વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 જૂન પાન ૨-૭
  • યહોવા—અજોડ રીતે માફ કરનાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા—અજોડ રીતે માફ કરનાર
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા માફ કરવા તૈયાર છે
  • માફ કરવામાં યહોવા અજોડ છે
  • યહોવા આપણને ક્યારે માફ કરે છે?
  • યહોવા તમને જરૂર માફ કરશે
  • ખાતરી રાખજો કે યહોવાએ તમને માફ કર્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • માફ કરો અને યહોવાના આશીર્વાદ મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાની માફીથી તમને કયા આશીર્વાદો મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 જૂન પાન ૨-૭

અભ્યાસ લેખ ૨૪

યહોવા—અજોડ રીતે માફ કરનાર

“હે યહોવા, તમે ભલા છો અને માફ કરવા તૈયાર છો. તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ વરસાવો છો.”—ગીત. ૮૬:૫.

ગીત ૬ અમારી પ્રાર્થના

ઝલકa

૧. સભાશિક્ષક ૭:૨૦માં સુલેમાન રાજાએ કઈ હકીકત પર ધ્યાન દોર્યું?

સુલેમાન રાજાએ કહ્યું, “આખી પૃથ્વી પર એવો એકેય નેક માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.” (સભા. ૭:૨૦) તેમણે કેટલું સાચું કહ્યું! આપણે ક્યારેક ને ક્યારેક પાપ કરી બેસીએ છીએ. (૧ યોહા. ૧:૮) પછી અફસોસ થાય છે કે આપણે યહોવાના કે બીજાઓનાં દિલને દુઃખ પહોંચાડ્યું છે. એટલે ચાહીએ છીએ કે તેઓ આપણને માફ કરે.

૨. જિગરી દોસ્તે માફ કર્યા ત્યારે તમને કેવું લાગ્યું?

૨ તમારી સાથે પણ એવું બન્યું હશે. તમે નજીકના અથવા જિગરી દોસ્તનું ક્યારેક દિલ દુખાવ્યું હશે. પણ પછી તમને પોતાની ભૂલ સમજાઈ હશે. દોસ્તી તૂટી ન જાય એટલે તમે દિલથી માફી માંગી હશે. દોસ્તે પણ તમને માફ કરી દીધા હશે. એ સમયે તમને કેવું લાગ્યું? ચોક્કસ સારું લાગ્યું હશે, દિલને રાહત મળી હશે.

૩. આ લેખમાં આપણે શું જોઈશું?

૩ આપણે બધા ચાહીએ છીએ કે યહોવા આપણા સૌથી નજીકના દોસ્ત હોય. પણ અમુક વાર એવું કંઈક કહીએ અથવા કરીએ છીએ જેના લીધે તે દુઃખી થાય છે. છતાં કેમ ખાતરી રાખી શકીએ કે તે માફ કરવા તૈયાર છે? આપણે કોઈને માફ કરીએ અને યહોવા કોઈને માફ કરે એ બે વચ્ચે શું ફરક છે? યહોવા માફ કરે એ માટે આપણે શું કરવું જોઈએ? આ લેખમાં એ ત્રણેય સવાલોના જવાબ જોઈશું.

યહોવા માફ કરવા તૈયાર છે

૪. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા માફ કરવા તૈયાર છે?

૪ યહોવાએ બાઇબલમાં લખાવ્યું છે કે તે આપણને માફ કરવા તૈયાર છે. મૂસા સિનાઈ પર્વત પર હતા ત્યારે યહોવાએ એક દૂત દ્વારા પોતાના વિશે જણાવ્યું: “યહોવા, યહોવા, દયા અને કરુણા બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર; હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર; ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર.” (નિર્ગ. ૩૪:૬, ૭) યહોવા ખૂબ જ પ્રેમાળ અને દયાળુ ઈશ્વર છે. તે દિલથી પસ્તાવો કરનારને હંમેશાં માફ કરવા તૈયાર છે.—નહે. ૯:૧૭; ગીત. ૮૬:૧૫.

એક બહેનના ચિત્રની બાજુમાં ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ના શબ્દો આપેલા છે: “તે આપણી રચના સારી રીતે જાણે છે.” બહેનની આસપાસ નાનપણથી લઈને અત્યાર સુધીના ફોટા છે.

યહોવા આપણા વિશે બધું જ જાણે છે. તે આપણો સ્વભાવ અને એની પાછળનાં કારણો પણ જાણે છે (ફકરો ૫ જુઓ)

૫. યહોવા આપણને સૌથી સારી રીતે ઓળખે છે એટલે ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ પ્રમાણે તે શું કરે છે?

૫ યહોવા આપણા સર્જનહાર છે એટલે તે આપણી રગેરગથી વાકેફ છે. એ કેટલું અદ્‍ભુત છે કે તે દુનિયાની દરેક વ્યક્તિ વિશે બધું જ જાણે છે! (ગીત. ૧૩૯:૧૫-૧૭) તે જાણે છે કે માતા-પિતા પાસેથી વારસામાં મળેલાં પાપની આપણા પર અસર થઈ છે. તેમને આપણી બધી નબળાઈઓ વિશે ખબર છે. તે એ પણ સમજે છે કે અમુક સારા-ખરાબ બનાવોની આપણા સ્વભાવ પર અસર થઈ છે. યહોવા આપણને સૌથી સારી રીતે ઓળખે છે એટલે તે શું કરે છે? તે આપણા પર દયા બતાવે છે.—ગીત. ૭૮:૩૯; ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.

૬. યહોવાએ કઈ રીતે સાબિત કર્યું કે તે માફ કરવા તૈયાર છે?

૬ યહોવાએ સાબિત કર્યું કે તે આપણને માફ કરવા તૈયાર છે. ચાલો જોઈએ કે એવું કેમ કહી શકીએ. યહોવાને ખબર છે કે આદમે જે કર્યું એના લીધે આપણે પાપ અને મરણના ગુલામ બની ગયા છીએ. (રોમ. ૫:૧૨) એ ગુલામીમાંથી આપણે ન તો પોતાને કે ન તો બીજા કોઈને છોડાવી શકીએ છીએ. (ગીત. ૪૯:૭-૯) એટલે એ ગુલામીમાંથી આઝાદ કરવા યહોવાએ એક માર્ગ ખોલ્યો, કેમ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. યોહાન ૩:૧૬માં જણાવ્યું છે કે યહોવાએ પોતાના એકના એક દીકરાને પૃથ્વી પર મોકલ્યા, જેથી તે આપણા માટે પોતાનું જીવન આપે. (માથ. ૨૦:૨૮; રોમ. ૫:૧૯) ઈસુએ આપણા માટે મરણનું દુઃખ સહન કર્યું. એટલે જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે છે તે પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થાય છે. (હિબ્રૂ. ૨:૯) ઈસુને એક અપરાધી તરીકે એકદમ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. એ જોઈને યહોવા દુઃખી દુઃખી થઈ ગયા હશે. જરા વિચારો, જો યહોવા આપણને માફ કરવા માંગતા જ ન હોત, તો શું તેમણે પોતાના દીકરાને મરવા દીધા હોત?

૭. યહોવાએ પૂરી રીતે માફ કર્યા હોય એવા અમુક લોકોના દાખલા જણાવો.

૭ બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે, જેઓને યહોવાએ પૂરી રીતે માફ કર્યા હોય. (એફે. ૪:૩૨) તમારા મનમાં કોણ આવે છે? મનાશ્શા રાજાનો દાખલો જોઈએ. તેમણે યહોવાની નજરમાં મોટાં મોટાં પાપ કર્યાં હતાં. તે જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા. તે બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપતા હતા. તેમણે જૂઠાં દેવી-દેવતાઓ માટે પોતાનાં બાળકોની બલિ ચઢાવી દીધી. અરે, યહોવાના પવિત્ર મંદિરમાં એક મૂર્તિ પણ ઊભી કરી! બાઇબલમાં જણાવ્યું છે કે મનાશ્શાએ “યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો.” (૨ કાળ. ૩૩:૨-૭) પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેમને પૂરી રીતે માફ કર્યા. એટલું જ નહિ, યહોવાએ તેમને ફરીથી રાજા બનાવ્યા. (૨ કાળ. ૩૩:૧૨, ૧૩) હવે દાઉદ રાજાનો વિચાર કરીએ. તેમણે યહોવાની નજરમાં ગંભીર પાપ કર્યાં હતાં, જેમ કે વ્યભિચાર અને ખૂન. જોકે દાઉદે પાપ કબૂલ કર્યાં અને દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેમને પણ માફ કરી દીધા. (૨ શમુ. ૧૨:૯, ૧૦, ૧૩, ૧૪) એ બંને દાખલામાંથી ખાતરી મળે છે કે યહોવા માફ કરવા તૈયાર છે. હવે જોઈશું કે આપણે કોઈને માફ કરીએ અને યહોવા કોઈને માફ કરે એ બે વચ્ચે શું ફરક છે.

માફ કરવામાં યહોવા અજોડ છે

૮. કોઈને માફ કરવા કે નહિ એ વિશે કેમ યહોવા જ સૌથી સારી રીતે નિર્ણય લઈ શકે છે?

૮ યહોવા ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ છે. (ઉત. ૧૮:૨૫) તે અજોડ રીતે ન્યાય કરે છે. એવું કેમ કહી શકીએ? યોગ્ય નિર્ણય લેવા એક ન્યાયાધીશ નિયમોને સારી રીતે જાણતા હોવા જોઈએ. યહોવા તો ખુદ નિયમ આપનાર છે. એટલે તે નિયમને સૌથી સારી રીતે જાણે છે. (યશા. ૩૩:૨૨) યહોવાને જ સૌથી સારી રીતે ખબર છે કે સાચું શું અને ખોટું શું. કોઈ બાબતનો ન્યાય કરતા પહેલાં ન્યાયાધીશને બધી હકીકતની ખબર હોવી જોઈએ. યહોવાને તો બધું જ ખબર છે એટલે આપણે કહી શકીએ કે તે સૌથી મહાન ન્યાયાધીશ છે.

૯. યહોવા એક વ્યક્તિને શાના આધારે માફ કરે છે?

૯ માણસો ન્યાય કરે છે ત્યારે તેઓ પાસે બધી માહિતી હોતી નથી. પણ યહોવા પાસે હંમેશાં બધી માહિતી હોય છે. (ઉત. ૧૮:૨૦, ૨૧; ગીત. ૯૦:૮) માણસો જે જુએ છે અને સાંભળે છે એના આધારે ન્યાય કરે છે. પણ યહોવા એવી રીતે ન્યાય કરતા નથી. તે વ્યક્તિના દિલના વિચારો જાણે છે. તે સમજે છે કે તેનો ઉછેર કેવા માહોલમાં થયો છે. તે કેવા સમાજ કે વિસ્તારમાં રહે છે. યહોવા તેની લાગણીઓ અને માનસિક સ્થિતિને સારી રીતે જાણે છે. તેને વારસામાં મળેલા ગુણો અને સ્વભાવ વિશે પણ તે જાણે છે. યહોવા સમજે છે કે એક વ્યક્તિનો કંઈક કરવા પાછળનો ઇરાદો શું છે. તેમની નજરથી કંઈ સંતાયેલું નથી. (હિબ્રૂ. ૪:૧૩) યહોવા એક વ્યક્તિ વિશે બધું જ જાણતા હોવાથી તેને અજોડ રીતે માફ કરે છે.

પર્વતોના ચિત્રની બાજુમાં પુનર્નિયમ ૩૨:૪ના શબ્દો આપેલા છે: “તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે.”

યહોવા સાચો ન્યાય કરે છે. કોઈની સાથે ભેદભાવ કરતા નથી. તેમને કોઈ લાંચ આપી શકતું નથી (ફકરો ૧૦ જુઓ)

૧૦. આપણે કેમ કહી શકીએ કે યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે? (પુનર્નિયમ ૩૨:૪)

૧૦ યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે. તે જરાય ભેદભાવ કરતા નથી. તે કોઈને માફ કરે છે ત્યારે તેનો દેખાવ, ધનદોલત, હોદ્દો કે આવડત જોતા નથી. (૧ શમુ. ૧૬:૭; યાકૂ. ૨:૧-૪) કોઈ માણસ યહોવાને દબાણ કરી શકતો નથી. તેમને લાંચ આપી શકતો નથી. (૨ કાળ. ૧૯:૭) યહોવા લાગણીવશ થઈને કે ગુસ્સામાં આવીને નિર્ણય લેતા નથી. (નિર્ગ. ૩૪:૭) યહોવા આપણા વિશે બધું જાણે છે. તે આપણા સંજોગો સમજે છે. એટલે કહી શકાય કે તે સૌથી સારા ન્યાયાધીશ છે.—પુનર્નિયમ ૩૨:૪ વાંચો.

૧૧. માણસો માફ કરે અને યહોવા માફ કરે એ બે વચ્ચે શું ફરક છે?

૧૧ યહોવા જે રીતે માણસોને માફ કરે છે, એ રીતે બીજું કોઈ ન કરી શકે. હિબ્રૂ શાસ્ત્રવચનોના લેખકો એ વાત સારી રીતે જાણતા હતા. એટલે યહોવાની માફીને દર્શાવવા તેઓએ અમુક વાર એક ખાસ હિબ્રૂ શબ્દ વાપર્યો હતો. એ વિશે એક પુસ્તકમાં લખ્યું છે, “ઈશ્વર કોઈ માણસને માફ કરે ત્યારે જ એ શબ્દ વપરાતો હતો. પણ કોઈ માણસ બીજા માણસને માફ કરે ત્યારે એ શબ્દ વપરાતો ન હતો. કેમ કે માણસો તો અમુક હદે જ માફ કરી શકે છે.” ફક્ત યહોવા જ દિલથી પસ્તાવો કરનારને પૂરી રીતે માફ કરી શકે છે. માફી મેળવીને એવી વ્યક્તિને કેવું લાગે છે?

૧૨-૧૩. (ક) યહોવા માફ કરે છે ત્યારે આપણને કેવું લાગે છે? (ખ) યહોવા કેટલી હદે માફ કરે છે?

૧૨ યહોવાએ આપણને માફ કર્યા છે એ વાત સ્વીકારીએ છીએ ત્યારે ‘તાજગીનો’ અહેસાસ થાય છે. (પ્રે.કા. ૩:૧૯) આપણને મનની શાંતિ મળે છે. આપણું અંતઃકરણ સાફ રહે છે. યહોવા માફ કરે છે ત્યારે જ એવી લાગણી થાય છે. કોઈ માણસ માફ કરે ત્યારે આપણે એવું મહેસૂસ કરતા નથી. યહોવા આપણને માફ કરીને દોસ્તીનો હાથ લંબાવે છે. તેમની સાથે આપણી દોસ્તી પહેલાં જેવી થઈ જાય છે, જાણે આપણે પાપ કર્યું જ ન હોય.

૧૩ યહોવા આપણને માફ કરે પછી તે આપણાં પાપ પૂરી રીતે ભૂલી જાય છે. એ પાપ માટે તે ફરી સજા આપતા નથી. (યશા. ૪૩:૨૫; યર્મિ. ૩૧:૩૪) બાઇબલમાં જણાવ્યું છે, “જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,” તેમ યહોવા આપણાં પાપ આપણાથી દૂર કરે છે.b (ગીત. ૧૦૩:૧૨) એનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે યહોવાનો લાખ લાખ અહેસાન માનવા પ્રેરાઈએ છીએ. તેમના માટે આદર વધી જાય છે. (ગીત. ૧૩૦:૪) પણ યહોવા કોઈ વ્યક્તિને ક્યારે માફ કરે છે?

યહોવા આપણને ક્યારે માફ કરે છે?

૧૪. અત્યાર સુધી આપણે શું જોઈ ગયા?

૧૪ અત્યાર સુધી આપણે શું જોઈ ગયા? કોઈને માફી આપતી વખતે યહોવા એ નથી જોતા કે તેનું પાપ મોટું છે કે નાનું. આપણે જોઈ ગયા કે યહોવા આપણા સર્જનહાર છે, નિયમ આપનાર છે અને ન્યાયાધીશ છે. એટલે તે બધી માહિતીના આધારે માફી આપે છે. કોઈ વ્યક્તિને માફ કરવી કે નહિ એ નક્કી કરતા પહેલાં યહોવા તેની અમુક બાબતો પર ધ્યાન આપે છે. એ કઈ છે?

૧૫. લૂક ૧૨:૪૭, ૪૮ના આધારે યહોવા માફ કરતા પહેલાં શાના પર ધ્યાન આપે છે?

૧૫ યહોવા ધ્યાન આપે છે કે શું વ્યક્તિ ભૂલ કરતી વખતે જાણતી હતી કે તે જે કરે છે એ ખોટું છે. ઈસુએ એના વિશે લૂક ૧૨:૪૭, ૪૮માં જણાવ્યું છે. (વાંચો.) જો વ્યક્તિ કાવતરું ઘડીને એવું કોઈ ખરાબ કામ કરે જેને યહોવા ધિક્કારે છે, તો તે ગંભીર પાપ કરે છે. યહોવા કદાચ તેને માફી ન આપે. (માર્ક ૩:૨૯; યોહા. ૯:૪૧) પણ આપણે ક્યારેક ને ક્યારેક જાણીજોઈને ભૂલો કરી બેસીએ છીએ. એવા સમયે શું યહોવા આપણને માફ કરશે? હા. ચાલો જોઈએ કે બીજી કઈ બાબતને આધારે યહોવા માફી આપે છે.

એક ભાઈના ચિત્રની બાજુમાં યશાયા ૫૫:૭ના શબ્દો આપેલા છે: ‘તે દિલથી માફ કરશે.’ ભાઈ પાછળના ચિત્રમાં એકદમ નિરાશ દેખાય છે. આગળના ચિત્રમાં તે ખુશ દેખાય છે.

ભરોસો રાખીએ કે જો પૂરા દિલથી પસ્તાવો કરીશું તો યહોવા જરૂર માફ કરશે (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬. (ક) પસ્તાવો કરવો એટલે શું? (ખ) યહોવાની માફી મેળવવા આપણે કેમ પસ્તાવો કરવો જોઈએ?

૧૬ યહોવા એ પણ ધ્યાન આપે છે કે વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ. પસ્તાવો કરવો એટલે શું? “પોતાનાં ખોટાં વિચારો અને વલણમાં સુધારો કરવો.” વ્યક્તિએ જે ખોટું કર્યું એનો તેને અફસોસ થવો અથવા જે ખરું હતું એ ન કર્યું એનું દુઃખ થવું. એ વાતનું પણ દુઃખ થવું કે તેણે યહોવા સાથેના સંબંધને નબળો પડવા દીધો એટલે તેનાથી પાપ થયું. યાદ કરો, મનાશ્શા રાજા અને દાઉદ રાજાએ ગંભીર પાપ કર્યાં હતાં. પણ યહોવાએ જોયું કે તેઓએ દિલથી પસ્તાવો કર્યો છે એટલે તેઓને માફ કરી દીધા. (૧ રાજા. ૧૪:૮) આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણને પણ માફ કરે તો દિલથી પસ્તાવો કરવો ખૂબ જરૂરી છે.c જ્યારે યહોવા જોશે કે પાપ માટે આપણને અફસોસ છે અને સુધારો કરવા માંગીએ છીએ, ત્યારે તે આપણને માફ કરશે. જોકે આપણે બીજું પણ કંઈક કરવું પડશે. ચાલો એ વિશે જોઈએ.

૧૭. પૂરેપૂરો ફેરફાર કરવો એટલે શું? એ કેમ જરૂરી છે? (યશાયા ૫૫:૭)

૧૭ યહોવા એ પણ ધ્યાન આપે છે કે વ્યક્તિએ પોતાનામાં પૂરેપૂરો ફેરફાર કર્યો છે કે કેમ. પૂરેપૂરો ફેરફાર કરવો એટલે શું? એનો અર્થ થાય “પાછા ફરવું.” બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિએ ખોટાં કામો છોડી દેવા જોઈએ અને યહોવા ચાહે છે એ રીતે જીવવું જોઈએ. (યશાયા ૫૫:૭ વાંચો.) તેણે પોતાના વિચારોમાં ફેરફાર કરવો જોઈએ. યહોવા વિચારે છે એ રીતે વિચારવું જોઈએ. (રોમ. ૧૨:૨; એફે. ૪:૨૩) તેણે પાકો નિર્ણય લેવો જોઈએ કે તે હવેથી ખરાબ બાબતોનો વિચાર નહિ કરે, ખોટાં કામો નહિ કરે. (કોલો. ૩:૭-૧૦) યહોવા આપણને ઈસુના બલિદાનના આધારે માફી આપે છે અને બધાં પાપોથી શુદ્ધ કરે છે. પણ જો આપણે પોતાનામાં ફેરફાર કરવા બનતું બધું કરીશું અને ખોટાં કામો છોડી દઈશું, તો જ યહોવા માફ કરશે.—૧ યોહા. ૧:૭.

યહોવા તમને જરૂર માફ કરશે

૧૮. યહોવા જે રીતે માફી આપે છે એના વિશે આપણે શું શીખ્યા?

૧૮ આ લેખમાંથી શીખેલા મહત્ત્વના મુદ્દાઓ પર ફરી વિચાર કરીએ. આખા વિશ્વમાં યહોવા જેવી માફી કોઈ આપી શકતું નથી. તે અજોડ રીતે માફ કરનાર છે. એવું કેમ કહી શકીએ? (૧) યહોવા હંમેશાં માફ કરવા તૈયાર છે. (૨) તે આપણી રગેરગથી વાકેફ છે. તે આપણા વિશે બધું જ જાણે છે. આપણે ખરેખર પસ્તાવો કર્યો છે કે નહિ એ ફક્ત તેમને જ ખબર છે. (૩) યહોવા આપણને પૂરી રીતે માફ કરે છે. તે પાપ એ રીતે ભૂંસી નાખે છે જાણે આપણે ક્યારેય એ પાપ કર્યું જ ન હોય. એનાથી આપણે સાફ અંતઃકરણ રાખી શકીએ છીએ અને આપણો યહોવા સાથેનો સંબંધ પહેલાં જેવો થઈ જાય છે.

૧૯. આપણે પાપી છીએ અને ભૂલો કરતા રહીએ છીએ તોપણ કેમ ખુશ રહી શકીએ?

૧૯ આપણે બધા પાપી છીએ એટલે જાણે-અજાણે ભૂલો થતી રહેશે. પણ એ ભૂલો વિશે વિચારી વિચારીને દુઃખમાં ડૂબી ન જઈએ. યહોવા જાણે છે કે આપણામાં ઘણી નબળાઈઓ છે. એટલે તે આપણા પર ખૂબ દયા બતાવે છે. (ગીત. ૧૦૩:૮-૧૪; ૧૩૦:૩) જો આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવા બનતો બધો પ્રયત્ન કરીશું, તો ખુશ રહી શકીશું. (ફિલિ. ૪:૪-૬; ૧ યોહા. ૩:૧૯-૨૨) એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે!

૨૦. હવે પછીના લેખમાં શું શીખીશું?

૨૦ આપણે પૂરા દિલથી પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા આપણને માફ કરવા તૈયાર હોય છે. એનાથી કેટલો દિલાસો મળે છે! આપણે માફી આપવામાં કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? આપણે બીજાઓને જે રીતે માફ કરીએ છીએ અને યહોવા આપણને જે રીતે માફ કરે છે એ બે વચ્ચે શું સરખું છે અને કયો ફરક છે? એ જાણવું કેમ મહત્ત્વનું છે? એના જવાબો હવે પછીના લેખમાંથી મળશે.

યહોવા જે રીતે માફ કરે છે એ વિશે આપણે આ કલમોમાંથી શું શીખ્યા?

  • ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪

  • પુનર્નિયમ ૩૨:૪

  • યશાયા ૫૫:૭

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

a યહોવાએ બાઇબલમાં ખાતરી આપી છે કે તે દિલથી પસ્તાવો કરનારને માફ કરવા તૈયાર છે. પણ અમુક વાર થાય કે ‘હું તો યહોવાની માફીને લાયક જ નથી.’ આપણે પોતાનાં પાપ માટે દિલથી પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા માફ કરવા તૈયાર હોય છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ એવો ભરોસો રાખી શકીએ.

b જુલાઈ ૧, ૨૦૦૩ ચોકીબુરજ પાન ૧૭, ફકરો ૧૫ જુઓ.

c શબ્દોની સમજ: “પસ્તાવો કરવો” એટલે પોતાનું મન બદલવું. પોતાના વીતેલા જીવન પર, ખોટાં કામો પર અને જે ન કરી શક્યા એના પર દિલથી અફસોસ કરવો. કોઈ જ્યારે ખોટાં કામો છોડીને જીવનમાં સુધારો કરે છે ત્યારે સાચો પસ્તાવો દેખાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો