વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૪ પાન ૩-૬
  • શું હું પાયોનિયરીંગ કરી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું હું પાયોનિયરીંગ કરી શકું?
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • “તમે સારા પાયોનિયર બની શકો છો!”
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૪ પાન ૩-૬

શું હું પાયોનિયરીંગ કરી શકું?

૧ “પાયોનિયરીંગ સિવાય બીજું કંઈ કરવાનો વિચાર પણ નથી આવતો. એના કરતાં વધારે આનંદ બીજા કશાથી મળી શકે એની કલ્પના પણ ન કરી શકું.” એવું કોણે કહ્યું? પાયોનિયરીંગ કરતા લાખો યહોવાના સાક્ષીઓમાંના એકે. તેમના માટે પૂરા સમયની સેવા જ બધું છે. શું તમે પ્રાર્થનાપૂર્વક વિચાર્યું છે કે, તમે પાયોનિયરીંગ કરી શકો કે કેમ? આપણે યહોવાને રાજીખુશીથી સમર્પણ કર્યું છે. એટલે, દરેકે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: ખુશખબર જણાવવાના કાર્યમાં શું હું પૂરેપૂરો ભાગ લઈ શકું? એના વિશે ઘણાં ભાઈ-બહેનોએ પૂછેલા આ સવાલો પર ચાલો વિચાર કરીએ.

સવાલ ૧: “કોઈક કહેશે કે બધાથી પાયોનિયરીંગ ન થાય. મારાથી થશે કે નહિ એ હું કઈ રીતે જાણી શકું?”

૨ એ તમારા સંજોગો અને કુટુંબની અમુક જવાબદારીઓ પર આધારિત છે. એવા ઘણા લોકો છે જેઓ પોતાની તબિયત કે સંજોગોને લીધે મહિનામાં ૭૦ કલાક કરી શકતા નથી. તેમ છતાં, પ્રચારકાર્યમાં વધારે કરવા પોતાનાથી બનતું બધું કરે છે. તેમ જ, તક મળે ત્યારે વર્ષમાં એક કે વધારે વાર સહાયક પાયોનિયરીંગ કરે છે. આમ, પ્રચારકાર્યમાં વધારે કરવાથી મળતા આશીર્વાદોનો આનંદ માણે છે. (ગલા. ૬:૯) ખરું કે, હાલમાં તેઓના સંજોગો એવા નથી કે તેઓ પાયોનિયરીંગ કરી શકે. તોપણ, તેઓ મંડળ માટે આશીર્વાદરૂપ છે. કેમ કે, તેઓ પૂરા ઉત્સાહથી પ્રચાર કરે છે અને બીજાઓને પણ એમ કરવા ઉત્તેજન આપે છે.

૩ એવાં ઘણાં ભાઈ-બહેનો છે જેઓને કુટુંબની કોઈ જવાબદારી નથી. પાયોનિયરીંગ કરવા માટે તેઓએ જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે. તમારા વિશે શું? શું તમે એવા યુવાન છો જેમણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હોય? શું તમે એવા પત્ની છો જેમના પતિ કુટુંબનું ભરણપોષણ કરતા હોય? શું તમે એવું યુગલ છો જેમને બાળકોની જવાબદારી ન હોય? શું તમે નિવૃત્ત છો? તમારે પોતાએ નિર્ણય લેવાનો છે કે પાયોનિયરીંગ કરવું કે નહિ. પણ, સવાલ એ છે કે પાયોનિયરીંગ કરવા શું તમે અમુક ફેરફારો કરી શકો?

૪ શેતાન આપણા પર અનેક લાલચો લાવે છે જેથી, આપણે દુનિયાની મોહમાયામાં ફસાઈ જઈએ. તેમ જ, ભક્તિને લગતા નિર્ણયો છોડી દઈએ. પણ, આ જગતના ભાગ નહિ બનવાનો આપણો નિર્ણય દૃઢ હશે તો, યહોવા તેમની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવા જરૂર મદદ કરશે. તેમ જ, ભક્તિમાં મળતા લહાવાઓ મેળવવા અને એ પૂરા કરવા મદદ કરશે. પાયોનિયરીંગ કરવા જો તમે જીવનમાં અમુક ફેરફાર કરી શકતા હો, તો કેમ નહિ કે એમ કરો?

સવાલ ૨: “હું કઈ રીતે ખાતરી રાખી શકું કે પાયોનિયરીંગ કરીશ તો પૈસે-ટકે કોઈ તકલીફ નહિ પડે?”

૫ ખરું કે, પહેલાં કરતાં આજે જીવન ઘણું અઘરું બની ગયું છે. એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા ભાઈ-બહેનોએ નોકરી-ધંધામાં વધારે કલાકો આપવા પડે છે. તેમ છતાં, ઘણાં ભાઈ-બહેનો વર્ષોથી પાયોનિયરીંગ કરી રહ્યાં છે અને યહોવા તેઓની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. પાયોનિયરીંગમાં ટકી રહેવા શ્રદ્ધા અને જતું કરવાનું વલણ ખૂબ જરૂરી છે. (માથ. ૧૭:૨૦) ગીતશાસ્ત્ર ૩૪:૧૦ આપણને આ ખાતરી આપે છે: ‘જેઓ યહોવાને શોધે છે તેઓને કશાની અછત પડશે નહિ.’ પાયોનિયરીંગ શરૂ કરનારે ભરોસો રાખવો જોઈએ કે યહોવા તેની જરૂરિયાતો પૂરી કરશે. યહોવા દરેક પાયોનિયરની જરૂરિયાતો પૂરી કરતા આવ્યા છે. (ગીત. ૩૭:૨૫) જોકે, ૨ થેસ્સાલોનીકી ૩:૮, ૧૦ અને ૧ તીમોથી ૫:૮ના સિદ્ધાંત પ્રમાણે પાયોનિયરે એવી આશા ન રાખવી જોઈએ કે બીજાઓ તેમને પૈસે-ટકે મદદ કરે.

૬ જેઓ પાયોનિયરીંગ કરવાનું વિચારે છે, તેઓએ ઈસુના કહેવા પ્રમાણે ‘પહેલા બેસીને ખર્ચની ગણતરી’ કરવી જોઈએ. (લુક ૧૪:૨૮) એમ કરવું ડહાપણભર્યું છે. વર્ષોથી પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનો સાથે વાત કરો. એ પણ પૂછો કે યહોવાએ તેઓને કઈ રીતે ટકાવી રાખ્યા. તમારા સરકીટ નિરીક્ષક અનુભવી પાયોનિયર છે. પાયોનિયરીંગમાં લાગુ રહી શકો માટે તે તમને રાજીખુશીથી અમુક સૂચનો આપશે.

૭ આજે લોકો ધનદોલત મેળવવા રાતદિવસ એક કરે છે. તેઓના જેવા બનવા આપણા પર પણ ખૂબ દબાણ લાવે છે. તેમ છતાં, પાયોનિયરીંગની દિલથી કદર કરતા હોઈશું તો, પોતાની પાસે જે છે એમાં સંતોષી રહી શકીશું. (૧ તીમો. ૬:૮) જેઓ સાદું જીવન જીવે છે અને વધારે પડતી ચીજવસ્તુઓ ભેગી કરતા નથી, તેઓ પાસે યહોવાની ભક્તિ કરવા વધારે સમય હોય છે. બીજાઓને સત્ય શીખવવાથી તેઓનો આનંદ અને શ્રદ્ધા વધે છે. જોકે, તેઓ સંન્યાસી તરીકે જીવતા નથી. પણ, પૈસા વિશે યોગ્ય વલણ રાખે છે. અને આમ, તેઓ પાયોનિયરીંગ કરવાથી મળતા આશીર્વાદોનો આનંદ માણે છે.

૮ આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ અને બહુ જલદી આ દુષ્ટ દુનિયાનો અંત આવશે. પૂરી શ્રદ્ધાથી એમ માનતા હોઈશું તો, દરેક તક ઝડપીને ખુશખબર જણાવવાનું મન થશે. પોતાની આર્થિક સ્થિતિ અને સંજોગો તપાસવાથી તેમ જ, યહોવા પર પૂરી શ્રદ્ધા રાખવાથી આપણે પારખી શકીશું કે હવે આપણે પાયોનિયરીંગ કરી શકીએ છીએ. એમ કરવા જો અમુક બાબતો જતી કરવી પડે, તોપણ ખાતરી રાખો કે યહોવાના પુષ્કળ આશીર્વાદો મેળવશો.—ગીત. ૧૪૫:૧૬.

સવાલ ૩: “એક યુવાન તરીકે, શા માટે પાયોનિયરીંગને મારી કારકિર્દી બનાવવી જોઈએ?”

૯ એ સ્વાભાવિક છે કે સ્કૂલનો અભ્યાસ પૂરો થતા, તમે ભાવિ વિશે વિચારશો. કેમ કે, તમે સલામત, સુખી અને સંતોષી જીવન જીવવા ચાહો છો. સ્કૂલમાં માર્ગદર્શન આપતા શિક્ષકો તમને મોટા પગારની નોકરી મેળવવા લલચાવે. એ માટે કદાચ તમારે ઘણું બધું ભણવું પડે. પણ, બાઇબલ સિદ્ધાંતોથી કેળવાયેલું તમારું અંતઃકરણ તમને યહોવાની સેવામાં વધારે કરવા તૈયાર કરશે. (સભા. ૧૨:૧) તમે ભાવિમાં લગ્‍ન કરવાનું અને કુટુંબ ઉછેરવાનું પણ વિચારતા હશો. તમે શું કરશો?

૧૦ આ ઉંમરે તમે જે નિર્ણય લેશો એની તમારા ભાવિ પર અસર પડશે. જો તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું હોય, તો તમે તમારું જીવન યહોવાને સોંપી દીધું છે. (હિબ્રૂ ૧૦:૭) શરૂઆતમાં તમે એક કે વધારે મહિના માટે સહાયક પાયોનિયરીંગ કરી શકો. એનાથી તમે જોઈ શકશો કે પાયોનિયરીંગ કરવાથી કેટલી મજા આવે છે. તેમ જ, એ પણ અનુભવી શકશો કે નિયમિત પાયોનિયરીંગ કરવા કઈ જવાબદારીઓ નિભાવવી પડશે. એનાથી વધુ સારી રીતે જોઈ શકશો કે તમને જીવનમાં શું કરવું છે. કેમ નહિ કે, નોકરી-ધંધો કરવાને બદલે આપણે પાયોનિયરીંગ શરૂ કરીએ? કેટલાકે વિચાર્યું કે અમુક વર્ષો પછી પાયોનિયરીંગ કરશે. હમણાં પાયોનિયરીંગનો આનંદ માણતા એ લોકો અફસોસ કરી રહ્યા છે કે કાશ, તેઓએ વહેલું શરૂ કર્યું હોત!

૧૧ યુવાન તરીકે, કુંવારા રહેવાની તકોનો લાભ ઉઠાવો. એનો સૌથી સારો ઉપયોગ પાયોનિયરીંગ સેવામાં કરો. તમે લગ્‍ન કરવાનું વિચારતા હો તોપણ, એના માટે પાયોનિયરીંગ સૌથી સારો પાયો છે. તમે જવાબદારી ઉપાડવા તૈયાર થશો અને શ્રદ્ધામાં વધતા જશો તેમ, તમારા જેવા જ ધ્યેયો રાખતી વ્યક્તિ સાથે લગ્‍ન કરવાનું અને પાયોનિયરીંગ ચાલુ રાખવાનો નિર્ણય લેશો. અમુક યુગલો, જેઓએ સાથે મળીને પાયોનિયરીંગ કર્યું હોય તેઓને સરકીટ નિરીક્ષક અથવા ફિલ્ડ મિશનરી તરીકે કામ કરવાનો લહાવો મળ્યો છે. ખરેખર, કેટલું સંતોષકારક જીવન!

૧૨ વર્ષો સુધી પાયોનિયરીંગ કરતા રહેશો તોપણ, તમારું જ્ઞાન વધતું જશે. તેમ જ, એવી તાલીમ મળશે જે દુનિયાના કોઈ નોકરી-ધંધાથી નહિ મળે. પાયોનિયરીંગ કરવાથી નમ્રતા અને ધીરજ જેવા ગુણો કેળવવા મદદ મળશે. તેમ જ, શિસ્ત કેળવવા, દરેક કામ વ્યવસ્થિત અને યોગ્ય સમયે કરવા, લોકો સાથે યોગ્ય રીતે વર્તવા અને યહોવા પર પૂરેપૂરો આધાર રાખવા મદદ મળશે. એનાથી મોટી જવાબદારીઓ ઉપાડવા તમે તૈયાર થશો.

૧૩ જીવનનો કોઈ ભરોસો નથી. યહોવાએ આપેલાં વચનો સિવાય અમુક જ બાબતો કાયમી છે. તમારી આગળ આખું જીવન પડ્યું છે. એટલે, ભવિષ્યમાં શું કરશો એ અત્યારે જ નક્કી કરવાની જરૂર છે. પાયોનિયરીંગના લહાવાની દિલથી કદર કરો. એને તમારી કારકિર્દી બનાવશો તો, ક્યારેય પસ્તાવું નહિ પડે.

સવાલ ૪: “શું કલાકો પૂરા કરવાની ચિંતા કાયમ રહેતી નથી? કલાકો પૂરા ન થાય તો?”

૧૪ નિયમિત પાયોનિયરીંગનું ફૉર્મ ભરો ત્યારે પોતાને આ સવાલ પૂછો: “શું મેં મારા રોજિંદા કામોમાં યોગ્ય ફેરફારો કર્યા છે જેથી, એક વર્ષમાં ૮૪૦ કલાકો પૂરા કરી શકું?” એને પહોંચી વળવા તમારે રોજ લગભગ અઢી કલાક સેવાકાર્યમાં વિતાવવા જોઈએ. એ માટે સારુ શેડ્યૂલ બનાવવાની અને એને વળગી રહેવાની જરૂર છે. મોટા ભાગના પાયોનિયરો થોડા જ મહિનામાં પોતાને મદદરૂપ અને અનુકૂળ શેડ્યૂલ બનાવે છે.

૧૫ બાઇબલ કહે છે કે, ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) જેમ કે, કોઈ મોટી બીમારી કે અણધાર્યા સંજોગોને લીધે કલાકોમાં પાછળ રહી જવાય. એવા સંજોગો સેવા વર્ષની શરૂઆતમાં જ આવે અને ટૂંકા ગાળાના હોય તો, કલાકો પૂરા કરવા નવું શેડ્યૂલ બનાવો. પરંતુ, સેવા વર્ષના અંતના ભાગમાં મોટી મુશ્કેલી આવે અને કલાકો પૂરા ન કરી શકો તો?

૧૬ કોઈ કારણ કે અમુક મહિના સુધી બીમાર રહેવાને લીધે કલાકો પૂરા કરવા તમારા હાથમાં ન હોય તો, મંડળ સેવા સમિતિના ભાઈને તમારી મુશ્કેલી જણાવો. જો તેઓને લાગે કે ખૂટતા કલાકો પૂરા કરવાની જરૂર નથી, તો તેઓ એ નિર્ણય લઈ શકે કે તમે પાયોનિયરીંગ ચાલુ રાખી શકો છો. મંડળના સેક્રેટરી કોંગ્રીગેશન્સ પબ્લીશર રેકોર્ડ કાર્ડમાં એની નોંધ કરશે. એનો અર્થ એવો નથી કે તમે રજા પર છો. પણ, તમારા સંજોગો ધ્યાનમાં રાખીને તમને મંજૂરી આપવામાં આવી છે.

૧૭ અનુભવી પાયોનિયરો સેવા વર્ષની શરૂઆતમાં જ વધારે કલાકો કરે છે. તેઓ માટે પાયોનિયરીંગ મહત્ત્વનું હોવાથી બિનજરૂરી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ટાળે છે. યોગ્ય શેડ્યૂલ બનાવ્યું ન હોય અથવા શેડ્યૂલ પ્રમાણે કામ કરતા ન હોવાથી પાયોનિયર કલાકોમાં પાછળ પડી જાય તો, તેમને પોતાને અહેસાસ થવો જોઈએ કે કલાકો પૂરા કરવાની જવાબદારી તેમની પોતાની છે. તેમ જ, એવી આશા ન રાખે કે તેઓને કલાકો પૂરા ન કરવાની મંજૂરી મળશે.

૧૮ પાયોનિયરના જીવનમાં અમુક વખતે અણધાર્યા સંજોગો ઊભા થાય છે. કદાચ એવું બની શકે કે મોટી બીમારી, કુટુંબની વધતી જતી જવાબદારી અને બીજા કોઈ કારણસર સખત મહેનત કરવા છતાં કલાકો પૂરા ન કરી શકે. આવા સંજોગોમાં એ વધારે સારું રહેશે કે તે પ્રકાશક તરીકે સેવા આપે. પછી, શક્ય હોય ત્યારે સહાયક પાયોનિયરીંગ કરી શકે. પોતાના સંજોગોને લીધે કલાકો પૂરા ન કરી શકે તો, એવી કોઈ ગોઠવણ નથી કે તે પોતાને નિયમિત પાયોનિયર ગણે.

સવાલ ૫: “મને કશું સિદ્ધ કરવું છે. શું પાયોનિયરીંગ કરવાથી મને સંતોષ અને ખુશી મળશે?”

૧૯ યહોવા સાથે ગાઢ સંબંધ રાખવાથી અને તેમની સેવા પૂરા દિલથી કરીએ છીએ એવી શ્રદ્ધા હોવાથી સાચી ખુશી મળે છે. ઈસુએ ‘પોતાની આગળ મૂકેલા આનંદને લીધે મરણસ્તંભનું દુઃખ સહન કર્યું.’ (હિબ્રૂ ૧૨:૨) ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં તેમને આનંદ આવતો. (ગીત. ૪૦:૮) યહોવાની ભક્તિને લગતા કામમાં લાગુ રહીશું તો, આજે આપણે પણ સાચી ખુશી મેળવીશું. ભક્તિને લગતા ધ્યેયો રાખવાથી જીવનનો હેતુ મળે છે. કારણ કે, આપણે યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છીએ. બીજાઓને મદદ આપવાથી ખુશી મળે છે. ઈશ્વરની ન્યાયી નવી દુનિયામાં કાયમ માટેનું જીવન મેળવવા બીજાઓને મદદ કરવા જેવી બીજી કોઈ રીત નથી.—પ્રે.કૃ. ૨૦:૩૫.

૨૦ શરૂઆતમાં જણાવેલા પાયોનિયરે આમ કહ્યું: “તમારી સાથે અભ્યાસ કરનાર વ્યક્તિ યહોવાના ભક્ત બને એ કરતાં મોટો આનંદ કયો હોય શકે? બાઇબલનું શિક્ષણ લોકોના જીવનમાં સુધારો કરે છે અને તેઓ યહોવાના માર્ગે ચાલે છે, એ જોઈને આપણી પણ શ્રદ્ધા વધે છે.” (ચોકીબુરજ, ઑક્ટોબર ૧૫, ૧૯૯૭ના પાન ૧૮-૨૩ જુઓ.) તમને શામાંથી આનંદ મળે છે? થોડા સમય માટે આનંદ આપનારી દુન્યવી વસ્તુઓને બદલે પાયોનિયરીંગમાં લાગુ રહેશો તો તમને કાયમી આનંદ મળશે. એનાથી તમને સાચી ખુશી અને સંતોષ મળશે.

સવાલ ૬: “કાયમનું જીવન મેળવવા પાયોનિયરીંગ કરવું જરૂરી ન હોય તો, એ કરવું કે ન કરવું શું એ મારી મરજી નથી?”

૨૧ સાચી વાત છે. પાયોનિયરીંગ કરવું કે નહિ એ દરેકે પોતે નક્કી કરવું જોઈએ. યહોવા જ આપણા સંજોગો જાણે છે. (રોમ. ૧૪:૪) તે ચાહે છે કે આપણે પૂરા દિલ, જીવ, બુદ્ધિ અને શક્તિથી તેમની ભક્તિ કરીએ. (માર્ક ૧૨:૩૦; ગલા. ૬:૪, ૫) કમને કે ફરજિયાત નહિ પણ, રાજીખુશીથી ભક્તિ કરનારને યહોવા ખૂબ ચાહે છે. (૨ કોરીં. ૯:૭; કોલો. ૩:૨૩) પૂરા સમયની સેવા કરવા પાછળનું કારણ એ હોવું જોઈએ કે તમે યહોવાને અને તમારા પડોશીઓને પ્રેમ કરો છો. (માથ. ૯:૩૬-૩૮; માર્ક ૧૨:૩૦, ૩૧) તમે પણ એવું માનતા હો તો, પાયોનિયરીંગ વિશે ચોક્કસ વિચારવું જોઈએ.

સવાલ ૭: “વડીલો કઈ રીતે મદદ કરી શકે?”

૨૨ મંડળના બધા વડીલો અને ખાસ કરીને મંડળ સેવા સમિતિના વડીલો દરેક પાયોનિયરમાં ખૂબ રસ લે છે. આ સવાલો પર વિચાર કરવાથી વડીલો જોઈ શકશે કે પાયોનિયરને કઈ રીતે મદદ કરી શકે: સેવાકાર્યના દરેક પાસાઓમાં શું તેઓ સારી રીતે કામ કરી શકે છે? કે પછી તેઓને ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ શરૂ કરવા મદદની જરૂર છે? શું તેઓ બધા સાથે શાંતિ અને એકતામાં રહીને પવિત્ર શક્તિના ગુણો બતાવે છે? (રોમ. ૧૪:૧૯) શું તેઓને સારું શેડ્યૂલ બનાવવા મદદની જરૂર છે? શું તેઓ વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરે છે અને સભાઓમાં ભાગ લે છે? પાયોનિયરોને મદદ કરવા વડીલો તેઓની જરૂરિયાતો અને સંજોગો જાણવાનો પ્રયત્ન કરશે. તેમ જ, તેઓને ઉત્તેજન આપવા નિયમિત વાતચીત કરશે.

૨૩ એવી આશા રાખવામાં આવે છે કે પાયોનિયરો માટેના ઊંચાં ધોરણોમાં વડીલો બાંધછોડ ન કરે. એમાં કલાકો પૂરા કરવાની જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે. પરંતુ, થોડા સમયની મુશ્કેલીના લીધે પાયોનિયર કલાકોમાં પાછળ રહી જાય તો, વડીલોએ તરત જ તેમને મદદ કરવી જોઈએ. તેમ જ, એવી સલાહ ન આપવી જોઈએ કે કલાકો પૂરા નહિ કરે તો, પાયોનિયરીંગ બંધ કરવું પડશે. પાયોનિયરને કોઈ મુશ્કેલી હોય તો, મહિનાઓ પછી નહિ પણ તરત જ મદદ કરવી જોઈએ. નહિતર, તેઓ કલાકોમાં પાછળ પડી જવાથી નિરાશ થઈ જશે અને પાયોનિયરીંગ છોડી દેવાનું વિચારશે.

૨૪ પાયોનિયર સાથે વાત કર્યા પછી વડીલોને લાગે કે, મુશ્કેલી થોડા સમયની છે અને સેવા વર્ષ પૂરું થાય એ પહેલાં તે ખૂટતા કલાકો પૂરા કરી શકે છે તો, વડીલોએ તેને ફક્ત ઉત્તેજન અને મદદરૂપ સલાહ આપવી જોઈએ. પરંતુ, જો પાયોનિયરના જીવનમાં અણધાર્યા સંજોગો ઊભા થાય જેના કારણે તે કલાકોમાં પાછળ રહી જાય અને સેવા વર્ષ પૂરું થતા સુધી ખૂટતા કલાકો પૂરા ન કરી શકે તો? એવા સંજોગોમાં વડીલો નક્કી કરશે કે તેને ખૂટતા કલાકો પૂરા ન કરવાની મંજૂરી આપવી કે નહિ. વડીલોને લાગે કે પાયોનિયરને મંજૂરી આપવી જોઈએ તો, તેઓ કોંગ્રીગેશન્સ પબ્લીશર રેકોર્ડ કાર્ડમાં એની નોંધ કરશે. તેમ જ, તેને ઉત્તેજન આપશે કે સખત મહેનત કરે જેથી બાકીના મહિનાના કલાકો પૂરા કરી શકે અને ખૂટતા કલાકોની ચિંતા ન કરે. તેની મુશ્કેલી લાંબા સમયની હોય અને તેમના સંજોગો સારા રહેતા ન હોય તો, વડીલો તેમને સલાહ આપશે કે હાલ પૂરતું તે પાયોનિયરીંગ બંધ કરે. વડીલોએ આ વિશે શાખા કચેરીને યોગ્ય ફૉર્મ દ્વારા જણાવવું જોઈએ.

સવાલ ૮: “નિયમિત પાયોનિયર બનવા માટે કઈ જરૂરિયાતો હોવી જોઈએ?”

૨૫ નિયમિત પાયોનિયર બનવા માટે વ્યક્તિએ બાપ્તિસ્મા લીધાને ઓછામાં ઓછા છ મહિના થયા હોવા જોઈએ તથા સભામાં અને પ્રચારમાં નિયમિત હોવી જોઈએ. વ્યક્તિના સંજોગો એવા હોવા જોઈએ કે તે વર્ષના ૮૪૦ કલાકો કરી શકે. એ પણ જરૂરી છે કે, તે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતી હોય અને યહોવાના ભક્ત તરીકે એક સારું ઉદાહરણ પૂરું પાડતી હોય. (ઓર્ગેનાઈઝ્ડ પુસ્તક પાન ૧૧૩-૧૪) એમાં શાનો સમાવેશ થાય છે? પાયોનિયરીંગનું ફૉર્મ ભરનાર વ્યક્તિમાં વડીલો કેવા ગુણો જુએ છે?

૨૬ તે સારો દાખલો બેસાડનાર અને તન-મનથી શુદ્ધ હોવી જોઈએ. પાયોનિયર તરીકે પસંદ કરવામાં આવેલી વ્યક્તિનાં વાણી-વર્તન સારાં હોવા જોઈએ. પછી ભલે, એ મંડળમાં હોય કે બહારના લોકો સાથેના વ્યવહારમાં હોય. તે પૂરા દિલથી યહોવાની સેવા કરતી હોવી જોઈએ. તેના જીવનમાં પવિત્ર શક્તિના ગુણો દેખાતા હોવા જોઈએ. પાયોનિયરનો મુખ્ય હેતુ રાજ્યનો પ્રચાર કરવો અને શિષ્ય બનાવવાનું કામ હોવું જોઈએ. પ્રચારમાં બાઇબલનો સારો ઉપયોગ કરી શકનાર હોવી જોઈએ. ઉપરાંત, રસ બતાવનાર લોકોની ફરી મુલાકાત લઈ શકે, બાઇબલ અભ્યાસ શરૂ કરી શકે અને ચલાવી શકે એવી હોવી જોઈએ. વડીલો દ્વારા કરવામાં આવતી પ્રચાર અને સભાની ગોઠવણોને પાયોનિયરે પૂરો સાથ આપવો જોઈએ.

૨૭ ન્યાય સમિતિએ ઠપકો આપ્યો હોય અથવા બહિષ્કૃત વ્યક્તિને પાછી લેવામાં આવી હોય તો એના ઓછામાં ઓછા એક વર્ષ પછી તે કદાચ સહાયક કે નિયમિત પાયોનિયરીંગ કરી શકે. એ ઉપરાંત, ન્યાય સમિતિએ અમુક પ્રતિબંધો મૂક્યા હોય તો, એ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે પાયોનિયરીંગનો લહાવો મેળવી નહિ શકે.

૨૮ શું નિયમિત પાયોનિયરીંગ માટે અમુક મહિનાઓ સહાયક પાયોનિયરીંગ કરવું જરૂરી છે? ના, એ જરૂર નથી. થોડા મહિના સહાયક પાયોનિયરીંગ કર્યું હોય તો, વ્યક્તિ માટે નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યૂલ બનાવવું સહેલું બનશે. વડીલોએ ખાતરી કરવી જોઈએ કે વ્યક્તિ દર મહિને ૭૦ કલાક અને સેવા વર્ષના અંતે ૮૪૦ કલાક પૂરા કરી શકે.

૨૯ કોઈ વ્યક્તિ નિયમિત પાયોનિયરીંગ માટેનું ફૉર્મ ભરે અને વડીલોના સેવકને મંજૂરી માટે આપે ત્યારે, મંડળ સેવા સમિતિએ એ મોડું કર્યા વગર મોકલી આપવું જોઈએ. જો સમિતિના કોઈ વડીલ એક કે બે અઠવાડિયા માટે બહાર હોય, તો તેમની રાહ જોવાને બદલે એ ફૉર્મ તરત જ મોકલી આપવું જોઈએ. તેમની જગ્યાએ બીજા કોઈ વડીલ સહી કરી શકે. જો મંડળ સેવા સમિતિ એ ફૉર્મને મંજૂરી આપે, તો એ ફૉર્મને મોકલતા પહેલાં મંડળના બીજા વડીલોને એની જાણ કરવી જોઈએ. જેથી, બીજા વડીલોના વિચારો પણ જાણી શકાય.

૩૦ નિયમિત પાયોનિયરીંગ માટેના ફૉર્મમાં વ્યક્તિના છેલ્લા છ મહિનાનો પ્રચાર અહેવાલ લખવાનો હોય છે. વડીલોએ વાજબી રીતે ખાતરી કરવી જોઈએ કે વ્યક્તિ નિયમિત રીતે કલાકો પૂરા કરી શકશે. જોકે, એ પરથી પૂરી રીતે પારખી નહિ શકાય કે લાંબા ગાળે તે કેવું કરશે. એવું પણ બની શકે કે, વ્યક્તિએ એક કે બે મહિનામાં સખત મહેનત કરીને વધારે કલાકો કર્યા હોય. એવું હોય તો, એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. બીજા શબ્દોમાં, પાયોનિયરીંગ કરવા ચાહતી વ્યક્તિનો છેલ્લા છ મહિનાનો પ્રચાર અહેવાલ વડીલોએ તપાસવો જોઈએ. વ્યક્તિ ભલે પ્રચારમાં સારા કલાકો કરતી હોય પરંતુ, બીજા પાસાઓમાં સુધારો કરવાની જરૂર હોય તો, વડીલો તેને સલાહ આપશે જેથી તે પાયોનિયરીંગ કરતા પહેલાં એ પાસામાં સુધારો કરી શકે. વડીલો ફૉર્મ મંજૂર ન કરે તો, તેઓએ એ વ્યક્તિને જણાવવું જોઈએ કે શા માટે ફૉર્મ મંજૂર કરવામાં નથી આવ્યું. વડીલો તેને એ પણ સમજાવશે કે પાયોનિયરીંગ કરી શકે માટે કેવી લાયકાતો કેળવવાની જરૂર છે. થોડા સમય બાદ જો વડીલોને લાગે કે તે વ્યક્તિ હવે પાયોનિયરીંગ કરી શકે છે અને તેણે પહેલાં ભરેલું ફૉર્મ વાપરી શકાશે તો, ફક્ત તારીખ બદલવાની જરૂર છે.

૩૧ અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં જણાવેલી માહિતી તમને પાયોનિયરીંગ કરવા મદદ કરશે. શું પાયોનિયરીંગ કરવા તમે તમારા સંજોગોમાં થોડા ફેરફાર કરી શકો? દર અઠવાડિયે સેવાકાર્યમાં ૧૭ કલાક કરી શકાય એવું તમને અનુકૂળ શેડ્યૂલ બનાવો. યહોવા પર પૂરો ભરોસો રાખો. તેમની મદદથી તમે સારી રીતે પાયોનિયરીંગ કરી શકશો. યહોવાએ આપણને વચન આપ્યું છે: ‘સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ હું તમારા પર મોકલી દઈશ.’—માલા. ૩:૧૦.

૩૨ એટલે, દરેકે પોતાને પૂછવું જોઈએ, “શું હું પાયોનિયરીંગ કરી શકું?” જો તમારો જવાબ “હા” હોય, તો પાયોનિયરીંગ શરૂ કરવાની તારીખ નક્કી કરો. પૂરી ખાતરી રાખો કે, યહોવા તમને પુષ્કળ આશીર્વાદો આપશે અને તમારું જીવન આનંદથી ભરી દેશે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો