આપણું સૌથી અગત્યનું કામ
૧. ઈસુએ કેવી રીતે બતાવી આપ્યું કે તેમના માટે પ્રચારકાર્ય સૌથી મહત્ત્વનું કામ હતું?
૧ ઈસુ માટે પ્રચાર કરવો એ સૌથી મહત્ત્વનું કામ હતું. એ કામ પૂરું કરવા તેમણે સખત પ્રયત્ન કર્યો. પેલેસ્ટાઇનમાં સેંકડો કિલોમીટર ચાલીને શક્ય એટલા લોકોને રાજ્યનો સંદેશો આપ્યો. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું, જેથી તે વધારે સમય પ્રચાર કરી શકે. (માથ. ૮:૨૦) જ્યારે લોકોએ તેમને માંદાઓને સાજા કરે એ માટે રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈસુએ કહ્યું: ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’—લુક ૪:૪૩.
૨. શા માટે પ્રચારકામ ઈસુ માટે સૌથી અગત્યનું હતું?
૨ શા માટે પ્રચારકામ ઈસુ માટે સૌથી અગત્યનું હતું? તેમનો મુખ્ય ધ્યેય યહોવાહનું નામ પવિત્ર મનાવવાનો હતો. (માથ. ૬:૯) ઈસુ પોતાના પિતાને ખૂબ જ ચાહતા હતા. એટલે તેમની ઇચ્છા પૂરી કરવા અને આધીન રહેવા ચાહતા હતા. (યોહા. ૧૪:૩૧) તેમને લોકો પર પણ બહુ પ્રેમ હતો એટલે તેઓને ઘણી મદદ કરી.—માથ. ૯:૩૬, ૩૭.
૩. કઈ રીતે બતાવી શકીએ કે પ્રચારકામ આપણા માટે સૌથી મહત્ત્વનું છે?
૩ ઈસુને અનુસરો: ઈસુની જેમ પ્રચારકામને જીવનમાં પ્રથમ રાખવું સહેલું નથી. એનું કારણ એ છે કે જગત આપણી સામે ઘણી લાલચો મૂકે છે. એ આપણો સમય ખાઈ શકે, અને ધ્યાન ફંટાવી શકે છે. (માથ. ૨૪:૩૭-૩૯; લુક ૨૧:૩૪) તેથી, આપણે અગત્યની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યનો સંદેશો જાહેર કરવા આપણે તૈયારી કરવી જોઈએ અને નિયમિત રીતે એમાં ભાગ લેવો જોઈએ. (ફિલિ. ૧:૧૦) આપણે સાદું જીવન જીવવા કોશિશ કરતા રહેવું જોઈએ. ધ્યાન રાખીએ કે દુનિયાના કાર્યોમાં તલ્લીન ન થઈ જઈએ.—૧ કોરીં ૭:૩૧.
૪. શા માટે હમણાં અગત્યના કામ પર ધ્યાન આપવાની જરૂર છે?
૪ જ્યારે વ્યક્તિ પાસે બહુ સમય ન હોય, ત્યારે તે વધારે અગત્યનાં કામો પહેલા કરશે. દાખલા તરીકે, જો તેને ખબર પડે કે કોઈ ભયાનક તોફાન આવી રહ્યું છે, તો તે શું કરશે? સામાન્ય કામો એકબાજુ મૂકશે. કુટુંબનું જીવન બચાવવા અને પાડોશીઓને ચેતવવા પોતાનો સમય અને શક્તિ વાપરશે. એવી રીતે, આર્માગેદનનું ભયાનક તોફાન આવી રહ્યું છે. આપણી પાસે સમય ઓછો છે. (સફા. ૧:૧૪-૧૬; ૧ કોરીં. ૭:૨૯) તેથી, પોતાને અને આપણાં સાંભળનારાંઓને બચાવવા માટે સ્વતપાસ કરતા રહેવાની જરૂર છે. ધ્યાન રાખીએ કે મંડળમાં કે પ્રચારમાં જે પણ શિક્ષણ આપીએ બાઇબલ આધારિત હોય. (૧ તીમો. ૪:૧૬) પોતાનું જીવન બચાવવા માટે ખૂબ જરૂરી છે કે પ્રચારનું કામ જીવનમાં પ્રથમ રાખીએ!