સવાલ-જવાબ
◼ સભામાં અને પ્રચારમાં હોઈએ ત્યારે મોબાઈલ ફોનના ઉપયોગ વિશે બાઇબલના કયા સિદ્ધાંતો લાગુ પડે છે?
‘દરેક બાબત માટે વખત હોય છે.’ (સભા. ૩:૧): મોબાઇલ ફોન દ્વારા લોકો ગમે તે સમયે એકબીજા સાથે વાત કે મૅસેજ કરી શકે છે. જોકે, અમુક સમય એવો હોય છે જ્યારે આપણે ઇચ્છીએ છીએ કે પોતાનો ફોન ખલેલ ન પહોંચાડે. દાખલા તરીકે, આપણી સભાઓ. એ સમયે આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ; તેમના તરફથી સૂચનાઓ મેળવીએ છીએ અને એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. (પુન. ૩૧:૧૨; ગીત. ૨૨:૨૨; રોમ. ૧:૧૧, ૧૨) શું આપણે સભામાં પહોંચીએ ત્યારે ફોન બંધ કરી શકીએ? સભા પૂરી થાય પછી મૅસેજ જોઈ શકીએ? પણ કોઈ ઇમર્જન્સીને લીધે ફોન ચાલુ રાખીએ તો, એવા સેટિંગ પર રાખીએ જેથી બીજાઓને ખલેલ ન પહોંચે.
“હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું.” (૧ કોરીં. ૯:૨૩): પ્રચારમાં હોઈએ ત્યારે અમુક સંજોગોમાં ફોનનો ઉપયોગ કરવો વાજબી છે. ઉદાહરણ તરીકે, પ્રચારમાં આગેવાની લેનાર ભાઈ એ વિસ્તારમાં કામ કરતા બીજા ભાઈબહેનો સાથે સંપર્કમાં રહેવા ફોનનો ઉપયોગ કરે છે. અમુક પ્રચાર વિસ્તારમાં ટોળું હુમલો કરવાનું હોય એવું લાગે ત્યારે, ભાઈબહેનોને એ વિશે સાવધ કરવા મોબાઈલ ફોન ઉપયોગી છે. ટોળું હુમલો કરે ત્યારે કે પછી પોલીસે દરમિયાનગીરી કરી હોય ત્યારે વડીલોને એ વિશે જણાવવા પણ મોબાઈલ ઉપયોગી છે. પ્રકાશકો રસ ધરાવનાર વ્યક્તિને અથવા બાઇબલ વિદ્યાર્થીને મળવા જતા પહેલાં મોબાઇલનો ઉપયોગ કરે છે, ખાસ કરીને જ્યારે વ્યક્તિ દૂર રહેતી હોય. જો આપણી પાસે ફોન હોય, તો ધ્યાન રાખીએ કે ઘરમાલિક સાથે વાત કરતી વખતે એ ખલેલ ન પહોંચાડે. (૨ કોરીં. ૬:૩) બીજા પ્રકાશકોની રાહ જોતા હોઈએ ત્યારે મિત્રોને ફોન કરવા અથવા મૅસેજ મોકલવાને બદલે, એ સારું કહેવાશે કે આપણે પ્રચારમાં અને જેની સાથે કામ કરી રહ્યાં છીએ એના પર ધ્યાન આપીએ.
બીજાઓનો વિચાર કરીએ. (૧ કોરીં. ૧૦:૨૪; ફિલિ. ૨:૪): પ્રચાર માટેની સભા વિશે આપણે ક્યારેય બેદરકાર ન બનીએ. એવું ન વિચારીએ કે જે વિસ્તારમાં પ્રચાર કરવાના છે એ વિશે કોઈને ફોન કે મૅસેજ દ્વારા હંમેશાં પૂછી શકીએ છીએ. આપણે મોડા પહોંચીએ છીએ ત્યારે પ્રચારના ગ્રુપમાં ફરી ગોઠવણ કરવી પડે છે. ખરું કે, અમુક વાર સંજોગો આપણા હાથ બહાર હોવાથી મોડા પડી શકીએ. પરંતુ, સમયસર પહોંચવાની ટેવ પાડીશું તો, આપણે બતાવી શકીશું કે આપણને યહોવાની ગોઠવણ, આગેવાની લેનાર ભાઈ અને સાથી પ્રકાશકો માટે કદર છે.