વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૫/૧ પાન ૧૪-૧૭
  • કુટુંબ તરીકે “તૈયાર રહો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ તરીકે “તૈયાર રહો”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • આંખ “નિર્મળ” રાખો
  • ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો
  • નિયમિત રીતે કુટુંબ તરીકે ભક્તિ કરો
  • ‘જાગતા રહો’ અને “તૈયાર રહો”
  • કુટુંબોને મદદ કરવા
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૫/૧ પાન ૧૪-૧૭

કુટુંબ તરીકે “તૈયાર રહો”

“તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.”—લુક ૧૨:૪૦.

૧, ૨. ‘તૈયાર રહેવા’ વિષેની ઈસુની સલાહ આપણે કેમ પાળવી જોઈએ?

‘જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં આવશે’ ત્યારે તે લોકોને ‘એકબીજાથી જુદા પાડશે.’ એ સમયે તમારું અને તમારા કુટુંબનું શું થશે? (માથ. ૨૫:૩૧, ૩૨) એ બનાવ ક્યારે બનશે એ આપણે જાણતા નથી. તેથી એ ખૂબ જરૂરી છે કે ‘તૈયાર રહેવા’ વિષેની ઈસુની સલાહ પાળીએ.—લુક ૧૨:૪૦.

૨ આગલા લેખમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે કુટુંબનું દરેક સભ્ય પોતાની જવાબદારી નિભાવીને ઈશ્વરભક્તિમાં જાગતા રહી શકે. ચાલો હવે બીજી રીતો જોઈએ જેનાથી આપણે કુટુંબની શ્રદ્ધા વધારી શકીએ.

આંખ “નિર્મળ” રાખો

૩, ૪. (ક) કુટુંબોએ શાના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ? (ખ) આંખ નિર્મળ રાખવાનો અર્થ શું થાય?

૩ કુટુંબ તરીકે તૈયાર રહેવું જોઈએ, કેમ કે ઈસુ જલદી જ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. તેથી કુટુંબોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ સાચી ભક્તિથી ફંટાઈ ન જાય. દુઃખની વાત છે કે ઘણા કુટુંબો ધન-દોલત ભેગી કરવાના ફાંદામાં ફસાઈ ગયા છે. એટલે ઈસુની “આંખ નિર્મળ” રાખવાની સલાહ પાળવી બહુ જરૂરી છે. (માત્થી ૬:૨૨, ૨૩ વાંચો.) જેમ દીવાથી આપણે ઠોકર ખાધા વગર ચાલી શકીએ છીએ, એવી જ રીતે સારી બાબતો મનમાં લેવાથી પ્રકાશ મળે છે, જેનાથી ઠોકર ખાધા વગર ચાલી શકીએ છીએ.—એફે. ૧:૧૮.

૪ આંખ નિર્મળ રાખવાનો અર્થ એ થાય કે ફક્ત એક જ બાબત પર ધ્યાન આપીએ. એટલે કે આપણે ઈશ્વરભક્તિને જીવનમાં પ્રથમ રાખીએ. (માથ. ૬:૩૩) જો આપણે સાદું જીવન જીવીશું તો ધન-દોલત કમાવા પાછળ સમય નહિ વેડફીએ. કુટુંબની રોટી-કપડાં-મકાનની ખોટી ચિંતા નહિ કરીએ. પણ યહોવાહ જે બાબતો પૂરી પાડે છે એમાં સંતોષી રહીશું.—હેબ્રી ૧૩:૫.

૫. એક યુવતીએ કઈ રીતે બતાવ્યું કે તેનું ધ્યાન ઈશ્વરભક્તિમાં હતું?

૫ બાળકોને જ્યારે સાદું જીવન જીવવા શીખવીએ ત્યારે ઘણા સારા પરિણામ આવે છે. ઇથિયોપિયાની એક યુવતીનો વિચાર કરો. તે ભણવામાં ઘણી હોશિયાર હતી, એટલે તેને આગળ ભણવા સ્કૉલરશિપની ઑફર મળી. પણ તેનું ધ્યાન તો યહોવાહની ભક્તિમાં હતું. એટલે તેણે એ સ્કૉલરશિપ સ્વીકારી નહિ. થોડા સમય પછી તેને એક નોકરીની ઑફર મળી, જેમાં તેને મહિનાનો પગાર ૩,૦૦૦ યુરો (આશરે ૧,૮૦,૦૦૦ રૂપિયા) મળવાનો હતો. સામાન્ય રીતે એ દેશમાં લોકોને જે પગાર મળે છે, એની સરખામણીમાં આ રકમ બહુ જ મોટી હતી. પણ આ છોકરીનું ધ્યાન તો પાયોનિયરીંગ કરવામાં હતું. તેણે પોતાના મમ્મી-પપ્પાને પૂછ્યા વગર જ એ નોકરી ઠુકરાવી દીધી. જ્યારે તેના મમ્મી-પપ્પાને એ વિષે ખબર પડી ત્યારે તેઓને કેવું લાગ્યું? તેઓ ઘણા જ ખુશ થયા અને તેને કહ્યું, ‘અમને તારા પર ખૂબ જ ગર્વ છે!’

૬, ૭. આપણે શાનાથી ‘સાવધાન રહેવું’ જોઈએ?

૬ માત્થી ૬:૨૨, ૨૩માં ઈસુએ “નિર્મળ” આંખ વિષે વાત કરી. એમાં તેમણે “નિર્મળ”નો વિરોધી “અશુદ્ધ” શબ્દ વાપરવાને બદલે ‘ભૂંડું’ શબ્દ વાપર્યો. “ભૂંડી” આંખ કેવી હોય છે? એ ખરાબ, ઈર્ષાળુ, લોભી કે લાલચું હોય છે. (માથ. ૬:૨૩) લોભ વિષે યહોવાહને કેવું લાગે છે? બાઇબલ જણાવે છે, ‘વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, જેવી બાબતોના નામ સરખા તમારે ન લેવાં.’—એફે. ૫:૩.

૭ કોઈ વ્યક્તિ લોભી હોય તો આપણે સહેલાઈથી પારખી શકીશું, પણ જો આપણે લોભી હોઈશું તો એ પારખવું અઘરું હશે. તેથી ખૂબ જરૂરી છે કે આપણે ઈસુની આ સલાહ પાળીએ: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો.” (લુક ૧૨:૧૫) એમ કરવા આપણે પોતાની તપાસ કરવી જોઈએ કે આપણું મન કેવી બાબતો પર ચોંટેલું છે. શું આપણો સમય અને પૈસા, મોજશોખ અને ચીજ-વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચી નાખીએ છીએ? દરેક કુટુંબે આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

૮. ખરીદી કરવાની વાત આવે ત્યારે કઈ રીતે ‘સાવધ રહી’ શકીએ?

૮ કોઈ વસ્તુ ખરીદો એ પહેલાં વિચારો કે એની માટે પૂરતા પૈસા છે કે નહિ. જોકે એટલું જ વિચારવું પૂરતું નથી. આ સવાલોનો પણ વિચાર કરો: ‘શું એ વસ્તુનો નિયમિત રીતે ઉપયોગ કરવા મારી પાસે સમય હશે? શું હું એની બરાબર રીતે કાળજી લઈ શકીશ? એને વાપરતા શીખવા મને કેટલો સમય લાગશે?’ યુવાનો, તમે જાહેરાતોની જાળમાં ફસાઈ ન જાવ. મમ્મી-પપ્પાને મોટી મોટી બ્રાન્ડની વસ્તુ કે કપડાં ખરીદવાનું દબાણ ન કરો. તમે પોતાની ઇચ્છા પર કાબૂ રાખો. એનો પણ વિચાર કરો કે, ‘એ વસ્તુ ખરીદવાથી મારા પર કેવી અસર પડશે? કુટુંબ તરીકે શું અમે આવનાર અંત માટે તૈયાર રહી શકીશું?’ યહોવાહે આપેલા આ વચનમાં ભરોસો મૂકો: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—હેબ્રી ૧૩:૫.

ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો

૯. ઈશ્વરભક્તિને લગતા ધ્યેય પૂરા કરવાથી કુટુંબને શું ફાયદો થઈ શકે?

૯ કુટુંબીજનો પોતાનો વિશ્વાસ મજબૂત કરવા અને ભક્તિમાં વધારો કરવા શું કરી શકે? કુટુંબ તરીકે ભક્તિને લગતા અમુક ધ્યેયો રાખી શકે. એ પૂરા કરવા બનતા પ્રયત્ન કરી શકે. એમ કરવાથી જોઈ શકશે કે તેઓએ કેટલી પ્રગતિ કરી છે. એ પણ જોઈ શકશે કે કેવી બાબતોને જીવનમાં પ્રથમ મૂકવી જોઈએ.—ફિલિપી ૧:૧૦ વાંચો.

૧૦, ૧૧. કુટુંબ તરીકે તમે કેવા ધ્યેયો પૂરા કરી રહ્યા છો? ભાવિ માટે તમે કેવા ધ્યેય રાખ્યા છે?

૧૦ એવા ધ્યેય બાંધો જે કુટુંબ તરીકે તમે પૂરા કરી શકો. નાના ધ્યેય બાંધવાથી પણ ઘણો ફાયદો થાય છે. દાખલા તરીકે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી ચર્ચા કરવાનો ધ્યેય રાખી શકો. કુટુંબીજનો એમાંથી જે વિચારો જણાવે એનાથી શિર પારખી શકશે કે દરેકનો યહોવાહ સાથેનો સંબંધ કેવો છે. ભેગા મળીને બાઇબલ વાંચવાનો ધ્યેય રાખી શકો. એમ કરવાથી બાળકોનું વાંચન સુધરશે અને સત્ય વિષેનું જ્ઞાન વધશે. (ગીત. ૧:૧, ૨) કદાચ આપણે પ્રાર્થનાને વધારે સારી બનાવવાનો ધ્યેય રાખી શકીએ. ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવાનો પણ ધ્યેય રાખી શકીએ. (ગલા. ૫:૨૨, ૨૩) પ્રચારમાં લોકોને કઈ કઈ રીતે દયા બતાવવી, એનો ધ્યેય રાખી શકીએ. એમ કરવાથી બાળકો પણ દયાળુ બનતા શીખશે. પરિણામે તેઓને નિયમિત પાયોનિયર કે મિશનરી બનવાનું મન થઈ શકે.

૧૧ કુટુંબ તરીકે તમે કેમ નહિ કે એવા ધ્યેય બાંધો જે તમે પૂરા કરી શકો. જેમ કે, કુટુંબ તરીકે તમે પ્રચારમાં વધારે સમય આપી શકો. ફોન પર, રસ્તાઓ પર કે પછી દુકાનોમાં પ્રચાર કરવાનો વધારે પ્રયત્ન કરી શકો. જ્યાં જરૂર હોય એવા વિસ્તારમાં જઈને પ્રચાર કરી શકો. કુટુંબનું કોઈ સભ્ય બીજી ભાષા શીખી શકે, જેથી એ ભાષા બોલતા લોકોને સંદેશો જણાવી શકે.

૧૨. કુટુંબ સત્યમાં પ્રગતિ કરે એ માટે શિર શું કરી શકે?

૧૨ કુટુંબના શિર તરીકે એવી બાબતો શોધી કાઢો જેમાં કુટુંબ સત્યમાં પ્રગતિ કરી શકે. એ માટે નાના-નાના ધ્યેય બાંધો. કુટુંબના સંજોગો અને ક્ષમતા પ્રમાણેના ધ્યેય બાંધો. (નીતિ. ૧૩:૧૨) ખરું કે એવા સારા ધ્યેયો પૂરા કરવા સમય જોઈએ. એ સમય તમે ટીવી જોવા પાછળ વપરાતા સમયમાંથી કાઢી શકો. (એફે. ૫:૧૫, ૧૬) તમે જે ધ્યેયો બાંધ્યા છે એ પૂરા કરવા બનતું બધું કરો. (ગલા. ૬:૯) જે કુટુંબો ધ્યેયો પૂરા કરવા મહેનત કરે છે, તેઓની પ્રગતિ ‘સર્વના જાણવામાં આવે’ છે.—૧ તીમો. ૪:૧૫.

નિયમિત રીતે કુટુંબ તરીકે ભક્તિ કરો

૧૩. સભાઓમાં શું ફેરફાર કરવામાં આવ્યો? આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૩ જાન્યુઆરી ૧, ૨૦૦૯થી એક સરસ ગોઠવણ કરવામાં આવી છે, જેથી કુટુંબો દુનિયાના અંત માટે ‘તૈયાર રહી’ શકે. પહેલાં આપણે પુસ્તક અભ્યાસ માટે એક અલગ દિવસે મળતા હતા, પણ હવે એને સેવા શાળા અને સેવા સભા સાથે જોડી દેવામાં આવ્યો છે. આ ફેરફાર કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે કુટુંબો ભેગાં મળીને એક સાંજે ભક્તિ કરી શકે અને વિશ્વાસમાં દૃઢ થઈ શકે. આ ગોઠવણને બે વર્ષ કરતાં વધારે થયા છે, એટલે પોતાને પૂછો: ‘કુટુંબ તરીકે કે વ્યક્તિગત રીતે ભક્તિ કરવા માટે જે સમય મળ્યો છે, એનો શું હું સારો ઉપયોગ કરું છું? શું એ ગોઠવણનો પૂરો લાભ મેળવી રહ્યો છું?’

૧૪. (ક) કુટુંબ તરીકે કે વ્યક્તિગત રીતે ભક્તિ કરવાની ગોઠવણનો મુખ્ય હેતુ શું છે? (ખ) શા માટે એ ગોઠવણનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ?

૧૪ કુટુંબ તરીકે કે વ્યક્તિગત રીતે ભક્તિ કરવાની ગોઠવણનો મુખ્ય હેતુ શું છે? એ જ કે આપણે ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધીએ. (યાકૂ. ૪:૮) નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરવાથી આપણું જ્ઞાન વધે છે. એનાથી ઈશ્વર સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. યહોવાહની વધારે નજીક જઈએ તેમ આપણને ‘પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને પૂરી બુદ્ધિથી, ને પૂરા સામર્થ્યથી’ ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. (માર્ક ૧૨:૩૦) સાચે જ આપણે ઈશ્વરની આજ્ઞા પાળવા અને તેમને અનુસરવા ખૂબ જ ઉત્સુક છીએ. (એફે. ૫:૧) દર અઠવાડિયે ભેગા મળીને ભક્તિ કરીશું તો કુટુંબને “મોટી વિપત્તિ” માટે ‘તૈયાર રહેવા’ મદદ મળશે. (માથ. ૨૪:૨૧) બચવા માટે એ ગોઠવણનો પૂરો લાભ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે.

૧૫. સાથે મળીને ભક્તિ કરવાથી કુટુંબીજનોને શું ફાયદો થાય છે?

૧૫ કુટુંબ તરીકે ભક્તિ કરવાની ગોઠવણનો બીજો એક હેતુ છે. એનાથી કુટુંબના સભ્યો એકબીજાની વધારે નજીક આવે છે. સાથે મળીને ભક્તિ કરવાથી એકબીજા માટેની લાગણી વધે છે. પતિ-પત્ની સાથે મળીને હીરા જેવા કીમતી સત્યોની ચર્ચા કરે, ત્યારે તેઓનો એકબીજા માટેનો પ્રેમ વધે છે. (સભાશિક્ષક ૪:૧૨ વાંચો.) માતા-પિતા અને બાળકો જ્યારે ભેગા મળીને ભક્તિ કરે છે, ત્યારે તેઓ વચ્ચે પ્રેમનું “બંધન” ગાઢ બને છે.—કોલો. ૩:૧૪.

૧૬. બાઇબલ અભ્યાસ માટે એક સાંજ કાઢવાથી ત્રણ બહેનોને કેવો ફાયદો થયો છે?

૧૬ ચાલો જોઈએ કે એક મંડળની ત્રણ વિધવા બહેનોએ કઈ રીતે આ ગોઠવણમાંથી લાભ મેળવ્યો. આ ત્રણેવ સગી બહેનો નથી. તેઓ એક જ શહેરમાં રહે છે, અને ઘણા વરસોથી સારી બેનપણીઓ છે. તેઓને એકબીજાની સંગતનો આનંદ માણવો હતો, સાથે સાથે તેઓને ઈશ્વરભક્તિમાં પણ વધારે કરવું હતું. એટલે તેઓએ દર અઠવાડિયે એક સાંજે ભેગા મળીને બાઇબલ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ “બેરિંગ થરો વિટનેસ” એબાઉટ ગૉડ્‌સ કિંગ્ડમ પુસ્તકમાંથી અભ્યાસ કરવા લાગ્યા. એક બહેન કહે છે, ‘અમને અભ્યાસ કરવાની એટલી મઝા આવે છે કે ઘણી વાર એક કલાકથી વધારે ચર્ચા ચાલે છે. અમે ચર્ચા કરીએ છીએ કે પહેલી સદીના ભાઈ-બહેનોને કેવા સંજોગોનો સામનો કરવો પડ્યો. પછી વિચારીએ છીએ કે અમે એવા સંજોગોમાં હોત તો શું કરત? અમે જે શીખીએ છીએ એને પ્રચારમાં લાગુ પાડીએ છીએ. એમ કરવાથી અમને પ્રચારમાં બહુ ખુશી મળે છે અને સારા ફળ પણ મળ્યા છે.’ આ ગોઠવણથી એ ત્રણેવ બહેનોનો વિશ્વાસ તો દૃઢ થયો છે, સાથે સાથે તેઓનો એકબીજા સાથેનો સંબંધ પણ ગાઢ બન્યો છે. તેઓ કહે છે, ‘અમે આ ગોઠવણને ખૂબ જ કીમતી ગણીએ છીએ.’

૧૭. કુટુંબ તરીકેની ભક્તિને સફળ બનાવવા શું કરવું જોઈએ?

૧૭ કુટુંબ તરીકે ભક્તિ કરવાથી કે વ્યક્તિગત અભ્યાસ કરવાથી તમને કેવો ફાયદો થયો છે? જો તમે મન થાય ત્યારે જ અભ્યાસ કરશો તો કંઈ ખાસ ફાયદો નહિ થાય. દરેકે નક્કી કરેલા સમયે અભ્યાસ માટે તૈયાર રહેવું જોઈએ. નાની-નાની બાબતોને એમાં આડે આવવા દેવી ન જોઈએ. અભ્યાસ માટે એવી માહિતી પસંદ કરવી જોઈએ, જેનાથી દરેક સભ્યો એને જીવનમાં લાગુ પાડી શકે. તમે શું કરી શકો જેથી અભ્યાસમાં બધાને મઝા આવે? શીખવવાની અલગ અલગ રીતો અપનાવો. પણ ધ્યાન રાખો કે અભ્યાસ એકદમ ગંભીર કે સાવ મજાક ના બની જાય.—યાકૂ. ૩:૧૮.a

‘જાગતા રહો’ અને “તૈયાર રહો”

૧૮, ૧૯. દુનિયાનો અંત જલદી જ આવશે એ જાણીને તમારે અને તમારા કુટુંબે શું કરવું જોઈએ?

૧૮ શેતાનની આ દુષ્ટ દુનિયાની ઘડીઓ ૧૯૧૪થી ગણાઈ રહી છે. દુનિયાની હાલત કથળી રહી છે, એ બતાવે છે કે આર્માગેદનના વિનાશી વાદળો બહુ દૂર નથી. જલદી જ મનુષ્યપુત્ર ઈસુ, યહોવાહના ન્યાયચુકાદા મુજબ દુષ્ટ લોકોનો નાશ કરશે. (ગીત. ૩૭:૧૦; નીતિ. ૨:૨૧, ૨૨) એ જાણીને તમારે અને તમારા કુટુંબે શું જાગતા રહેવાની જરૂર નથી?

૧૯ આ દુનિયાના લોકો ધન-દોલત, નામ કમાવા અને સત્તા મેળવવા પાછળ પડ્યા છે. પણ શું તમે આંખ “નિર્મળ” રાખવાની ઈસુની સલાહ પાળી રહ્યા છો? શું તમારા કુટુંબે ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવાના ધ્યેયો બાંધ્યા છે? એ ધ્યેયો પૂરા કરવા બનતું બધું કરો છો? શું તમે કુટુંબ તરીકે કે વ્યક્તિગત અભ્યાસ કરવાની ગોઠવણનો પૂરો લાભ ઉઠાવો છો? એનાથી શું તમારો યહોવાહ સાથેનો સંબંધ ગાઢ બન્યો છે? આવતો લેખ બતાવશે કે શું તમે પતિ, પત્ની કે બાળકો તરીકેની જવાબદારી સારી રીતે નિભાવો છો, જેથી કુટુંબ ‘જાગતું’ રહી શકે? (૧ થેસ્સા. ૫:૬) જો તમે એમ કરશો તો દુનિયાના અંત માટે ‘તૈયાર રહી’ શકશો. (w11-E 05/15)

[ફુટનોટ]

a અભ્યાસ માટે કેવા વિષયો પસંદ કરવા અને એ માહિતીને આનંદદાયક તેમ જ જીવનમાં લાગુ પાડી શકાય એવી બનાવવા ઑક્ટોબર ૧૫, ૨૦૦૯નું વૉચટાવર પાન ૨૯-૩૧ જુઓ. જાન્યુઆરી ૨૦૧૧ની આપણી રાજ્ય સેવાના પાન ૩-૬ પણ જુઓ.

તમે શું શીખ્યા?

• આંખ “નિર્મળ” રાખવાથી કુટુંબો કઈ રીતે ‘તૈયાર રહી’ શકે?

• ભક્તિને લગતા ધ્યેયો બાંધવાથી અને પૂરા કરવાથી કુટુંબો કઈ રીતે ‘તૈયાર રહી’ શકે?

• ભક્તિની સાંજે નિયમિત ભેગા મળવાથી કુટુંબને કઈ રીતે ‘તૈયાર રહેવા’ મદદ મળે છે?

[પાન ૧૫ પર ચિત્ર]

આંખ “નિર્મળ” રાખવાથી તમારું ધ્યાન દુન્યવી બાબતોમાં ફંટાઈ નહિ જાય

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો