યહોવાહે કામ આપ્યું છે, તાલીમ પણ તે જ આપે છે
૧. જ્યારે યહોવાહ માણસોને કોઈ કામ આપે છે, ત્યારે એની સાથે બીજું શું આપે છે?
૧ જ્યારે યહોવાહ માણસોને કોઈ કામ આપે છે, ત્યારે એ કામ પૂરું કરવા મદદ પણ આપે છે. દાખલા તરીકે, નુહે કદી વહાણ બાંધ્યું ન હતું. જ્યારે યહોવાહે તેમને વહાણ બાંધવા કહ્યું, ત્યારે કેવી રીતે બાંધવું એ પણ જણાવ્યું. (ઉત. ૬:૧૪-૧૬) ઘેટાં ચરાવનાર મુસાને યહોવાહે ઈસ્રાએલના વડીલો અને ફારૂન સાથે વાત કરવા કહ્યું હતું. એ વખતે, યહોવાહે મુસાને હિંમત આપતા જણાવ્યું: “હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.” (નિર્ગ. ૪:૧૨) આપણા કિસ્સામાં પણ એવું જ છે. યહોવાહે આપણને ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું છે. તેથી એ માટે જરૂરી તાલીમ પણ તે જ આપે છે. તે આપણને દેવશાહી સેવા શાળા અને સેવા સભા વડે તાલીમ આપે છે. એમાંથી કઈ રીતે પૂરેપૂરો લાભ લઈ શકીએ?
૨. કેવી રીતે દેવશાહી સેવા શાળામાંથી લાભ પામી શકીએ?
૨ દેવશાહી સેવા શાળા: સભામાં આવતા પહેલાં શાળામાં ચાલનારી માહિતીને તૈયાર કરો. ટોકમાં એ માહિતી કેવી રીતે આવરવામાં આવે છે, એ જોવાથી તમારી સમજ પાકી બનશે અને શીખવવાની કળામાં તેજ બનશો. (નીતિ. ૨૭:૧૭) તમારી સાથે મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તક પણ લેતા આવો અને શાળામાં એનો ઉપયોગ કરો. વિદ્યાર્થીની ટોક પતે પછી શાળા નિરીક્ષક પુસ્તકમાંથી સમજાવે ત્યારે, તમે જરૂરી મુદ્દાઓ નીચે લીટી દોરી શકો. હાંસિયામાં જરૂરી નોંધ લખી શકો. આ શાળામાંથી વધુ લાભ પામવા, કેમ નહિ કે તમે એમાં ભાગ લો? એ માટે શું તમે એમાં નામ નોંધાવ્યું છે? જ્યારે તમને ટૉક મળે ત્યારે સારી રીતે તૈયાર કરો. એ પછી જે સલાહ મેળવો એને અમલમાં મૂકો અને પ્રચારમાં ઉપયોગ કરો.
૩. સેવા સભામાંથી લાભ પામવા શું કરી શકીએ?
૩ સેવા સભા: આપણે પહેલેથી વાંચીને એની તૈયારી કરીને આવીશું તો, આ સભામાં મળતા સૂચનોને યાદ રાખી શકીશું. ટૂંકો જવાબ આપીશું તો, બીજાને પણ તક મળશે. સભામાં ભજવવામાં આવતા દૃશ્યો ધ્યાનથી જોઈએ. એમાંથી જે યોગ્ય લાગે એવા સૂચનો પ્રચારમાં વાપરીએ અને અસરકારક બનીએ. આપણી રાજ્ય સેવાના ઉપયોગી લેખોને સાચવી રાખીશું તો એ આગળ કામ લાગશે.
૪. યહોવાહ તરફથી મળતી તાલીમનો સારો ઉપયોગ કરીશું તો શું થશે?
૪ જેમ નુહ અને મુસાને મળેલું કાર્ય હતું તેમ, આપણા માટે આખી દુનિયામાં પ્રચાર કરવાનું કાર્ય અઘરું છે. (માથ. ૨૪:૧૪) જો આપણે મહાન શિક્ષક યહોવાહ પર આધાર રાખીશું અને તેમના દ્વારા મળતી તાલીમનો ઉપયોગ કરીશું, તો જરૂર સફળ થઈશું.—યશા. ૩૦:૨૦.