શું તમે સાદું જીવન જીવી શકો છો?
૧. “આંખ નિર્મળ” રાખવાનો અર્થ શું થાય?
૧ આપણી આંખો જે જુએ છે એની અસર આપણા પર થાય છે. એટલા માટે આપણે ઈસુના આ શબ્દો પર ધ્યાન આપવું જોઈએ: “જો તારી આંખ નિર્મળ હોય, તો તારૂં આખું શરીર પ્રકાશે ભરેલું થશે.” (માથ. ૬:૨૨) “આંખ નિર્મળ” રાખવાનો અર્થ શું થાય છે? એ જ કે આપણા જીવનનો મકસદ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાનો હોવો જોઈએ. રાજ્ય સંદેશો જણાવવો જીવનમાં પહેલા હોવું જોઈએ. એવી બાબતો કે ચીજ-વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે પ્રચાર કામ પરથી આપણું ધ્યાન ફંટાઈ શકે.
૨. આપણે શામાં ફસાઈ શકીએ છીએ? એમાંથી બચવા આપણને શામાંથી મદદ મળશે?
૨ પોતાના વિષે વિચારો: આપણે જાહેરાતોની જાળમાં ફસાઈ શકીએ છીએ. બધી કંપની કહેશે કે આપણને તેઓની ચીજ-વસ્તુઓની જરૂર છે. અથવા બીજાઓ પાસે જે છે એ જોઈને આપણામાં એ લેવાની લાલચ પેદા થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં જોડાતા પહેલા કે વસ્તુ ખરીદતા પહેલા એના વિષે પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. વિચારો કે એના માટે શું મારે વધારે સમય કાઢવો પડશે? શું એ મારી શક્તિ ચૂસી લેશે? એનાથી વધારે ખર્ચ થશે? કોઈ પણ નિર્ણય લેતા પહેલા બેસીને એનો ‘ખર્ચ ગણો.’ પોતાને પૂછો કે એનાથી યહોવાહની ભક્તિમાં મને મદદ મળશે કે પછી એમાં ધીમા પડી જવાશે? (લુક ૧૪:૨૮, ૨૯; ફિલિ. ૧:૯-૧૨) આપણે સમય સમય પર એ પણ વિચારવું જોઈએ કે જીવન કેવી રીતે સાદું બનાવીએ, જેથી સંદેશો જણાવવાના કામમાં વધારે કરી શકીએ.—૨ કોરીં. ૧૩:૫; એફે. ૫:૧૦.
૩. જે બહેને પોતાના જીવનમાં ફેરફાર કર્યા એમની પાસેથી આપણે શું શીખી શકીએ?
૩ એક બહેને રેગ્યુલર પાયોનિયરીંગ શરૂ કર્યું, ત્યારે ફૂલ-ટાઇમ કામ પણ ચાલુ રાખ્યું. જોકે પાર્ટ-ટાઇમ કામ કરીને પણ પોતાની જરૂરિયાત પૂરી કરી શકતી હતી. છેવટે તેણે સ્વીકારવું પડ્યું: ‘કોઈ પણ વ્યક્તિ એક સાથે બે માલિકની સેવા ના કરી શકે. મેં મારી ઇચ્છાઓને બાજુ પર મૂકી અને મારી જરૂરિયાતો પર ધ્યાન આપ્યું. મને ભાન થયું કે ચીજ-વસ્તુઓ તો અમુક સમય પછી જૂની થઈ જાય છે. અને ધારેલી ચીજ મેળવતાં હું સાવ થાકી જઈશ.’ આ બહેનના સંજોગો એવા હતા કે તે ફેરફાર કરીને સાદું જીવન જીવી શક્યા. નોકરી બદલીને તે પોતાનું પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યા.
૪. સાદું જીવન જીવવું આપણા માટે કેમ અગત્યનું છે?
૪ દિવસ પસાર થાય છે તેમ આ જગતનો અંત નજીક આવતો જાય છે. નવી દુનિયા પણ નજીક આવતી જાય છે. એટલે બહુ અગત્યનું છે કે આપણે સાદું જીવન જીવીએ. (૧ કોરીં. ૭:૨૯, ૩૧) તેથી ચાલો આપણે સંદેશો જણાવવાના કામમાં મંડ્યા રહીએ. એનાથી આપણે પોતાનું અને સંદેશો સાંભળનારનું જીવન બચાવી શકીએ છીએ!—૧ તીમો. ૪:૧૬.