજાન મિત્ર ગુમાવ્યા હતા. હું મારા દિલની બધી વાત તેમને જણાવતી હતી. તે મારા સુખ-દુઃખના સાથી હતા. હું મારી ચિંતાઓ તેમને જણાવતી ત્યારે તે હંમેશાં સાંભળતા. મને લાગ્યું કે જાણે મારા શરીરના બે ભાગ થઈ ગયા છે!’

એક યુગલ એવા ભાઈની સાથે છે, જેમની પત્ની હમણાં જ મરણ પામી છે; તેઓ ભાઈને તેમના અને તેમની પત્નીના ફોટા બતાવે છે; એનાથી તેમને દિલાસો મળે છે

જેઓએ લગ્‍નસાથીને મરણમાં ગુમાવ્યા છે તેઓને કઈ રીતે સહારો આપી શકીએ? (ફકરા ૧૪-૧૫ જુઓ)d

૧૪-૧૫. લગ્‍નસાથી ગુમાવનાર વ્યક્તિને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?

૧૪ લગ્‍નસાથી ગુમાવનાર વ્યક્તિને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ? સૌથી મહત્ત્વનું છે કે, આપણે તેમની સાથે વાત કરીએ. આપણને શરમ આવતી હોય અથવા શું વાત કરવી એ ખબર પડતી ન હોય તોપણ એમ કરવું જોઈએ. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ પૌલાબહેન કહે છે: ‘હું જાણું છું કે કોઈનું મરણ થાય ત્યારે લોકો પાસે શબ્દો હોતા નથી. તેઓને ડર હોય છે કે કંઈક ખોટું બોલાઈ જશે. પણ લોકો કંઈ ના બોલે તો દુઃખી વ્યક્તિને કોઈ મદદ મળતી નથી.’ એ વ્યક્તિ એવી અપેક્ષા રાખતી નથી કે એ સમયે આપણે ડાહી ડાહી વાતો કરીએ. પૌલાબહેન જણાવે છે: ‘મિત્રો આવીને ફક્ત એટલું જ કહે, “એ જાણીને મને ઘણું દુઃખ થયું,” એ પણ મારા માટે ઘણું છે.’

૧૫ વિલિયમભાઈનાં પત્ની ગુજરી ગયાં એનાં થોડાં વર્ષો પછી તેમણે જણાવ્યું: ‘બીજાઓને મારી પત્ની સાથે સારા અનુભવો થયા હતા. તેઓ એ વિશે મને જણાવે ત્યારે મને ઘણું સારું લાગે છે અને હું તેઓની કદર કરું છું. એનાથી મને ખાતરી થાય છે કે લોકો તેને પ્રેમ કરતા અને માન આપતા હતા. એ શબ્દોથી મને ઘણો દિલાસો મળે છે. મારી પત્ની મારા માટે ખૂબ કીમતી હતી અને મારા જીવનનો મહત્ત્વનો ભાગ હતી.’ બિયન્કાબહેન વિધવા છે, તે કહે છે: ‘બીજાઓ મારી સાથે પ્રાર્થના કરે અને બાઇબલમાંથી કલમો બતાવે ત્યારે મને દિલાસો મળે છે. મારા પતિ વિશે અમે વાતો કરીએ છીએ ત્યારે મને સારું લાગે છે.’

૧૬. (ક) શોકમાં ડૂબેલી વ્યક્તિને કેવી મદદ કરવી જોઈએ? (ખ) યાકૂબ ૧:૨૭માં જણાવ્યા પ્રમાણે યહોવાએ દરેકને કયું કામ સોંપ્યું છે?

૧૬ રૂથે નાઓમીનો સાથ ક્યારેય છોડ્યો નહિ. એવી જ રીતે, આપણે એવા લોકોને સહારો આપતા રહેવું જોઈએ. અગાઉ જોઈ ગયા એ પૌલાબહેન કહે છે: ‘મારા પતિના મરણ પછી મને ઘણા લોકોએ સહારો આપ્યો હતો. સમય જતાં, તેઓ પાછા રોજિંદા કામોમાં પરોવાઈ ગયા. પણ મારું જીવન તો સાવ બદલાઈ ગયું હતું. શોકમાં ડૂબેલી વ્યક્તિને મહિનાઓ કે વર્ષો પછી પણ મદદની જરૂર હોય છે.’ જોકે, બધા માણસો એકસરખા હોતા નથી. અમુક જલદીથી નવા સંજોગો સ્વીકારી લે છે, બીજા અમુકને વાર લાગે છે. બીજા કેટલાક તો અમુક કામ કરતી વખતે દુઃખી દુઃખી થઈ જાય છે, કારણ કે પહેલાં એ કામ તેઓ ભેગા મળીને કરતા હતા. દરેક વ્યક્તિની શોક કરવાની રીત અલગ અલગ હોય છે. શોકમાં છે એવી વ્યક્તિની કાળજી લેવાનું કામ યહોવાએ આપણને દરેકને સોંપ્યું છે. એને આપણે એક લહાવો ગણવો જોઈએ.—યાકૂબ ૧:૨૭ વાંચો.

૧૭. સાથી છોડીને જતા રહ્યા હોય એવી વ્યક્તિને શા માટે આપણી મદદની જરૂર પડે છે?

૧૭ અમુકના સાથી છોડીને જતા રહે ત્યારે તેઓ ઘણા તણાવમાં હોય છે. જોઈસબહેનના પતિ તેમને છોડીને બીજી સ્ત્રી પાસે જતા રહ્યા હતા. બહેન જણાવે છે, ‘છૂટાછેડાનું દુઃખ તો પતિના મરણના દુઃખ કરતાંય વધારે આકરું છે. જો મારા પતિ અકસ્માત કે બીમારીને લીધે મરણ પામ્યા હોત તો એટલું દુઃખ થયું ન હોત. પણ મારા પતિએ તો મને છોડી દીધી. મને લાગતું કે હું કંઈ કામની નથી, મને શરમ આવતી.’

૧૮. લગ્‍નસાથી વગરની વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકો?

૧૮ લગ્‍નસાથી વગર વ્યક્તિ એકલી પડી જાય છે. એવા લોકો માટે નાનું-મોટું કામ કરવું જોઈએ. એમ કરવાથી તેઓને ખાતરી મળશે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. સૌથી મહત્ત્વનું તો તેઓને સારા મિત્રોની જરૂર હોય છે. (નીતિ. ૧૭:૧૭) તમે કદાચ તેઓને જમવા બોલાવી શકો. પ્રચારમાં તેઓને સાથે લઈ જઈ શકો. તેઓની સાથે અવારનવાર હળીમળી શકો. કુટુંબ તરીકેની ભક્તિમાં તેઓને બોલાવી શકો. એનાથી દેખાઈ આવશે કે તમે સાચે જ તેઓના મિત્ર છો. યહોવા પણ ખુશ થશે, કારણ કે “નિરાશ લોકો પાસે યહોવા છે” અને ‘વિધવાઓના તે ન્યાયાધીશ’ છે.—ગીત. ૩૪:૧૮; ૬૮:૫.

૧૯. પહેલો પીતર ૩:૮ પ્રમાણે તમે શું કરવાનો મનમાં પાકો નિર્ણય લીધો છે?

૧૯ ઈશ્વરનું રાજ પૃથ્વી પર આવશે ત્યારે ‘અગાઉની તકલીફો યાદ આવશે નહિ.’ એવો સમય આવશે જ્યારે ‘અગાઉના બનાવો યાદ કરવામાં આવશે નહિ, તેઓ મનમાંય આવશે નહિ.’ એ સમયની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. (યશા. ૬૫:૧૬, ૧૭) એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે મનમાં પાકો નિર્ણય લઈએ. આપણે એકબીજાને સાથ આપીએ. આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ.—૧ પીતર ૩:૮ વાંચો.

તમે કેવો જવાબ આપશો?

  • લોત અને અયૂબને યહોવાએ જે રીતે મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

  • નાઓમીના અનુભવથી આપણને શું શીખવા મળે છે?

  • લગ્‍નસાથી વગરની વ્યક્તિને કઈ રીતે સાથ આપી શકીએ?

ગીત ૨૮ એક નવું ગીત

a લોત, અયૂબ અને નાઓમી યહોવાને વફાદાર રહ્યા. એવું ન હતું કે તેઓના જીવનમાં ચિંતાઓ ન હતી. તેઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ, એ વિશે આ લેખમાં જોઈશું. આપણે શીખીશું કે, ધીરજ અને દયા રાખવી કેમ મહત્ત્વનું છે. મુશ્કેલીમાં હોય એવાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવું કેમ જરૂરી છે એ પણ જોઈશું.

b આ લેખમાં નામો બદલવામાં આવ્યાં છે.

c ચિત્રની સમજ: એક ભાઈને ખોટું લાગ્યું છે અને તે ‘વિચાર્યા વગર બોલે’ છે ત્યારે વડીલ તેમનું ધ્યાનથી સાંભળે છે. પછી, ભાઈનો ગુસ્સો ઠંડો પડે છે ત્યારે વડીલ તેમને પ્રેમથી સલાહ આપે છે.

d ચિત્રની સમજ: એક યુગલ એવા ભાઈની સાથે છે, જેમની પત્ની હમણાં મરણ પામી છે. મધુર યાદો વિશે તેઓ વાતો કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો