નિયમિત મૅગેઝિન લેનારા સાથે અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરીએ
૧. યહોવાનું સંગઠન શા માટે આપણને ઉત્તેજન આપે છે કે નિયમિત મૅગેઝિન આપતા રહીએ?
૧ ઘણા લોકોને આપણી સાથે બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થતા નથી, પણ તેઓને ખુશીથી આપણું મૅગેઝિન વાંચવું ગમે છે. એટલે, યહોવાનું સંગઠન ઘણાં વર્ષોથી આપણને ઉત્તેજન આપે છે કે એવા લોકોને નિયમિત મૅગેઝિન આપતા રહીએ. તેઓ આપણા મૅગેઝિન વાંચે છે તેમ, તેઓને બાઇબલ સત્ય જાણવાની તરસ જાગે છે. (૧ પીત. ૨:૨) સમય જતાં, તેઓ એવું કંઈ વાંચે જેની તેઓના દિલ પર ઊંડી અસર થઈ શકે. એ કારણે તેઓ બાઇબલ અભ્યાસ સ્વીકારવા પ્રેરાય છે.
૨. નિયમિત મૅગેઝિન લેતા હોય તેઓનો રસ કઈ રીતે વધારી શકીએ?
૨ સત્યના બીને પાણી પીવડાવીએ: ઘરમાલિકને મૅગેઝિન આપીને ત્યાંથી જલદી નીકળી જવાને બદલે, તેમની સાથે વાતચીત કરીએ અને સારો સંબંધ બાંધવાનો પ્રયત્ન કરીએ. આમ, તેમના સંજોગો, શામાં રસ છે અને તેમની માન્યતાઓ વિશે જાણવા મદદ મળશે. એ આધારે તેમની સાથે સારી રીતે વાત કરી શકીશું. (નીતિ. ૧૬:૨૩) દરેક મુલાકાત માટે તૈયારી કરીએ. શક્ય હોય તો, મૅગેઝિનમાંથી એક મુદ્દો અને એને લાગુ પડતી કલમ વિશે ટૂંકમાં જણાવીએ. આમ આપણે તેમના દિલમાં સત્યના બીને પાણી પીવડાવીશું. (૧ કોરીં. ૩:૬) દરેક મુલાકાતની તારીખ, કયું સાહિત્ય આપ્યું, કયા વિષય અને કલમ પર ચર્ચા કરી એ લખી રાખીએ.
૩. નિયમિત મૅગેઝિન લેનારાઓની કેટલી વાર મુલાકાત લેવી જોઈએ?
૩ કેટલી વાર મુલાકાત લેવી? નિયમિત મૅગેઝિન લેનારાઓને મહિનામાં એક વખત અથવા નવો અંક આવે ત્યારે મળવા જવું જોઈએ. જોકે, આપણા સંજોગો અને વ્યક્તિના રસને આધારે આપણે તેમની વધારે મુલાકાત લઈ શકીએ. દાખલા તરીકે, મૅગેઝિન આપ્યું હોય એના એક કે બે અઠવાડિયા પછી જઈને આમ કહી શકીએ, “તમને આપેલા મૅગેઝિનમાંથી એક મુદ્દો ટૂંકમાં જણાવવા ચાહું છું.” એનાથી વ્યક્તિની એ લેખ વાંચવાની ઇચ્છા વધશે. જો તેમણે વાંચ્યું હોય, તો લેખ કેવો લાગ્યો એ વિશે તેમના વિચારો જાણી શકીએ અને ટૂંકી ચર્ચા કરી શકીએ. અથવા જો વ્યક્તિને આપણું સાહિત્ય વાંચવાનું ગમતું હોય, તો કદાચ ફરી વાર જઈને મહિનાની ઑફર પ્રમાણે પત્રિકા, મોટી પુસ્તિકા અથવા પુસ્તક બતાવી શકીએ.
૪. નિયમિત મૅગેઝિન લેનારાઓ અભ્યાસ કરવા તૈયાર છે કે નહિ એ જાણવા સમયે સમયે શું કરી શકીએ?
૪ ઘરમાલિક અભ્યાસ માટે પૂછે એની રાહ જોવાને બદલે આપણે પહેલ કરીએ. જો તેમણે પહેલા પણ અભ્યાસ કરવાની ના પાડી હોય, તો સમયે સમયે ચોકીબુરજમાંથી “બાઇબલ સવાલોના જવાબ” બતાવીને જોઈ શકીએ કે તે ચર્ચા કરવા તૈયાર છે કે નહિ. કદાચ આપણે બારણે ઊભા રહીને અભ્યાસ શરૂ કરીએ. અભ્યાસ શરૂ ન થાય તોપણ તેમનો રસ વધારવા મૅગેઝિન આપતા રહીએ.