“તમે સારા પાયોનિયર બની શકો છો!”
૧. પાયોનિયરીંગ વિષે એક બહેને શું કહ્યું?
૧ મેરી નામની બહેને કહ્યું કે “પાયોનિયરીંગ કરવાથી હું યહોવાહ સાથે પાકો નાતો જાળવી રાખી શકું છું. યહોવાહ અને તેમના પુત્રએ આપણા માટે કેટલું કર્યું છે એની આ રીતે કદર બતાવું છું. પાયોનિયરીંગ કરવાથી મને જીવનમાં ઘણો આનંદ અને સંતોષ મળ્યા છે.” તેમણે ભારતની અનેક જગ્યાઓએ ૪૨ વર્ષ પાયોનિયરીંગ કર્યું છે. જેઓ પૂરા-સમયનો પ્રચાર કરી રહ્યા છે તેઓના આશીર્વાદો વિષે વિચારો. કદાચ તેઓમાંના કોઈએ તમને કહ્યું હશે: “તમે સારા પાયોનિયર બની શકો છો!”
૨. શા માટે યહોવાહની ભક્તિ કરવાથી ખરો સંતોષ મળે છે?
૨ સંતોષભર્યા જીવનની રાહ: ઈસુએ આપણા માટે સારો નમૂનો બેસાડ્યો છે. પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવાના કામમાં તેમણે ઘણો આનંદ મેળવ્યો. (યોહા. ૪:૩૪) તેથી, ઈસુ પોતાના અનુભવથી શિષ્યોને કહી શક્યા કે યહોવાહની ભક્તિ કરવાથી ખરો સંતોષ મળે છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવીએ ત્યારે આપણને પણ ખુશી મળે છે. જેમ પ્રચારમાં આપણે વધારે સમય, શક્તિ અને સંપત્તિ વાપરીશું તેમ આપણી ખુશી વધશે.—પ્રે.કૃ. ૨૦:૩૧, ૩૫.
૩. પ્રચારમાં વધુ સમય આપવાથી કેવી ખુશી મળે છે?
૩ આપણે વધારે પ્રચાર કરીશું તો બાઇબલ સ્ટડી મળશે. બાઇબલ સ્ટડી શરૂ કરવાનો અને ચલાવવાનો આનંદ કંઈક ઓર જ છે. જોકે આપણા વિસ્તારમાં ઘણા લોકો રસ ના પણ બતાવે. પણ જેમ-જેમ આપણે પ્રચારમાં અનુભવ અને શીખવવાની કળા કેળવીએ, તેમ તેમ આપણે પ્રચારમાં વધારે ફળ મેળવીશું. જો આપણે એક વર્ષ રેગ્યુલર પાયોનિયરીંગ કર્યું હશે તો, પાયોનિયર સ્કૂલમાં જવાનો મોકો મળશે. એ સ્કૂલમાં મેળવેલું શિક્ષણ આપણને પ્રચારમાં ખૂબ મદદ કરશે. (૨ તીમો. ૨:૧૫) પ્રચારમાં લાગુ રહેવાથી આપણે સારી રીતે સત્યના બી વાવીશું, જે પાછળથી સારા ફળ આપી શકે છે.—સભા. ૧૧:૬.
૪. સ્કૂલનું ભણતર પૂરું થવા આવે ત્યારે યુવાનોએ શું વિચારવું જોઈએ?
૪ યુવાનો: સ્કૂલમાં જરૂરી શિક્ષણ લીધા પછી, શું તમે તમારા ભવિષ્ય વિષે વિચારો છો? અત્યાર સુધી, તમારો મોટાભાગનો સમય સ્કૂલમાં પસાર થતો હશે. સ્કૂલનું ભણતર પૂરું થઈ જાય પછી તમે એ સમયનો સારો ઉપયોગ કેવી રીતે કરી શકો? કારકિર્દી બનાવવા કે પૂરા સમયની નોકરી શરૂ કરવાને બદલે, શું તમે રેગ્યુલર પાયોનિયર બની શકો? એમાંથી તમને ઘણા લાભ થશે. જેમ કે દરરોજ પ્રચારમાં જવાથી તમે અલગ-અલગ લોકોને સંદેશો આપતા શીખી શકશો. તકલીફોનો સામનો કરવા અને તન-મન પર કાબૂ રાખતા શીખશો. શીખવાની કળા પણ વિકસાવી શકશો. પાયોનિયરીંગ કરવાથી જે અનુભવ અને આવડત મળે છે એ તમને જીવનભર મદદ કરશે.
૫. માતા-પિતા અને મંડળના સભ્યો કઈ રીતે પાયોનિયર સેવા માટે ઉત્તેજન આપી શકે?
૫ માબાપો, શું તમે બાળકોને પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય બાંધવા ઉત્તેજન આપો છો? જો તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખશો તો બાળકોને પણ એમ કરવા ઉત્તેજન મળશે. (માથ. ૬:૩૩) સ્કૂલ પૂરી કર્યા પછી સંજય નામના ભાઈએ પાયોનિયરીંગ શરૂ કર્યું. તે કહે છે: “મારા માબાપ કહેતા કે પાયોનિયરીંગ સંતોષભર્યા જીવનની રાહ છે.” મંડળના ભાઈ-બહેનોએ શબ્દો અને કાર્યોથી પાયોનિયર સેવા માટે ઉત્તેજન આપવું જોઈએ. સ્પેનમાં રહેતાં હોઝે કહે છે: “અમારું મંડળ પાયોનિયર સેવાને સૌથી સારામાં સારી કારકિર્દી ગણે છે. પાયોનિયર સેવાની તેઓ બહુ કદર કરે છે, એટલે મને પણ એમાં જોડાવા ઘણું ઉત્તેજન આપ્યું. ભાઈ-બહેનોની મદદથી હું પાયોનિયરીંગ શરૂ કરી શક્યો.”
૬. હાલમાં પાયોનિયરીંગ કરવાની ઇચ્છા થતી ના હોય તો શું કરવું જોઈએ?
૬ નડતર દૂર કરો: અમુક કહેશે કે, ‘પાયોનિયરીંગ કરવાની મને ઇચ્છા જ થતી નથી.’ જો તમને આવું લાગતું હોય, તો યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માગો કે ‘હું શું કરું કે જેથી પાયોનિયરીંગ કરવાનું મન થાય અને તમને ખુશ કરી શકું.’ (ગીત. ૬૨:૮; નીતિ. ૨૩:૨૬) પછી, બાઇબલમાંથી અને સંગઠન તરફથી જે પણ માર્ગદર્શન મળે એને દિલથી સ્વીકારો. ઘણાંએ શરૂઆતમાં ઑગ્ઝિલરી પાયોનિયરીંગ કર્યું. એનાથી તેઓને પાયોનિયરીંગની ખુશીનો “અનુભવ” થયો. એ કારણે તેઓએ રેગ્યુલર પાયોનિયરીંગને પોતાની કારકિર્દી બનાવી.—ગીત. ૩૪:૮.
૭. જો એવું લાગતું હોય કે ૭૦ કલાકો નહિ કરી શકો, તો એ ચિંતા દૂર કરવા શું કરી શકો?
૭ શું તમને શંકા છે કે મહિનાના ૭૦ કલાક નહિ કરી શકો! જો એમ હોય તો શું કરી શકો? કેમ નહિ કે તમારા જેવા સંજોગો હોય એવા પાયોનિયર પાસેથી માર્ગદર્શન મળવો? (નીતિ. ૧૫:૨૨) મહિનામાં ૭૦ કલાક કરવા માટે તમે કેવી ગોઠવણ કરી શકો એ કાગળમાં લખી લો. આમ, તમે અમુક બિનજરૂરી કામોમાંથી પ્રચાર માટે સમય કાઢી શકશો. કદાચ તમે ધારતા હતા એટલું અઘરું ન પણ હોય.—એફે. ૫:૧૫, ૧૬.
૮. શા માટે સમય-સમય પર સંજોગો તપાસતા રહેવું જોઈએ?
૮ ફરીથી સંજોગો તપાસો: દરેકના સંજોગો બદલાતા રહે છે, એટલે સમય-સમય પર એની તપાસ કરતા રહેવું જોઈએ. જો તમે નોકરીમાંથી રિટાયર થવાના હો તો પાયોનિયરીંગ માટે માર્ગ ખૂલે છે. ક્રિષ્નન નામના ભાઈ નોકરી છોડીને પાયોનિયર બન્યા. તે કહે છે: ‘આ નિર્ણય લેવાથી હું મારી પત્ની સાથે રેગ્યુલર પાયોનિયરીંગ કરી શક્યો. અમે એવી જગ્યાએ રહેવા જઈ શક્યા જ્યાં પ્રચારમાં અને મંડળમાં ઘણી જરૂર હતી. અમને આ કામથી જેટલો આનંદ અને આશીર્વાદ મળ્યા છે એ બીજા કોઈ કામથી મળી ના શકે.’
૯. યુગલો શું વિચારી શકે?
૯ સંજોગો તપાસવાથી અમુક યુગલો એ જોઈ શક્યા કે બંને જણે નોકરી કરવાની જરૂર નથી. ખરું કે એવું કરવા થોડું સાદું જીવન જીવવું પડે. પણ એવો ભોગ આપવાથી ઘણા આશીર્વાદો મળે છે. એક બહેને પ્રચારમાં વધુ સમય આપી શકે એ માટે નોકરી છોડી. તેમના પતિ જોન કહે છે: “મારી પત્ની યહોવાહની ભક્તિમાં લાગુ રહે છે, એનાથી હું બહુ ખુશ છું.”
૧૦. ઈશ્વરભક્તોને પાયોનિયરીંગ કરવાની પ્રેરણા શામાંથી મળે છે?
૧૦ પ્રેમ અને વિશ્વાસ બતાવવો: જલદી જ આ દુષ્ટ દુનિયા જતી રહેશે. ફક્ત જે યહોવાહના નામે વિનંતી કરશે તે જ બચશે. (રૂમી ૧૦:૧૩) એટલે યહોવાહે આપણને પ્રચાર કરવાનું મહત્ત્વનું કામ સોંપ્યું છે. યહોવાહે આપણા માટે જે કર્યું છે એ જોઈને તેમના માટેનો આપણો પ્રેમ અને કદર વધે છે. ઈસુ તરફથી મળેલા કામને પૂરી ધગસથી કરવાની પ્રેરણા મળે છે. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ યોહા. ૫:૩) આપણને વિશ્વાસ છે કે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એટલે દુન્યવી કામોમાં ડૂબી જવાને બદલે પ્રચારમાં વધારે કરવાનું ઉત્તેજન મળે છે.—૧ કોરીં. ૭:૨૯-૩૧.
૧૧. જો કોઈ કહે કે ‘તમે સારા પાયોનિયર બની શકો,’ તો તમારે શું કરવું જોઈએ?
૧૧ પાયોનિયરીંગનો મકસદ એ નથી કે પ્રચારમાં બસ કલાકો કરીએ. આપણી એ સેવા ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ છે. તેથી, કોઈ તમને કહે કે ‘તમે એક સારા પાયોનિયર બની શકો છો,’ ત્યારે તમે એ ઉત્તેજનને સ્વીકારો. એના પર વિચાર કરો, પ્રાર્થના કરો. જેઓ પાયોનિયરીંગ કરવાનો આનંદ માણે છે, તેઓ સાથે કદાચ તમે પણ જોડાઈ શકો.
[પાન ૨ પર ચિત્રનું મથાળું]
મા-બાપ, શું તમે તમારા બાળકોને પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય રાખવા મદદ કરો છો?
[પાન ૩ પર ચિત્રનું મથાળું]
યહોવાહ કહે છે કે આપણા માટે સૌથી મહત્ત્વનું કામ, પ્રચારકામ છે.