વ્યક્તિગત પ્રચાર વિસ્તારથી કેવા ફાયદા થઈ શકે?
૧. વ્યક્તિગત પ્રચાર વિસ્તાર શું છે?
૧ વ્યક્તિગત પ્રચાર વિસ્તાર શું છે? અમુક મંડળોનો પ્રચાર વિસ્તાર ઘણો મોટો હોય છે. એવા કિસ્સાઓમાં ભાઈ-બહેનને વ્યક્તિગત પ્રચાર વિસ્તાર આપી શકાય છે. એ વિસ્તાર મોટા ભાગે તમારા ઘરની નજીક હોય છે. ઓર્ગેનાઇઝડ પુસ્તકનું પાન ૧૦૩ જણાવે છે: ‘વ્યક્તિગત પ્રચાર વિસ્તાર જો ઘરની નજીક હશે, તો પ્રચારમાં વધારે સમય આપવો સહેલું બનશે. એટલું જ નહિ, તમે બીજા કોઈ ભાઈ-બહેનને તમારી સાથે ત્યાં પ્રચાર કરવા બોલાવી શકો.’
૨. ગ્રુપમાં ભેગા થવાની ગોઠવણ ઉપરાંત વ્યક્તિગત પ્રચાર વિસ્તારનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
૨ પ્રચાર માટે ગ્રુપમાં ભેગા થવા ઉપરાંત: તમારો વ્યક્તિગત પ્રચાર વિસ્તાર નોકરીના સ્થળની નજીક હોય તો, તમે રીસેસ દરમિયાન કે ઘરે પાછા જતાં પ્રચાર કરી શકો છો. અને કદાચ આસપાસ નોકરી કરતા ભાઈ-બહેનને સાથે લઈ જઈ શકો. જો વ્યક્તિગત પ્રચાર વિસ્તાર ઘરની પાસે હોય, તો તમે અને તમારું કુટુંબ સાંજે પણ સહેલાઈથી પ્રચાર કરી શકો છો. જો તમે પ્રચારની સભામાં ન જાવ, તો પ્રચારમાં જતા પહેલાં યહોવાને માર્ગદર્શન માટે પ્રાર્થના કરો. (ફિલિ. ૪:૬) જોકે, પ્રચાર માટે ગ્રુપમાં ભેગા મળવાની ગોઠવણમાં જવું પણ એટલું જ મહત્ત્વનું છે. ખાસ કરીને, શનિ-રવિના પ્રચારમાં ઘણાં ભાઈ-બહેનો ભેગાં મળતાં હોય છે ત્યારે તેઓને સાથ આપવો સારો રહેશે.
૩. આ ગોઠવણના શું ફાયદા છે?
૩ ફાયદા: તમારી પાસે પોતાનો પ્રચાર વિસ્તાર હોય તો, ફાવે ત્યારે પ્રચારમાં જઈ શકો. એનાથી દૂર સુધી મુસાફરી કરવાનો સમય બચી જશે અને પ્રચારમાં વધારે સમય આપી શકો. આ ગોઠવણથી કેટલાક ભાઈ-બહેનો માટે સહાયક અથવા નિયમિત પાયોનિયરીંગ કરવું શક્ય બન્યું છે. પ્રચાર વિસ્તાર ઘરની નજીક હોવાથી, ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ માટે જવું સહેલું બને છે. એટલું જ નહિ, કેટલાક ભાઈ-બહેનોની ઘરમાલિક સાથે ઓળખાણ વધી છે અને તેમનો વિશ્વાસ જીતી શક્યા છે. એ વિસ્તારને પાછો આપતા પહેલાં એકથી વધારે વાર આવરવો શક્ય બન્યું છે. પછી બીજું કોઈ એના પર કામ કરી શકે. શું આ ગોઠવણથી તમે અને તમારું કુટુંબ વધારે સારી રીતે પ્રચાર કરી શકો?—૨ તીમો. ૪:૫.