પ્રાર્થના વિશે લોકો શું કહે છે?
મારિયા કહે છે: “હું પ્રાર્થના કરું છું ત્યારે મને લાગે છે કે જાણે ભગવાન મારી સાથે છે. તેમણે મારો હાથ પકડ્યો છે અને મને સાચો રસ્તો બતાવી રહ્યા છે.”
રાઉલ કહે છે: “મારી પત્નીએ કેન્સર સામે ૧૩ વર્ષ સુધી લડત આપી. આખરે તે ગુજરી ગઈ. પછી હું રોજ ભગવાન આગળ પ્રાર્થનામાં મારું દિલ ઠાલવતો. મેં અનુભવ્યું કે તે મારી પ્રાર્થના સાંભળે છે. એનાથી મને મનની શાંતિ મળી.”
આર્ને કહે છે: “પ્રાર્થના એ ભગવાન તરફથી મળેલી એક સુંદર ભેટ છે.”
મારિયા, રાઉલ અને આર્નેની જેમ ઘણા લોકોને લાગે છે કે પ્રાર્થના એ ભગવાન તરફથી મળેલી એક કીમતી ભેટ છે. તેઓને લાગે છે કે પ્રાર્થના દ્વારા તેઓ ભગવાન સાથે વાત કરી શકે છે. તેમની પાસે મદદ માંગી શકે અને તેમનો આભાર માની શકે છે. તેઓને બાઇબલના આ શબ્દો પર પૂરો ભરોસો છે: ‘આપણને ઈશ્વર પર ભરોસો છે કે તેમની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.’—૧ યોહાન ૫:૧૪.
બીજા કેટલાક લોકો માને છે કે પ્રાર્થના કરવાથી કોઈ ફાયદો થતો નથી. સ્ટીવને પણ એવું લાગતું હતું. તે કહે છે: “હું ૧૭ વર્ષનો હતો ત્યારે મેં મારા ત્રણ મિત્રોને ગુમાવ્યા. એક મિત્ર કાર એક્સિડન્ટમાં અને બીજા બે દરિયામાં ડૂબી જવાથી ગુજરી ગયા.” મેં ભગવાનને વારંવાર પૂછ્યું: “તમે આવું કેમ થવા દીધું?” પણ મને કોઈ જવાબ મળ્યો નહિ. એટલે મેં વિચાર્યું, “જો ભગવાન સાંભળતા જ ન હોય તો પ્રાર્થના કરવાનો શું મતલબ?” સ્ટીવની જેમ ઘણા લોકોને પ્રાર્થનાનો જવાબ મળતો નથી. એટલે, તેઓ પણ પ્રાર્થના કરવાનું છોડી દે છે.
અમુક લોકો બીજાં કારણોને લીધે પ્રાર્થના નથી કરતા. તેઓ કહે છે: આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે અને આપણને શાની જરૂર છે, એ બધું ભગવાન જાણે છે. તો પછી દરેક બાબતો માટે પ્રાર્થના કરવાની શી જરૂર?
કેટલાક લોકો પ્રાર્થના કરતા અચકાય છે. શા માટે? તેઓએ જીવનમાં ભૂલો કરી હોય છે. એના લીધે તેઓને લાગે છે કે ભગવાન તેઓની પ્રાર્થના નહિ સાંભળે. અંજુબહેનa કહે છે: “મને થતું કે હું પ્રાર્થના કરવાને લાયક જ નથી. મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે, તેથી મને લાગતું કે ભગવાન મારી પ્રાર્થના નહિ સાંભળે.”
પ્રાર્થના વિશે તમને કેવું લાગે છે? શું તમને પણ એવું લાગે છે કે પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી? બની શકે કે પ્રાર્થનાb વિશે તમારા મનમાં ઘણા સવાલો હોય. જેમ કે,
શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?
ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?
ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ સવાલોના જવાબ આપ્યા છે. એનાથી આપણા મનને શાંતિ મળશે.
a નામ બદલ્યાં છે.
b બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તોની પ્રાર્થના નોંધવામાં આવી છે. એમાં ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના પણ છે. બાઇબલના હિબ્રૂ શાસ્ત્ર વચનોમાં દોઢસો પ્રાર્થનાઓ લખવામાં આવી છે. લોકો એને જૂનો કરાર પણ કહે છે.