વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ઑગસ્ટ પાન ૧૪-૧૯
  • ખાતરી રાખજો કે યહોવાએ તમને માફ કર્યા છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખાતરી રાખજો કે યહોવાએ તમને માફ કર્યા છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે?
  • યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવા શાનાથી મદદ મળશે?
  • યહોવા જે યાદ રાખે છે એને આપણે કદી ન ભૂલીએ
  • પોતાના દિલને ખાતરી કરાવતા રહીએ
  • યહોવાની માફીથી તમને કયા આશીર્વાદો મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા—અજોડ રીતે માફ કરનાર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • માફ કર્યા પછી, શું યહોવા એ ભૂલોને ફરી યાદ કરે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ઑગસ્ટ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૩૪

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ખાતરી રાખજો કે યહોવાએ તમને માફ કર્યા છે

“તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.”—ગીત. ૩૨:૫.

આપણે શું શીખીશું?

યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે? બાઇબલથી કઈ રીતે ખાતરી મળે છે કે યહોવા પસ્તાવો કરનાર વ્યક્તિને માફ કરે છે?

૧-૨. યહોવાએ આપણને માફ કર્યા છે એ જાણીને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

રાજા દાઉદ જાણતા હતા કે અગાઉ કરેલી ભૂલો માટે દિલ ડંખે ત્યારે કેવું લાગે છે. (ગીત. ૪૦:૧૨; ૫૧:૩; મથાળું) તેમણે પોતાના જીવનમાં અમુક મોટી મોટી ભૂલો કરી હતી. પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો અને યહોવાએ તેમને માફ કર્યા. (૨ શમુ. ૧૨:૧૩) એટલે દાઉદ એ પણ સમજતા હતા કે યહોવાની માફ મેળવ્યા પછી કેટલી રાહત મળે છે.—ગીત. ૩૨:૧.

૨ યહોવાની દયા અને માફી મેળવ્યા પછી આપણે પણ દાઉદની જેમ રાહત અનુભવી શકીએ છીએ. એ જાણીને કેટલો દિલાસો મળે છે કે યહોવા આપણી મોટી મોટી ભૂલો પણ માફ કરવા તૈયાર છે. પણ એ માટે આ પગલાં ભરવાં ખૂબ જ જરૂરી છે: દિલથી પસ્તાવો કરવો, પાપ કબૂલ કરવાં અને એ ભૂલ ફરી ન કરવા પોતાનાથી બનતું બધું કરવું. (નીતિ. ૨૮:૧૩; પ્રે.કા. ૨૬:૨૦; ૧ યોહા. ૧:૯) વધુમાં, જ્યારે યહોવા માફ કરે છે, ત્યારે તે આપણને પૂરી રીતે માફ કરે છે, જાણે આપણે એ ભૂલ કદી કરી જ ન હોય. એ જાણીને પણ આપણા દિલને કેટલી ટાઢક વળે છે!—હઝકિ. ૩૩:૧૬.

રાજા દાઉદ ઝરૂખામાં બેઠા છે. તે વીણા વગાડી રહ્યા છે અને ગીત ગાઈ રહ્યા છે.

રાજા દાઉદે ઘણાં ગીતો લખ્યાં. એ ગીતોથી જોવા મળે છે કે યહોવા માફ કરવા આતુર છે (ફકરા ૧-૨ જુઓ)


૩-૪. (ક) એક બહેનને બાપ્તિસ્મા લીધા પછી પણ કેવું લાગતું હતું? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ પણ અમુક વાર આપણને એ વાત સ્વીકારવી અઘરી લાગે કે યહોવાએ આપણને માફ કર્યા છે. જેનિફરબહેનને એવું જ લાગતું હતું. તે નાનાં હતાં ત્યારે તેમનાં મમ્મી-પપ્પાએ તેમને યહોવા વિશે શીખવ્યું હતું. પણ તે થોડાં મોટાં થયાં ત્યારે ખરાબ કામો કરવા લાગ્યાં અને એ બધું પોતાનાં મમ્મી-પપ્પાથી છુપાવવા લાગ્યાં. વર્ષો પછી તેમણે ફેરફારો કર્યા, પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું અને બાપ્તિસ્મા લીધું. તે કહે છે: “અગાઉ હું વ્યભિચાર જેવાં કામોમાં ડૂબેલી હતી, ખૂબ દારૂ પીતી, ગુસ્સો હંમેશાં મારા નાક પર રહેતો અને પૈસો જ મારા માટે બધું હતું. મારું મન જાણતું હતું કે મેં પસ્તાવો કર્યો છે, માફી માંગી છે એટલે યહોવાએ ખ્રિસ્તના બલિદાન દ્વારા મને માફ કરી દીધી છે. પણ હું મારા દિલને એ સમજાવી શકતી ન હતી.”

૪ શું અમુક વાર તમને પોતાના દિલને ખાતરી કરાવવી અઘરું લાગે છે કે યહોવાએ તમારી જૂની ભૂલોને માફ કરી દીધી છે? યાદ રાખો, યહોવા દયાના સાગર છે. દાઉદને પાકો ભરોસો હતો કે યહોવાએ તેમને માફ કરી દીધા છે અને પછી તેમને પોતાની ખુશી પાછી મળી. યહોવા ચાહે છે કે આપણે પણ એવી જ ખુશી અનુભવીએ. આ લેખમાં ચર્ચા કરીશું કે યહોવાએ આપણને માફ કર્યા છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે તેમજ એ વાત સ્વીકારવા શાનાથી મદદ મળશે.

યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવી કેમ જરૂરી છે?

૫. શેતાન આપણાં મનમાં શું ઠસાવવા માંગે છે? એક દાખલો આપો.

૫ યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવાથી શેતાનના ફાંદાથી બચી શકીએ છીએ. યાદ રાખો, આપણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ એ માટે શેતાન કંઈ પણ કરશે. શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે આપણાં પાપ એટલાં મોટાં છે કે કદી એની માફી નહિ મળે. ધ્યાન આપો કે કોરીંથ મંડળમાં એક માણસ સાથે શું બન્યું. તેણે વ્યભિચાર કર્યો એટલે તેને મંડળમાંથી દૂર કરવામાં આવ્યો. (૧ કોરીં. ૫:૧, ૫, ૧૩) પણ પછી તેણે પસ્તાવો કર્યો. શેતાન ચાહતો હતો કે મંડળનાં ભાઈ-બહેનો તેને માફ ન કરે અને તેને મંડળમાં પાછો ન લે. શેતાન એવું પણ ચાહતો હતો કે એ માણસને એવું લાગવા લાગે કે યહોવા તેને કદી માફ નહિ કરે. એટલું જ નહિ, તે ‘અતિશય નિરાશામાં ડૂબી જાય’ અને યહોવાની ભક્તિ કરવાનું છોડી દે. શેતાનનાં ઇરાદાઓ અને ચાલાકીઓ આજે પણ એવાં ને એવાં જ છે. પણ “આપણે તેની ચાલાકીઓથી અજાણ નથી.”—૨ કોરીં. ૨:૫-૧૧.

૬. દોષના ભારે બોજાથી રાહત મેળવવા શું કરી શકીએ?

૬ યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવાથી દોષના ભારે બોજાથી રાહત મળે છે. કોઈ ભૂલ કરીએ છીએ ત્યારે દિલ ડંખે છે. (ગીત. ૫૧:૧૭) એ સારી વાત છે. આપણું અંતઃકરણ આપણને ફેરફારો કરવા અને સારાં કામો કરવા દોરે છે. (૨ કોરીં. ૭:૧૦, ૧૧) જોકે પસ્તાવો કર્યા પછી પણ પોતાને દોષ આપ્યા કરીશું તો શું થશે? કદાચ એટલા નિરાશ થઈ જઈશું કે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈશું. એના બદલે, જો સ્વીકારીશું કે યહોવાએ આપણને માફ કર્યા છે, તો દોષના ભારે બોજાને પોતાનાથી દૂર ફેંકી શકીશું. પછી યહોવા ચાહે છે એ રીતે શુદ્ધ અંતઃકરણથી અને ખુશી ખુશી તેમની ભક્તિ કરી શકીશું. (કોલો. ૧:૧૦, ૧૧; ૨ તિમો. ૧:૩) પણ કઈ રીતે પોતાના દિલને ખાતરી અપાવી શકીએ કે યહોવાએ આપણને માફ કર્યા છે?

યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવા શાનાથી મદદ મળશે?

૭-૮. (ક) યહોવાએ પોતાના વિશે મૂસાને શું કહ્યું? (નિર્ગમન ૩૪:૬, ૭) (ખ) એનાથી આપણને કઈ ખાતરી મળે છે?

૭ વિચારો કે યહોવાએ પોતાના વિશે શું જણાવ્યું છે. ધ્યાન આપો કે સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને શું કહ્યું હતું.a (નિર્ગમન ૩૪:૬, ૭ વાંચો.) યહોવા પોતાના વિશે અને પોતાના ગુણો વિશે ઘણું બધું કહી શક્યા હોત. પણ તેમણે પોતાને “દયા અને કરુણા બતાવનાર ઈશ્વર” કહ્યા. શું એવા ઈશ્વર દિલથી પસ્તાવો કરનારને માફ નહિ કરે? જો યહોવા એવી વ્યક્તિને માફ ન કરે, તો એ તો એવું કહેવાશે કે યહોવા જાણે કઠોર અને પથ્થર-દિલ છે. પણ યહોવા એવા કદી બની જ ન શકે.

૮ આપણે યહોવાના એકેએક શબ્દ પર ભરોસો મૂકી શકીએ છીએ. તે કદી જૂઠું બોલતા નથી. એટલે જ્યારે તેમણે કહ્યું કે તે દયાળુ ઈશ્વર છે, ત્યારે તે સાચું કહી રહ્યા હતા. (ગીત. ૩૧:૫) પણ જો તમે હજી અગાઉની ભૂલો માટે પોતાને દોષ આપતા હો, તો પોતાને પૂછો: ‘શું હું માનું છું કે યહોવા સાચે જ દયા અને કરુણા બતાવનાર છે તેમજ દિલથી પસ્તાવો કરનાર દરેકને તે માફ કરે છે? જો એમ હોય તો શું મારે પણ સ્વીકારવું ન જોઈએ કે યહોવાએ મને માફ કરી દીધો છે?’

૯. યહોવા આપણને જે રીતે માફ કરે છે, એ વિશે ગીતશાસ્ત્ર ૩૨:૫માંથી શું શીખવા મળે છે?

૯ મનન કરો કે યહોવા કઈ રીતે માફ કરે છે એ વિશે બાઇબલ લેખકોએ શું લખ્યું છે. દાખલા તરીકે, ધ્યાન આપો કે બાઇબલ લેખક દાઉદે યહોવાની માફી વિશે શું લખ્યું. (ગીતશાસ્ત્ર ૩૨:૫ વાંચો.) તેમણે કહ્યું: “તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.” “માફ” માટે મૂળ હિબ્રૂ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ “ઊંચકવું” અથવા “લઈ લેવું” થઈ શકે છે. એટલે જ્યારે યહોવાએ દાઉદને માફ કર્યા, ત્યારે જાણે તેમણે દાઉદનાં પાપ ઊંચકી લીધાં અને એને દૂર ફેંકી દીધાં. યહોવાએ માફ કર્યા છે એ જાણીને દાઉદને ખૂબ રાહત મળી હશે, કેમ કે તેમના માથેથી ભારે બોજો હટી ગયો. (ગીત. ૩૨:૨-૪) આપણે પણ એવી જ રાહતનો અનુભવ કરી શકીએ છીએ. પોતાનાં પાપ માટે દિલથી પસ્તાવો કર્યા પછી દોષનો ભારે બોજો લઈને ફરવાની જરૂર નથી. કેમ કે યહોવાએ પોતે એને ઊંચકીને દૂર ફેંકી દીધો છે.

૧૦-૧૧. યહોવા “માફ કરવા તૈયાર” છે, એ શબ્દોથી તેમના વિશે શું શીખવા મળે છે? (ગીતશાસ્ત્ર ૮૬:૫)

૧૦ ગીતશાસ્ત્ર ૮૬:૫ વાંચો. દાઉદ અહીંયા યહોવા વિશે કહી રહ્યા છે કે તે “માફ કરવા તૈયાર” છે. એ શબ્દો વિશે બાઇબલ પરના એક પુસ્તકમાં જણાવ્યું છે કે યહોવા “માફ કરનાર” છે અને એ તેમનો “સ્વભાવ” છે. આપણે કેમ એવું કહી શકીએ? કલમના બીજા ભાગમાં જણાવ્યું છે: “તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ વરસાવો છો.” આપણે ગયા લેખમાં જોઈ ગયા તેમ યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમને પ્રેમ કરે છે, તેઓને તે અતૂટ પ્રેમ બતાવશે અને કદી તેઓનો સાથ નહિ છોડે. અતૂટ પ્રેમને લીધે જ તે પસ્તાવો કરનાર દરેકને “પૂરેપૂરી માફી આપશે.” (યશા. ૫૫:૭, ફૂટનોટ) જો તમને યહોવાની માફી સ્વીકારવી અઘરું લાગતું હોય, તો પોતાને પૂછો: ‘શું હું માનું છું કે યહોવા માફ કરનાર છે, એટલે કે જેઓ પસ્તાવો કરે છે અને દયાની ભીખ માંગે છે એ બધાને તે માફ કરવા તૈયાર છે? તો પછી શું મારે એ વાત સ્વીકારવી ન જોઈએ કે મેં દયાની ભીખ માંગી ત્યારે, યહોવાએ મને પણ માફ કરી દીધો હશે?’

૧૧ આપણને આ વાતથી પણ દિલાસો મળી શકે છે: યહોવા પૂરી રીતે સમજે છે કે આપણે પાપી અને ભૂલભરેલા છીએ. (ગીત. ૧૩૯:૧, ૨) ચાલો ગીતશાસ્ત્રના બીજા એક અધ્યાયમાં લખેલા દાઉદના શબ્દો પર ધ્યાન આપીએ. એનાથી એ વાત સ્વીકારવા મદદ મળશે કે યહોવા આપણને માફ કરવા માંગે છે.

યહોવા જે યાદ રાખે છે એને આપણે કદી ન ભૂલીએ

૧૨-૧૩. ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪ પ્રમાણે યહોવા શું યાદ રાખે છે અને તે આપણી સાથે કઈ રીતે વર્તે છે?

૧૨ ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪ વાંચો. યહોવા પસ્તાવો કરનારને કેમ માફ કરવા તૈયાર છે, એનું બીજું એક કારણ જણાવતા દાઉદે કહ્યું: “[યહોવા] યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ.” એનો અર્થ કે આપણે પાપી છીએ અને આપણાથી ભૂલો થઈ જાય છે એ વાત તે હંમેશાં મનમાં રાખે છે. ચાલો દાઉદે જે કહ્યું એમાં ઊંડા ઊતરીએ.

૧૩ દાઉદે યહોવા વિશે જણાવ્યું કે “તે આપણી રચના સારી રીતે જાણે છે.” યહોવાએ આદમને “ધરતીની માટીમાંથી” બનાવ્યો. (ઉત. ૨:૭) એનો શું અર્થ થાય? યહોવા જાણે છે કે માટીમાંથી બનાવેલા, પણ પાપ વગરના માણસો પણ અમુક બાબતો વગર રહી શકતા નથી. જેમ કે, ખાવું-પીવું, ઊંઘવું અને શ્વાસ લેવો. પણ જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, ત્યારે “ધૂળ” હોવામાં બીજી એક બાબતનો પણ સમાવેશ થયો. વારસામાં મળેલા પાપને લીધે આપણે કમજોર છીએ અને સહેલાઈથી ભૂલો કરી બેસીએ છીએ. યહોવાને ખબર છે કે આપણે પાપી છીએ, પણ દાઉદે જણાવ્યું કે તે એ હકીકત ‘યાદ પણ રાખે છે.’ મૂળ હિબ્રૂ ભાષામાં “યાદ રાખે છે” માટે જે શબ્દ વપરાયો છે, એમાં પગલાં ભરવાનો પણ સમાવેશ થાય છે. એટલે કે, યાદ રાખવાની સાથે સાથે યહોવા કરુણા પણ બતાવે છે. ટૂંકમાં કહીએ તો દાઉદના શબ્દોનો આવો અર્થ થાય છે: યહોવા સમજે છે કે અમુક વાર આપણે તેમનાં ધોરણો નહિ પાળી શકીએ. એવું થાય ત્યારે આપણો સાચો પસ્તાવો જોઈને તે આપણને દયા બતાવે છે અને માફ કરે છે.—ગીત. ૭૮:૩૮, ૩૯.

૧૪. (ક) યહોવા જે રીતે માફ કરે છે, એ વિશે દાઉદના શબ્દોમાંથી શું શીખવા મળે છે? (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨) (ખ) યહોવાએ દાઉદને જે રીતે માફ કર્યા, એનાથી આપણને શું શીખવા મળે છે? (“યહોવા માફ કરે છે અને આપણાં પાપ ભૂલી જાય છે” બૉક્સ જુઓ.)

૧૪ યહોવાની માફી વિશે આપણને ગીતશાસ્ત્ર ૧૦૩માંથી બીજું શું શીખવા મળે છે? (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨ વાંચો.) દાઉદ કહે છે કે યહોવા આપણાં પાપ માફ કરે છે ત્યારે તે એને “પૂર્વથી પશ્ચિમ” જેટલાં દૂર કરી દે છે. પૂર્વથી પશ્ચિમ કેટલું દૂર છે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. શું એ બે છેડા ક્યારેય મળી શકે? ક્યારેય નહિ. તો એનાથી શું શીખવા મળે છે? એ કલમ વિશે એક પુસ્તકમાં લખ્યું છે: “જો પાપને આટલાં દૂર કરી દેવામાં આવતાં હોય, તો આપણે ખાતરી રાખી શકીએ કે એની યાદો, એની સુગંધ કે બીજું કંઈ પણ બાકી રહેશે નહિ, બધું ભુલાઈ જશે.” જરા આનો વિચાર કરો: સુગંધથી આપણાં મનમાં અમુક યાદો તાજી થઈ જાય છે. જેમ કે, કોઈ વાનગી અથવા વસ્તુની સુગંધથી આપણને અગાઉ બનેલા બનાવો તરત યાદ આવી જાય છે. પણ જ્યારે યહોવા માફ કરે છે, ત્યારે એવો એક અંશ પણ બાકી રહેતો નથી, જે યહોવાને આપણાં પાપ પાછાં યાદ કરાવે અને તે આપણને એ માટે સજા કરે.—હઝકિ. ૧૮:૨૧, ૨૨; પ્રે.કા. ૩:૧૯.

ચિત્રો: ૧. રાજા દાઉદ ધાબા પર છે અને બાથ-શેબાને નહાતા જુએ છે. ૨. તે પ્રાર્થનામાં કાલાવાલા કરે છે. ૩. તે લખતાં લખતાં વિચારે છે.

યહોવા માફ કરે છે અને આપણાં પાપ ભૂલી જાય છે

જ્યારે યહોવા માફ કરે છે, ત્યારે તે આપણાં પાપ ભૂલી જાય છે. એનો અર્થ કે તે ફરી કદી એને યાદ નહિ કરે અને એ માટે આપણને સજા નહિ કરે. (યશા. ૪૩:૨૫) રાજા દાઉદનો વિચાર કરો. તેમનો દાખલો બતાવે છે કે ભલે આપણાથી મોટી મોટી ભૂલો થઈ હોય, પણ યહોવા સાથેનો સંબંધ ફરીથી પાકો કરી શકીએ છીએ.

દાઉદે વ્યભિચાર અને ખૂન જેવાં મોટાં મોટાં પાપ કર્યાં હતાં. પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો, એટલે યહોવાએ તેમને માફ કર્યા. દાઉદે શિસ્ત સ્વીકારી, પોતાનામાં સુધારો કર્યો અને પછી આખી જિંદગી વફાદારીથી યહોવાની ભક્તિ કરી.—૨ શમુ. ૧૧:૧-૨૭; ૧૨:૧૩.

સમય જતાં યહોવાએ સુલેમાનને કહ્યું: ‘તું તારા પિતા દાઉદની જેમ પૂરા દિલથી અને સચ્ચાઈથી મારી આગળ ચાલ.’ (૧ રાજા. ૯:૪, ૫) યહોવાએ દાઉદનાં પાપનો ઉલ્લેખ પણ ન કર્યો. એના બદલે, યહોવાએ પોતાના ભક્ત દાઉદ વિશે કહ્યું કે તે વફાદાર હતા અને સચ્ચાઈથી ચાલ્યા. યહોવાએ દાઉદની વફાદારી માટે તેમના પર “ઘણા આશીર્વાદો વરસાવ્યા.”—ગીત. ૧૩:૬.

આપણને શું શીખવા મળે છે? યહોવા માફ કરે છે ત્યારે તે અગાઉ કરેલી ભૂલો પર ધ્યાન નથી આપતા. એના બદલે, તે જુએ છે કે આપણામાં શું સારું છે, જેથી એ માટે આપણને આશીર્વાદ આપી શકે. (હિબ્રૂ. ૧૧:૬) એટલે જે ભૂલોને યહોવા ભૂલી ગયા છે, એને આપણે યાદ કરતા ન રહીએ.

૧૫. જો અગાઉની ભૂલો માટે હજી પણ પોતાને દોષ આપતા હોઈએ, તો શું કરી શકીએ?

૧૫ યહોવાએ માફ કર્યા છે એ વાત સ્વીકારવા આપણને ગીતશાસ્ત્ર ૧૦૩માંથી કઈ રીતે મદદ મળે છે? જો આપણે અગાઉની ભૂલો માટે હજી પણ પોતાને દોષ આપતા હોઈએ, તો વિચારી શકીએ: ‘યહોવા યાદ રાખે છે કે હું પાપી છું અને પસ્તાવો કરનારને તે માફ કરે છે. પણ એ હકીકત શું હું ભૂલી જાઉં છું? યહોવાએ મારાં પાપ ભૂલી જવાનું નક્કી કર્યું છે, તેમણે એ માફ કર્યાં છે અને એના માટે ફરી કદી સજા નહિ કરે. પણ એ પાપ શું હું યાદ કર્યા કરું છું?’ યહોવા આપણી ભૂલોને પકડી રાખતા નથી. આપણે પણ એ ભૂલો પકડી રાખવી ન જોઈએ. (ગીત. ૧૩૦:૩) યહોવાની માફી સ્વીકારીએ છીએ ત્યારે પોતાને માફ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ.

૧૬. અગાઉની ભૂલોને પકડી રાખવાથી શું થઈ શકે? દાખલો આપીને સમજાવો. (ચિત્ર પણ જુઓ.)

૧૬ આ દાખલાનો વિચાર કરો. ગાડી ચલાવતી વખતે એક વ્યક્તિ પાછળનાં વાહનો જોવા અરીસાનો ઉપયોગ કરે છે. પણ જો તે હંમેશાં એ અરીસામાં જોયા કરશે, તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. અકસ્માત ન થાય એ માટે તેણે આગળ જોતા રહેવાનું છે. એવી જ રીતે, અગાઉની ભૂલો વિશે વિચારવું અમુક વાર સારું છે. એનાથી આપણને ઘણું શીખવા મળે છે અને એ ભૂલો ફરી ન કરવા મદદ મળે છે. પણ જો યહોવાએ માફ કરેલી ભૂલોને યાદ કરતા રહીશું, તો કદાચ ખુશી ગુમાવી બેસીશું અને સારી રીતે યહોવાની ભક્તિ નહિ કરી શકીએ. તો ચાલો, હંમેશાં યહોવાની ભક્તિ કરવા પર અને આપણી આગળ જે માર્ગ છે એના પર ધ્યાન આપીએ. એ માર્ગ આપણને નવી દુનિયામાં લઈ જશે, જ્યાં અગાઉના કડવા બનાવોની “યાદ પણ નહિ આવે.”—યશા. ૬૫:૧૭; નીતિ. ૪:૨૫.

રસ્તો વાંકોચૂંકો છે. એક માણસ એ રસ્તા પર ગાડી ચલાવતી વખતે અરીસામાં પાછળ જોઈ રહ્યો છે.

ગાડી ચલાવતી વખતે પાછળ આવતાં વાહનો પર વધારે ધ્યાન આપવાને બદલે આગળ રસ્તા પર વધારે ધ્યાન આપવું જોઈએ. એવી જ રીતે, અગાઉ કરેલી ભૂલોને બદલે ભાવિના આશીર્વાદો પર વધારે ધ્યાન આપવું જોઈએ (ફકરો ૧૬ જુઓ)


પોતાના દિલને ખાતરી કરાવતા રહીએ

૧૭. આપણે કેમ પોતાના દિલને ખાતરી કરાવતા રહેવું જોઈએ કે યહોવા આપણને પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે?

૧૭ આપણે પોતાના દિલને ખાતરી કરાવતા રહેવું જોઈએ કે યહોવા આપણને પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે. (૧ યોહા. ૩:૧૯, ફૂટનોટ) શા માટે? શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે આપણે યહોવાના પ્રેમ કે માફીને લાયક નથી. એ માટે તે એડી-ચોટીનું જોર લગાવે છે. તે તો બસ એ જ ચાહે છે કે આપણે યહોવાની ભક્તિ છોડી દઈએ. આ દુનિયાનો અંત નજીક આવે છે તેમ તે આપણને પાડી નાખવા હજી વધારે ધમપછાડા કરશે. કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય બચ્યો છે. (પ્રકટી. ૧૨:૧૨) પણ આપણે તેને કદીયે જીતવા નહિ દઈએ!

૧૮. યહોવા પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે, એ વાતની પોતાના દિલને ખાતરી કરાવવા તમે શું કરી શકો?

૧૮ યહોવા તમને પ્રેમ કરે છે, એ વાત પર ભરોસો વધારવા ગયા લેખમાં આપેલાં સૂચનો પાળજો. યહોવાએ તમને માફ કર્યા છે, એ વાતની પોતાના દિલને ખાતરી કરાવવા આ લેખમાં આપેલાં સૂચનો પાળજો. જેમ કે, યાદ રાખજો કે યહોવાએ પોતાના વિશે શું જણાવ્યું છે. મનન કરજો કે યહોવા કઈ રીતે માફ કરે છે એ વિશે તેમણે બાઇબલ લેખકો પાસે શું લખાવ્યું છે. આ હકીકત કદી ન ભૂલતા: યહોવા જાણે છે કે તમે પાપી અને ભૂલભરેલા છો અને તે તમને દયા બતાવશે. એટલું જ નહિ, યાદ રાખજો કે યહોવા માફ કરે છે ત્યારે પૂરી રીતે માફ કરે છે. પછી તમે પણ દાઉદની જેમ ભરોસો રાખી શકશો કે યહોવાએ તમને દયા બતાવી છે અને કહી શકશો: “યહોવા, તમારો આભાર. ‘તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં’ છે!”—ગીત. ૩૨:૫.

તમે શું કહેશો?

  • યહોવાએ માફ કર્યા છે એ હકીકત સ્વીકારવી કેમ જરૂરી છે?

  • યહોવાએ માફ કર્યા છે એ હકીકત સ્વીકારવા શાનાથી મદદ મળશે?

  • આપણે કેમ પોતાના દિલને ખાતરી કરાવતા રહેવું જોઈએ કે યહોવાએ માફ કર્યા છે?

ગીત ૧ યહોવાના ગુણો

a જૂન ૧, ૨૦૦૯, ચોકીબુરજમાં આ લેખ જુઓ: “ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—ઈશ્વરનો સ્વભાવ કેવો છે?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો