કુટુંબોને મદદ કરવા
૧. ઈસ્રાએલીઓને દર અઠવાડિયે સાબ્બાથની ગોઠવણથી કયો લાભ થતો?
૧ યહોવાહને ઈસ્રાએલીઓ માટે ખૂબ પ્રેમ હતો. એટલે તેમણે સાબ્બાથની ગોઠવણ કરી હતી. એનાથી કુટુંબોને ખૂબ જ લાભ થયો હતો. તેઓ એ દિવસે રોજિંદું કામકાજ ન કરતા. અને વિચાર કરતા કે યહોવાહે કઈ રીતે ભલાઈ બતાવી અને તેમની સાથેનો નાતો કેવી રીતે પાકો થઈ શકે. માબાપ એ સમયનો ફાયદો ઉઠાવીને બાળકોને યહોવાહના નિયમો શીખવતા. (પુન. ૬:૬, ૭) આમ તેઓને દર અઠવાડિયે સાબ્બાથના દિવસે યહોવાહની ભક્તિ કરવાનો સુંદર મોકો મળતો.
૨. સાબ્બાથ આપણને યહોવાહ વિષે શું શીખવે છે?
૨ જોકે યહોવાહ એમ કહેતા નથી કે આજે પણ સાબ્બાથ પાળવો જોઈએ. તેમ છતાં, એ નિયમમાંથી આપણને તેમના વિષે વધારે શીખવા મળે છે. તે હંમેશાં એવું ચાહે છે કે પોતાના ભક્તો તેમની સાથે પાક્કો નાતો બાંધે. (યશા. ૪૮:૧૭, ૧૮) આજે પણ એમ કરી શકીએ માટે યહોવાહે કુટુંબ તરીકે ભક્તિ કરવા એક સાંજની ગોઠવણ કરી છે.
૩. એક સાંજે કુટુંબ તરીકે ભક્તિ કરવાનો મકસદ શું છે?
૩ એક સાંજે કુટુંબ તરીકે ભક્તિ કરવાનો શું મકસદ છે? જે સાંજે દેવશાહી સેવા શાળા અને સેવા સભા રાખવામાં આવતી એ જ સાંજે જાન્યુઆરી ૨૦૦૯થી મંડળ પુસ્તક અભ્યાસ પણ રાખવામાં આવે છે. એની પાછળનું કારણ હતું કે દરેક કુટુંબ અઠવાડિયામાં એક સાંજે ભેગા મળીને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા સમય કાઢે. દરેકને ઉત્તેજન આપવામાં આવ્યું હતું કે પહેલાં જે સાંજે પુસ્તક અભ્યાસ રાખવામાં આવતો એ સાંજે કુટુંબ તરીકે ભક્તિ કરવા ભેગા મળો. તેમ જ, કુટુંબની જરૂરિયાત પ્રમાણે બાઇબલનો અભ્યાસ કરો, એ જલદીથી પૂરો કરવા ઉતાવળ ન કરો.
૪. શું કુટુંબ તરીકે ભક્તિ કરવા ફક્ત એક કલાક અભ્યાસ કરવો પૂરતો છે? સમજાવો.
૪ જરા વિચારો કે મંડળ પુસ્તક અભ્યાસમાં જવા માટે આપણે કેવી તૈયારી કરતા? તૈયાર થતા, મુસાફરી કરતા, વગેરે વગેરે. ફક્ત એક કલાકની સભામાં જવા માટે આપણામાંના ઘણાની મોટા ભાગની સાંજ નીકળી જતી. એ ગોઠવણમાં ફેરફાર થયો હોવાથી આપણી પાસે કુટુંબ તરીકે ભક્તિ કરવા હવે એક સાંજ રહેલી છે. તેથી એવું ન વિચારવું જોઈએ કે એક કલાક કુટુંબ તરીકે ભક્તિ કરવી પૂરતી છે. પણ કુટુંબની જરૂરિયાતો અને તેઓની ક્ષમતા પ્રમાણે અભ્યાસ કરવા સમય ગોઠવવો જોઈએ.
૫. શું અભ્યાસમાં દરમિયાન આખા કુટુંબે સાથે મળીને ચર્ચા કરવી જોઈએ? સમજાવો.
૫ શું અભ્યાસ દરમિયાન આખા કુટુંબે સાથે મળીને ચર્ચા કરવી જોઈએ? યુગલો અને મા-બાપ પોતાનાં બાળકો સાથે બાઇબલના વિષયો પર ચર્ચા કરે છે, જેથી બધાને ઉત્તેજન મળે. (રૂમી ૧:૧૨) આમ કરવાથી કુટુંબ મજબૂત થાય છે. એટલે કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે બાઇબલમાંથી ચર્ચા કરવી ખૂબ મહત્ત્વનું છે. એ ઉપરાંત કુટુંબના દરેક જણે જાતે અભ્યાસ કરવા પણ સમય કાઢવો જોઈએ. દાખલા તરીકે, કુટુંબ સાથે અમુક વિષય પર ચર્ચા કર્યા પછી બધા પોતાની જાતે મિટિંગની તૈયારી કરી શકે અથવા મૅગેઝિન વાંચી શકે. અમુક કુટુંબોએ નક્કી કર્યું છે કે એ સાંજે ટીવી નહિ જુએ.
૬. કુટુંબ સાથે કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ?
૬ કુટુંબ સાથે કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ? હંમેશાં સવાલ-જવાબથી ચર્ચા કરવી જરૂરી નથી. મંડળમાં જે રીતે બાઇબલ અભ્યાસ, સેવા સભા કે સ્કૂલ ચલાવવામાં આવે છે એવી જ રીતે અમુક કુટુંબો અભ્યાસ કરે છે. જેથી બધાને એટલી જ મજા આવે. તેઓ જે વિષયની ચર્ચા કરવાના હોય એના અલગ અલગ ભાગ પાડે છે. જેથી કુટુંબના દરેક જણ એમાં ભાગ લઈ શકે. જેમ કે, સાથે મળીને બાઇબલ વાંચવું, મિટિંગના કોઈ ભાગની તૈયારી કરવી અથવા પ્રચારમાં લોકો સાથે કેવી રીતે વાત કરવી એની પ્રૅક્ટિસ કરવી. પાન છ પર અમુક સૂચનો આપ્યા છે.
૭. કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે માબાપે કેવું વાતાવરણ રાખવું જોઈએ?
૭ કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે માબાપે કેવું વાતાવરણ રાખવું જોઈએ? કુટુંબમાં સારું વાતાવરણ હશે તો બધાને શીખવાની મજા આવશે. જો બહાર સારું વાતાવરણ હોય તો કોઈ વાર ત્યાં બેસીને પણ અભ્યાસ કરી શકાય. અભ્યાસ કરતા હોવ ત્યારે જરૂર હોય તો, પગ છૂટા પણ કરી શકો. અમુક કુટુંબો ભક્તિ કર્યા પછી ચા-નાસ્તો પણ કરે છે. કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે મા-બાપે બાળકોને ઠપકો કે શિસ્ત આપવી ન જોઈએ. પણ કોઈક ખોટી ટેવ કે મુશ્કેલી દૂર કરવાની જરૂર હોય તો, એ વિષે વાત કરવા માબાપે થોડો સમય આપવો જોઈએ. તેમ જ, જો બાળક સાથે અંગત બાબત વિષે વાત કરવાની હોય તો, એકાંતમાં બીજા કોઈ સમયે કરવી જોઈએ. જેથી તેના ભાઈ-બહેન આગળ તેને શરમાવું ન પડે. કુટુંબ તરીકે ભક્તિ કરતા હોઈએ ત્યારે વાતાવરણ ગંભીર ન હોવું જોઈએ. આપણે યહોવાહના ભક્તો હોવાથી હંમેશાં તેમની જેમ આનંદી રહેવું જોઈએ.
૮, ૯. કુટુંબના વડીલે કેવી તૈયારી કરવી જોઈએ?
૮ કુટુંબના વડીલે કેવી તૈયારી કરવી જોઈએ? કુટુંબના વડીલે પહેલેથી તૈયારી કરવી જોઈએ. તેણે નક્કી કરવું જોઈએ કે દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિમાં શાની અને કેવી રીતે ચર્ચા કરવી, જેથી બધાને એનો લાભ થાય. (નીતિ. ૨૧:૫) તે એના વિષે પોતાની પત્નીના વિચારો પણ લઈ શકે. (નીતિ. ૧૫:૨૨) કુટુંબના વડીલે એના વિષે કોઈક વાર પોતાના બાળકોના વિચાર પણ જાણવા જોઈએ. એમ કરવાથી તમે જાણી શકશો કે બાળકોના મનમાં શું છે અને કેવી બાબતોની તેઓને ચિંતા છે.
૯ કુટુંબના વડીલે ભક્તિ માટેની તૈયારી કરવામાં મોટા ભાગે દર અઠવાડિયે વધુ પડતો સમય નહિ આપવો પડે. કુટુંબને જો ખબર હોય કે દર અઠવાડિયે શામાંથી અભ્યાસ કરીશું, તો બધાને મજા આવશે. એ માટે કુટુંબના વડીલે દર અઠવાડિયા માટે નવી નવી માહિતી શોધી રાખવાની જરૂર નથી. એના બદલે દરેક અભ્યાસના અંતે વધારે જાણકારી મળશે કે કુટુંબને શેના વિષે શીખવાની જરૂર છે. પછી બીજી વાર એના વિષે ચર્ચા કરવા માટે તૈયારી કરી શકો. અમુક કુટુંબના વડીલો બધા જોઈ શકે એવી જગ્યાએ શેનો અભ્યાસ કરવામાં આવશે એ કાગળ પર લખી મૂકે છે. એમ કરવાથી બધા કાગના ડોળે રાહ જુએ છે અને એની તૈયારી કરવા સમય મળે છે.
૧૦. જેઓ એકલા રહે છે અથવા સત્યમાં એકલા છે, તેઓ કુટુંબ તરીકેની ભક્તિની સાંજે શું કરી શકે?
૧૦ જો સત્યમાં એકલા જ હોઈએ કે પછી એકલા રહેતા હોઈએ તો શું કરી શકીએ? જો તમે સત્યમાં એકલા જ હોવ કે પછી એકલા રહેતા હોવ, તો કુટુંબ તરીકેની ભક્તિની સાંજે તમે જાતે અભ્યાસ કરી શકો. જેમ કે, બાઇબલ વાંચન, સભાની તૈયારી, ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન વાંચી શકો. અમુક ભાઈ-બહેનો મન ગમતા પ્રોજેક્ટ પર અભ્યાસ કરે છે. કોઈક વાર બીજા ભાઈ-બહેનને અભ્યાસ કરવા બોલાવી શકાય, જેથી એકબીજાને ઉત્તેજન મળે.
૧૧, ૧૨. એક સાંજે કુટુંબ તરીકે નિયમિત ભક્તિ કરવાથી કયા લાભો થાય છે?
૧૧ દર અઠવાડિયે એક સાંજે કુટુંબ તરીકે ભક્તિ કરવાથી કયા લાભ થાય છે? યહોવાહની તન-મનથી ભક્તિ કરે છે તેઓનો તેમની સાથે નાતો પાકો થાય છે. એ ઉપરાંત આખું કુટુંબ એમાં જોડાવાથી એકબીજા સાથે સંબંધો મજબૂત થાય છે. એમ કરવાથી મળતા આશીર્વાદનો આનંદ માણતા એક યુગલે લખ્યું: “અમે બંને પાયોનિયર છીએ અને અમને બાળકો નથી. દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિની અમે કાગને ડોળે રાહ જોઈએ છીએ. અમને લાગે છે એનાથી એકબીજા સાથે અને યહોવાહ પિતા સાથેનો અમારો સંબંધ ગાઢ બની રહ્યો છે. અભ્યાસ માટે જે દિવસ ગોઠવ્યો છે એ સવારે અમે એકબીજાને કહીએ કે ‘આજે સાંજે તો આપણે કુટુંબ તરીકે ભક્તિ કરવાના છીએ!’”
૧૨ ભાગદોડ કરતા કુટુંબોને પણ ભક્તિ માટે એક સાંજની ગોઠવણથી મદદ મળે છે. એક મા એકલા હાથે બે બાળકોને ઉછેરે છે અને પાયોનિયરીંગ કરે છે. તેમણે લખ્યું: “પાછલા દિવસોમાં હું મારા બાળકો સાથે નિયમિત અભ્યાસ કરી શકતી ન હતી. થાકેલી હોવાથી કોઈક વાર અભ્યાસ ન કરતી, કોઈ વાર કરતી. મને સમજાતું ન હતું કે એ બધું હું કેવી રીતે કરું. એક સાંજે કુટુંબ તરીકે ભક્તિની ગોઠવણ કરી એ માટે તમારો આભાર માનું છું. અમે હવે નિયમિત રીતે કુટુંબ સાથે અભ્યાસ કરીએ છીએ અને એનો ફાયદો જોઈ શકીએ છીએ.”
૧૩. આ ગોઠવણથી તમારા કુટુંબને લાભ થશે એ શાના પરથી દેખાઈ આવે છે?
૧૩ સાબ્બાથની જેમ કુટુંબ તરીકે ભક્તિની સાંજની ગોઠવણ પણ યહોવાહ પાસેથી એક આશીર્વાદ છે. એનાથી કુટુંબોને લાભ થાય છે. (યાકૂ. ૧:૧૭) ઈસ્રાએલી કુટુંબો જે રીતે સાબ્બાથ પાળતા એનાથી દેખાઈ આવતું કે યહોવાહ સાથે નાતો બાંધવાથી તેઓને કેટલો લાભ થાય છે. એ રીતે આપણે પણ ભક્તિની સાંજે જેટલો સમય કાઢીશું એટલો જ પોતાના કુટુંબને લાભ થશે. (૨ કોરીં. ૯:૬; ગલા. ૬:૭, ૮; કોલો. ૩:૨૩, ૨૪) એમ કરવાથી તમારું કુટુંબ પણ ઈશ્વરભક્તની જેમ કહી શકશે: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.”—ગીત. ૭૩:૨૮.
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
કુટુંબ તરીકે ભક્તિ કરતા હોઈએ ત્યારે વાતાવરણ ગંભીર ન હોવું જોઈએ. આપણે યહોવાહના ભક્તો હોવાથી હંમેશાં તેમની જેમ આનંદી રહેવું જોઈએ.
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
સાચવીને રાખો
એક સાંજ કુટુંબ તરીકે ભક્તિ કરવા માટેના અમુક સૂચનો
બાઇબલ વાંચન:
• બાઇબલ વાંચનના શેડ્યૂલ પ્રમાણે દર અઠવાડિયે સાથે મળીને થોડું વાંચો. બાઇબલનો અહેવાલ નાટકના સંવાદની જેમ વાંચી શકાતો હોય તો, બધા જ એ વાંચવામાં ભાગ લઈ શકે.
• બાઇબલના અમુક અહેવાલને નાટકની જેમ ભજવો.
• કુટુંબના દરેક જણને અગાઉથી બાઇબલનો એક અધ્યાય વાંચવાનું જણાવો. એ વાંચન પર એક-બે સવાલો લખવાનું કહી શકો. પછી એ સવાલો પર સાથે મળીને સંશોધન કરો.
• થોડા કાર્ડ બનાવો. એમાં એક બાજુ જે કલમ યાદ રાખવા માગો છો એ લખો, બીજી બાજુ એ કલમ ટાંકો. દર અઠવાડિયે એ જોયા વગર યાદ રાખવાનો પ્રયત્ન કરો. જુઓ કે કેટલી કલમો તમને યાદ રહી છે.
• બાઇબલનું રેકોર્ડિંગ સાંભળતા જઈને બાઇબલમાં સાથે સાથે જોતા જાઓ.
સભાની તૈયારી:
• સાથે મળીને અમુક સભાની તૈયારી કરો.
• આવતા અઠવાડિયે સભામાં જે ગીત ગાવામાં આવશે એની પ્રૅક્ટિસ કરો.
• કોઈને દેવશાહી સેવા શાળામાં ટૉક મળી હોય કે સેવા સભામાં દૃશ્ય બતાવવાનું હોય તો, એ કેવી રીતે કરશો એની ચર્ચા કરો. અથવા કુટુંબ આગળ એની પ્રૅક્ટિસ કરો.
કુટુંબની જરૂરિયાત:
• યુવાનો પૂછે છે અથવા લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાંથી યોગ્ય માહિતીની ચર્ચા કરો.
• સ્કૂલમાં જે સંજોગો ઊભા થવાની શક્યતા છે, એનો કેવી રીતે સામનો કરવો એની પ્રૅક્ટિસ કરો.
• બાળકને અમુક વિષય પર સંશોધન કરવાનું કહો. પછી તેઓને કહો કે એ વિષે મા-બાપને સમજાવે.
સેવાકાર્ય:
• શનિ-રવિ પ્રચારમાં લોકોને શું આપીશું ને શું કહીશું એની પ્રૅક્ટિસ કરો.
• મેમોરિયલના આગળ-પાછળના મહિનામાં કે રજાઓના સમયે પ્રચારમાં વધુ ભાગ લેવા કુટુંબ કેવા ધ્યેયો બાંધી શકે એની ચર્ચા કરો.
• પ્રચારમાં લોકો જે સવાલો પૂછે એનો કેવી રીતે જવાબ આપવો એ વિષે કુટુંબના દરેક જણને સંશોધન કરવા થોડો સમય આપો, પછી એની પ્રૅક્ટિસ કરો.
વધુ સૂચનાઓ:
• સાથે મળીને નવા મૅગેઝિનમાંથી એક લેખ વાંચો.
• કુટુંબમાં બધાને પહેલેથી નવા મૅગેઝિનમાંથી મન પસંદ એક લેખ વાંચવાનું જણાવો. પછી એમાંથી તેમને શું ગમ્યું એ જણાવવાનું કહો.
• કોઈક વાર મંડળના ભાઈ-બહેનોને તમારી સાથે કુટુંબ તરીકે ભક્તિ કરવા બોલાવો, તેઓનું ઇન્ટર્વ્યૂં પણ લઈ શકો.
• આપણી સંસ્થાની એકાદ વિડીયો જુઓ અને ચર્ચા કરો.
• સાથે મળીને સજાગ બનો!માંથી, “યુવાનો પૂછે છે” અથવા “બાઇબલ શું કહે છે” એમાંથી ચર્ચા કરી શકો.
• સાથે મળીને ચોકીબુરજમાંથી “વાચકો તરફથી પ્રશ્નો”ની ચર્ચા કરી શકો.
• ચાલુ વર્ષની યરબુક અથવા ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બહાર પડેલા નવા પુસ્તકમાંથી સાથે મળીને વાંચો.
• નાનાં-મોટાં સંમેલનમાં જઈ આવ્યા પછી એના મુખ્ય મુદ્દાની ચર્ચા.
• યહોવાહે સર્જન કરેલી સૃષ્ટિ, ઝાડ-પાન, જીવજંતુ કે પ્રાણીઓને જુઓ. પછી એમાંથી યહોવાહ વિષે શું શીખવા મળે છે એની ચર્ચા કરો.
• સાથે મળીને કોઈક પ્રોજેક્ટ બનાવો, જેમ કે કોઈ વસ્તુનું મૉડલ, નકશો અથવા ચાર્ટ બનાવો.