નવી પત્રિકાની અદ્ભુત ડિઝાઇન!
૧ ‘ઈશ્વરનું વચન સત્ય છે!’ ૨૦૧૩, ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં પાંચ નવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી. રાજ્ય સંદેશ નં. ૩૮ જેનો વિષય છે, “શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?” પત્રિકાનો પણ એમાં ઉમેરો કરવામાં આવ્યો. રસ જગાડતી આ છ પત્રિકાને નવી રીતે તૈયાર કરવામાં આવી છે. નવી ડિઝાઇનનાં કારણો શું છે? આ નવી પત્રિકાઓ જે રીતે તૈયાર કરવામાં આવી છે એનો કઈ રીતે ઘરઘરના પ્રચારમાં સારો ઉપયોગ કરી શકીએ?
૨ નવી ડિઝાઇનની શું જરૂર?: ઘરઘરના પ્રચારમાં અસરકારક રજૂઆત કરવામાં આ ચાર બાબતોનો સમાવેશ થાય છે: (૧) વાતચીત શરૂ કરવા માટે એક સવાલ પૂછવો. (૨) બાઇબલમાંથી એક કલમ બતાવવી. (૩) ઘરમાલિકને વાંચવા માટે સાહિત્ય આપવું. (૪) બીજી વખત ચર્ચા કરવા ઘરમાલિકને સવાલ પૂછો. ફરી મુલાકાતની ગોઠવણ કરો. નવી રીતે પત્રિકાઓ તૈયાર કરવામાં આવી હોવાથી આ ચાર બાબતો પ્રમાણે કરવા આપણને મદદ મળશે.
૩ કઈ રીતે ઉપયોગ કરવો: (૧) ‘કેમ છો?’ કહ્યા પછી ઘરમાલિકને પત્રિકાના મુખ્ય પાન પર આપેલો રસપ્રદ અને વિચારવા પ્રેરે એવો સવાલ બતાવો અને તેમનો વિચાર જણાવવા કહો. (૨) પત્રિકા ખોલો અને “પવિત્ર શાસ્ત્ર શું કહે છે?” એ બતાવો. યોગ્ય લાગે તો બાઇબલ ખોલીને કલમ વાંચવી. જો ઘરમાલિક પાસે સમય હોય તો “એ વચનમાં ભરોસો મૂકવાથી” ભાગની ચર્ચા કરો. (૩) પત્રિકા આપો અને જણાવો કે પોતાના સમયે એને વાંચે. (૪) વાતચીત પૂરી કરો એ પહેલા પત્રિકાના છેલ્લા પાન પર “વિચારવા જેવું” મથાળા નીચે આપેલો સવાલ બતાવો. એનો જવાબ બાઇબલમાંથી બતાવવા ફરી મુલાકાતની ગોઠવણ કરો.
૪ ફરી મુલાકાત કરવી સહેલી છે. આગળના વખતે તેમને મળ્યા ત્યારે તમે જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ આપવા છેલ્લા પાન પર આપેલી કલમોનો ઉપયોગ કરો. તમે ત્યાંથી નીકળો એ પહેલા પત્રિકામાંથી ઈશ્વર પાસેથી ખુશખબર મોટી પુસ્તિકાનું ચિત્ર બતાવો. એમાંથી એ વિષય પર વધારે માહિતી આપતો પાઠ બતાવો. જો તે એ પુસ્તિકા સ્વીકારે તો એમાંથી વધુ ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરી શકો. એમ કરવાથી તમે નવો બાઇબલ અભ્યાસ શરૂ કરી શકશો. અથવા મોટી પુસ્તિકા આપવાને બદલે તમે બીજી કોઈ પત્રિકા આપી શકો અને એની ચર્ચા માટે ફરી મળવાની ગોઠવણ કરી શકો.
૫ છેલ્લાં ૧૩૦ વર્ષોથી પ્રચારમાં આપણે પત્રિકાનો ઉપયોગ કરીએ છીએ. પત્રિકાનું કદ અને રચના અલગ અલગ હોવા છતાં પ્રચારમાં વાપરવાનું એ એક અસરકારક સાધન છે. ચાલો, નવી રીતે તૈયાર કરેલી આ પત્રિકાનો સારો ઉપયોગ કરીને બાઇબલનો સંદેશો આખી દુનિયામાં ફેલાવતા રહીએ.—નીતિ. ૧૫:૭.