દુનિયામાં આટલી નફરત કેમ છે?
આજે દુનિયામાં આટલી બધી નફરત કેમ છે? આ સવાલનો જવાબ મેળવીએ એ પહેલાં ચાલો જોઈએ કે નફરત એટલે શું? લોકો કેમ એકબીજાને નફરત કરે છે? નફરત કઈ રીતે ફેલાય છે?
નફરત એટલે શું?
નફરત એટલે એક વ્યક્તિનાં મનમાં અમુક લોકો કે વ્યક્તિ માટે ચીડ હોય. સમય જતાં એ વધતી જાય અને વાત દુશ્મની સુધી પહોંચી જાય. વ્યક્તિના દિલમાંથી નફરત જલદી નીકળતી નથી.
લોકો કેમ એકબીજાને નફરત કરે છે?
લોકો ઘણાં કારણોને લીધે બીજી જાતિ, ભાષા કે સંસ્કૃતિના લોકોને નફરત કરે છે. એવું નથી કે નફરતનો શિકાર બનેલા લોકોએ કંઈ ખોટું કર્યું છે. પણ તેઓની જાતિ કે ભાષા અલગ હોવાથી લોકો તેઓને નફરત કરે છે. નફરત કરનારાઓને લાગે છે કે બીજા લોકો ખરાબ છે. તેઓ બીજાઓને નુકસાન પહોંચાડે છે. તેઓને લાગે છે કે બીજાઓ એવા જ રહેશે અને કદી સુધરશે નહિ. નફરત કરનારાઓ એવા લોકોને નીચા દેખાડે છે. તેઓ વિચારે છે કે આ લોકો જ બધી તકલીફોનું મૂળ છે. બની શકે કે નફરત કરનારાઓ સાથે પણ અગાઉ અન્યાય થયો હોય કે તેઓને મારવામાં આવ્યા હોય. એટલે તેઓ બીજી જાતિ કે ભાષાના લોકોને નફરત કરે છે.
નફરત કઈ રીતે ફેલાય છે?
બની શકે કે કોઈ વ્યક્તિ, બીજી ભાષા કે જાતિના લોકોને ક્યારેય મળી ન હોય તોપણ તેઓને નફરત કરે છે. દાખલા તરીકે એ વ્યક્તિના ઘરના સભ્યો કે એના દોસ્તો બીજાઓને નફરત કરતા હોય તો તે પણ નફરત કરવા લાગે છે. આમ ધીરે ધીરે આખા સમાજમાં નફરતની આગ ફેલાઈ જાય છે.
આવાં જ કારણોને લીધે દુનિયામાં મોટા ભાગના લોકો એકબીજાને નફરત કરે છે. આ નફરતનું ચક્ર તોડવા આપણે પહેલાં એ જાણવું પડશે કે એની શરૂઆત કઈ રીતે થઈ. એનો જવાબ આપણને ભગવાને લખાવેલું પુસ્તક એટલે કે બાઇબલમાંથી મળશે.
નફરતની શરૂઆત વિશે પવિત્ર શાસ્ત્ર જણાવે છે
નફરતની શરૂઆત માણસોથી નથી થઈ. હજારો વર્ષો પહેલાંની વાત છે. સ્વર્ગમાં ઈશ્વરનો એક દૂત તેમની વિરુદ્ધ ગયો. તેને શેતાન કહેવામાં આવ્યો. શાસ્ત્રમાં લખ્યું છે કે તે “શરૂઆતથી જ ખૂની” છે. તે “જૂઠો” છે અને જૂઠની શરૂઆત તેણે જ કરી છે. (યોહાન ૮:૪૪a) દુનિયા બનાવવામાં આવી ત્યારથી શેતાન લોકોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરે છે. (૧ યોહાન ૩:૧૧, ૧૨) શાસ્ત્ર જણાવે છે કે તેની રગેરગમાં નફરત, ગુસ્સો અને દુષ્ટતા વહે છે.—અયૂબ ૨:૭; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨, ૧૭.
નફરત માણસોના સ્વભાવમાં આવી ગઈ. દુનિયાના પહેલા માણસ આદમે પણ શેતાનની જેમ ઈશ્વરનું કહ્યું ન માન્યું. આપણે બધાં આદમનાં બાળકો છીએ એટલે આપણો સ્વભાવ પણ આદમ જેવો જ છે. જે ખરું છે એ કરવાને બદલે હંમેશાં ખોટું કરવાનું વિચારીએ છીએ. (રોમનો ૫:૧૨) આદમનો પ્રથમ દીકરો કાઈન, પોતાના ભાઈ હાબેલને નફરત કરતો હતો. એ નફરત એટલી બધી વધી ગઈ કે તેણે હાબેલનું ખૂન કરી નાખ્યું. (૧ યોહાન ૩:૧૨) ખરું કે, આજે પણ ઘણા લોકો બીજાઓને પ્રેમ કરે છે અને દયા બતાવે છે. પણ મોટા ભાગના લોકો સ્વાર્થ, ઈર્ષા અને ઘમંડને લીધે બીજાઓને નફરત કરે છે.—૨ તિમોથી ૩:૧-૫.
ખોટા વિચારોને લીધે નફરત વધે છે. આજે દુનિયામાં કોઈને કોઈની પડી નથી, કોઈનામાં દયા રહી જ નથી. બીજાઓની તકલીફથી કોઈને ફરક પડતો નથી. શાસ્ત્રમાં લખ્યું છે, “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.” (૧ યોહાન ૫:૧૯) એટલે આજે લોકો ભેદભાવ રાખે છે. બીજાઓ વિશે ખરાબ વિચારે છે, ગાળો બોલે છે અને ગુંડાઓની જેમ વર્તે છે.
બાઇબલમાં એ પણ લખ્યું છે કે આપણે કઈ રીતે મનમાંથી નફરત કાઢી શકીએ. એ જાણવા હવે પછીનો લેખ જુઓ.
a આ બાઇબલમાં આપેલું એક વચન છે. બાઇબલમાં આપેલી બીજી ઘણી સલાહ વિશે આ મૅગેઝિનમાં જણાવ્યું છે.