શું તમે જાણો છો?
બાઇબલ સમયમાં કારભારીઓ કયું કામ કરતા હતા?
એ સમયમાં કારભારી બીજી વ્યક્તિના ઘરની કે જમીનની દેખરેખ રાખતો હતો. “કારભારી” માટેના હિબ્રૂ અને ગ્રીક શબ્દો અમુક વાર નિરીક્ષક કે ઘરની દેખરેખ રાખનારને રજૂ કરતા હતા.
યાકૂબના દીકરા યુસફ ઇજિપ્તમાં ગુલામ હતા ત્યારે, પોતાના માલિકના ઘરની દેખરેખ રાખતા હતા. તેમના માલિકે ‘પોતાનું જે હતું તે સર્વ યુસફના હાથમાં સોંપ્યું હતું.’ (ઉત. ૩૯:૨-૬) સમય જતાં, યુસફને ઇજિપ્તમાં ઘણી સત્તા મળી. પોતાના ઘરની દેખરેખ રાખવા તેમણે પણ કારભારી રાખ્યો હતો.—ઉત. ૪૪:૪.
ઈસુના સમયમાં જમીનદારો પોતાના ખેતરોથી દૂર શહેરોમાં રહેતા હતા. એટલે ખેતરોમાં મજૂરો પર દેખરેખ રાખવા તેઓ કારભારી રાખતા.
કોને કારભારી બનાવવામાં આવતા હતા? પહેલી સદીના રોમન લેખક કોલોમેલાએ કહ્યું હતું કે, જે ચાકરને ‘ઘણો અનુભવ હોય’ તેને જ કારભારી બનાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, કારભારી એવો હોવો જોઈએ, ‘જે મજૂરો સાથે ખરાબ વર્તન ન કરે, પણ ધ્યાન રાખે કે કામ બરાબર થાય છે કે નહિ. સૌથી મહત્ત્વનું તો, કારભારીએ એમ ન વિચારવું જોઈએ કે તેને બધું આવડે છે. તેણે નવી નવી બાબતો શીખવા તૈયાર રહેવું જોઈએ.’
બાઇબલમાં કારભારી અને તેના કામને મંડળનાં અમુક કામ સાથે સરખાવવામાં આવ્યાં છે. જેમ કે, પ્રેરિત પીતરે એ સમયના ઈશ્વરભક્તોને ઉત્તેજન આપ્યું હતું કે ઈશ્વર તરફથી મળેલી આવડતોનો સારો ઉપયોગ કરે. તેમણે કહ્યું હતું: ‘ઈશ્વરે અપાર કૃપા બતાવી છે. એ માટે ઈશ્વરના સારા કારભારીઓ તરીકે એકબીજાની સેવા કરો.’—૧ પીત. ૪:૧૦.
લુક ૧૬:૧-૮માં ઈસુએ જે ઉદાહરણ આપ્યું હતું, એમાં તેમણે કારભારીનો ઉલ્લેખ કર્યો હતો. રાજા તરીકેની તેમની હાજરી વખતે કેવા બનાવો બનશે, એ વિશે તેમણે ભવિષ્યવાણી કરી હતી. ઈસુએ શિષ્યોને ખાતરી આપી હતી કે તે “વિશ્વાસુ અને સમજુ ચાકર” એટલે કે, ‘વિશ્વાસુ કારભારી’ નીમશે. એ કારભારીની મુખ્ય જવાબદારી શું હતી? તેની જવાબદારી હતી કે દુષ્ટ દુનિયાના અંતના સમયે ખ્રિસ્તના શિષ્યોને ભક્તિને લગતો ખોરાક નિયમિત રીતે પૂરો પાડવો. (માથ. ૨૪:૪૫-૪૭; લુક ૧૨:૪૨) એ વિશ્વાસુ કારભારી ઘણું સાહિત્ય તૈયાર કરે છે અને દુનિયાભરમાં લોકોને પહોંચાડે છે. એ સાહિત્યથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એ માટે આપણે કેટલા આભારી છીએ!