વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 નવેમ્બર પાન ૧૮-૨૩
  • શું તમે સુધારો કરવા તૈયાર રહો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે સુધારો કરવા તૈયાર રહો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ વાંચીને પોતાનામાં સુધારો કરીએ
  • અનુભવી ભાઈ-બહેનોનું સાંભળીએ
  • સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ
  • સાંકડા રસ્તે ચાલતા રહીએ
  • ‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શું તમારી સલાહથી બીજાઓનાં “દિલ ખુશ થાય છે”?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શું ફ્રેન્ડની ભૂલ માબાપને જણાવવી જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૯
  • ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 નવેમ્બર પાન ૧૮-૨૩

અભ્યાસ લેખ ૪૭

શું તમે સુધારો કરવા તૈયાર રહો છો?

“છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો.”—૨ કોરીં. ૧૩:૧૧.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલકa

૧. માથ્થી ૭:૧૩, ૧૪ પ્રમાણે આપણે કયા રસ્તે ચાલી રહ્યા છીએ?

આપણે બધા યહોવાની ભક્તિમાં ખૂબ મહેનત કરીએ છીએ. કારણ કે આપણે નવી દુનિયામાં યહોવાના રાજ્યમાં તેમની આજ્ઞા પાળવા માંગીએ છીએ. આપણે જીવન તરફ લઈ જતા રસ્તે ચાલવાનો દરરોજ પ્રયત્ન કરીએ છીએ. પણ ઈસુએ કહ્યું તેમ એ રસ્તો સાંકડો છે અને એના પર ચાલવું સહેલું નથી. (માથ્થી ૭:૧૩, ૧૪ વાંચો.) આપણે માટીના માણસો હોવાથી સહેલાઈથી એ રસ્તા પરથી ભટકી શકીએ છીએ.—ગલા. ૬:૧.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું? (“આપણે નમ્ર હોઈશું તો કઈ રીતે સુધારો કરી શકીશું?” બૉક્સ જુઓ.)

૨ આપણે સાંકડા રસ્તે ચાલવા માંગતા હોઈએ તો, આપણાં વિચારો, પસંદ-નાપસંદ અને કાર્યોમાં સુધારો કરવા તૈયાર રહેવું જોઈએ. પ્રેરિત પાઊલે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને ‘સુધારો કરવા’ ઉત્તેજન આપ્યું. (૨ કોરીં. ૧૩:૧૧) આજે આપણે પણ એ સલાહ પાળવી જોઈએ. આ લેખમાં જોઈશું કે બાઇબલ કઈ રીતે આપણને સુધારો કરવા મદદ કરે છે. એ પણ ચર્ચા કરીશું કે અનુભવી ભાઈ-બહેનો કઈ રીતે આપણને જીવનના રસ્તે ચાલતા રહેવા મદદ કરે છે. એ પણ જોઈશું કે સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલવું ક્યારે અઘરું લાગે છે. વધુમાં જોઈશું કે નમ્ર રહેવાથી આપણે કઈ રીતે સુધારો કરી શકીશું અને ખુશીથી યહોવાની ભક્તિ કરી શકીશું.

ચિત્રો: એક પતિ-પત્ની પહાડ તરફ જતા સાંકડે રસ્તે ચાલી રહ્યા છે. એ રસ્તામાં ત્રણ દૃશ્યો છે જેમાં ત્રણ રીતો આપી છે, જેનાથી સુધારો કરવા મદદ મળે છે. એ દૃશ્ય ફરીથી ફકરા ૭, ૯ અને ૧૪માં આપ્યા છે.

આપણે નમ્ર હોઈશું તો કઈ રીતે સુધારો કરી શકીશું?

  • બાઇબલ

    આપણે સાચા માર્ગેથી ફંટાઈ જઈએ ત્યારે બાઇબલમાંથી ચેતવણી મળશે. જો આપણે નમ્ર હોઈશું તો બાઇબલમાંથી જે વાંચીશું એ પ્રમાણે પોતાના ખોટા વિચારોને સુધારતા રહીશું (ફકરો ૭ જુઓ)

  • અનુભવી ભાઈ-બહેનો

    આપણા ડગ ખોટા રસ્તે વળી ગયા હોય અને કોઈ અનુભવી ભાઈ કે બહેન હિંમતથી સુધારે ત્યારે શું આપણે તેમની સલાહ માટે કદર કરીએ છીએ? (ફકરો ૯ જુઓ)

  • યહોવાનું સંગઠન

    સંગઠન આપણને બાઇબલની સલાહ લાગુ પાડવા વીડિયો, સાહિત્ય અને સભાઓ દ્વારા મદદ કરે છે. કામ સારી રીતે થઈ શકે માટે નિયામક જૂથ અમુક વાર ફેરફાર કરે છે (ફકરો ૧૪ જુઓ)

બાઇબલ વાંચીને પોતાનામાં સુધારો કરીએ

૩. બાઇબલમાંથી આપણને કેવી મદદ મળે છે?

૩ આપણે પોતાનાં વિચારો અને લાગણીઓની જાતે તપાસ કરી શકતા નથી. કારણ કે આપણું દિલ આપણને છેતરી શકે છે અને ખોટા માર્ગે લઈ જઈ શકે છે. (યર્મિ. ૧૭:૯) આપણે ‘ખોટી દલીલો’ કરીને સહેલાઈથી પોતાને છેતરી શકીએ કે, “મારે સુધારો કરવાની જરૂર નથી.” (યાકૂ. ૧:૨૨) એટલે પોતાની તપાસ કરવા આપણે બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. બાઇબલની મદદથી જોઈ શકીએ છીએ કે આપણે અંદરથી કેવા છીએ અને આપણા ‘દિલના વિચારો તથા ઇરાદાઓ’ પારખી શકીએ છીએ. (હિબ્રૂ. ૪:૧૨, ૧૩) બાઇબલ તો જાણે ઍક્સ-રે મશીન જેવું છે. બાઇબલ બતાવે છે કે આપણે અંદરથી કેવા છીએ. બાઇબલમાંથી અને યહોવાએ પસંદ કરેલા લોકો પાસેથી આપણને સલાહ મળે છે. જો આપણે નમ્ર હોઈશું તો જ એ સલાહમાંથી ફાયદો મેળવી શકીશું.

૪. શા પરથી દેખાઈ આવ્યું કે શાઊલ ઘમંડી બની ગયો?

૪ શાઊલ રાજાના દાખલા પરથી જોવા મળે છે કે વ્યક્તિ નમ્ર ન હોય તો શું થઈ શકે છે. શાઊલ ઘણો ઘમંડી બની ગયો હતો. એટલે તેનું મન એ માનવા તૈયાર ન હતું કે તેનાં વિચારો અને કાર્યો ખોટાં છે. (ગીત. ૩૬:૧, ૨; હબા. ૨:૪) એ વાત ક્યારે સાફ દેખાઈ આવી? શાઊલે અમાલેકીઓને હરાવ્યા પછી શું કરવાનું હતું, એ વિશે યહોવાએ અમુક સૂચનો આપ્યાં ત્યારે, તેણે વાત માની નહિ. પ્રબોધક શમૂએલે એ વિશે પૂછ્યું ત્યારે શાઊલે પોતાની ભૂલ સ્વીકારી નહિ. એને બદલે તે તો દોષનો ટોપલો બીજાના માથે નાખીને પોતાને સાચો સાબિત કરવામાં લાગી ગયો. એ બતાવતું હતું કે તેને પોતાની ભૂલનો જરાય અફસોસ ન હતો. (૧ શમૂ. ૧૫:૧૩-૨૪) અગાઉ પણ શાઊલે યહોવાની વાત માની ન હતી. (૧ શમૂ. ૧૩:૧૦-૧૪) દુઃખની વાત છે કે, પછી શાઊલ એટલો ઘમંડી બની ગયો કે પોતાને જરાય બદલવા તૈયાર ન હતો. એટલે યહોવાએ તેને નકારી કાઢ્યો.

૫. શાઊલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૫ આપણે શાઊલ જેવા બનવા માંગતા નથી, એટલે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: “બાઇબલ વાંચું ત્યારે શું હું એવું વિચારું છું કે આ સલાહ મારા માટે નથી? કોઈ ભૂલ કરું ત્યારે શું હું પોતાને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કરું છું? મારી ભૂલ થાય ત્યારે શું હું દોષનો ટોપલો બીજાઓના માથે નાખી દઉં છું?” એ સવાલોના જવાબ હા હોય તો, આપણે પોતાના વિચારો બદલવા પડશે. એમ નહિ કરીએ તો આપણામાં એટલું ઘમંડ આવી જશે કે યહોવા આપણી સાથે દોસ્તી તોડી નાખશે.—યાકૂ. ૪:૬.

૬. શું બતાવે છે કે દાઊદ રાજા અને શાઊલ રાજામાં આભ-જમીનનો ફરક હતો?

૬ દાઊદ રાજા અને શાઊલ રાજામાં આભ-જમીનનો ફરક હતો. દાઊદ રાજાને ‘યહોવાના નિયમશાસ્ત્ર’ માટે ખૂબ પ્રેમ હતો. (ગીત. ૧:૧-૩) તે જાણતા હતા કે યહોવા નમ્ર લોકોને બચાવે છે, પણ ઘમંડી લોકોને ધિક્કારે છે. (૨ શમૂ. ૨૨:૨૮) એટલે દાઊદે યહોવાના નિયમો પ્રમાણે ચાલવા નમ્રતાથી પોતાના વિચારો સુધાર્યા. તેમણે લખ્યું: ‘યહોવાએ મને બોધ દીધો છે, તેમની હું સ્તુતિ કરીશ. મારું અંતર મને રાતને સમયે સુધારે છે.’—ગીત. ૧૬:૭.

એક ભાઈ બાઇબલ વાંચી રહ્યા છે.

બાઇબલ

આપણે સાચા માર્ગેથી ફંટાઈ જઈએ ત્યારે બાઇબલમાંથી ચેતવણી મળશે. જો આપણે નમ્ર હોઈશું તો બાઇબલમાંથી જે વાંચીશું એ પ્રમાણે પોતાના ખોટા વિચારોને સુધારતા રહીશું (ફકરો ૭ જુઓ)

૭. આપણે નમ્ર હોઈશું તો શું કરીશું?

૭ આપણે જેવું વિચારીએ છીએ એવું જ કરીએ છીએ. એટલે નમ્ર હોઈશું તો બાઇબલમાંથી જે વાંચીશું એ પ્રમાણે પોતાના ખોટા વિચારોને બદલતા રહીશું. એમ કરીશું તો ખોટાં કામ કરવાથી દૂર રહીશું. બાઇબલનો અવાજ જાણે આપણા કાને પડશે અને કહેશે: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” એ માર્ગથી આપણે ડાબે કે જમણે ફંટાઈશું તો એ આપણને ચેતવણી આપશે. (યશા. ૩૦:૨૧) એટલે બીજાઓએ આપણને સલાહ આપવાની જરૂર નહિ પડે અને આપણે શરમમાં મૂકાવું નહિ પડે. આપણે જોઈ શકીશું કે, યહોવા આપણને પોતાનાં બાળકો સમજે છે અને આપણને પ્રેમથી સમજાવે છે. એટલે આપણે યહોવાની વધુ નજીક જઈ શકીશું.—હિબ્રૂ. ૧૨:૭.

૮. યાકૂબ ૧:૨૨-૨૫ પ્રમાણે આપણે કઈ રીતે બાઇબલનો અરીસાની જેમ ઉપયોગ કરી શકીએ?

૮ બાઇબલ આપણા માટે અરીસા જેવું કામ કરે છે. (યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.) આપણામાંથી મોટા ભાગના લોકો દરરોજ ઘરમાંથી નીકળતા પહેલાં અરીસામાં જુએ છે. એનાથી ખબર પડે છે, આપણે બરાબર તૈયાર થયા છે કે નહિ. એવી જ રીતે, દરરોજ બાઇબલ વાંચવાથી આપણાં વિચારો અને પસંદ-નાપસંદમાં ફેરફાર કરવા મદદ મળશે. ઘણા લોકોને સવારે ઘરેથી નીકળતા પહેલાં દરરોજનું વચન વાંચવાથી ફાયદો થયો છે. એનાથી તેઓને પોતાના વિચારો બદલવા મદદ મળી છે. તેઓ આખા દિવસ દરમિયાન બાઇબલમાં આપેલી સલાહ પાળવાનો પ્રયત્ન કરે છે. આપણે દરરોજ બાઇબલ વાંચવાની સાથે સાથે એના પર મનન પણ કરવું જોઈએ. આપણને લાગે કે એમાં શું મોટી વાત છે, પણ એવું નથી. એ સૌથી મહત્ત્વનું છે, કારણ કે એનાથી સાંકડા રસ્તે ચાલતા રહેવા મદદ મળે છે.

અનુભવી ભાઈ-બહેનોનું સાંભળીએ

એક અનુભવી બહેન યુવાન બહેન સાથે પ્રચારમાં વાત કરી રહી છે.

અનુભવી ભાઈ-બહેનો

આપણા ડગ ખોટા રસ્તે વળી ગયા હોય અને કોઈ અનુભવી ભાઈ કે બહેન હિંમતથી સુધારે ત્યારે શું આપણે તેમની સલાહ માટે કદર કરીએ છીએ? (ફકરો ૯ જુઓ)

૯. કેવા સમયે કોઈ બહેન કે ભાઈએ તમને સુધારવાની જરૂર પડે?

૯ શું કદી એવું બન્યું છે કે તમારા ડગ ખોટા રસ્તે વળી ગયા હોય અને તમે યહોવાથી દૂર થઈ ગયા હો? (ગીત. ૭૩:૨, ૩) એવા સમયે કોઈ અનુભવી બહેન કે ભાઈ હિંમતથી તમને સુધારે ત્યારે શું તેમની સલાહ સાંભળો છો? જો તમે તેમનું માનો છો તો એ સારું કરો છો. તમે ચોક્કસ એ ભાઈ કે બહેનનો આભાર માનશો કેમ કે તેમણે ખરા સમયે તમને સુધાર્યા છે.

૧૦. તમારો મિત્ર તમને સુધારે તો તમારે શું કરવું જોઈએ?

૧૦ બાઇબલ આપણને યાદ અપાવે છે કે “મિત્રના કરેલા ઘા પ્રામાણિક છે.” (નીતિ. ૨૭:૬) એને સમજવા ચાલો એક ઉદાહરણ જોઈએ. ધારો કે, તમે એવી જગ્યાએ ઊભા છો, જ્યાં ભીડ છે અને તમે રસ્તો ક્રોસ કરવા માંગો છો. પણ તમારું ધ્યાન ફોનમાં છે. તમે જોયા વગર રસ્તો ક્રોસ કરવા જાવ છો, એવામાં તમારો મિત્ર તમારો હાથ પકડીને તમને પાછળ ખેંચી લે છે. તેણે તમારો હાથ એટલો જોરથી પકડ્યો કે તમારા હાથે લોહી જામી ગયું. પણ તેણે જે કર્યું એનાથી તમારું જીવન બચ્યું. ભલે તમને થોડા દિવસ હાથ દુઃખે, પણ શું તમે તમારા મિત્રથી ગુસ્સે થશો? જરાય નહિ! તેણે તમારો જીવ બચાવ્યો હોવાથી તમે તેનો દિલથી આભાર માનશો. એવી જ રીતે કોઈ મિત્ર કહે કે તમારાં વાણી-વર્તન ઈશ્વરનાં નેક ધોરણો પ્રમાણે નથી, તો શરૂઆતમાં તમને ખોટું લાગી શકે. પણ તેણે સલાહ આપી એ માટે ગુસ્સે કે નારાજ ના થશો, કારણ કે એવું તો મૂર્ખ લોકો કરે છે. (સભા. ૭:૯) એના બદલે તમારે તેનો આભાર માનવો જોઈએ કે તેણે તમને હિંમતથી એ વિશે જણાવ્યું.

૧૧. કયા કારણને લીધે કોઈ વ્યક્તિ મિત્રની સારી સલાહને આંખ આડા કાન કરે છે?

૧૧ કયા કારણને લીધે કોઈ વ્યક્તિ મિત્રની સારી સલાહને આંખ આડા કાન કરે છે? એ કારણ છે ઘમંડ. ઘમંડી લોકો ‘તેઓના કાનોને સાંભળવી ગમે એવી વાતો કરે છે. તેઓ સત્ય સાંભળવાનું છોડી દે છે.’ (૨ તિમો. ૪:૩, ૪) એવા લોકો માને છે કે પોતે ચઢિયાતા છે એટલે તેઓને બીજાઓની સલાહની કોઈ જરૂર નથી. પણ પ્રેરિત પાઊલે કહ્યું હતું, “જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં, પોતાને કંઈ સમજે છે, તો તે પોતાને છેતરે છે.” (ગલા. ૬:૩) સુલેમાન રાજાએ પણ એ વિશે જણાવ્યું હતું: ‘કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા સલાહ માનતો ન હોય એના કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે.’—સભા. ૪:૧૩.

૧૨. પ્રેરિત પીતરના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૨ પ્રેરિત પાઊલે બધાની વચ્ચે પ્રેરિત પીતરને ઠપકો આપ્યો ત્યારે તેમણે શું કર્યું? (ગલાતીઓ ૨:૧૧-૧૪ વાંચો.) પાઊલે જે રીતે ઠપકો આપ્યો એ માટે પીતર નારાજ થઈ શક્યા હોત, પણ તેમણે એવું કર્યું નહિ. પીતર સમજદારીથી વર્ત્યા. તેમણે સલાહ સ્વીકારી અને પાઊલ માટે મનમાં ખાર ભરી રાખ્યો નહિ. તેમણે તો પાઊલને “વહાલા ભાઈ” તરીકે બોલાવ્યા.—૨ પીત. ૩:૧૫.

સલાહ આપતા પહેલાં . . .

ફકરો ૧૩ જુઓb

  • આ સવાલનો વિચાર કરીએ: “શું એ સલાહ આપવી જરૂરી છે?”

સલાહ આપતી વખતે . . .

  • સાફ જણાવીએ કે ક્યાં સુધારો કરવાની જરૂર છે

  • ધ્યાન આપીએ કે એ સલાહ બાઇબલમાંથી હોય

  • ઈસુની જેમ પ્રેમથી સમજાવીએ

૧૩. બીજાઓને સલાહ આપતી વખતે આપણે કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ?

૧૩ જો તમારે કોઈ મિત્રને સલાહ આપવાની જરૂર પડે, તો તમે કઈ વાત ધ્યાનમાં રાખશો? મિત્ર સાથે વાત કરતા પહેલાં આ સવાલનો વિચાર કરો: “શું હું પોતાને બીજાઓ કરતાં ‘વધુ નેક’ ગણું છું?” (સભા. ૭:૧૬) જે વ્યક્તિ પોતાને વધુ નેક ગણે છે, તે બીજાઓનો ન્યાય યહોવાનાં નેક ધોરણો પ્રમાણે નહિ, પણ પોતાનાં ધોરણો પ્રમાણે કરે છે. એવી વ્યક્તિ બીજાઓ પર દયા બતાવતી નથી. એ બધું વિચાર્યા પછી પણ તમને લાગે કે મિત્રને સલાહ આપવાની જરૂર છે તો શું કરશો? તમે સાફ શબ્દોમાં જણાવો કે તેણે શું કરવું જોઈએ. એવા સવાલો પૂછો જેથી તેને પોતાની ભૂલ સમજાય. પણ તમે જે સલાહ આપો એ બાઇબલથી આપો. કારણ કે તમારા મિત્રનો ન્યાય તમારે કરવાનો નથી, પણ તેણે તો યહોવાને જવાબ આપવાનો છે. (રોમ. ૧૪:૧૦) પોતાના પર ભરોસો રાખવાને બદલે બાઇબલમાં આપેલી સલાહ આપો. ઈસુની જેમ પ્રેમથી સમજાવો. (નીતિ. ૩:૫; માથ. ૧૨:૨૦) શા માટે? કારણ કે યહોવા પણ આપણી સાથે એ જ રીતે વર્તશે જે રીતે આપણે બીજાઓ સાથે વર્તીએ છીએ.—યાકૂ. ૨:૧૩.

સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ

એક ભાઈ સભામાં ધ્યાનથી સાંભળી રહ્યા છે.

યહોવાનું સંગઠન

સંગઠન આપણને બાઇબલની સલાહ લાગુ પાડવા વીડિયો, સાહિત્ય અને સભાઓ દ્વારા મદદ કરે છે. કામ સારી રીતે થઈ શકે માટે નિયામક જૂથ અમુક વાર ફેરફાર કરે છે (ફકરો ૧૪ જુઓ)

૧૪. યહોવાનું સંગઠન આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે?

૧૪ આપણે જીવનના માર્ગ પર ચાલી શકીએ માટે યહોવા પોતાના સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. એ સંગઠન આપણને બાઇબલની સલાહ લાગુ પાડવા વીડિયો, સાહિત્ય અને સભાઓ દ્વારા મદદ કરે છે. સંગઠન આપણને જે શીખવે છે એ બાઇબલમાંથી હોય છે. જેમ કે, પ્રચારકામ સારી રીતે થાય માટે નિયામક જૂથ પવિત્ર શક્તિની મદદથી નિર્ણયો લે છે. તેમ છતાં, નિયામક જૂથ પોતે લીધેલા નિર્ણયો પર નિયમિત રીતે વિચાર કરે છે, જેથી જરૂર પડે તો અમુક નિર્ણયમાં ફેરફાર કરી શકાય. કારણ કે “આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.” એટલે સંગઠને સંજોગો પ્રમાણે ફેરફાર કરવા પડે છે.—૧ કોરીં. ૭:૩૧.

૧૫. ફેરફાર થવાથી અમુક ભાઈ-બહેનોને કેવી અસર થઈ છે?

૧૫ સંગઠન બાઇબલના શિક્ષણ વિશે કોઈ નવી સમજણ આપે કે પછી ચાલચલણ વિશે માર્ગદર્શન આપે ત્યારે આપણે ખુશીથી સ્વીકારીએ છીએ. પણ સંગઠન એવા ફેરફાર કરવા કહે જે આપણને અસર કરે ત્યારે શું એ ખુશીથી કરીએ છીએ? દાખલા તરીકે, પ્રાર્થનાઘર બાંધવામાં અને સમારકામ કરવામાં હાલ ઘણો ખર્ચો થાય છે. એટલે નિયામક જૂથે માર્ગદર્શન આપ્યું કે એક પ્રાર્થનાઘરનો ઘણાં બધાં મંડળો ઉપયોગ કરે. એ માટે અમુક મંડળો ભેગાં કરવામાં આવ્યાં અને અમુક પ્રાર્થનાઘરોને વેચી દેવામાં આવ્યાં. એ પૈસાથી એવી જગ્યાએ પ્રાર્થનાઘર બાંધવામાં આવ્યાં જ્યાં વધુ જરૂર હતી. જો તમારા ત્યાં પણ એવું થયું હોય તો નવા સંજોગો પ્રમાણે ફેરફાર કરવા તમને કદાચ અઘરું લાગે. અમુક ભાઈ-બહેનોને સભામાં જવા ઘણી લાંબી મુસાફરી કરવી પડે છે. બીજાં અમુક ભાઈ-બહેનોએ પ્રાર્થનાઘર બાંધવા કે સમારકામ કરવા બહુ મહેનત કરી છે. તેઓને થાય કે એ પ્રાર્થનાઘર કેમ વેચી દેવામાં આવ્યું. એની પાછળ તેઓએ કેટલાં સમય-શક્તિ ખર્ચ્યાં હતાં, એ તો બધું પાણીમાં ગયું. તેમ છતાં તેઓ નવા માર્ગદર્શન પ્રમાણે કરે છે, એ માટે તેઓના વખાણ કરવા જોઈએ.

૧૬. કોલોસીઓ ૩:૨૩, ૨૪ની સલાહ પાળીશું તો કઈ રીતે ખુશી જાળવી શકીશું?

૧૬ આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવા માટે છે. તેમનું સંગઠન જે માર્ગદર્શન આપે છે એ યહોવા તરફથી આપે છે. એ યાદ રાખીશું તો આપણે ખુશી જાળવી શકીશું. (કોલોસીઓ ૩:૨૩, ૨૪ વાંચો.) દાઊદ રાજાએ મંદિર બનાવવા દાન આપ્યું ત્યારે તેમણે કહ્યું: ‘હું અને મારા લોક કોણ કે રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? અમારી પાસે જે કંઈ છે એ સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.’ (૧ કાળ. ૨૯:૧૪) યહોવાએ જે આપ્યું છે એમાંથી જ આપણે દાન આપીએ છીએ. યહોવાના કામમાં આપણાં સમય-શક્તિ અને માલમિલકત ખર્ચીએ છીએ ત્યારે તે ખૂબ કદર કરે છે.—૨ કોરીં. ૯:૭.

સાંકડા રસ્તે ચાલતા રહીએ

૧૭. તમને સુધારો કરવાની જરૂર લાગે તો કેમ નિરાશ ન થવું જોઈએ?

૧૭ સાંકડા રસ્તે ચાલતા રહેવા આપણે ઈસુના પગલે ચાલવું જોઈએ. (૧ પીત. ૨:૨૧) જો તમને લાગે કે તમારે સુધારો કરવાની જરૂર છે તો નિરાશ ન થાઓ. એ બતાવે છે કે તમે યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગો છો. ભૂલીએ નહિ કે યહોવા જાણે છે કે આપણે ધૂળના બનેલા છીએ. તેમને એ પણ ખબર છે કે ઈસુને પગલે ચાલવામાં આપણાથી ભૂલ થઈ શકે છે.

૧૮. નવી દુનિયામાં જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૮ આપણે બધાએ ભાવિ પર નજર રાખવી જોઈએ. આપણાં વિચારો, પસંદ-નાપસંદ અને કાર્યોમાં સુધારો કરવા તૈયાર રહેવું જોઈએ. (નીતિ. ૪:૨૫; લુક ૯:૬૨) ચાલો આપણે નમ્ર રહીએ, ‘હંમેશાં આનંદ કરીએ અને સુધારો કરીએ.’ (૨ કોરીં. ૧૩:૧૧) એમ કરીશું તો “પ્રેમ અને શાંતિના ઈશ્વર [આપણી] સાથે રહેશે.” તે આપણને હમણાં ખુશ રહેવા મદદ કરશે અને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન આપશે.

આપણે નમ્ર હોઈશું તો . . .

  • આપણાં વિચારો અને પસંદ-નાપસંદ સુધારવા કઈ રીતે મદદ મળશે?

  • બીજાઓ આપણને સુધારો કરવા સલાહ આપે ત્યારે કઈ રીતે મદદ મળશે?

  • સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે ચાલવા કઈ રીતે મદદ મળશે?

ગીત ૨૯ ચાલું તારી સંગે

a આપણામાંથી અમુકને પોતાનાં વિચારો, પસંદ-નાપસંદ અને કાર્યોમાં સુધારો કરવો અઘરું લાગે છે. આ લેખમાં સમજાવ્યું છે કે આપણે કેમ સુધારો કરવો જોઈએ અને એ કઈ રીતે ખુશીથી કરી શકીએ.

b ચિત્રની સમજ: એક યુવાન ભાઈએ ખોટો નિર્ણય લીધો છે. એ વિશે તે બીજા એક ભાઈને (જમણી બાજુ) જણાવી રહ્યા છે. બીજા ભાઈ વચ્ચે બોલતા નથી પણ શાંતિથી સાંભળી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તે સલાહ આપશે કે નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો