પ્રચારમાં સાવચેત રહીએ
૧. આપણે પ્રચારમાં કેમ સાવચેત રહેવું જોઈએ?
૧ આજે ઈશ્વરના ભક્તો “વરૂઓમાં ઘેટાંના જેવા” છે. આપણે “કુટિલ તથા આડી પ્રજામાં” પ્રચાર કરી રહ્યા છીએ. (માથ. ૧૦:૧૬; ફિલિ. ૨:૧૫) આજે દુષ્ટ માણસો “વિશેષ દુરાચાર” કરી રહ્યા છે. એટલે હુલ્લડો, ટોળા દ્વારા હિંસક બનાવો અને ક્રૂર અપહરણના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. (૨ તીમો. ૩:૧૩) તેથી, પ્રચારમાં “હોશિયાર” એટલે કે સાવચેત રહેવા માટે બાઇબલના કયા સિદ્ધાંતો ધ્યાનમાં લેવા જોઈએ?—માથ. ૧૦:૧૬.
૨. કેવા સંજોગોમાં વિસ્તાર છોડીને સલામત વિસ્તારમાં પ્રચાર કરવા જતા રહેવું જોઈએ?
૨ ડહાપણથી વર્તીએ: નીતિવચનો ૨૨:૩ ભારપૂર્વક જણાવે છે કે ડાહ્યો માણસ મુશ્કેલી આવતી જોઈને “સંતાઈ જાય” છે. એટલે આપણે હંમેશા સાવચેત રહીએ! શાંત લાગતા વિસ્તારમાં પણ અચાનક ધમાલ થઈ શકે. ઘણી વાર જોવા મળે કે, પોલીસ વધી ગઈ છે અથવા ગલીઓમાં ટોળાં ભેગા થઈ રહ્યા છે. કેટલીક વાર આપણને સારા ઘરમાલિકો ત્યાંથી નીકળી જવાનું કહેશે. શું થઈ રહ્યું છે એ જોવા ઊભા રહેવાને બદલે, તરત જ ત્યાંથી નીકળીને પ્રચાર માટે સલામત વિસ્તારમાં જવું ડહાપણભર્યું છે.—નીતિ. ૧૭:૧૪; યોહા. ૮:૫૯; ૧ થેસ્સા. ૪:૧૧.
૩. સભાશિક્ષક ૪:૯નો સિદ્ધાંત આપણા પ્રચારકાર્યમાં કેવી રીતે લાગુ પડે છે?
૩ સાથે મળીને પ્રચાર કરીએ: સભાશિક્ષક ૪:૯ જણાવે છે: “એક કરતાં બે ભલા.” તમે કદાચ પ્રચારમાં એકલા કામ કરવા ટેવાયેલા હશો, પણ શું આજે એમ કરવું સલામત છે? અમુક વિસ્તાર સલામત હોય શકે. પરંતુ, બીજા વિસ્તારો એવા હશે કે જ્યાં એકલી બહેન કે યુવાન ભાઈ માટે મોડી સાંજે ઘરથી ઘર પ્રચાર કરવું સલામત નહિ હોય. અનુભવ બતાવે છે કે પ્રચારમાં સાથે કામ કરતા ભાઈ કે બહેન સાવધ હોય તો, એનાથી રક્ષણ મળે છે. (સભા. ૪:૧૦, ૧૨) તમારા ગ્રૂપના બીજા ભાઈ-બહેનોનું પણ ધ્યાન રાખો. પ્રચાર વિસ્તાર છોડતા હોઈએ ત્યારે બીજા ભાઈ-બહેનોને હંમેશા જણાવવું જોઈએ.
૪. મંડળના ભાઈ-બહેનોનું રક્ષણ થાય એ માટે શું કરવું જોઈએ?
૪ વડીલો આપણી ‘ચોકી કરે છે,’ એટલે તેમની જવાબદારી છે કે સ્થાનિક સંજોગો ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શન આપે. (હિબ્રૂ ૧૩:૧૭) આપણે નમ્રભાવે તેઓના માર્ગદર્શન પ્રમાણે કરીશું તો, ચોક્કસ યહોવાના આશીર્વાદ મળશે. (મીખા. ૬:૮; ૧ કોરીં. ૧૦:૧૨) ચાલો આપણે સર્વ સાવચેત રહીને અને અસરકારક રીતે આપણા વિસ્તારમાં પ્રચાર કરીએ.