સવાલ-જવાબ
◼ બાળકોને સત્યમાં દૃઢ કરવા શું કરવાની જરૂર છે?
બાળકોને ‘યહોવાના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાં’ માબાપ ઘણી મહેનત કરે છે. (એફે. ૬:૪) દાખલા તરીકે, દરરોજ સવારે બાળકો સાથે દરરોજનું શાસ્ત્રવચન વાંચવાથી માબાપને ઘણાં સારાં પરિણામ જોવા મળ્યાં છે. કુટુંબ તરીકે ભક્તિમાં અને બીજા સમયે સાથે મળીને અમુક કુટુંબો આપણી સંસ્થાની વીડિયો જુએ છે અને ચર્ચા કરે છે. તેમ જ, યુવાનો પૂછે છે લેખમાંથી અમુક માહિતી પસંદ કરીને ચર્ચા કરે છે. વળી બાઇબલના અમુક અહેવાલને નાટકની જેમ ભજવે છે અથવા અમુક બાબતની પ્રૅક્ટિસ કરે છે. જોકે, બાળકો સત્યમાં ‘પરિપક્વ’ એટલે કે દૃઢ થાય એ માટે તેઓને બાઇબલનું ઊંડું સત્ય શીખવવાની જરૂર છે.—હિબ્રૂ ૬:૧, IBSI.
પ્રચાર વિસ્તારમાં લોકોને શું શીખવીએ છીએ એનો વિચાર કરીએ. કદાચ પહેલી મુલાકાતમાં અથવા અમુક મુલાકાત પછી પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પછી આપણે ઈશ્વરના પ્રેમની છાયામાં રહીએ પુસ્તકમાંથી અભ્યાસ કરીએ છીએ. શા માટે? બાઇબલ શીખવે છે પુસ્તકથી વિદ્યાર્થીને બાઇબલનું પાયારૂપી શિક્ષણ મળે છે. ઈશ્વરનો પ્રેમ પુસ્તકમાંથી શીખવા મળે છે કે બાઇબલ સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડવા. આ બંને પુસ્તકના અભ્યાસથી નવા લોકોને ખ્રિસ્તમાં “જડ” મજબૂત કરવા અને “વિશ્વાસમાં દૃઢ” થવા મદદ મળે છે. (કોલો. ૨:૬, ૭) શું એ માહિતીથી આપણાં બાળકોને મદદ નહિ મળે? તેઓને પણ ઈસુ ખ્રિસ્તના બલિદાન, ઈશ્વરના રાજ્ય અને મૂએલાઓની સ્થિતિ વિશે શીખવવાની જરૂર છે. તેમ જ, ઈશ્વરે કેમ દુઃખ-તકલીફો ચાલવા દીધી છે અને આ દુષ્ટ દુનિયાના અંતિમ દિવસોને કઈ રીતે પારખવા એ જાણવાની જરૂર છે. તેઓને ખાતરી થવી જોઈએ કે યહોવાના સાક્ષીઓ પાસે જ સત્ય છે. બાળકોને બાઇબલ સિદ્ધાંતો સમજવાની અને ‘ખરુંખોટું પારખતા’ શીખવાની જરૂર છે. (હિબ્રૂ ૫:૧૪) ખરું કે, માબાપે બાળકની ઉંમર અને તે કેટલું સમજી શકશે એનું ધ્યાન રાખવાની જરૂર છે. જોકે, ઘણાં બાળકોમાં નાનપણથી જ બાઇબલનું ઊંડું સત્ય શીખવાની ક્ષમતા હોય છે.—લુક ૨:૪૨, ૪૬, ૪૭.
માબાપને મદદ કરવા હવે jw.org વેબસાઇટમાં બાઇબલ શીખવે છે પુસ્તક પર આધારિત સ્ટડી ગાઇડ્સ ભાગ શરૂ થશે. કુટુંબો એને આ વિભાગમાં જોઈ શકે: BIBLE TEACHINGS > TEENAGERS. ભવિષ્યમાં ઈશ્વરનો પ્રેમ પુસ્તક પર આધારિત સ્ટડી ગાઇડ્સ તૈયાર કરવામાં આવશે. જોકે, એ છપાયેલાં પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. માબાપ નક્કી કરી શકે કે તેઓ આ માહિતીનો ઉપયોગ ક્યારે કરશે. જેમ કે, કુટુંબ તરીકે ભક્તિની સાંજે, બાળક સાથે અભ્યાસ કરતી વખતે અથવા બાળકને જાતે અભ્યાસ કરવાનું શીખવતી વખતે.