સવાલ-જવાબ
▪ ઘરના આંગણે કે દરવાજે ઊભા રહીને બાઇબલ અભ્યાસ ચલાવતા હોઈએ ત્યારે પ્રાર્થના કરાવવી જોઈએ?
બાઇબલ અભ્યાસ શરૂ કરતાં પહેલાં અને પછી પ્રાર્થના કરાવવાના ઘણા ફાયદા છે. પ્રાર્થનામાં આપણે અભ્યાસ પર યહોવાહની પવિત્ર શક્તિ માંગીએ છીએ. (લુક ૧૧:૧૩) પ્રાર્થનાથી વિદ્યાર્થીને પણ બાઇબલમાંથી શીખવાનું મહત્ત્વ સમજાય છે. તેને પણ પ્રાર્થના કેવી રીતે કરવી એ શીખવા મળે છે. (લુક ૬:૪૦) તેથી શક્ય હોય ત્યાં સુધી પ્રાર્થનાથી બાઇબલ અભ્યાસ શરૂ કરવો જોઈએ. જોકે, ઘણી વખત સંજોગો જુદા હોય છે. એટલે શીખવનારે સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને નક્કી કરવું જોઈએ કે ઘરના આંગણે ઊભા રહીને પ્રાર્થના કરવી કે નહિ.
અભ્યાસ કેવી જગ્યાએ કરવામાં આવે છે એનો વિચાર કરવો જરૂરી છે. જો લોકોની અવર-જવર ઓછી હોય તો, બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં અને પછી સાવચેતી રાખીને ટૂંકી પ્રાર્થના કરી શકાય. જો એમ લાગે કે પ્રાર્થનાથી આવતા-જતા લોકોનું ધ્યાન ખેંચાય અથવા વિદ્યાર્થીને ગમતું નથી તો હજી પ્રાર્થના કરાવવા માટે રાહ જોશો તો સારું. જ્યારે અભ્યાસ કરવા માટે જરૂરી એકાંત મળે ત્યારે પ્રાર્થના કરી શકાય. જોકે, ગમે તે જગ્યાએ લોકોને શીખવતા હોઈએ, સમજી-વિચારીને નક્કી કરવું જોઈએ કે પ્રાર્થનાની શરૂઆત ક્યારથી કરીશું.—માર્ચ ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાનું પાન ૮ જુઓ.