વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૪-૬
  • શું તમે “મકદોનિયા” જશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે “મકદોનિયા” જશો?
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • વધારે સેવા કરવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • વધારે જરૂર હોય ત્યાં જઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું તમે પોતાના મંડળને મદદરૂપ બની શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૪-૬

શું તમે “મકદોનિયા” જશો?

૧. પાઊલ અને તેમના સાથીદારો શા માટે મકદોનિયા ગયા?

૧ ઈસવીસન ૪૯ની આસપાસ પ્રેરિત પાઊલે પોતાની બીજી મિશનરી મુસાફરી કરવા સીરિયાનું અંત્યોખ છોડ્યું. તેમનો હેતુ એફેસસ અને એશિયા માઈનોરમાં આવેલા શહેરોમાં જવાનો હતો. જોકે, તેમને દર્શનમાં પવિત્ર શક્તિએ, આ શહેરોને બદલે “મકદોનિયા” જવા કહ્યું. આ આમંત્રણ પાઊલ અને તેમના સાથીદારોએ ખુશીથી સ્વીકારી લીધું. તેઓને ત્યાંના વિસ્તારમાં સૌથી પહેલું મંડળ સ્થાપવાનો લહાવો મળ્યો. (પ્રે.કૃ. ૧૬:૯, ૧૦; ૧૭:૧, ૨, ૪) આજે, આખી દુનિયા ફરતે આવેલા વિસ્તારમાં કાપણી માટે વધુ મજૂરોની જરૂર છે. (માથ. ૯:૩૭, ૩૮) એ માટે શું તમે મદદ કરી શકશો?

૨. શા માટે ઘણાએ બીજી જગ્યાએ જવા માટે વિચાર્યું નથી?

૨ કદાચ તમને પાઊલની જેમ મિશનરી બનવું હશે. પણ કોઈ બીજી જગ્યાએ જવા માટે વધારે વિચાર્યું નહિ હોય. એના આ કારણો હોઈ શકે: કદાચ તમે એકલા બહેન છો અથવા તમારે નાના બાળકો છે, કે પછી ઉંમર થઈ ગઈ છે. એના લીધે તમે ગિલયડ સ્કૂલ અથવા બીજી કોઈ ખાસ પ્રકારની તાલીમ મેળવી શકતા નથી. કદાચ બીજી કોઈ ભાષા શીખવા માટે પૂરતો આત્મવિશ્વાસ ન હોય. કદાચ તમે આર્થિક કારણોને લીધે બીજા શહેર કે દેશમાં આવીને વસ્યા છો, એટલે બીજી કોઈ જગ્યાએ જવા માગતા નથી. પરંતુ, પ્રાર્થનાપૂર્વક વિચાર્યા પછી જોઈ શકશો કે ઉપર પ્રમાણેના સંજોગો, તમને જ્યાં વધારે પ્રચારની જરૂર છે એવી જગ્યાએ જતા રોકશે નહિ.

૩. બીજી જગ્યાએ જઈને પ્રચારકાર્યમાં સફળ થવા શા માટે ખાસ તાલીમ લેવી જરૂરી નથી?

૩ શું કોઈ ખાસ તાલીમ જરૂરી છે? પાઊલ અને તેમના સાથીદારોને કેવી રીતે સફળતા મળી? તેઓ યહોવાહ અને તેમની શક્તિ પર પોતાનો આધાર રાખતા હતા. (૨ કોરીં. ૩:૧-૫) ભલે ખાસ પ્રકારની તાલીમ મેળવવા તમારા સંજોગો ન હોય તોપણ, તમે બીજા દેશ કે શહેરમાં જઈને પ્રચાર કરવામાં સફળતા મેળવી શકો છો. યાદ રાખો, તમે દેવશાહી સેવા શાળા અને સેવા સભા મારફતે તાલીમ મેળવો છો. જો તમે કોઈ ખાસ સ્કૂલમાં જવાનું વિચારી રહ્યા હો, તો બીજી જગ્યાએ સેવા કરવા જઈ શકો. એ અનુભવ તમને ખાસ તાલીમ લેવામાં ઘણો કામમાં આવશે.

૪. મોટી ઉંમરના ભાઈ-બહેનો પાસે પણ કેવો લહાવો છે?

૪ મોટી ઉંમરના: સત્યમાં અનુભવી અને તબિયત સારી રહેતી હોય, એવા મોટી ઉંમરના ભાઈ-બહેનો પણ, જ્યાં જરૂર છે ત્યાં કિંમતી સાબિત થઈ શકે છે. શું તમે તમારા નોકરી-ધંધા પરથી નિવૃત્ત થયા છો? ઘણા પોતાને મળતા પેન્શનથી જ્યાં જરૂર છે ત્યાં જઈને સારું કરી શકે છે. નવી જગ્યાએ તેઓના ખર્ચાઓ ઓછા થાય છે. તેમ જ, મેડિકલ સારવારના ખર્ચા પણ તેઓની હાલની જગ્યા કરતા સસ્તાં હોય છે.

૫. એક નિવૃત્ત ભાઈનો અનુભવ જણાવો.

૫ આપણા એક અંગ્રેજી નિવૃત્ત ભાઈનો વિચાર કરો. તે વડીલ અને પાયોનિયર છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાના એક જાણીતા પ્રવાસી સ્થાને રહેવા ગયા. ત્યાં અંગ્રેજી બોલતા ગ્રૂપમાં નવ ભાઈ-બહેનો છે, તેઓને આ ભાઈએ મદદ કરી. આ ગ્રૂપે ત્યાં આવીને વસેલા અંગ્રેજી બોલતા ૩૦,૦૦૦ લોકોને પ્રચાર કર્યો. માત્ર બે વર્ષની અંદર ૫૦ જણા સભામાં આવતા થઈ ગયા. એ ભાઈએ લખ્યું: “અહીં આવીને મને જે ખુશી મળી છે એવી પહેલા ક્યારેય મળી નથી. એને બયાન કરવા મારી પાસે શબ્દો નથી.”

૬. એક યુવાન બહેનનો અનુભવ જણાવો.

૬ કુંવારી બહેનો: જ્યાં વધારે જરૂર છે એવી જગ્યાઓએ પ્રચાર કરવા યહોવાહે મોટા પાયે બહેનોનો ઉપયોગ કર્યો છે. (ગીત. ૬૮:૧૧) આપણી એક યુવાન બહેને વિદેશમાં પોતાનું સેવાકાર્ય વધારવાનો ધ્યેય રાખ્યો હતો. પણ મા-બાપ તેની સુરક્ષા બાબતે ચિંતિત હતા. તેથી આ બહેને આર્થિક અને રાજકીય પરિસ્થિતિ સારી હોય એવો દેશ પસંદ કર્યો. એ માટે તેમણે શાખા કચેરીને પત્ર લખીને ઉપયોગી માહિતી મેળવી. એ દેશમાં છ વર્ષ તેમણે ઘણા આશીર્વાદો માણ્યા. તે કહે છે: “જો હું મારા ઘરે હોત તો બાઇબલ અભ્યાસ મેળવવાની ઓછી તકો હોત. પણ જ્યાં વધારે જરૂર છે એવી જગ્યાએ પ્રચાર કરવાથી મને ઘણા અભ્યાસો ચલાવવા મદદ મળી. તેમ જ, મેં શીખવવાની કળામાં પણ સુધારો કર્યો.”

૭. એક કુટુંબનો અનુભવ જણાવો.

૭ કુટુંબો: જરૂર છે ત્યાં પ્રચાર કરવા જતાં, શું તમે બાળકોને લીધે અચકાવ છો? એક કુટુંબમાં બે બાળકો છે. એક આઠ તો બીજું દસ વર્ષનું. તેઓએ બીજી જગ્યાએ જવાનું નક્કી કર્યું. માતા લખે છે: “અમે બાળકોને અહીં ઉછેરી શક્યા માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. કેમ કે તેઓ પાયોનિયર અને મિશનરી ભાઈ-બહેનો સાથે હળી-મળી શક્યા છે. જરૂર છે એવી જગ્યાએ સેવા કરવાથી અમારી જિંદગી વધુ સુખી થઈ છે.”

૮. નવી ભાષા શીખ્યા વગર બીજી જગ્યાએ સેવા કરવી શક્ય છે? સમજાવો.

૮ ભાષાની ચિંતા: નવી ભાષા શીખવી પડશે, એટલે શું તમે બીજા દેશ કે શહેરમાં જતા અચકાવ છો? તમારી ભાષા બીજા પ્રાંતોમાં બોલાતી હશે, ત્યાં પણ વધારે પ્રચારકોની જરૂર હોઈ શકે. એક અંગ્રેજી યુગલ સ્પેનિશ ભાષા બોલાતી જગ્યાએ રહેવા ગયા. ત્યાં બહારના દેશથી આવેલા અંગ્રેજી બોલતા ઘણા લોકો હતા. તેઓએ શાખા કચેરી પાસેથી અંગ્રેજી ભાષાના મંડળોની યાદી માંગી, જ્યાં મદદની જરૂર છે. એમાંથી તેઓએ એક મંડળ પસંદ કર્યું અને બે વાર એની મુલાકાત લીધી. તેઓ ઘરે પાછા આવ્યા અને પોતાના માસિક ખર્ચામાં કાપ મૂકીને એક વર્ષ સુધી બચત કરી. જ્યારે તેઓ ત્યાં રહેવા ગયા ત્યારે, ત્યાંના ભાઈઓએ તેઓને પોસાય એવું ઘર લેવા મદદ કરી.

૯, ૧૦. પોતાનો દેશ કે શહેર છોડીને બીજી જગ્યાએ વસ્યા હોય, એવા ભાઈ-બહેનો શું વિચારી શકે અને કેમ?

૯ બીજા દેશમાંથી આવીને વસેલા: સત્ય શીખ્યા પહેલાં તમે કોઈ બીજા દેશમાંથી આવીને વસ્યા હોઈ શકો. અથવા તમારા દેશમાં જ બીજા શહેરમાં ગયા હોઈ શકો. તમારા મૂળ વતન કે શહેરમાં કદાચ પ્રચાર માટે વધારે જરૂર હશે. શું તમે પાછા જવા માટે વિચારી શકો? કોઈ બીજાને મકાન અને કામ શોધવા જેટલી મહેનત કરવી પડે એટલી તમારે નહિ કરવી પડે. તેમ જ તમને ત્યાંની ભાષા આવડતી હશે. વધુમાં, બહારની વ્યક્તિના મોઢે સાંભળવા કરતાં, તમારા મોઢેથી રાજ્યનો સંદેશો સાંભળવો લોકોને વધારે પસંદ પડશે.

૧૦ એક વ્યક્તિ આલ્બેનિયાથી ઇટાલીમાં રેફ્યુજી તરીકે રહેવા આવી. પછી, તેમને સારી નોકરી મળી અને તે આલ્બેનિયામાં રહેતાં પોતાના કુટુંબને પૈસા મોકલતા હતા. સત્યમાં આવ્યા બાદ, તે ઇટાલી ભાષાના ખાસ પાયોનિયરોના ગ્રૂપને આલ્બેનિયન ભાષા શીખવવા લાગ્યા. એ ગ્રૂપ પ્રચારની વધારે જરૂર હોવાથી આલ્બેનિયા જઈ રહ્યું હતું. એ ભાઈએ લખ્યું: “તેઓ એ વિસ્તારમાં જઈ રહ્યાં હતા, જે મેં છોડી દીધો હતો. તેઓ ત્યાંની ભાષા જાણતા નથી છતાં જવા માટે ઉત્સાહી છે. મારી ભાષા અને સંસ્કૃતિ આલ્બેનિયન છે. હું અહીં ઇટાલીમાં શું કરું છું?” પછી, ભાઈએ ખુશખબર ફેલાવવામાં મદદ કરવા આલ્બેનિયા જવાનું નક્કી કર્યું. તે કહે છે: “શું ઇટાલીમાં નોકરી અને પૈસો છોડવાનો મને પસ્તાવો થયો? જરાય નહિ! આલ્બેનિયામાં હવે મને ખરું કામ મળ્યું છે. મારા ખ્યાલથી, યહોવાહની પૂરા દિલથી સેવા કરવી એ જ એવું કામ છે, જેનાથી ખરો અને કાયમી આનંદ મળે છે!”

૧૧, ૧૨. બીજી જગ્યાએ જવાનું વિચારતા હોય તેઓએ શું કરવું જોઈએ?

૧૧ કેવી રીતે કરવું: મકદોનિયા જતાં પહેલાં પાઊલ અને તેમના સાથીદારો પશ્ચિમ તરફ જવાના હતા. પણ ‘ઈશ્વરની શક્તિએ તેઓને સુવાર્તાનો બોધ કરવાની મના કરી.’ તેથી, તેઓ ઉત્તર દિશામાં ગયા. (પ્રે.કૃ. ૧૬:૬) જ્યારે તેઓ બીથુનીઆ નજીક હતા ત્યારે ઈસુએ તેઓને અટકાવ્યા. (પ્રે.કૃ. ૧૬:૭) યહોવાહ પ્રચાર કાર્યની દેખરેખ ઈસુ મારફતે રાખે છે. (માથ. ૨૮:૨૦) એટલે તમે પ્રચારની વધારે જરૂર છે એવી જગ્યાએ જવાનું વિચારતા હો તો, પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગો.—લુક ૧૪:૨૮-૩૦; યાકૂ. ૧:૫. “કઈ જગ્યાએ પ્રચારની વધારે જરૂર છે એ તમે કેવી રીતે જાણી શકો?” બૉક્સ જુઓ.

૧૨ મંડળના વડીલો અને અનુભવી ભાઈ-બહેનોને તમારી ઇચ્છા જણાવીને તેઓની રાય લો. (નીતિ. ૧૧:૧૪; ૧૫:૨૨) વધારે પ્રચારની જરૂર છે ત્યાં જવા વિષે આપણા સાહિત્યમાં ઘણી માહિતી છે, એને તમે વાંચો. તમે જવા માંગતા હોય એવી જગ્યાઓ વિષે સંશોધન કરો. જગ્યા પસંદ કર્યા પછી તમે ત્યાં થોડા દિવસ રહેવા જઈ શકો. જો તમે બીજી જગ્યાએ રહેવા જવાનું મન બનાવી લીધું હોય તો વધુ માહિતી માટે તમારી શાખા કચેરીને લખીને જણાવો. પણ શાખા કચેરીને સીધેસીધું મોકલવાને બદલે એ પત્ર તમારા મંડળના વડીલોને આપો. તેઓ પોતાની ટીકા લખીને આગળ મોકલી આપશે.—ઓર્ગેનાઈઝડ ટુ ડુ જેહોવાસ વીલ પુસ્તકના પાન ૧૧૧-૧૧૨.

૧૩. શાખા કચેરી તમને કઈ રીતે મદદ કરશે? પણ એ શું નહિ કરી શકે?

૧૩ તમે જે જગ્યાએ જવા ચાહો છો એ માટે શાખા કચેરી તમને વધારે માહિતી આપીને મદદ કરશે. પણ તેઓ તમને લીગલ ડૉક્યુમેન્ટ્‌સ કે કોઈ ફોર્મ નહિ આપી શકે. અથવા તમારા રહેઠાણ માટે કોઈ ગોઠવણ કરી નહિ શકે. તમે ત્યાં રહેવા જાઓ એ પહેલાં તમારે જાતે ગોઠવણો કરવી પડશે. જેઓ બીજી જગ્યાએ જવા માંગે છે, તેઓએ જાતે બધી ગોઠવણો કરવી પડશે. તેમ જ, જરૂરી કાયદાકીય બાબતોને તેઓએ જ થાળે પાડવી પડશે.—ગલા. ૬:૫.

૧૪. પ્રચારકામ પર પ્રતિબંધ હોય તેવા દેશમાં મુલાકાત કે વસવાટ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ?

૧૪ પ્રચારકામ પર મનાઈ હોય એવા દેશો: અમુક દેશોમાં ભાઈ-બહેનોએ યહોવાહની ભક્તિ કરતી વખતે સાવચેત રહેવું પડે છે. (માથ. ૧૦:૧૬) એટલે પ્રકાશકો ત્યાં મુલાકાતે જાય કે ત્યાં રહેવા જાય તો, અજાણતા તેઓ એ વિસ્તારમાં થતું આપણું કાર્ય લોકોના ધ્યાનમાં લાવે છે. એનાથી તેઓ ત્યાં રહેતા ભાઈ-બહેનોનું જીવન જોખમમાં મૂકે છે. જો તમે એવા કોઈ દેશમાં જવાનું વિચારતા હો, તો ત્યાં જતા પહેલાં મંડળના વડીલો દ્વારા સ્થાનિક શાખા કચેરીને લખીને જણાવો.

૧૫. બીજે જઈ શકતા ન હોય તેઓ કઈ રીતે પોતાની જગ્યાએ જ રહીને સેવાકાર્યમાં વધારે કરી શકે?

૧૫ બીજે ન જઈ શકાય ત્યારે: જો તમે કોઈ દૂરની જગ્યાએ પ્રચાર માટે જઈ શકાતા ન હો, તો નિરાશ થશો નહિ. કદાચ તમારા માટે બીજું ‘મહાન દ્વાર’ ખુલ્લું છે. (૧ કોરીં. ૧૬:૮, ૯) તમે નજીકમાં ક્યાં વધારે મદદ કરી શકો એ માટે તમારા સરકીટ નિરીક્ષકને પૂછો. તમે કદાચ નજીકના મંડળને અથવા ગ્રૂપને મદદ કરી શકો. અથવા તમારા પોતાના જ મંડળમાં પ્રચાર કામમાં વધારે કરી શકો. તમારા ગમે તે સંજોગો હોય મહત્ત્વનું એ છે કે તમે પૂરા દિલથી ભક્તિમાં ભાગ લો.—કોલો. ૩:૨૩.

૧૬. વધારે જરૂર છે એવી જગ્યાએ જવા માંગતા ભાઈ-બહેનો માટે આપણે શું કરી શકીએ?

૧૬ વધારે જરૂર છે એવી જગ્યાએ જવા માંગતા હોય એવા કોઈ ભાઈ-બહેનને શું તમે જાણો છો? તેઓને ટેકો અને ઉત્તેજન આપો. પાઊલે સીરિયાનું અંત્યોખ છોડ્યું ત્યારે એ શહેર રોમન સામ્રાજ્યમાં (રોમ અને એલેક્ષાંડ્રીયા પછી) ત્રીજા નંબરે હતું. એ વિસ્તાર ઘણો મોટો હોવાથી અંત્યોખના મંડળમાં પાઊલની મદદની વધારે જરૂર હતી. પાઊલના ગયા પછી ભાઈ-બહેનોએ તેમને બહુ જ યાદ કર્યાં હશે. બાઇબલમાં ક્યાંય એવું નથી જણાવ્યું કે પાઊલના ગયા પછી ત્યાં ભાઈ-બહેનો નિરાશ થઈ ગયા હોય. તેઓએ પોતાના જ વિસ્તારનો વિચાર કરવાને બદલે એ પણ યાદ રાખ્યું કે “ખેતર જગત છે.” એટલે કે આપણો પ્રચારવિસ્તાર આખી દુનિયામાં છે.—માથ. ૧૩:૩૮.

૧૭. “મકદોનિયા” એટલે કે જ્યાં પ્રચારની વધારે જરૂર છે, ત્યાં જવાના કયા કારણો છે?

૧૭ પાઊલ અને તેમના સાથીઓએ મકદોનિયામાં જવાનું આમંત્રણ સ્વીકાર્યું, એનાથી તેઓને ઘણા આશીર્વાદો મળ્યાં. જ્યારે તેઓ મકદોનિયાના ફિલિપી શહેરમાં હતા ત્યારે તેઓ લુદિયાને મળ્યા હતા. યહોવાહે “તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું, કે તેણે પાઊલની કહેલી વાતો લક્ષમાં લીધી.” (પ્રે.કૃ. ૧૬:૧૪) લુદિયા અને તેના ઘરના બધા સભ્યોએ બાપ્તિસ્મા લીધું ત્યારે, પાઊલ અને તેમના સાથીઓને કેવો આનંદ થયો હશે! આજે પણ ઘણા દેશોમાં લુદિયા જેવા નેક દિલના લોકો છે, જેઓને હજુ સુધી રાજ્યનો સંદેશો મળ્યો નથી. જો તમે પણ “મકદોનિયા” એટલે કે જ્યાં પ્રચારની વધારે જરૂર છે ત્યાં જશો, તો તમને પણ નેકદિલ લોકો મળશે. તેઓને મદદ કરવાની તમને ખુશી મળશે!

[પાન ૫ પર બોક્સ]

કઈ જગ્યાએ પ્રચારની વધારે જરૂર છે એ તમે કેવી રીતે જાણી શકો?

• તમારા મંડળના વડીલો અને સરકીટ નિરીક્ષક સાથે વાત કરો.

• ત્યાં રહેતા હોય કે ત્યાં ગયા હોય એવા ભાઈ-બહેનો સાથે વાત કરો.

• તમે તમારી ભાષામાં પ્રચાર કરી શકો એવી જગ્યાએ જવાનું વિચારતા હો, તો ઇંટરનેટથી જાણકારી મેળવો કે ત્યાં કેટલા લોકો એ ભાષા બોલે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો